‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા’વાળો યુગ ક્યાં’ય પાછળ વીતી ગયો છે, પુરુષની પ્રણય-ચેષ્ટાઓ કાબુમાં રાખતી સ્ત્રીઓનું સ્થાન ધીરે ધીરે પુરુષની ઉત્તેજનાઓ ભડકાવતી સ્ત્રીઓએ લેવા માંડ્યું છે!

લગભગ પાંચેક વર્ષ પહેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું હતું કે આપણી પ્રજાની માનસિકતા વિષે એક વાક્ય કહેવાનું હોય તો તમે શું કહો?! મુલાકાત લેનાર ટીવી એન્કરને કદાચ એમ હતું કે તેમનો પ્રશ્ન મને વિચારતો કરી મુકશે પરંતુ મેં એક ક્ષણ પણ રોકાયા વગર જવાબ આપ્યો ‘આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા છીએ’. મારો ત્વરિત જવાબ સાંભળીને એક વાક્યમાં આખી વાત પતાવવા માંગતા એન્કરને થયું કે નક્કી આ મુદ્દે મારા મનમાં ગજબની સ્પષ્ટતા હશે એટલે વાત આગળ ચલાવ્યા વગર એમનાથી રહી ના શકાયું. પછી મેં મારી વાત સમજાવવા એક સાંપ્રત ઉદાહરણ આપ્યું કે બળાત્કારના વિરોધમાં આપણે કરોડો મેસેજો ફોરવર્ડ કરીએ છીએ, મોટી સંખ્યામાં મીણબત્તીઓ લઈને ઉભા થઇ જઈએ છીએ પરંતુ વાસ્તવમાં આપણી બાજુમાં જ કોઈ સ્ત્રી જોડે અભદ્ર વ્યવહાર થતો હોય ત્યારે આપણે ‘મારે શું? કે કો’કની બબાલમાં આપણે કેમ પડવું?!’ એમ વિચારીને ચાલતી પકડીએ છીએ. અકસ્માતના ફોટા-વિડીયો તરત શેર કરીએ છીએ પણ ઈજા પામેલાને મદદ કરતા કતરાઈએ છીએ. ગમે ત્યાં થૂંકવું, રસ્તા ઉપર વાહનો પાર્ક કરી દેવા, રોંગ સાઈડમાં બિન્ધાસ્ત વાહનો ચલાવવા, નદીમાં ગમે તે પધરાવી દેવું, દે ઠોકમઠોક રસ્તા ઉપર ફટાકડા ફોડવા, ટ્રાફિકની વચ્ચે વરઘોડા કાઢીને નાચવું – આવા ઉદાહરણોથી જ આ કોલમની જગ્યા ભરી શકાય એમ છે. આ બધા જ આપણી સામાજિક સંવેદનશૂન્યતા(સોશિયલ નમ્બનેસ)ના ઉદાહરણો છે. બીજા અર્થમાં કહીએ તો ‘ફેલો સીટીઝન’ વિષે આપણે કંઇ સમજતા જ નથી કે તેને ગણનામાં લેતા નથી. આપણે લીધે કોઈને તકલીફ પડે એવું વિચારવું આપણી સમજમાં જ નથી! સિંગાપુરમાં ગમે ત્યાં ના થુંકાય તેવી વાતો કરતા પાનની પિચકારી મારતા આપણે લોકો છીએ. ફોટા પડાવવા કચરો નાખીને એ જ કચરો ઉપાડવાની નફ્ફટાઈ કરવામાં આપણે દેશભક્તિ કર્યાનો સંતોષ માનનારી પ્રજા છીએ. આવા ગતકડાઓ રોજે રોજના છે પરંતુ વરવી હકીકત એટલી જ છે કે લાગણીઓના પ્રદર્શનમાં એક્કા છતાં’ય એ જ લાગણીઓનો અનુભવ કરવામાં બુઠ્ઠા એવા આપણે લોકો છીએ!

હવે આવી પ્રજાનું તાજું ગતકડું, મોરલ પોલીસીંગ વિરુદ્ધ કિસ ઓફ લવ !! એકબાજુ યુગલોને ચાલચલગત શીખવવા નીકળી પડેલા નીતિમત્તાના રખેવાળો અને બીજી બાજુ પોતાની સ્વતંત્રતા (કે સ્વછંદતા?!)નો હક્ક માંગતા યુગલો. (કદાચ આ વાંચતા હશો ત્યારે તો આ ઉભરો બેસી પણ ગયો હોય અને કંઈ બીજું ચાલુ થઇ ગયું હોય તો નવાઈ નહીં.) જાહેરમાં પ્રેમીઓ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ(?) દર્શાવે તેમાં રોકટોક શેની?! જાહેરમાં પેશાબ કરી શકો તો ચુંબન કેમ નહીં?! વાત પાછી એ જ આવે છે – સામાજિક સંવેદનશૂન્યતા (સોશિયલ નમ્બનેસ). મોરલ પોલીસીંગવાળાઓને ખરેખર સમાજ-સુધાર સાથે લેવા દેવા છે?! કદાચ ના, એમના આ ઉભરા પાછળ સુધાર ઓછો અને અંગત કારણો કે લાભ વધુ હોઈ શકે છે. ક્યાંક ખાલી પૈસા પડાવવાનો ખેલ છે અને ક્યાંક સમાજના રક્ષક બનીને પોતાના અંગત લાભોની રોટલી શેકવાનું ગણિત છે. ખરેખર જો ચાલચલગત સુધારવાની વાત હોય તો માત્ર યુગલોની જાહેર પ્રણય-ચેષ્ટાઓ જ કેમ, જાહેરમાં પેશાબ કરનારા, થુંકનારા, આડેધડ પાર્કિંગ કરનારા, રોંગ સાઈડ ચલાવનારા, પબ્લિક-પ્રોપર્ટીને નુકસાન કરનારા વગેરે બધા સામે મોરચા ખોલો ને ! ખેલ ‘અમે નથી કરી શકતા કે ના કરી શક્યા અને તમે કેમ કરો છો?!’ નો પણ હોઈ શકે છે.

spread a thought

બીજી બાજુ, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે જાહેરમાં પ્રેમ દર્શાવવા(પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન)ના હક્કની તરફેણમાં ઉભા થયેલા યુગલોને તો જાણે સમાજ સાથે કોઈ લેવા દેવા જ નથી, ‘અમે એકબીજા સાથે જે કરીએ તે, એમાં કોઈને શું લાગે વળગે?! ના ગમે તો નહીં જોવાનું, ચાલતી પકડવાની પણ અમને ખલેલ નહીં પહોંચાડવાની!!’ અલ્યા, દિલ પર હાથ રાખીને કહો કે તમારી આ ચેષ્ટાઓ પ્રેમની નિર્દોષ અભિવ્યક્તિઓ છે કે પછી ઉત્તેજનાઓનો ઉભરો?! એકબીજાનો હાથ પકડવો, ટૂંકું આલિંગન આપવું, હળવું ચુંબન કરવું વગેરે પ્રેમની નિર્દોષ કે સાફ-સુથરી અભિવ્યક્તિ હોઈ શકે તેની ના નહીં. પરંતુ આલિંગનના નામે ચોંટ્યા રહેવું અને જાતીય હરકતો ઉપર ઉતરી આવવું, તે પણ એકલ-દોકલ વાતાવરણમાં નહીં ઠીક ઠીક વસ્તીની હાજરીમાં, તો તેને નિર્દોષ કેવીરીતે ગણવી?! વર્ષો પહેલા કાંકરિયા નગીનાવાડીને પોતાનો બેડરૂમ સમજીને સુતેલા યુગલો અને એમની પાસેથી રોકડી લઈને બેઠેલા જમાદારની અમને ભગાડવાની કડકાઈ આજે’ય યાદ છે. તે ઉંમરે પણ નિર્દોષ નહતું લાગ્યું અને આજે પણ નથી લાગતું. સાદી સમજ એટલી જ છે કે નિર્દોષતા આપમેળે જ દેખાય છે એને ઠસાવવાની જરૂર નથી પડતી.

વીતેલી પેઢીની સ્ત્રીઓની સમજમાં એક કાયમી હકીકત એ હતી કે જાહેરમાં કે ખાનગીમાં, પુરુષને મન આવી પ્રવૃત્તિઓ કાયમ આવકાર્ય રહી છે, આ સંજોગોમાં નક્કી સ્ત્રીએ કરવાનું છે. પણ, આ ‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા’વાળો યુગ ક્યાં’ય પાછળ વીતી ગયો છે. પુરુષની પ્રણય-ચેષ્ટાઓની જાહેર અભિવ્યક્તિઓ કાબુમાં રાખતી સ્ત્રીઓનું સ્થાન ધીરે ધીરે પુરુષની ઉત્તેજનાઓ ભડકાવતી સ્ત્રીઓએ લેવા માંડ્યું છે. જાહેરમાં પોતાનો પ્રેમ દર્શાવતો પુરુષ શરમનો નહીં પણ સલામતીનો અહેસાસ કરાવે છે. પોતાની પાછળ જાહેરમાં ઉત્તેજના અનુભવતો કે ભાન ભૂલતો પુરુષ સ્ત્રીને મન પોતે ઇચ્છનીય અને ઈરેઝીસ્ટેબલ છે તેવી ખાતરી કરાવનારો છે. આજે ટેકનોલોજી અને મુક્ત વાતાવરણને કારણે ડગલેને પગલે અસલામતી અનુભવતી સ્ત્રીઓ માટે આ પ્રકારનું જાહેર કમીટમેન્ટ અનિવાર્ય થઇ પડ્યું છે. સામે પક્ષે, પોતાની ઉત્તેજનાઓ ઉપર બ્રેક ના લગાવતી સ્ત્રી પુરુષને ‘કુલ’ લાગે છે. જાહેરમાં પોતાની પ્રણય-ચેષ્ટાઓ કે જાતીયતાને સ્વીકારતી અને સહકાર આપતી સ્ત્રી પુરુષના પૌરુષત્વ-અહમને પોષનારી છે. ટૂંકમાં, જાહેરમાં થતી પ્રણય-ચેષ્ટાઓ પાછળ માત્ર લાગણીઓની નિર્દોષ અભિવ્યક્તિની જ વાત કરવી પુરતી નથી. વાત માનસિકતા, સ્વચ્છંદતા કે બળવાખોરીથી શરુ કરીને દેખાદેખી અને સમવયસ્કો(પીઅર્સ)માં સ્વીકૃતિ સુધીની છે.

પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન કે જાહેરમાં લાગણીઓ વ્યક્ત કરવાની ચેષ્ટાઓમાં મૂળ સવાલ ઔચિત્ય એટલે કે એપ્રોપ્રીએટનેસનો છે. કુદરતી, સૌમ્ય અને સાચી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આપણો હક્ક જેટલો જરૂરી છે તેટલી જ એ અભિવ્યક્તિ બીભત્સ અને અન્યને શરમાવે તેવી ના હોય એ જવાબદારીપુર્વક નિભાવવાની ફરજ પણ એટલી જ જરૂરી છે.

પૂર્ણવિરામ:

સામાજિક સંવેદના કેળવવા આપણા સાથી નાગરિકો પ્રત્યે આંખો ખોલીને ઉઠવાની નહીં પણ દ્રષ્ટિ કેળવીને જાગવાની જરૂર છે.

Cover

 

6 Comments Add yours

 1. Nilesh Bhatt says:

  What a great subject, Wow…….You are right sir, ‘આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા છીએ’.

 2. Rajan Thakkar says:

  Sirji aapne Indians Dual Standard wala loko chie…Paan na galle ke koi coffee shop ma koi matter discuss karvama no.1 bt ene amal ma mukvama sauthi chelle…
  Darek babat ma dual standard…ek taraf school ma evu sikhvade k “Swachchata ma Prabhuta” pan salu Mandiro jetli gandki kase nthi hoti…

 3. ખેલ ‘અમે નથી કરી શકતા કે ના કરી શક્યા અને તમે કેમ કરો છો?!’ નો પણ હોઈ શકે છે.
  This is the fact sir. most of the people having problem because, some one is doing something which i can’t do!!!!

 4. Reblogged this on Revolution and commented:
  Very true
  Must read

 5. dr dushyant bhatt says:

  i totally disagree with you hansalbhai
  what ever person has in mind but every time you can not practice that. many times we feel ke same vala ne mari mari ne khokhro kari nakhie. but you can not. to pee publically is not an ideal thing so we cannt quote it. like peeing in public is bad so kissing in public… this kind of things may give rise to social crimes like rape. Another point ladies have become bold in talking and dressing, does that implies that she is ready for everything? our society is not that mature like western world. if they find such lady they feel she is ready for physical relations and that create social imbalance. it is fight between past and future. we want to progress but cannt leave our conservative mind. in western countries after marriage bride and groom are suppose to kiss each other in public. so kissing in public is a custom for them, not for us.

  1. Dear sir, Thank you so much for commenting on this article.
   Disagreeing with what?!! Our social numbness or unconcern about fellow citizens?!
   In whole article I;ve not said that today’s women are ready, on the contrarary I have said that natural control lies with them and they were used to control men well.
   I have neither supported PDA or public kissing, I;ve just put thought provoking ideas about the issue. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s