ફોરવર્ડ કરવાના કામે લાગતી માહિતીઓ, આપણી અક્કલની અણી કાઢવામાં કેમ નિષ્ફળ જાય છે?!

બે દિવસ પહેલા હું જેમાં સામેલ છું એવા એક વોટ્સએપ ગ્રુપ ઉપર વિડીયો પોસ્ટ થયો. વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં રહેતી એક વ્યક્તિ ત્યાં છેલ્લા મહિનાથી કોરોનાના શૂન્ય કેસ હોવા પાછળ માસ્કની ભૂમિકા વિષે બોલી રહી હતી. એમની વાતનું તાત્પર્ય એ હતું કે માસ્ક જરૂરી છે. નીચે એક મેમ્બરે, લગભગ તરત જ, કોમેન્ટ લખી – એમની ડાબી આંખ જમણી આંખ કરતા મોટી છે! એમના માથાના વાળ બચાવવા એમણે માથે દિવેલ લગાવવું જોઈએ! એ આખો વિડીયો વાંચીને બોલી રહ્યા છે, એમણે પોતાની યાદશક્તિ વધારવા બ્રાહ્મી લેવું જોઈએ! એમણે એમની ટૂથપેસ્ટ બદલવાની જરૂર છે! અને હા, એ કેમ માસ્ક પહેર્યા વગર બોલી રહયા છે?!’

સામાન્ય રીતે હું ગ્રુપમાં સહભાગી થતો નથી અને પ્રતિભાવ તો ભાગ્યે જ આપું છું, સિવાય કે મને જ કઈં પૂછવામાં આવ્યું હોય, એ પણ ગ્રુપના બધા સભ્યોને ઉપયોગી હોય તો ગ્રુપ પર નહીં તો પછી અંગત મેસેજ દ્વારા. હાલ જે રીતે હોસ્પિટલોમાં દાખલ થવા, ટેસ્ટ કરાવવા કે જરૂરી દવાઓ લેવા માટે દર્દીના સગાઓને દોડાદોડી કરતા જોઉં છું તે રીતે ઉપરની કૉમેન્ટને મારાથી પ્રતિભાવ અપાઈ ગયો ‘તમારા અવલોકનને દાદ આપવી પડે પરંતુ આ બધી બિનજરૂરી અને એમની અંગત બાબતોની સાથે સાથે એ જે કહી રહ્યા છે તે મહત્વની વાત વિષે પણ એક વાક્ય લખ્યું હોત તો બધા જ ગ્રુપ-મેમ્બર્સને એક રિમાઇન્ડર મળી જાત’

એમણે તરત જ પ્રતિભાવ આપ્યો ‘ચીલ ડૉક, માસ્કની ઉપયોગીતા તો બધા જાણે જ છે ને!’

માંડ મળતા હળવાશના સમયની વાટ લાગી જશે એ વિચારે મેં આગળ ચર્ચા કરવાનું માંડી વાળ્યું પરંતુ મનમાં મંથન શરુ થયું. આજથી વીસ વર્ષ પહેલાનો સામાન્ય માનવી જે જાણતો હતો તેના કરતા અનેકગણું આજનો કૉમન મેન જાણે છે પરંતુ એની જાણકારી વ્યવહારમાં કેમ દેખાતી કે અનુભવાતી નથી?! માહિતી જ્ઞાનમાં કેમ બદલાતી નથી?! બુદ્ધિ ડહાપણમાં કેમ નથી ફેરવાતી?!! મોટિવેશનલ વિડીયો જોઈને આંખો સૂઝી ગઈ હોય કે મોટિવેશનલ લેક્ચર્સ સાંભળીને કાન પાકી ગયા હોય પછી પણ એ વ્યક્તિઓ ખરેખર જીવનમાં મોટીવેટ કેમ નથી થતી?! સિગારેટ્સના ખોખા ઉપર કેન્સરના ડરામણા ચિત્રો જોઈને સ્મોકિંગ કેમ છૂટતું નથી?! જીવનમાં શૈક્ષણિક, નાણાકીય, ધંધાકીય, કૌટુંબિક વગેરે બધી જ રીતે વિકસવામાં પ્રવૃત રહેતા આપણે વ્યક્તિ તરીકે વિકસવામાં કેમ નિષ્ફળ જઈએ છીએ?! મનમાં આવા અનેક પ્રશ્નો ઉભા થઇ ગયા જેનો સરવાળે એક જ સૂર હતો કે વાંચન, વાતો, વ્યક્તવ્યો, વિચારો કે જાણકારી જીવનમાં ઉતારવી કે વ્યવહારમાં અપનાવવી કેમ મુશ્કેલ હોય છે? આ બધો લોડ લીધા પછી પણ આપણે કેમ બદલાતા નથી?! મોટાભાગનાનું ‘અપગ્રેડ ફેઈલ’ જ કેમ થાય છે?!!

‘કોવીડ ખુબ વધી ગયો છે, પરિસ્થિતિ ગંભીર છે’ એવી વાતો કરનાર જયારે પોતાના મોઢે માસ્ક ના રાખે ત્યારે સમજવું કે એની પાસે માહિતી છે પરંતુ એ માહિતી અક્કલમાં નથી પરિણમી!! એની જાણકારી સમજણમાં નથી બદલાઈ અને એટલે જાણવા છતાં એના વર્તનમાં બદલાવ નથી આવવાનો! આવી માહિતી એના શું કામની, હા એની વાત જેની અક્કલમાં ઉતરી જાય એ કદાચ પરિવર્તિત થઇ જાય પણ એ તો ત્યાંનો ત્યાં રહી જવાનો! સાવ સીધી વાત કહું તો પદાર્થ જ્ઞાન આવવાથી આત્મ જ્ઞાન નથી થઇ જતું, એ માટે બદલાવું પડે છે, રૂપાંતરિત થવું પડે છે અને એ ત્યારે જ શક્ય બને જયારે તમે એ દિશામાં ચિંતન કરી શકો. ગુસ્સો હાનિકર્તા છે કે લોભ ખરાબ છે એવું જાણવાથી જીવન થોડું બદલાય છે, જીવન બદલવા એ દિશામાં ચિંતન જરૂરી છે. 

બદલાવ, પરિવર્તન, રૂપાંતરણ, કાયાપલટ કે ટ્રાન્સફોર્મેશન તો એક જબરદસ્ત પ્રક્રિયા છે, માનવ સિવાયના જીવોને મહદંશે એ ટકી રહેવામાં મદદ કરે છે પણ માણસને તો એ એક વ્યક્તિ તરીકે વિકસવામાં મદદ કરે છે. પરિવર્તન સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. ક્યારેક એ ક્ષણમાં ઘટે છે, તો ક્યારેક એમાં વર્ષો લાગી જાય છે અને ઘણીવાર તો વ્યક્તિ તરીકે વિકસ્યા વગર જ જીવન પૂરું થઇ જાય છે! જે જ્ઞાન તમને બદલ્યા વગર જ ચાલ્યું જાય એ જ્ઞાન નથી, માહિતી છે. જાણતા જ રૂપાંતરિત થઇ જવાય તો જ એ જ્ઞાન બાકી માહિતી માત્ર! પાંચ વર્ષે ગીતા કડકડાટ બોલી જનાર બાળક આત્મજ્ઞાની નથી થઇ જતો કે નથી એનું જીવન બદલાઈ જતું. ગીતા એની સ્મૃતિમાં છે આચરણમાં નથી. માહિતી સ્મૃતિમાં સચવાય છે પરંતુ રૂપાંતરણ જીવનમાં વર્તાય છે.

મૂળ પ્રશ્ન પર પાછા આવીએ, માહિતીથી ફાટફાટ થઇ રહેલા આપણા મોબાઈલમાં વાતો, વ્યક્તવ્યો, વિચારો, અવતરણો વગેરેની જ્ઞાનગંગા ધસમસતી રહે છે અને બીજાના મોબાઈલમાં પણ આ પ્રવાહ ધસમસતો રાખવાની સામાજિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ તેમ છતાં એમાનું મોટાભાગનું આપણા જીવનને સ્પર્શતું કે પરિવર્તિત કરતુ નથી, કેમ?!! વિચારેલું, ચિંતન-મનન કરેલું, અનુભવેલું કે શોધ ચલાવીને મેળવેલું જીવન પરિવર્તિત કરે છે, ઉપરથી ટપકેલું નહીં. ધનાધન માહિતીઓ આવતી હોય, તમારું ધ્યાન પોતાના ફાયદામાં ભટકાવવા લોકો ટાંપીને બેઠા હોય અને તમારી પાસે જાતની સંગત કરવાનો સમય ના હોય એ સંજોગોમાં માહિતી જ્ઞાનમાં ના બદલાય, બુદ્ધિ ડહાપણમાં ના ફેરવાય કે અક્કલને અણી ના નીકળે. આ માટે તમે શું જુઓ છો, વાંચો છો, સાંભળો છો વગેરે  બધું જ અગત્યનું છે. તમારા મગજનો ખોરાક છે. માત્ર ખોરાક લેવાથી પોષણ ના મળે, એને પચાવવું પણ પડે ને?! બસ એ જ રીતે, મગજે જે ખાધું છે એ ચાવવું પડે, ચગળવુ પડે અને જરૂર પડ્યે વાગોળવું પડે. આ માટેનો સમય અને માનસિક તૈયારી બહુજ ઓછા પાસે છે, બાકી માહિતી મેળવીને સંતુષ્ટ મોટા ભાગના MBA (મને બધું આવડે) તો છે જ! સરવાળે માહિતીના અફાટ સરોવરમાં આપણે તો ‘જલ કમલવત્’!!

પૂર્ણવિરામ: 

કુરુક્ષેત્રમાં અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર ત્રણેએ ગીતા સાંભળી પરંતુ ગીતાનું જ્ઞાન એકસરખું ના પામ્યા કારણ કે એક સાધક હતો, બીજો વાહક હતો અને ત્રીજો આતુર! ત્રણેના ભાવ અલગ, વિચારોનું પાચન અલગ!!

One Comment Add yours

Leave a comment