તમે જ તમારા વિશ્વના રચયિતા છો, તમારી આજુબાજુની વાસ્તવિકતા તમારા પોતાના વિચારોએ જ આકર્ષિત કરેલી છે.

હમણાં દિવાળીની રજાઓમાં સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ વિષે એક આશ્ચર્યજનક ઘટના વાંચવામાં આવી. સ્વામી રામકૃષ્ણએ એમના જીવન દરમ્યાન ઘણા ધર્મોની સાધના કરી. દુનિયાના વિવિધ ધર્મો સરવાળે તો એક જ જગ્યાએ પહોંચાડે છે તો હું આ જુદા જુદા માર્ગોની સાધના કરીને અનુભવ તો મેળવું કે આ કેટલા અંશે સત્ય છે. તેમણે ઇસ્લામ, ખ્રિસ્તી, વૈષ્ણવ, સૂફી, તાંત્રિક વગેરેનું પુરી નિષ્ઠા અને ભાવથી અનુસરણ કર્યું. તેમની આ અનુભવ યાત્રામાં બંગાળના સખી સંપ્રદાયનો માર્ગ પણ હતો. સખી સંપ્રદાય માત્ર ઈશ્વરને જ પુરુષ માને છે, બાકી બધાને સ્ત્રી! આ સંપ્રદાયમાં સાધક(સ્ત્રી કે પુરુષ) પોતાને શ્રીકૃષ્ણની પ્રેમિકા કે સખી માનીને ભક્તિ કરે છે. સ્વામી રામકૃષ્ણએ છ-આઠ મહિના સખી બનીને સાધના કરી. આ સાધના દરમ્યાન બન્યું એવું કે તેમનો અવાજ સ્ત્રૈણ થતો ગયો, ચાલ પણ સ્ત્રીઓ જેવી થવા માંડી! અહીં સુધી તો ચાલો બધું સમજમાં આવે એવું છે પરંતુ આશ્ચર્યજનક ઘટના એ બની કે રામકૃષ્ણના શરીરમાં સ્તનનો વિકાસ થવા માંડ્યો અને તેથી વધુ માની ના શકાય એવી વાત તો એ બની કે તેમને માસિક ધર્મ શરુ થઇ ગયો!! સખી સંપ્રદાયની સાધના છોડી અને પુરુષ ભાવમાં પાછા ફર્યા બાદ પણ એમના આ શારીરિક ફેરફારો શમતાં દોઢ વર્ષ જેવો સમય લાગ્યો!

આ બાબત મેં વાંચી ત્યારે મને ખ્રિસ્તી ધર્મમાં નોંધાયેલી આ પ્રકારની એક વાત યાદ આવી – ‘સ્ટીગ્માટા’. ખ્રિસ્તી ધર્મમાં ઘણા ભક્તો, ખાસ કરીને સંતો, ઈશુની ભક્તિમાં એટલા ભાવુક થઇ જતા કે વધસ્તંભની ઘટના દરમ્યાન ઈશુના શરીર પર પડેલા ઘા, ઉઝરડા, દર્દ વગેરે આ સાધકોના શરીર પર દેખાવા માંડે અને ઘણીવાર તો હાથ-પગના પંજામાંથી લોહી પણ નીકળે !! ઇતિહાસમાં આવી અનેક ઘટનાઓ નોંધાયેલી છે.

સ્વાભાવિક છે આ બંને બાબતોને માનનારા અને વિરોધ કરનારા લોકો આપણને મળી આવવાના. ઘણાને આ ઘટનાઓ સાચી લાગશે, ચમત્કાર લાગશે અને ઘણાને સાવ હમ્બગ. મારે એમાં નથી પડવું પણ આ ઘટનાઓ જે બાબત તરફ ઈશારો કરે છે તેની વાત કરવી છે. અદ્વૈત વેદાંતમાં એક નાનકડી વાત જુદી જુદી રીતે કહેવાયેલી છે અને તે વાત છે – ‘यद भावं तद भवति’ અથવા ‘यत् भावो तत् भवति’ અર્થાત તમે જે વિચારો છો એવા તમે બની જાવ છો, તમારા વિચારો, માન્યતાઓ કે ભાવ તમારા જીવનને ઘડે છે. એનો મતલબ એ થયો કે તમારા મનના વિચારો અને ભાવનાઓ તમારા જીવનને આકાર આપી શકે છે. જીવનમાં પ્રાપ્ત થતી તમામ બાબતો તમારા વિચારોથી આકર્ષી શકાય છે, મનમાં સાચો અને સશક્ત ભાવ હશે તો જીવનમાં બનતી ઘટનાઓ અને મળતી વસ્તુઓને તમે તમારી ઈચ્છા અનુસાર પ્રભાવિત કરી શકશો. તમે જ તમારા વિશ્વના રચયિતા છો, તમારી આજુબાજુની વાસ્તવિકતા તમારા પોતાના વિચારોએ જ આકર્ષિત કરેલી છે. આકર્ષણનો સિદ્ધાંત કે લૉ ઓફ એટ્રેક્શનના મૂળમાં આ વૈદિક વિઝડમ રહેલું છે. આ લૉ ઓફ એટ્રેક્શન એટલે એવી ફિલસુફી કે તમારા વિચારો અનુસારની બાબતો તમારા તરફ આકર્ષિત થવા માંડે છે. હકારાત્મક વિચારો તમારા જીવનમાં હકારાત્મક બાબતો તાણી લાવે છે, જયારે નકારાત્મક વિચારો જીવનમાં દુઃખ, દર્દ કે નકારાત્મકતા ખેંચી લાવે છે. રહૉન્ડા બર્ન નામની ઓસ્ટ્રેલિયન ટેલિવીઝન રાઇટરે આ વૈદિક વિઝડમને લઈને ‘સિક્રેટ’ નામનું પુસ્તક લખ્યું અને પુસ્તકની સફળતાએ એનું જીવન બદલી કાઢ્યું. ત્યાર પછી તો પુસ્તકોની આખી સિરીઝ એમણે લખી કાઢી! આ પુસ્તકો વાંચીને ઘણા લોકોએ દે ઠોકમ ઠોક સંકલ્પો કે ચીજોને આકર્ષવાના મનસૂબા ઘડી કાઢ્યા, અર્થના અનર્થ થયા પણ પુસ્તકો કમાણી કરી ગયા. મોટાભાગની વ્યક્તિઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે માત્ર ઈચ્છા કરવાથી વસ્તુઓ જીવનમાં નથી ખેંચાઈ આવતી, એ તમારા વિચારો અને ભાવનાઓમાં વણાઈ ગયેલી હોવી જોઈએ, તમારું મન સતત અને કોઈપણ શંકા વગર એને રટતું રહેવું જોઈએ. શુદ્ધ ભાવે મનમાં ઘૂંટાતા રહેતા વિચારો મોડા-વહેલા બ્રહ્માંડમાં ફરતા થાય છે અને વસ્તુઓ તમારા જીવનમાં ખેંચાઈ આવે છે.

સાવ સરળ વાત છે, વિચારોની એક ઉર્જા હોય છે અને ઉર્જાનો સાદો નિયમ એ કે તે પોતાના જેવી જ બીજી ઉર્જાને આકર્ષિત કરે. નકારાત્મક ઉર્જા ધરાવતી વ્યક્તિઓના જીવનમાં અક્કર-ચક્કરમાંથી નકારાત્મક ઘટનાઓ, વ્યક્તિઓ કે અનુભવો આકર્ષિત થઇ આવતા હોય છે. એથી ઉલટું, પોઝિટિવ ઑરા હકારાત્મક બાબતો તાણી લાવે. વિચારો તમારી બહારનું જ વિશ્વ નહીં અંદરનું વિશ્વ પણ પ્રભાવિત કરે છે. વિચારો તમારી બાયોલોજીને મેનેજ કરે છે. તમારા અંત:સ્રાવો, જીવરસાયણો, ન્યુરોટ્રાન્સ્મીટર્સ, બ્લડ પેરામીટર્સ વગેરે બધું તમારા વિચારોના પ્રભાવમાં છે. નકારાત્મક ઉર્જાથી લદાયેલો એક નબળો વિચાર પણ શરીરની ક્રિયાઓમાં ઉથલપાથલ મચાવી શકે, જયારે હકારાત્મક ઉર્જાથી સંચિત એક સબળો વિચાર શરીરમાં એવા ચમત્કારો સર્જી શકે કે વિજ્ઞાન મોમાં આંગળા નાખી જાય !

‘यद भावं तद भवति’ – મનમાં ઘૂંટીને રાખવા જેવું નાનકડું આ સત્ય છે, સાચા અર્થમાં જો આ સત્ય સમજાઈ જાય તો આ જ ક્ષણથી જીવન પરિવર્તિત થવાનું શરુ થઇ જાય તે નક્કી! આ સત્ય સમજવું અઘરું નથી પણ તેને જીવનમાં ઉતારવા સંકલ્પ બળ જોઈએ, સંકલ્પ કઠિન છે. સંકલ્પથી રાતોરાત વિચારો કે ભાવ બદલી ના શકાય, તેને નાના નાના સંકલ્પોમાં વહેંચીને સતત એ દિશામાં પ્રયત્નશીલ રહેવું પડે. મનના વિચારો પ્રત્યેની જાગૃતિ, શુદ્ધ ભાવ, કૃતજ્ઞતા, ધારણા-ધ્યાનનો અભ્યાસ વગેરે થકી તમારી જીવન ઉર્જાને આ દિશામાં વાળી શકો છો, જો આપણા વૈદિક વિઝડમમાં વિશ્વાસ હોય તો…

પૂર્ણવિરામ:

સૌથી લાભદાયી રોકાણ(ઇન્વેસ્ટમેન્ટ) કયું ?!

તમારી પોતાની જાતને અંદરથી રૂપાંતરિત(ટ્રાન્સફોર્મ) કરવામાં કરો તે…

One Comment Add yours

  1. DR.JALPA PANCHAL says:

    Great One, So True Integrity comes with Inner peace.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s