નવું વર્ષ શરુ થઇ રહ્યું છે, હાથમાં પેન અને કાગળ લઈને બેસી જાવ. વર્ષ દરમ્યાન જે વ્યક્તિઓ સાથે તમે મોટાભાગનો સમય વિતાવ્યો તેની યાદી બનાવો. જે વ્યક્તિઓએ તમને પ્રોત્સાહિત કર્યા, તમને પ્રેરણા આપી, સહકાર આપ્યો કે પોઝિટિવ વાઈબ્સ આપ્યા તેની સામે ‘થમ્સ અપ’ કરો અને જે વ્યક્તિઓએ તમારી લાગણીઓ નીચોવી કાઢી, નિરાશ કર્યા, હતોત્સાહ કર્યા કે નેગેટિવ વાઈબ્સ આપ્યા તેની સામે ‘થમ્સ ડાઉન’ કરો. હવે નવા વર્ષમાં સંકલ્પ કરો કે જે વ્યક્તિઓ માટે તમે અંગુઠો ઊંચો કર્યો છે તેમની સાથે તમે આવનાર વર્ષમાં વધુ સમય વિતાવશો, તેમની સાથેના સંબંધો મજબૂત કરશો. જેમને માટે અંગુઠો ઉલટો કર્યો છે તેમની સાથે બને તેટલો ઓછો સમય ગાળવાનો સંકલ્પ કરો અને તેમની સાથેના સંબંધમાં અંતર જાળવો. બની શકે આ તમારા માટે કદાચ નિષ્ઠુર નિર્ણય હોઈ શકે પરંતુ જીવનને સુખમય બનાવવા ક્યારેક કઠોર કે નિષ્ઠુર નિર્ણયો લેવા પડતા હોય છે.
Featured
વિચારોમાં તમે જો વિકસિત નથી થતા તો તમે જીવી નથી રહ્યા, માત્ર સમય પસાર કરી રહ્યા છો.
ક્યારેય વિચાર્યું છે કે તમારામાં અને અન્ય સજીવોના જીવનમાં મોટામાં મોટો ભેદ શું છે?! તમે કહેશો કે બીજા સજીવો વિચારી નથી શકતા. વાત સાચી, પરંતુ એનાથી પણ મોટો ભેદ એ છે કે તમે તમારા જીવનને તમારી ઈચ્છા મુજબ ઘડી શકો છો. આવી સ્વતંત્રતા બીજા કોઈ સજીવ પાસે નથી. લીમડો લાખ ઈચ્છે તો પણ આંબો નથી બની શકતો, સસલું સિંહ નથી બની શકતું. આ બધા જ સજીવોનું જીવન બાય ડિફોલ્ટ જ નક્કી છે, બીજી કોઈ સંભાવના એમના જીવનમાં નથી. મનુષ્યમાં એવું નથી, તેની પાસે સંભાવનાઓનો અખૂટ ખજાનો છે.