સુંદર અને આકર્ષક દેખાવાની ઘેલછાને કારણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ પાછળ વધુ સમય અને નાણા ખર્ચતી હોય છે!

spread a thought Tari ane mari vaat

‘કાલે સર મારી સાથે દાવ થઇ ગયો’ જીમમાં બાયસેપ્સ બનાવવા ડમ્બેલ્સ મારતા મારતા જીમ-મિત્રએ કહ્યું.

‘કેમ?!’ મેં સહજ કુતુહલતા બતાવી.

‘કહું’ એમ કહેતા એ ડમ્બેલ્સ સ્ટેન્ડ ઉપર મુકવા ગયો અને પછી પાછા આવીને નેપકીનથી પરસેવો લૂછતાં વાત માંડી ‘કાલે મારી એક ફેસબુક ફ્રેન્ડને પહેલીવાર ફાઈવસ્ટારના કોફી-બારમાં મળ્યો. પણ એને મળતાની સાથે બધું જ એક્સાઈટમેન્ટ ટર્ન-ઓફ અને પાકીટ ઉપર ચૂનો લાગ્યો એ જુદો’

એ નિસાસો નાખવા રોકાયો એટલી વારમાં મેં હસતા હસતા પૂછી કાઢ્યું ‘કેમ પ્રોફાઈલ પીક્સ કે ઈન્સ્ટાગ્રામના ફોટોથી જુદી નીકળી?!’

‘હે, તમને કેવી રીતે ખબર પડી?!’ તેણે આશ્ચર્ય થયું હોય એવી રીતે મને પૂછ્યું ખરું પણ પછી પોતે જ જવાબ આપ્યો કે ‘તમને તો ખબર જ હોય ને આવું બધું, તમારી પાસે તો આવા ઘણા કિસ્સા આવતા હોય’

‘સિમ્પલ છે’ મેં તેમ છતાં’ય મને કેવી રીતે આખી વાત સમજાઈ ગઈ તે સમજાવવા માંડ્યું ‘મોટાભાગની આવી ‘ફેસબુક ડેટસ્’ પ્રોફાઈલ પીક્સ પ્રભાવિત હોય છે અને એમાં વ્યક્તિઓ દેખાવમાં પોતાના અપલોડ કરેલા ફોટાથી ઉતરતા નીકળે તો દાવ-પાણી ડોટ કોમ. બધી જ ઉત્તેજનાઓ ટર્ન-ઓફ!’

‘દાવ-પાણી ડોટ કોમ!! જબરું લાયા સર’ બે ઘડીમાં જ જાણે એનો અફસોસ વિસરાઈ ગયો.

‘ચલ હવે વર્ક-આઉટ પતે પછી વાત’ એમ કહીને મેં બીજા મશીન તરફ ચાલતી પકડી અને એણે પાછા ડમ્બેલ્સ હાથમાં લીધા.

************

જીમમાં થયેલી આ નાનકડી રૂટીન વાતચીતમાં કંઈ ખાસ નવું’ય નથી અને અજાણ્યું’ય નથી. કદાચ આજના મોટાભાગના યુવાનોને ખબર હશે કે વ્યક્તિનો ઓનલાઈન દેખાવ ભ્રામક હોઈ શકે તેમ છતાં’ય ખુલ્લી આંખે એ ભ્રમમાં સપના જોવાઈ જાય છે અને એટલી જ ઝડપથી રૂબરૂ મુલાકાત પછી આંખો ખુલી પણ જાય છે. આખી’ય ઘટનામાં ચહેરાની સુંદરતાનો ભ્રમ ઉભી કરતી કોસ્મેટીક ઇન્ડસ્ટ્રી અને ફોટોગ્રાફિક ટેકનોલોજીનો તો મોટો ફાળો છે જ પરંતુ સાથે સાથે, પોતે છે તેના કરતા વધુ સુંદર કે આકર્ષક દેખાવાની સ્વભાવગત ઘેલછાઓ અને અન્યોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની વૃત્તિ પણ છુપાયેલી છે. બધાને સુંદર અને આકર્ષક દેખાવું છે અને તે પણ પોતે વાસ્તવમાં છે તેના કરતા વધુ. અલબત્ત, સ્ત્રીઓમાં આ વૃત્તિ પુરુષો કરતા ઘણી વધુ પ્રબળ છે, માટે જ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ પાછળ વધુ સમય અને નાણા ખર્ચતી હોય છે. યુવતીઓ તેમના પ્રોફાઈલ પિક્ચર વધારે બદલતી રહેતી હોય છે અને તેને આકર્ષક બનાવવા કોસ્મેટીક્સ, લાઈટીંગ, ફોટો એડીટીંગ વગેરેનો ભરપુર ઉપયોગ કરતી હોય છે. જયારે પુરુષોનું ધ્યાન મસલ્સને આકર્ષક બતાવવા ઉપર વધારે ચોટેલું  હોય છે, એમની ઘેલછા પોતાના ચહેરા કરતા બાયસેપ્સ કે એબ્સ બતાવવાની વધુ રહેતી હોય છે. પરંતુ, બધા માટે આ શક્ય નથી કારણ કે આ માટે તેમણે મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં કહું તો; યુવતીઓને પોતાના દેખાવને આકર્ષક બનાવવા કોસ્મેટીક્સ અને ટેકનોલોજી જેટલી કામ આવે છે તેટલી યુવકોને આવતી નથી. પરિણામે આપણા જીમ-મિત્ર સાથે દેખાવના મુદ્દે જે દાવ થયો તેવું યુવતીઓને ખાસ થતું નથી. હા, ધીરે ધીરે કોસ્મેટીક ઇન્ડસ્ટ્રી પુરુષો માટેની સ્પેશીયલ પ્રોડક્ટ્સ મુકીને તેમનામાં પણ દબાઈને પડેલી આકર્ષક દેખાવવાની ભાવનાઓ ભડકાવીને પોતાનો ધંધો વધારી રહી છે તે માહોલમાં આવનારા સમયમાં પુરુષો પણ આ બાબતમાં પાછળ નહીં રહે તે નક્કી. આ વાતનો અર્થ સાવ એવો ના કાઢતા કે પોતે આકર્ષક લાગે તેવા ડીજીટલી મોડિફાઇડ ફોટા લોકો માત્ર બીજાને આકર્ષવા જ અપલોડ કરતા હોય છે, ઘણીવાર તેમની આ ચેષ્ટાઓ પાછળ પોતાની જાતને આકર્ષક રજુ કરીને આત્મવિશ્વાસ અનુભવવાની કે સ્વની હકારાત્મક છબી પોતાના મનમાં ઉભી કરવાની સુષુપ્ત ઈચ્છાઓ પણ કામ કરતી હોય છે. તેના ઉપર મળતી લાઈકસ્ અને હકારાત્મક કોમેન્ટસ્ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરતી હોય અને પોઝીટીવ સેલ્ફ-ઈમેજને પોષતી હોય છે. ધાર્યા પ્રમાણેના પ્રતિભાવ ના મળે તો આત્મવિશ્વાસ તૂટતો જાય કે સ્વની છબી ખરડાતી જાય અને એ સંજોગોમાં યુવાનો હતાશ, ચીઢિયા કે વ્યસની બની ગયાના અનેક દાખલાઓ આપણી આજુબાજુ છે.

મારી વાત પ્રોફાઈલ પીક કે ઓનલાઈન દેખાવ પુરતી સીમિત નથી, વાસ્તવિક દેખાવ માટેની પણ છે. આજ કાલ માત્ર સ્ક્રીન ઉપર જ નહીં પરંતુ જે તમારી સામે છે એના દેખાવમાં પણ એક ભ્રમ છે. અત્યાર સુધી હિરોઈન, મોડેલ્સ કે સેલીબ્રીટીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ આજકાલ સામાન્ય યુવતીઓ પણ અપનાવવા માંડી છે. મેક-અપ, બ્યુટી ટ્રીટમેન્ટ, પુશઅપ-પેડેડ-વાયર્ડ બ્રા, બોડી શેપર, ટમી ટક, કોમ્પ્રેશન ટીશર્ટ, થાઈ શેપર, ટોરસો સ્લીમર વગેરે આ ભ્રમ ઉત્પન્ન કરનારા અને જોનારને ખુલ્લી આંખે છેતરી જાય એવા મહિલાઓ દ્વારા રોજીંદા ઉપયોગમાં લેવાતા પ્રસાધનો છે. (આ બધું શું છે તે ના સમજાય તો તમે ઘડપણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છો – નહીંતર કરો ગુગલીંગ…) આખી’ય વાતમાંથી કેળવવા જેવું વ્યવહારિક ડહાપણ એ છે કે તમને પાર્ટીમાં, મોલમાં કે સ્ટ્રીટમાં જોવા મળતી આકર્ષક સ્ત્રીઓના દેખાવમાં લગભગ ત્રીસથી ચાલીસ ટકા ભાગ આવા પ્રસાધનો કે યુક્તિઓ દ્વારા થતા વધારાનો હોય તે શક્ય છે. જો આ વાતનું ભાન ભૂલીને તમે કોઈના દેખાવ પાછળ ગાંડા થઇ જાવ તો, અમુક કિસ્સાઓમાં દાવ-પાણી ડોટ કોમ થઇ જવાની માનસિક તૈયારી રાખવી પડે. તાજેતરમાં જ એક સમાચાર વાંચ્યા હતા – નવવધૂએ રાત્રે મેક-અપ ઉતારતા જ તેના દેખાવથી ગભરાયેલા પતિએ રૂમની બહાર દોટ મૂકી!!

પૂર્ણવિરામ:

એ જમાનો દુર નથી કે વ્યક્તિનો સાચો દેખાવ જોવા તેમના નગ્ન ફોટા માંગવા પડે!!

Follow me on twitter @hansalbhachech / on INSTAGRAM @myhappyminds

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s