RSS

Archives

‘અભાવ – અછત’ની વચ્ચે ઉછરેલા અને ‘પુષ્કળ’ની વચ્ચે ઉછરેલા બાળકોની સફળતાની ભૂખમાં આસમાન-જમીનનું અંતર હોય છે!

spread a thought Tari ane mari vaat

‘અભાવ – અછત’ની વચ્ચે ઉછરેલા અને ‘પુષ્કળ’ની વચ્ચે ઉછરેલા બાળકોની સફળતાની ભૂખમાં આસમાન-જમીનનું અંતર હોય છે!

તમને આ કોલમમાં વાર્તા કહ્યે ઘણો સમય થઇ ગયો, ચાલો આજે એક વાર્તા કહું.

નરેશ અને પરેશ, બે મિત્રોએ બાજુબાજુમાં બંગલા લીધા. બંનેએ નક્કી કર્યું કે તેમની વચ્ચે દિવાલ કરવાને બદલે પોતપોતાની બાજુ ક્યારો બનાવીને અમુક છોડ વાવશે અને છોડની બે લાઈન દિવાલની ગરજ સારશે. જેથી, સીમા પણ રહેશે અને ખુલ્લાપણાનો અહેસાસ પણ થશે. બંનેએ પોતપોતાની બાજુ એક સરખા છોડવા રોપ્યા અને તેની સંભાળ લેવા માંડ્યા. નરેશ ટેક્નોલોજીનો માણસ એટલે નેટ ઉપર ખણખોદ કરીને ઉત્તમ પ્રકારનું ખાતર મંગાવ્યું, પુષ્કળ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી અને સવાર-સાંજ તેની માવજત કરવા માંડી. બીજી બાજુ, રોજિંદી ભાગદોડમાં પરેશ એટલો સમય ના ફાળવી શક્યો, ખાતર પણ માપનું અને પાણી સવારે આપી શકે તો ક્યારે સાંજે. થોડા જ સમયમાં નરેશના છોડ મોટા અને લીલાછમ થઇ ગયા અને પરેશના છોડ પ્રમાણમાં નાના અને આછા રહ્યા. એક રાત્રે એવું બન્યું કે જોરદાર વંટોળિયા સાથે વરસાદ આવ્યો અને બંનેએ સવારે ઉઠીને જોયું તો નરેશના મોટાભાગના છોડ મૂળિયાં સહીત ઉખડી ગયા હતા, જયારે પરેશના છોડની લાઈન અકબંધ ઉભી હતી! પોતે ઉત્તમ ખાતર અને પુષ્કળ પાણી આપીને લીલાછમ છોડ ઉછેર્યા પછી આવું કેમ થયું તે વિચારે નરેશ મૂંઝાઈ ગયો, પોતાની મૂંઝવણ તેણે પરેશને કહી અને બંને તેનો જવાબ મેળવવા એક માળી પાસે પહોંચી ગયા. માળીએ બંનેની માવજત અંગેની વાત સાંભળીને અભિપ્રાય આપ્યો, તેણે નરેશને કહ્યું કે તેણે છોડને ટકી રહેવા માટેની જરૂરિયાત કરતા ઘણું વધુ ખાતર-પાણી-માવજત આપી છે એટલે તેના છોડ લીલાછમ તો થયા પરંતુ એ માટે એને પોતાના મૂળિયાં ફેલાવવા કે લાંબા નથી કરવા પડ્યા, એને બધું તેણે તૈયાર આપી જ દીધું હતું. જયારે, પરેશે છોડવા ટકી રહે એટલી જ માવજત કરી, ક્યારેક પૂરતું ખાતર-પૂરતું પાણી અને ક્યારેક અપૂરતું, સરવાળે છોડને પોતાના પોષણની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા પોતાના મૂળિયાં ઊંડે સુધી લઇ જવા પડ્યા, ફેલાવવા પડ્યા. હવે તમે જ વિચારો, કે વરસાદને કારણે જમીન પોચી પડી જાય અને જબરદસ્ત પવન ફૂંકાય ત્યારે ટૂંકા અને ઓછા ફેલાયેલા મૂળવાળા છોડ આસાનીથી ઉખડી જાય જયારે, ઊંડા અને ફેલાયેલા મૂળિયાં ધરાવતા છોડ અડીખમ રહે!!

************

વાત છોડની હોય કે સંતાનની, ડાહપણ આ જ લાગુ પડે છે. ‘અભાવ – અછત’ની વચ્ચે ઉછરેલા અને ‘પુષ્કળ’ની વચ્ચે ઉછરેલા બાળકોની સફળતાની ભૂખમાં આસમાન-જમીનનું અંતર હોય છે. અનેક ઉદાહરણો અને જૂજ અપવાદો આપણી આસપાસ જ મળશે, બહુ લાંબા થવાની જરૂર નથી. અભાવ અને અપૂરતી સગવડો વચ્ચે આંખો ફાટી જાય તેવા પરિણામો લાવતા અનેક કિસ્સાઓ આપણે અવારનવાર જોતા રહીએ છીએ. યુનિવર્સીટીના ટોપર્સ ક્યારે’ય ડોનેશનની સીટ પર આવેલા નથી હોતા, અલબત્ત ‘મેડિકલ’ આ બાબતમાં અપવાદરૂપ છે અને તેનું કારણ તમે જાણતા હોવ તો ભલે!!

હવે આપણી કમનસીબીની વાત, આજનો સામાન્યમાં સામાન્ય માણસ, સંતાનોને આપવાની સગવડો અને સાધનોનો સવાલ છે ત્યાં સુધી, ‘પુષ્કળ’ અને ‘અતિરેક’માં જીવે છે. પોતાની જીવનશૈલી કે આર્થિક સ્થિતિ ગમે તેવી હોય પણ સંતાનોને શ્રેષ્ઠ, ગજા બહારનું અને જરૂર કરતા ઘણું વધારે આપવાનું, તે પણ રાહ જોવડાવ્યા વગર અને માંગ્યા વગર! સરવાળે આપણા સંતાનો ફૂલ-ફટાક ફેશનેબલ, બ્રાન્ડથી લદાયેલા, ટેનોલોજીથી ઘેરાયેલા, બહારથી લીલાછમ, નરેશના છોડ જેવા, પરંતુ જીવનમાં નાની મુસીબતો,અડચણો કે અસફળતાનો પવન ફૂંકાય એમાં મૂળ સહિત ઉખડી જાય! યુવાનોમાં હતાશા-ડિપ્રેશન, વ્યસનો, આત્મહત્યા, ગુનાખોરી વગેરેના વધી રહેલા કિસ્સાઓ મારી આ વાતનું પ્રમાણ છે. આપણા બાળકોની પરિસ્થિતિઓ કે નાની-મોટી મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા ઘટી રહી છે, તે ઝડપથી નાસીપાસ થઇ જાય છે. તેમને વ્યક્તિ,વ્યસનો કે ટેક્નોલોજીના સતત આધારની જરૂર રહે છે! બાળકોને ઉત્તમ સગવડો-સાધનોને સ્થાને તમારું ‘ઉત્તમ’ આપો, સમય-સંસ્કાર-સ્નેહ-સહકાર-સાથ વગેરે. તેમનું વ્યક્તિત્વ ખોખલું કે બોદું નહીં રહે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં તે ટકી રહે એવા ઘડતર માટે આ અનિવાર્ય બાબતો છે. આપણા સંતાનને શ્રેષ્ઠતમ આપવાની આપણી ઈચ્છા હોય તેમાં કઈં ખોટું નથી પરંતુ આ ઈચ્છા વિવેકપૂર્વકની હોવી ખુબ જરૂરી છે. સગવડો અને સાધનોથી એને એટલું પણ પરવશ ના બનાવો કે જયારે પડકાર સામે આવીને ઉભો રહે ત્યારે એ સંતુલન પણ ખોઈ બેસે!

મેં ઘણા માં-બાપો એવા જોયા છે કે સંતાનના ઘરે સંતાન આવી ગયા હોય તેમ છતાં તેને ‘કમ્ફર્ટ-ઝોન’માંથી બહાર ના આવવા દીધા હોય. આવા ઘણા યુવાનોને નાની નાની વિષમતાઓમાં કે વિકટ પરિસ્થિતિઓમાં આંતરિક હિંમત, આત્મવિશ્વાસ કે માનસિક સંતુલન ગુમાવી દેતા મેં જોયા છે. આપણે સંતાનને તેની આંગળી પકડીને ચાલતા શીખવવું પડે છે તેની ના નહીં, પરંતુ એ જ આંગળી ક્યારે છોડવી તે ડાહપણ આપણી પાસે હોવું જોઈએ. હમણાં બે દિવસ પહેલા જ મેં જોયેલી એક નાનકડી ઘટના કહું. મારા રૂમની બારીની પાળી ઉપર લગભગ તાજું જન્મેલું પંખીનું બચ્ચું બેઠું હતું. હું એને જોતો હતો ત્યાં એની માં આવી અને બચ્ચાએ ચાંચ પહોળી કરીને અવાજ કરવા માંડ્યો. મને થયું કે હમણાં એના મોઢામાં એની માં કઈંક ખાવાનું મુકશે. પણ, બન્યું એવું કે માં એ પોતાની ચાંચ એના મોંમાં મૂકી, બચ્ચાએ ખોરાકની આશાએ પોતાની ચાંચ બંધ કરી કે માંએ એને થોડું આગળ ખેંચ્યું! બચ્ચાએ તરત એની ચાંચ ખોલી કાઢી,માં ઉડી ગઈ અને બચ્ચું થોડું આગળ ઢસડાઈ આવ્યું. થોડી જ વાર પછી માં પાછી આવી અને પાછો એ જ ક્રમ, બચ્ચું ઓર આગળ આવ્યું. એમ કરતા કરતા બચ્ચું પાળીની કિનારીએ પહોંચી ગયુ, મને થયું કે હવે જો એની માં એને ખેંચશે તો નક્કી એ નીચે પડીને મરી જશે. મારી કુતુહલતા ચરમસીમાએ હતી ત્યાં એની માં પાછી આવી, મારા ધબકારા વધે એ પહેલા તો તેણે બચ્ચાને ખેંચ્યું, બચ્ચું ગબડતાંની સાથે પાંખો ફફડાવતું ઉડી ગયું અને પછી મારા ધબકારા વધ્યા, વાહ રે કુદરત!! સંતાનોને વિષમતાઓ કે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતા માં-બાપે જ શીખવવું પડે છે, એ માટે થોડા કાઠા થવું પડે તો ભલે!

પૂર્ણવિરામ:

સંતાનોને ઉડવા માટે સ્વતંત્રતાનું આકાશ અને સવલતોની પાંખો આપતા પહેલા હૈયામાં ઉડવાની હિંમત અને મનમાં સફળતાની ભૂખ જગાડવી પડે, તો જ તે ઉડશે, બાકી તો ખાલી ડાળો બદલ્યા કરશે!!

Connect me…

On Tweeter @hansalbhachech

On Instagram dr.hansal_bhachech

On Facebook Dr.HansalBhachech

 

 

 

Tags: , , , , , ,

અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે!

spread a thought Tari ane mari vaat

‘જીવન એક યાત્રા છે, આપણે બધા યાત્રાળુ છીએ. હસતા રમતા આપણે યાત્રા પુરી કરી અને પરમધામમાં પહોંચી જવાનું છે’ જીવનનું સત્ય જાણે એક વાક્યમાં સમજાવી દેવાતું હોય તેવો આ મેસેજ વાંચતા  મારું મન વિચારે ચઢ્યું – જીવન એક યાત્રા સાચી, આપણે બધા યાત્રાળુ; ચાલો એ’ય સાચું, પરમધામ પણ સાચું પરંતુ હસતા-રમતા કેવી રીતે પહોંચવું? મોટાભાગના તો ભાગતા, દોડતા, લંગડાતા, હાંફતા, ઝગડતા, અફસોસ કરતાં, ફરિયાદો કરતાં, સંઘર્ષ કરતાં, એકબીજાના ટાંટિયા ખેંચતા અને સાથેસાથે પ્રેમ-સમર્પણ-ઉદારતા-ક્ષમા-માનવતાની વાતો કરતાં કરતાં જીવનની મજલ કાપતા જણાય છે !! કોઈપણ યાત્રા મઝાની ક્યારે બને ?! આ ‘મઝા’ ઘણાં પરિબળો પર આધારિત હોઈ શકે છે, અંગત મંતવ્યો અને માન્યતાઓની આ વાત છે. મારી તો સ્પષ્ટ માન્યતા છે કે યાત્રાની સાચી મઝાનો આધાર તમારા સહયાત્રીઓ કોણ છે તેની ઉપર છે. એક કકળાટીયો, ઉત્પાતીયો, વાંધાળો, રઘવાટિયો કે જીવખઉં તમારી આખેઆખી યાત્રા બગાડવા પુરતો હોય છે. જો સાથ-સંગાથ સારો હોય તો બાવળિયા હેઠળ પણ મઝા આવે અને જો એકબીજાને અનુકુળ ના હોય તો યુરોપમાં’ય લોહી ઉકાળા થાય !

‘પણ, બોસ આપણે તો એકલા જ યાત્રા કરતાં હોઈએ છીએ. સાથ-સંગાથની બબાલ જ નહી’ કેટલાક અંતર્મુખી અને નિજાનંદમાં મસ્ત યાત્રીઓ દલીલ કરશે પરંતુ યાત્રીગણ, તમે એકલા યાત્રા કરો અને બાજુની સીટમાં સતત રોતું છોકરું અને એને છાનું કેવી રીતે રાખવું એ વિષયમાં સંપૂર્ણ ‘ઢ’ એવી માતા હોય તો ?! સાથ-સંગાથની બબાલ વગર પણ મગજ કાણું થઇ જાય ને?!

જરૂરી નથી કે હંમેશા બધો દોષ સામે ખાટલે જ ઓઢાઢી શકાય. કેટલીકવાર સહયાત્રીઓ ખુબ સારા મળે અને તમે પોતે રાશી હોવ એમ પણ બને ! અને ત્યારે પેલા થાકીને મૂંગા થઇ જાય કે પોતાની યાત્રા સુધારવા હળવેથી સાથ છોડી જાય તેમ પણ બને !!

હવે મહત્વની વાત આવે છે. આપણી યાત્રાઓમાં તો સહયાત્રીઓ પસંદ કરવાની તક આપણને મળતી હોય છે. મનમેળ હોય તેવા મિત્રોને સાથે લઈને આપણે રખડીએ છીએ અને યાત્રાની મઝા લઈએ છીએ. મઝા ના આવતા સહયાત્રીઓ બદલવાની કંઇક અંશે આઝાદી પણ ભોગવીએ છીએ. પરંતુ, જો જીવનને જ એક યાત્રા ગણીએ તો મોટાભાગના સહપ્રવાસીઓ તો આપણને એમ જ ભટકાઈ જાય છે અને તેમની સાથે જ ગમે કે ના ગમે જીવન વ્યતીત કરવું પડતું હોય છે. જીવન દરમ્યાન સંબંધોમાં સંઘર્ષ કરતાં દરેકને પોતાના સહયાત્રીઓ સાથે લાગણીઓના મુદ્દે પ્રશ્નો હોય છે, એ યાત્રી પછી જીવનસાથી હોય, કુટુંબી હોય, સંબંધી હોય, મિત્ર હોય, સહકર્મચારી હોય, બોસ હોય, પાર્ટનર હોય વગેરે. આ બધાજ ઈચ્છા-અનિચ્છાએ આપણા સહપ્રવાસીઓ છે, આપણા સમય-શક્તિ-લાગણીઓના સહભાગીઓ છે. આપણા જીવનની મઝાઓ ઘણાં અંશે આ બધા ઉપર આધારિત છે. એમાંના કેટલાય આપણી લાગણીઓને નીચોવી નાખનારા અને થકવી નાખનારા હોય છે. લાગણીઓના મુદ્દે લોહી ચુસનારી વાગોળ જેવા હોય છે.ઈચ્છવા છતાં’ય છોડી ના શકાય તેવી આ વ્યક્તિઓ છે. આવી વ્યક્તિઓ પોતે અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી હોય છે. ખુબ આસાનીથી તે લાગણીઓના સંબંધ વિકસાવે છે અને તમારી લાગણીઓની શક્તિ ઉપર પોતાને સલામત અનુભવે છે. તેમને સતત પ્રેમ, કાળજી અને સ્વીકૃતિની આપો એટલી ઓછી પડે એ સ્તરની જરૂરીયાત રહે છે. તેમના ઉપરછલ્લા આત્મવિશ્વાસની નીચે આત્મવિશ્વાસનો અભાવ, ભય, શંકા, ગીલ્ટ, અપૂર્ણતા, પરાવલંબન વગેરે ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે. જીવનના પ્રવાસમાં આવી વ્યક્તિઓનો સાથ આપણને રિબાવે છે. એમની સાથે જીવવાનું આવે તો વ્યક્તિ લાગણીઓથી નીચોવાઈ જાય, શરીરથી થાકી જાય, આક્રોશ અનુભવતી રહે, હતાશામાં રહે અને ભયથી જીવે. જયારે પણ એમનો સાથ કરવાનો થાય, સામનો કરવાનો થાય ત્યારે ત્યારે અંતર વલોવાય.

લાગણીઓના મુદ્દે રિબાવે તેવી આ વ્યક્તિઓમાં ખાસ કરીને સતત પોતાના મહત્વમાં જ રાચતી અને સતત અન્યનું એટેન્શન ઈચ્છતી સ્વકેન્દ્રી વ્યક્તિઓ, કોઈ વસ્તુ મેળવવા ધમપછાડા કરતાં હોય તે જ રીતે તમને મેળવવા પણ અનહદ ધમાલ કરતાં વસ્તુ અને વ્યક્તિ વચ્ચે ભેદ ના સમજતા વ્યક્તિઓ, ગૂંગળામણ થઇ જાય એટલી હદે મચીને તમારી સંભાળ લેતા વ્યક્તિઓ, પોતાની જાતને હંમેશા બિચારી કે શોષિત સમજતી વ્યક્તિઓ, સતત તમારા અવગુણો કે નબળાઈઓ જોતી વ્યક્તિઓ, લાગણીઓના મુદ્દે હંમેશા છેડા ઉપર જ રહેતી વ્યક્તિઓ (વરસે તો અતિ-વરસે અને બગડે તો અતિ-બગડે!), નાની નાની વાતોને કલ્પી ના શકાય તેવું રૂપ આપવાની વૃત્તિ ધરાવતી નાટકબાજ વ્યક્તિઓ વગેરેનો સમાવેશ કરી શકાય. આ વ્યક્તિઓ સાથેના સંબંધો દુઃખી કરનારા હોય કે ના હોય પણ લાગણીઓથી નીચોવીને આપણને થકવી નાખનારા તો જરૂર હોય છે. એમને સહન કરવાને બદલે મેનેજ કરતાં શીખવું પડે. અને જો તમે પોતે આવું વ્યક્તિત્વ ધરાવતા હોવ તો તમારે તમારી જાતને મેનેજ કરીને આ નબળાઈઓથી ઉપર ઉઠવું પડે, અલબત્ત સ્વીકારી શકો તો !!

પૂર્ણવિરામ:

લાગણીઓના મુદ્દે તમને નીચોવી નાખે એવાં વ્યક્તિઓ સાથેના સંબંધો લાગણીઓથી નહી પણ બુદ્ધિથી જાળવવા પડે !

Follow me on twitter @hansalbhachech

happyminds_logo1

 

 

 

Tags: , , , , , , , , , , , , ,

જો છુટા પડ્યાનું દુઃખ ના થાય તો સમજવું પડે કે ક્યાંક તો જોડાયા જ નહતા અથવા એટલાં ઉબાયા’તા કે કંઈ અનુભવવાનું પણ બાકી ના રહ્યું!

spread a thought Tari ane mari vaat

ઘણાં પ્રશ્નો એવા જટિલ હોય છે કે તેનો જવાબ જો તાત્કાલિક આપીએ તો કંઇક જુદો હોય, વિચારીને આપીએ તો તે એનાથી સાવ અલગ જ હોય અને વ્યવહારમાં તો વળી એ સંદર્ભે કંઇક સાવ જ ઉલટું જોવા મળતું હોય ! હમણાં એક વાંચકે મને વેબસાઇટ ઉપર આવો જ એક પ્રશ્ન પૂછ્‌યો. ‘‘બ્રેકઅપ્સ અને ડીવોર્સમાં વઘુ દુઃખદ શું?!’’ કદાચ એનો  પૂછવાનો આશય એવો હશે કે લગ્ન કર્યા પહેલા જ છુટા પડી જવું વઘુ દુઃખદ કે લગ્ન કર્યા પછી છુટા પડવું વધુ દુ:ખદ ?! હવે આ પ્રશ્નનો તાત્કાલિક જવાબ આપવાનો હોય ત્યારે એમ વિચાર આવે કે બંન્ને દુઃખદ વાત છે. ‘છુટા પડવું’ માત્ર જ દુઃખદ હોય છે, પછી એ લગ્ન પહેલાં હોય, લગ્ન બાદ કે લગ્નની કોઈ જ વાત વગર. વઘુ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી વિચારીએ તો એમ થાય કે બ્રેકઅપ્સ કરતાં ડીવોર્સ (છુટાછેડા) વઘુ દુઃખદ હોઈ શકે કારણ કે તમે વઘુ લાંબો સમય જોડે રહ્યા છો, તમારી વચ્ચે ઘણી ખાટીમીઠી લાગણીસભર ક્ષણોની યાદો વણાયેલી છે અને તમારો આખો’ય સંબંધ કૌટુંબિક-સામાજિક તાણા-વાણામાં ગુંથાયેલો છે. વળી વ્યવહારમાં તો આ બન્ને જવાબથી સાવ ઉલટું જ જોવા મળે ! ‘બ્રેકઅપ્સ’ પછી ઘણાં આત્મહત્યા કરે છે, જ્યારે છુટાછેડા મેળવ્યા પછી મોટાભાગના દંપતીઓ કૌટુંબિક અને સામાજીક પ્રશ્નો વચ્ચે પણ હાશકારો અનુભવે છે! આનો મતલબ એવો થાય કે છુટાછેડા પછી શક્ય છે કે સાથીઓ રાહતનો અનુભવ કરે પરંતુ ‘બ્રેકઅપ્સ’માં કદાચ રાહત અનુભવાય તો પણ દુઃખ તો વધુ જ અનુભવાય છે. છુટાછેડા બાદ હાશકારો એટલા માટે થાય છે કે આ આખો’ય સંબંધ છુટા પડવા સુધી પહોંચતા પહોંચતા એકબીજા પરત્વેની નકારાત્મક લાગણીઓ (નેગેટીવ ફીલીંગ્સ)થી ખદબદવા માંડે છે. વ્યક્તિઓ સંબંધથી, એકબીજાના વ્યવહારથી અને લાગણીઓના આઘાતથી એટલા તો ઉબાઈ ગયા હોય છે કે છુટા પડતા જ ‘હાશ’ અનુભવે છે. પછી સમય જતા; ધીરે ધીરે છુટા પડવાનું દુઃખ અનુભવાય તે અલગ વાત છે.

આજના માહોલમાં તો જાતે બની બેઠેલા લવગુરુઓ કે કાઉન્સેલરો છુટા પડીને દુખી થતાં લોકોને એવી સલાહ આપતાં ફરે છે કે હવે તો છુટા પડવું બહુ સામાન્ય છે, એનું ખાસ કંઇ દુઃખ કરવા જેવું નથી કે એને કારણે જીવ બાળવાની જરૂર નથી. બોલો?! જીવ કંઇ કોઈને કહીને બળે છે?! દુઃખ કરવાથી થાય છે?! આ તો બધી આપમેળે અનુભવાતી લાગણીઓ છે. જીવ કોઇને’ય બાળવો નથી, દુઃખ કોઇને’ય અનુભવવું નથી પણ આવી સુફીયાણી સલાહોથી ચૂરણ લઈએ ને કબજીયાત દૂર થઇ જાય તેમ છુટા પડ્યાનું દુઃખ થોડું મટી જાય?! હા, વારંવાર કોઈ આપણને કહે કે દુઃખ કરવાની જરૂર નથી તો આપણે એવો ડોળ ચોક્કસ કરતાં થઇએ કે આપણને દુઃખ નથી થતું, પરંતુ ખરેખર તો સામેવાળી વ્યક્તિ આપણું દુઃખ સમજી શકે તેમ નથી એવી મનોમન સ્વીકૃતિ સાથેની આ માંડવાળ છે!. સાવ  સાચી વાત તો એ છે કે સંબંધ સારો હોય કે ખરાબ-તૂટે ત્યારે હંમેશા દુઃખ કરાવે. બીજાને દેખાય કે ન દેખાય, મનને તો ચોક્કસ અનુભવાય. લોકો કહે કે ન કહે, વહેંચે કે ન વહેંચે, તૂટેલાં કે તનાવગ્રસ્ત સંબંધોનું દુઃખ હંમેશા અનુભવતા હોય છે.

આજે સમગ્ર વિશ્વમાં સંબંધોના સમીકરણો બદલાઈ રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં લગ્નની સરખામણીએ લગ્ન કર્યા વગર વઘુ યુગલો રહે છે. ઓસ્ટ્રેલિયામાં સ્ત્રીઓ પોતાના પુરૂષ મિત્રોની સૌથી વધારે જાસૂસી કરાવે છે. ત્યાં સ્ત્રીઓ મોબાઈલમાંથી ભૂંસી કઢાયેલા એસ.એમ.એસ. પાછા લાવી શકે તેવા યંત્રો અને પુરુષ સમાગમ કરીને આવ્યો છે કે નહિં તે ચકાસવાના કેમીકલ ટેસ્ટનો બેરોક-ટોક ઉપયોગ કરી રહી છે. જાપાન અને ચીનમાં તો વળી પૂરી કદની ઢીંગલીઓ આજકાલ જોરમાં છે અને બજારમાં તેની માંગ વધતી જાય છે. આ બઘું’ય વિજાતીય સંબંધોમાં બદલાવની ચાડી ખાય છે. સ્ત્રી-પુરૂષના સંબંધોની વ્યાખ્યા-સમીકરણો ધીરે ધીરે બદલાઈ રહ્યા છે પરંતુ કમનસીબે આપણે ક્યારેય ધીરે ધીરે ફુંકાતા પરિવર્તનના પવન અંગે સંવેદનશીલ નથી હોતા. જ્યારે સંપૂર્ણ બદલાવ આવી જાય ત્યારે જ જાગતા હોઈએ છીએ. લગ્ન જીવનમાં પણ એવું જ છે. રોજબરોજની નાની નાની ઘટનાઓ-વ્યવહારોને લઇને સંબંધ-લાગણીઓ ધીમે ધીમે મરતી જાય, સરવાળે આખો સંબંધ જ મરી જાય અને જોડે જીવીએ છીએ એ વાત માત્ર ભ્રમ બનીને રહી જાય. પવનની નાની ડમરીઓ અવગણનારા આપણે વાવાઝોડું ફૂંકાતા દોડીને શરણું શોધીએ એવાં આ સંજોગોમાં છુટા પડવાનો હાશકારો જ અનુભવાય ને ?!

બદલાવની પ્રક્રિયામાં આપણે થોડા પાછળ રહીએ એમ છીએ?! છેલ્લા પાંચ વર્ષમાં મંડપના બીલ કે હનીમૂન દરમ્યાન વાપરેલાં ક્રેડીટ કાર્ડનું બીલ આવે તે પહલાં તો છુટાછેડાના કિસ્સાઓ નોંધાવા માંડ્યા છે. એક સમયે પતિ ગમે ત્યાં લફરૂ કરતો હોય પણ રાત્રે તો ઘરે આવે છે ને એ વિચારે લગ્ન ટકાવતી સ્ત્રીઓ કે મારી જરૂરિયાતો-એશોઆરામ સચવાતા હોય પછી ભલે ને જ્યાં રખડવું હોય ત્યાં રખડે તેવું વિચારતી સ્ત્રીઓને પણ હવે પોતાની સાથે થઇ રહેલો આ અન્યાય ખટકવા માંડ્યો છે. કશુંયે ક્યાંય ચલાવી લેવાની માનસિક તૈયારીઓ યુગલો ગુમાવી રહ્યા છે. આ પણ પરિવર્તન જ છે ને ?! સરવાળે છુટા પડવું હવે ઘટના નહીં પણ રૂટીન બની રહ્યું છે. વાંદરૂ જેમ એક ડાળી છોડને બીજી પકડે છે તેમ ‘હુક અપ્સ’ અને ‘બ્રેકઅપ્સ’ની સાયકલ ચાલે છે. દેખીતી રીતે આ કુદાકુદમાં કોઈ દુઃખી થતું હોય તેવું પણ જણાતું નથી. પરંતુ બીલીવ મી, દરેક તૂટેલો અંતરંગ સંબંધ તેના ડાઘ છોડતો જાય છે અને તે આપણાં સ્વભાવ-વ્યવહારને બદલતો જાય છે. સંબંધને જાતીય મઝા, ટાઈમપાસ કે ચાલે ત્યાં સુધી ઠીક અને નહીંતર એક,બે અને સાડા ત્રણ… વાળી માનસિકતામાં જીવી કે માણી ના શકાય. વિશ્વના તાપમાનની સાથે સાથે સંબંધોના માપદંડ પણ બદલાતા ચાલ્યાં છે ત્યારે આપણાં સંબંધોને વચનબદ્ધતા સાથે ગંભીરતાપૂર્વક નિભાવવાનો સમય પાકી ગયો છે. જો આપણે એમ નહિં કરી શકીએ તો પરિવર્તનનો પવન આપણને ખેંચી જશે, આપણાં માનસ પણ બદલાશે અને એક હુંફાળા, સલામત, વચનબઘ્ધ, સ્થાયી સંબંધ માટે આપણે તરસતા રહીશું.

પૂર્ણવિરામ: આંખો બંધ કરો અને જે અંધકાર તમારી નજર સમક્ષ છવાય, બસ એવો જ અંધકાર તમારા હૃદયમાં કોઈ ધબકતો સંબંધ તૂટે ત્યારે છવાય છે !

Follow me on twitter @hansalbhachech

Instagramt

 

Tags: , , , , , , , , , ,