ક્ષણ ક્ષણ હળવું જીવવાનું, પળ પળ ભરપૂર જીવવાનું…

સમય સાંજના સાત અને એકાવન મિનિટ, અમે આઇસલેન્ડમાં અકુયેરીથી કેફ્લાવિક ડ્રાઇવ કરી રહ્યા હતા અને એક વળાંક ઉપર અમારી સામે ક્ષિતિજ ખુલી. રતુંબડા આકાશમાં કેસરિયા લિસોટાઓ વચ્ચે વાદળોમાં અડધો છુપાયેલો સૂર્ય અમારી સામે રૂબરૂ થઇ ગયો, એની લાલી અમારી ગાડીમાં છવાઈ ગઈ. સૂર્યોદય કે સૂર્યાસ્તનું દ્રશ્ય મને હંમેશા ઉન્માદિત કરતુ રહ્યું છે, સવારની કે સાંજની આ ક્ષણો હું ક્યારેય કેમેરામાં કેદ કર્યા વગર રહી નથી શક્યો. હું જ્યાં પણ ગયો છું ત્યાંનો સૂર્યોદય કે સૂર્યાસ્ત, જે પણ ઉપલબ્ધ થયું હોય, મારી હાર્ડ-ડ્રાઇવમાં અંકિત છે. એમાં આપણા શહેરના પણ અસંખ્ય દ્રશ્યો આવી ગયા. આ સમયના આકાશના રંગોએ મને હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલો રાખ્યો છે. સૂર્યાસ્તનો ફોટો લેવા ગાડી સર્વિસ રોડ પર લીધી, આંખ કેમેરાના લેન્સમાં ગોઠવાઈ અને મનમાં પંક્તિઓ રમવા માંડી.

सुबह होती है, शाम होती है 

उम्र युहीं तमाम होती है…

કોણ જાણે કેમ પણ જયારે જયારે સૂર્યોદય કે સૂર્યાસ્તની વાત નીકળે ત્યારે મનમાં આ પંક્તિઓ આવી જ જાય છે, મનનું એક અનુસંધાન થઇ ગયું છે. વાત વીતી જતા સમયની છે. આમ જોવા જઈએ તો ઉદયની વેળા હોય કે અસ્તની, સુરજ ક્ષિતિજ પર લાંબો સમય ટકતો નથી. મન ભરીને માણી લો કે કેમેરામાં કેદ કરી લો, માત્ર અમુક મિનિટોનો જ ખેલ હોય છે. આપણે હંમેશા વિચારતા રહીએ કે સૂર્ય ક્યાં ઉગીને ઉપર આવી ગયો કે ક્યાં આથમીને ડૂબી ગયો એની જાણે ખબર જ ના રહી. 

સમય વીતી જાય છે, ખબર પણ નથી રહેતી. સુખમાં ઝડપી અને દુઃખમાં ધીરે, પણ વીતી જાય છે. વરસો પહેલા જીવન ટૂંકું હતું પણ બહુવિધ પ્રવૃતિઓના અભાવે લાંબુ લાગતું હતું, હવે લાંબુ જીવાય છે પરંતુ અઢળક પ્રવૃત્તિઓ અને મલ્ટી-ટાસ્કીંગને કારણે ટૂંકું લાગે છે. જાહેરાતો ભરેલા છાપા વજનમાં હલકા અને પાનામાં ઓછા થઇ જશે ત્યારે ‘દિવાળી આવીને જતી પણ રહી’નો અહેસાસ થશે. આખું વર્ષ જાણે ક્યાં વીતી ગયું એની ખબર જ ના રહી ને વધુ એક દિવાળી આવીને જતી પણ રહી! આવી જ બેખબરીમાં ઘણી દિવાળીઓ જતી રહી. સમય તો ભાગતું ભૂત છે, એની ચોટલી પકડવી એટલે મનભરીને જીવવું. સૈદ્ધાંતિક રીતે, થિયોરેટિકલી બધાને મનભરીને જીવવું છે, ક્ષણ ક્ષણ જીવવું છે પરંતુ વ્યવહારિક રીતે, પ્રેક્ટિકલી બહુ ઓછા; પળપળનો કસ કાઢીને જીવવામાં પાવરધા છે. વર્તમાનમાં જીવ્યા વગર આ શક્ય નથી અને મોટાભાગનાને વર્તમાનમાં જીવવાની કળા સાધ્ય નથી! આમ પણ વર્તમાનમાં જીવવું સહેલું નથી હોતું, વર્તમાનમાં જીવવા માટે માનસિક સ્પષ્ટતા, સ્વસ્થતા અને દ્રઢતા અનિવાર્ય છે. મોટાભાગની વ્યક્તિઓ પોતાના ભૂતકાળની યાદો અથવા ભવિષ્યના સપનાઓને જીવ્યા કરતી હોય છે. ભૂતકાળમાં જીવતી વ્યક્તિઓની મનોદશા નકારાત્મક અને હતાશ હોય છે. જયારે, ભવિષ્યમાં જીવનારાની મનોદશા અસલામતી અને ઉચાટ ભરેલી હોય છે. અફસોસ વગરનો ભૂતકાળ અને ચિંતા-અસલામતી વગરનું ભવિષ્ય હોય ત્યારે જ વર્તમાનમાં જીવવું શક્ય બનતું હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં માણસ ભૂતકાળમાં અટકતો કે ભવિષ્યમાં ભટકતો જીવ્યે જાય છે અને તેની આ મથામણમાં સમય આગળ દોડી જાય છે. અચાનક કોઈ કારણોસર સમય વીતી ગયાનું સમજાય ત્યારે અફસોસને મુઠ્ઠીમાં રાખીને વ્યર્થ દોટ મુકવી પડતી હોય છે. ખરેખર તો આવું બધું વિચારવાની ફુરસદ મળે તેટલી પણ જિંદગી ઉભી નથી રહેતી, તે આપણને દોડતા રાખે છે અને આપણે દોડતા રહીએ છીએ. બીમાર અને હતાશ માણસોની વાત અલગ છે, આગળ દોડતો રહેતો સમય પણ જાણે એમની સાથે બીમાર પડી ગયો હોય કે હતાશ થઇ ગયો હોય એમ બેસી જાય છે, એમનો સમય જ જાણે વીતતો નથી! 

ચાલો નવા વર્ષે એક નવલો વિચાર આપું, ગમે તો મનમાં રાખજો અને ના ગમે તો આ છાપા સાથે પસ્તીમાં પધરાવજો. જો આ દિવસોમાં તમને એવો વિચાર આવતો હોય કે ‘આખું વર્ષ જાણે ક્યાં વીતી ગયું એની ખબર જ ના રહી ને વધુ એક દિવાળી વીતી ને નવું વર્ષ આવી ગયું’ – તો સમજજો કે આખું વર્ષ તમે યંત્રવત દોડતા જ રહ્યા છો, એને મનભર માણવાનું ચુકી ગયા છો. હવે પછીની દિવાળીઓ એમ જ આવીને જતી રહે કે વર્ષ ક્યાં વીતી જાય એની તમને ખબર ના રહે એવું તમે ના ઇચ્છતા હોવ તો વર્તમાનમાં જીવવાનો મહાવરો કેળવવો પડશે. ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે જાત માટે સમય કાઢીને તમારા વિચારો સાથે ગોષ્ઠી માંડવી પડશે, દોસ્તી કરવી પડશે. માત્ર જાતનો સંગ કરવાથી જ આ બધું આપમેળે થતું જાય છે, ભીતર સમાધાનનું વાતાવરણ સર્જાય છે, ભૂતકાળના દુઃખ-અફસોસ અને ભવિષ્યની ચિંતાઓ નબળી પડવા માંડે છે અને મન વર્તમાનમાં જીવતું થાય છે. સમજાય તો હોશપૂર્વક જીવવાનો આ મહાવરો છે, બાકી બેહોશીમાં તો વર્ષો કે દિવાળીઓ નહીં આખી જિંદગી’ય વીતી જાય અને માટે જ, જાત સાથે અને જાત માટે ખાતું ના ખોલ્યું હોય તો ખોલી કાઢો અને જીવન વીતી જાય એ પહેલા જીવવા માંડો.  નવવર્ષની જબરદસ્ત શુભેચ્છાઓ… 

પૂર્ણવિરામ: આજે એક સ્વરચિત કવિતા… 

ક્ષણ ક્ષણ હળવું જીવવાનું,

પળ પળ ભરપૂર જીવવાનું…

માથાકૂટ સઘળી મૂકીને

હૈયું હળવું રાખવાનું,

છોડી ચિંતા દુનિયાની

મનભર મોજે જીવવાનું…

નાની નાની અડચણોમાં

મન મોટુંમસ રાખવાનું,

માફી આપી દઇ બધાને 

જલસા મારી જીવવાનું…

ભીતરમાં દીવો કરીને 

અંતર ઉજળું રાખવાનું,

સુખે દુખે આપણે તો

હર પળ, હર ક્ષણ જીવવાનું…

ક્ષણ ક્ષણ હળવું જીવવાનું,

પળ પળ ભરપૂર જીવવાનું…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s