તમારું ભર્યું ઘર કોઈ અજાણ્યા વ્યક્તિઓને સોંપીને તમે વેકેશન માણવા જઈ શકો?!

આ દિવાળીમાં તમે ફરવા જવાના? જો તમારો જવાબ ‘હા’ હોય તો મારે તમને બીજો એક પ્રશ્ન પૂછવો છે, શું એટલા દિવસ તમે તમારું સંપૂર્ણ ચાલુ ઘર કોઈ ટુરીસ્ટને ભાડે આપીને જઈ શકો?! તમે દિવાળીમાં ફરવા ના જવાના હોવ તો ખાલી કલ્પના કરો કે તમે જયારે વેકેશન પર જવાના હોવ તે દરમ્યાન તમારું ઘર કોઈ અજાણ્યા વ્યક્તિઓને એટલા દિવસ માટે ભાડે આપીને જઈ  શકો?! આપણને બધાને એમ થશે કે એમાં વિચારવાનું કે કલ્પના શું કરવાની, એમ થોડી આપણું ભર્યું ઘર કોઈ અજાણ્યા વ્યક્તિઓને સોંપીને આપણે જઈએ?! અને, ધારોકે વિચારવા પૂરતું પણ કોઈને આપીને ગયા તો આપણે મુક્ત મને મઝાથી આપણું વેકેશન માણી શકીએ?! આપણો જીવ તો આપણા ઘરમાં જ ચોંટેલો રહે ને?! 

       હમણાં આઇસલેન્ડના પ્રવાસ દરમ્યાન અમને આ વાતને લાગતો-વળગતો એક અનુભવ થયો. આઇલેન્ડની રાજધાની રેક્યાવિકથી(આઇસલેન્ડિક ભાષાના ઉચ્ચારણમાં ઘણી વિવિધતા મળશે) અમારા પ્રવાસની શરૂઆત થવાની હતી. અમે તેના એક સબર્બ કોપાવેગુરમાં એક પ્રોપર્ટી ભાડે લીધી હતી. કેફ્લાવિક એરપોર્ટ પરથી અમે રેન્ટલ એસયુવી ડ્રાઈવ કરીને ત્યાં પહોંચ્યા ત્યારે રાતના દસ વાગ્યા હતા. અમે એટલા થાકેલા હતા કે જાણે ઘરનું તાળું ખોલવાની પણ શક્તિ નહતી. પરંતુ, ઘર ખોલીને સ્વીચ ઓન કરતાની સાથે જ જાણે અમારો થાક ગુમ થઇ ગયો. અત્યંત સુંદર અને ક્લાસ સજાવટથી ગોઠવેલું ઘર જોઈને અમે અચંબામાં પડી ગયા. જુદા જુદા દેશોમાં, અગાઉ પણ ઘણીવાર અમે ઘર રેન્ટ કરીને રહ્યા છીએ પરંતુ આ તો કઈં અલગ જ હતું. ગણતરીની મિનિટોમાં તો બે લેવલમાં રહેલું આખું ઘર અમે જોઈ કાઢ્યું અને જાણે ઘરનું ઘર મળ્યું હોય એવા વાઈબ્સ અનુભવાયા. ફ્રીઝ ભરેલું, નાસ્તાઓના પેકેટથી કબાટ ભરેલા, ચા-કોફી-ખાંડ, મરી-મસાલા વગેરે જાણે સંપૂર્ણપણે ચાલુ ઘરમાં પેસી ગયા હોઈએ એવું લાગ્યું! લિવિંગરૂમના ખૂણામાં ગિટાર ગોઠવેલું હતું, ઉપાડીને એના તાર ઉપર આંગળા પણ અજમાવી લીધા. આનંદ – અચંબો થોડા હેઠા બેઠા અને અમે લિવિંગરૂમના સોફા ઉપર ફસડાયા અને આજકાલ દુનિયાભરના પ્રવાસીઓનું ચેક-ઈન પછીનું પહેલું કાર્ય એવું વાઇફાઇ કનેક્ટ કરવાનું કામ કર્યું. નોટિફિકેશનના ‘ટીંગ ટીંગ’ ચાલુ થઇ ગયા. જેનું ઘર ભાડેથી લીધું હતું એ લેડીનો વેલકમ મેઈલ પણ એમાં હતો. એ વાંચ્યા પછી હું વધુ અચંબિત થયો કારણ કે મને ખબર પડી કે જે ઘરમાં અમે બેઠા છીએ તે કોઈ ભાડે આપવા (એરબીએનબી) માટેની પ્રોપર્ટી નહતી પરંતુ તેનું ઘર હતું! અઠવાડિયા માટે તે સ્પેનના પ્રવાસે ગઈ હતી એટલે તેણે પોતાનું ઘર અમને ભાડે આપ્યું હતું. આટલું વાંચ્યા પછી ઘણા વાચકોને એમ થશે કે કેટલી મની-માઈન્ડેડ લેડી હશે કે પાંચ-સાત દિવસ માટે’ય રોકડી કરી લીધી! રુકો, એટલી ઝડપથી જજમેન્ટલ થવાની જરૂર નથી, પિક્ચર અભી બાકી હૈ. એણે આગળ લખ્યું હતું કે રસોડાના કબાટો-ફ્રીઝમાં પડેલી ખાણી-પીણીની તમામ વસ્તુઓ તમારા માટે જ છે, ‘ફ્રી ઓફ ચાર્જ’! બેકયાર્ડમાં ચાર જણ બેસી શકે તેવું ગરમ પાણી ભરેલું જાકુઝી ટબ છે, કવર ઉઠાવો અને એમાં ગોઠવાઈને રિલેક્સ થઇ જાવ. મારા ઘરને પોતાનું ઘર સમજીને માણજો, તમારી રજાઓ આનંદમય હો – એન્જોય યૉર હોલિડેઝ… મનોમન એને થેંક્યુ કહીને, લગભગ છ ડિગ્રીના તાપમાન અને કલાકના વીસ કિમીની ઝડપે વાતા પવનની વચ્ચે અમે મુસાફરીનો થાક ઉતારવા ગરમ પાણીના ઝાકુઝીમાં ગોઠવાતા સાથે જ હળવાફૂલ થઇ ગયા!

બહાર આટલી બધી ઠંડી અને તમે હૂંફાળા મસ્ત પાણીમાં, શારીરિક અને માનસિક બંને રીતે તરત જ હળવા થઇ જવાય પણ મારા મગજનો એક ખૂણો વિચારોમાં અટવાયેલો હતો – આ લેડી આમાંથી શું કમાશે?! એની જગ્યાએ હું હોઉં તો?! અત્યારે મારુ ઘર આવી રીતે ભાડે આપીને અહીં આટલી સ્વસ્થતાથી રજાઓ માણી શકું?!! હળવાશ વધતી ગઈ એમ વિચારો શાંત થતા ગયા અને મનમાં એક શબ્દ તરવા માંડ્યો ‘ટ્રસ્ટીશીપ’…

       એક વિચારને બીજા વિચાર પર કૂદકો મારવા માટે આંખનો ઝબકારો પણ ખુબ લાંબો લાગે અને ક્યારે તમે બીજા પાટે ચઢી ગયા એની ખબર પણ ના પડે. હું તો ‘ટ્રસ્ટીશીપ’ પરથી ઈશાવાસ્ય ઉપનિષદ પર ચઢી ગયો. મારા મનમાં ઉપનિષદનો પહેલો શ્લોક રમવા માંડ્યો.

ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् ।

तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॥

મન કોઈ કારણ કે કનેક્શન વગર ઉપનિષદ પર નહતું ચઢ્યું, આ શ્લોક ‘ટ્રસ્ટીશીપ’ની વાત કરે છે. ઈશ્વરની માલિકી અને ત્યાગીને ભોગવવાની વાત કરે છે. માલિક મટીને વહીવટદાર થવાની વાત! અમે થોડા દિવસમાં એ ઘર માણી અને રેન્ટ પર લીધેલી કાર એરપોર્ટ પર છોડીને ચાલતા થયા, કોઈપણ પ્રકારના એટેચમેન્ટ વગર – બસ આ છે ટ્રસ્ટીશીપ! આમ અત્યંત સરળતાથી થઇ શક્યું કારણ કે એમાંની કોઈપણ વસ્તુ સાથે અમારો માલિકીભાવ નહતો. જે આપણું નથી તેની સાથે મહદંશે બંધન પણ નથી, અલબત્ત કેટલાક તો ત્યાં’ય બંધાઈ જાય છે. હવે વિચારો કે પેલી લેડી?! એનું તો પોતાનું રોજ રહેવાનું ઘર હતું તેમ છતાં’ય બીજા માટે છોડી ગઈ, બીજાની સવલતોનો ખ્યાલ પણ રાખતી ગઈ, જાણે ઘરની માલકણ નહીં પણ વહીવટદાર! એના મનમાં ટ્રસ્ટીશીપનો ભાવ હશે કે નહીં એની મને ખબર નથી પરંતુ મારુ મન તો એ દિશામાં વિકસિત ચોક્કસ થયું. ઈશાવાસ્યનો આ અદભુત શ્લોક મારા અનુભવ અને તેની પછીના ચિંતનને કારણે આજે મને પહેલા કરતા અનેકગણો વધુ સ્પષ્ટ છે. સઘળું ઈશ્વરની માલિકીનું છે, પોતાની લાગતી તમામ બાબતોનો દરેક વ્યક્તિ માલિક નહીં પણ માત્ર વહીવટદાર છે. માલિકી સર્વોપરીની જ રહે છે, વહીવટદારો બદલાતા રહે છે. જીવનમાં સુખ-શાંતિ-સંતોષનો અનુભવ કરવા માટે આ સમજણ પાયાની છે. જેને આ સમજાય છે અને જે તેને આચરણમાં મૂકી શકે છે તે મોહ – એટેચમેન્ટને પાર જવાની આધ્યાત્મિક યાત્રા કરી શકે છે. આ મોહને ત્યાગીને જ ભોગોને સાચા અર્થમાં ભોગવી શકાય છે. બાપની કમાણીની સાચી મઝા છોકરો જ લઇ શકે કારણકે એ કમાણી સાથે છોકરાનો મોહ બંધાયેલો નથી. જે કમાય છે તે હંમેશા વાપરવાને બદલે વળગીને રહેવાનું વલણ ધરાવે છે 🙂

પૂર્ણવિરામ: ત્યાગ ભોગોનો નહીં, ભોગ પ્રત્યેના મોહ-આસક્તિનો કરવાનો હોય છે.

Dining room
Passage to Bedroom
Spices Rack in Kitchen
Living Room

3 Comments Add yours

  1. Rashmi says:

    Beautiful thoughts!!

  2. Nilay says:

    સાચું ત્યાગ ભોગ નો નહી ભોગ પ્રત્યે ની આશકિત નો છે. જોરદાર

  3. KANTILAL HIRALAL PRAJAPATI says:

    Very good experience for present culture and thought

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s