વિચારોમાં તમે જો વિકસિત નથી થતા તો તમે જીવી નથી રહ્યા, માત્ર સમય પસાર કરી રહ્યા છો.

ક્યારેય વિચાર્યું છે કે તમારામાં અને અન્ય સજીવોના જીવનમાં મોટામાં મોટો ભેદ શું છે?! તમે કહેશો કે બીજા સજીવો વિચારી નથી શકતા. વાત સાચી, પરંતુ એનાથી પણ મોટો ભેદ એ છે કે તમે તમારા જીવનને તમારી ઈચ્છા મુજબ ઘડી શકો છો. આવી સ્વતંત્રતા બીજા કોઈ સજીવ પાસે નથી. લીમડો લાખ ઈચ્છે તો પણ આંબો નથી બની શકતો, સસલું સિંહ નથી બની શકતું. આ બધા જ સજીવોનું જીવન બાય ડિફોલ્ટ જ નક્કી છે, બીજી કોઈ સંભાવના એમના જીવનમાં નથી. મનુષ્યમાં એવું નથી, તેની પાસે સંભાવનાઓનો અખૂટ ખજાનો છે.

તમે જ તમારા વિશ્વના રચયિતા છો, તમારી આજુબાજુની વાસ્તવિકતા તમારા પોતાના વિચારોએ જ આકર્ષિત કરેલી છે.

વિચારોની એક ઉર્જા હોય છે અને ઉર્જાનો સાદો નિયમ એ કે તે પોતાના જેવી જ બીજી ઉર્જાને આકર્ષિત કરે. નકારાત્મક ઉર્જા ધરાવતી વ્યક્તિઓના જીવનમાં અક્કર-ચક્કરમાંથી નકારાત્મક ઘટનાઓ, વ્યક્તિઓ કે અનુભવો આકર્ષિત થઇ આવતા હોય છે. એથી ઉલટું, પોઝિટિવ ઑરા હકારાત્મક બાબતો તાણી લાવે. વિચારો તમારી બહારનું જ વિશ્વ નહીં અંદરનું વિશ્વ પણ પ્રભાવિત કરે છે. વિચારો તમારી બાયોલોજીને મેનેજ કરે છે. તમારા અંત:સ્રાવો, જીવરસાયણો, ન્યુરોટ્રાન્સ્મીટર્સ, બ્લડ પેરામીટર્સ વગેરે બધું તમારા વિચારોના પ્રભાવમાં છે. નકારાત્મક ઉર્જાથી લદાયેલો એક નબળો વિચાર પણ શરીરની ક્રિયાઓમાં ઉથલપાથલ મચાવી શકે, જયારે હકારાત્મક ઉર્જાથી સંચિત એક સબળો વિચાર શરીરમાં એવા ચમત્કારો સર્જી શકે કે વિજ્ઞાન મોમાં આંગળા નાખી જાય !

ક્ષણ ક્ષણ હળવું જીવવાનું, પળ પળ ભરપૂર જીવવાનું…

વર્તમાનમાં જીવવા ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે જાત માટે સમય કાઢીને તમારા વિચારો સાથે ગોષ્ઠી માંડવી પડશે, દોસ્તી કરવી પડશે. માત્ર જાતનો સંગ કરવાથી જ બધું આપમેળે થતું જાય છે, ભીતર સમાધાનનું વાતાવરણ સર્જાય છે, ભૂતકાળના દુઃખ-અફસોસ અને ભવિષ્યની ચિંતાઓ નબળી પડવા માંડે છે અને મન વર્તમાનમાં જીવતું થાય છે. હોશપૂર્વક જીવવાનો આ મહાવરો છે, બાકી બેહોશીમાં તો વર્ષો કે દિવાળીઓ નહીં આખી જિંદગી’ય વીતી જાય અને માટે જ, જાત સાથે અને જાત માટે ખાતું ના ખોલ્યું હોય તો ખોલી કાઢો અને જીવન વીતી જાય એ પહેલા જીવવા માંડો.  નવવર્ષની જબરદસ્ત શુભેચ્છાઓ… 

તમારું ભર્યું ઘર કોઈ અજાણ્યા વ્યક્તિઓને સોંપીને તમે વેકેશન માણવા જઈ શકો?!

સઘળું ઈશ્વરની માલિકીનું છે, પોતાની લાગતી તમામ બાબતોનો દરેક વ્યક્તિ માલિક નહીં પણ માત્ર વહીવટદાર છે. માલિકી સર્વોપરીની જ રહે છે, વહીવટદારો બદલાતા રહે છે. જીવનમાં સુખ-શાંતિ-સંતોષનો અનુભવ કરવા માટે આ સમજણ પાયાની છે. જેને આ સમજાય છે અને જે તેને આચરણમાં મૂકી શકે છે તે મોહ – એટેચમેન્ટને પાર જવાની આધ્યાત્મિક યાત્રા કરી શકે છે. આ મોહને ત્યાગીને જ ભોગોને સાચા અર્થમાં ભોગવી શકાય છે. બાપની કમાણીની સાચી મઝા છોકરો જ લઇ શકે કારણકે એ કમાણી સાથે છોકરાનો મોહ બંધાયેલો નથી 🙂

મોટાભાગના નાગરિકોના દિલમાં ભરેલી દેશદાઝ દિમાગ સુધી પહોંચતી નથી. ભારતીયતા આપણી લાગણીઓમાં છે પરંતુ વિચારોમાં નથી!

‘હર ઘર તિરંગા’ને હું તો એમ કહું છું કે ‘હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર દિમાગ તિરંગા’ રાષ્ટ્રભાવના દિલમાંથી ઉઠીને દિમાગને ઘમરોળી જવી જોઈએ. ભારતીય હોવાનું ગૌરવ માત્ર ભાવનાઓમાં નહીં, વિચારો અને આચરણમાં પણ હોવું જોઈએ. રાષ્ટ્રભાવના મોબાઈલમાં ભલે વહેતી પરંતુ સાથે સાથે શરીરમાં એ ચેતના સ્વરૂપે પ્રસ્થાપિત થાય એવો સંકલ્પ આ સ્વતંત્રતા દિવસે કરીએ.

મનનું તો એવું છે ને કે રસ્તામાં ‘હા’ અને ‘ના’ સામા મળે તો ‘હા’ની સામે જુએ પણ નહીં અને ‘ના’ને જઈને ભેટી પડે!

આપણું મન નકાર પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે, કોઈપણ પ્રકારના નિષેધને જડતાપૂર્વક પકડી રાખે છે. જે વિચાર કે વર્તનમાં નકાર હોય તે કરવા લલચાતું રહે છે અને તે પણ વ્યસનીની જેમ! જે વિચાર અવગણવાના છે, જેનો પ્રતિકાર કરવાનો છે, તે જ વિચારો તમારી સામે થઈને વધુ મજબૂતાઈથી તમને વળગી રહે છે. જે વિચારોને તમે મનમાંથી તગેડવા રઘવાયા બનો છો, તે વિચારો તમને જળોની માફક ચોંટી પડે છે. પોતે કરેલી ભૂલો, પોતાનો દુઃખદ ભૂતકાળ, પોતાને નુકસાનકર્તા બાબતો વગેરેના વિચારોથી ઇચ્છવા છતાં વ્યક્તિઓ મુક્ત નથી થઇ શકતી તેની પાછળ મનની આ અવળચંડાઈ જવાબદાર છે.
શરીરને કેળવવા પ્રયત્ન (efforts) જરૂરી છે જયારે મનને કેળવવા સહજતા (effortlessness) જરૂરી છે. શરીરને મજબૂત બનાવવું હોય, આકાર આપવો હોય, કોઈ બાબત શીખવી હોય તો પ્રયત્નો કરવા પડે. મનની બાબતમાં છોડતા શીખવું પડે કે અવલોકન કરતા શીખવું પડે અને આ બંને બાબતો સહજતા કેળવવાથી આપમેળે આવડતી જતી હોય છે.

અંગત હળવાશનો સમય આપણે મોબાઈલ, ટેબ્લેટ કે ટીવીના સ્ક્રીનને સોંપી દઈને નાજોઈતી ઉપાધિ વોહરી લીધી છે!

મોબાઈલના હોય કે ટેબ્લેટના, લેપટોપના હોય કે ટીવીના, આ દુનિયાના બધા સ્ક્રીન તમારા સમય ઉપર જીવે છે. એ તમારો સમય ખાય છે અને તાજાંમાજાં રહીને નવું નવું પીરસતા જાય છે, સરવાળે તમે એના ઉપર વધુને વધુ સમય લટકતા જાવ છો! વાંધો સ્ક્રીન ટેક્નોલોજી સામે નથી, વાંધો આપણે જે રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તેની સામે છે. ટેક્નોલોજી, વિવિધ સ્ક્રીન્સ કે સોશિયલ મીડિયા બધું જ મઝાનું છે, જો ક્યાં અને ક્યારે અટકવું એ ખબર હોય તો!!

સમયની સાથે જીવન સરળ અને સગવડભર્યું બન્યું છે, પરંતુ આનંદમય નથી બન્યું !

વિજ્ઞાન અને ટેક્નોલોજીની જબરદસ્ત પ્રગતિ પછી આપણે હળવા થવાને બદલે દિવસેને દિવસે વધુ ચિંતાવાળા અને હાયપર કેમ થતા જઈએ છીએ?! આપણને કોણ ચિંતા કરાવે છે?! વધુ પડતી માહિતી-જાણકારી, મીડિયા, જાહેરાતો, ભય ફેલાવીને ધંધો કરતા ધંધાદારીઓ, સોશિયલ મીડિયા, આપણી આજુબાજુના લોકો, આપણો સ્વભાવ વગેરે આપણને ચિંતા કરાવે છે! આ બધાનું કમનસીબ પરિણામ એ આવ્યું છે કે હળવાશ અનુભવવાની આપણી ક્ષમતામાં અને આવડતમાં જબરદસ્ત ઘટાડો થયો છે. નાની નાની બાબતોમાં આપણે રઘવાયા થઇ જઈએ છીએ, અતિસક્રિય થઈને ઉકેલ માટે કે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા દોડાદોડ કરી મૂકીએ છીએ અને ના જોઈતી ચિંતાઓ કરવા માંડીએ છીએ!

‘સંબંધોને મજબૂત બનાવતી શ્રેણી’ (Relationship Builder Series)ના વધુ બે પુસ્તક…

‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ પુસ્તકથી ‘સંબંધોને મજબૂત બનાવતી શ્રેણી’ (Relationship Builder Series)ના પુસ્તકો નિયમિત રીતે પ્રકાશિત થતા રહ્યા છે. આજે આ શ્રેણીના વધુ બે પુસ્તક આપના હાથમાં મુકતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. આ શ્રેણીના તમામ પુસ્તકોને વાચકોએ અઢળક પ્રેમ કર્યો છે અને એ પ્રેમ થકી હું આ શ્રેણીમાં વધુને વધુ પુસ્તકો જોડતો જાઉં છું. અગાઉના પુસ્તકોમાં અને મારા વક્તવ્યોમાં વારંવાર કહું છું એમ, ​​‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પ્રકાશિત કરવા પાછળ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખવી. કશું’ય અધ્ધરતાલ કે ફિક્શન નહીં, માત્ર સાવ સાચી પ્રેક્ટીકલ વાતો અને અમલમાં મૂકી શકાય તેવા ઉપાયો. મારા પુસ્તકો અને લેખો અંગે વિશ્વના ખૂણે ખૂણેથી મને વાચકોના અભિપ્રાયો અને પ્રશંસા સંદેશો મળતા રહે છે, હું પ્રોત્સાહિત થતો જાઉં છું અને લખતો જાઉં છું. આજે આ શ્રેણીમાં અગિયાર પુસ્તકો જોડાયા છે. આ પુસ્તકો અન્ય લેખકો માટે સંબંધો વિષે લખવા માટે માર્ગદર્શક બની રહ્યા છે એ મારા માટે એક સંતોષજનક બાબત છે, ઉદ્દેશ સાકાર થઇ રહ્યાનો મને આનંદ છે. માત્ર લેખનમાં જ નહીં, વકતવ્યોમાં, ગુજરાતી-મરાઠી ફિલ્મો, નાટકો અને સીરીઅલોમાં આ પુસ્તકો એક સંદર્ભ ગ્રંથ તરીકે વપરાયા છે. સોશિયલ મીડિયામાં આ પુસ્તકોમાંથી લેવાયેલા સેંકડો ક્વોટસ્ ફરી રહ્યા છે. એક સર્જક તરીકે આ બધી બાબતોનું હું ગૌરવ અનુભવું છું અને સાથે સાથે સારા વિચારો પ્રસરાવતી આ તમામ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓનો હું ઋણી છું.

નવું વર્ષ એટલે પુરા ના થયેલા સંકલ્પો કે સ્વને કરેલા વાયદાઓ બદલ જીવનની નવેસરથી ફેંટ પકડવાનો મોકો!

નવું વર્ષ શરુ થઇ રહ્યું છે, હાથમાં પેન અને કાગળ લઈને બેસી જાવ. વર્ષ દરમ્યાન જે વ્યક્તિઓ સાથે તમે મોટાભાગનો સમય વિતાવ્યો તેની યાદી બનાવો. જે વ્યક્તિઓએ તમને પ્રોત્સાહિત કર્યા, તમને પ્રેરણા આપી, સહકાર આપ્યો કે પોઝિટિવ વાઈબ્સ આપ્યા તેની સામે ‘થમ્સ અપ’ કરો અને જે વ્યક્તિઓએ તમારી લાગણીઓ નીચોવી કાઢી, નિરાશ કર્યા, હતોત્સાહ કર્યા કે નેગેટિવ વાઈબ્સ આપ્યા તેની સામે ‘થમ્સ ડાઉન’ કરો. હવે નવા વર્ષમાં સંકલ્પ કરો કે જે વ્યક્તિઓ માટે તમે અંગુઠો ઊંચો કર્યો છે તેમની સાથે તમે આવનાર વર્ષમાં વધુ સમય વિતાવશો, તેમની સાથેના સંબંધો મજબૂત કરશો. જેમને માટે અંગુઠો ઉલટો કર્યો છે તેમની સાથે બને તેટલો ઓછો સમય ગાળવાનો સંકલ્પ કરો અને તેમની સાથેના સંબંધમાં અંતર જાળવો. બની શકે આ તમારા માટે કદાચ નિષ્ઠુર નિર્ણય હોઈ શકે પરંતુ જીવનને સુખમય બનાવવા ક્યારેક કઠોર કે નિષ્ઠુર નિર્ણયો લેવા પડતા હોય છે.

આપણે નજદીકી વ્યક્તિઓને આપણને અનુકૂળ આવે તે રીતે બદલવા હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ…

‘સ્વચ્છ ભારત’ની જેમ ઈશ્વર પણ એક અભિયાન શરુ કરે ‘સ્વચ્છ માણસ અભિયાન’! તમારે કરવાનું એટલું જ કે એક વ્યક્તિ પસંદ કરવાની, ઈશ્વર એ વ્યક્તિના સ્વભાવમાં તમારી ઈચ્છા મુજબના ફેરફાર કરી આપશે, તમારી ઈચ્છા મુજબના સ્વભાવનો ‘સ્વચ્છ માણસ’! વિચારો, તમે કોને પસંદ કરશો?! તમે કોને બદલવા માંગશો?!

સંબંધોમાં સંપર્કના સાધનો વધ્યા, સંપર્કો વધ્યા તેમ છતાં નિકટતા કેમ ઓછી થતી જાય છે?!

‘મોકાપરસ્ત’ એક મઝાનો અને મને ગમતો શબ્દ છે. એનો અર્થ છે લાગ-તક-જોગ-સગવડનો પૂજક-ભક્ત અર્થાત ‘તકઝડપું’, મોકો મળ્યો નથી કે ઝડપ્યો નથી! કેટલીક વ્યક્તિઓ સંબંધોમાં પણ મોકાપરસ્ત હોય છે, ખરાબ અર્થમાં પણ અને સારા અર્થમાં પણ! ખરાબ અર્થમાં એ રીતે કે વ્યવહારમાં જયારે પણ એમને તક મળે ત્યારે સામેવાળાને નીચોવી કાઢે,