યાદશક્તિ મનુષ્યની સૌથી જરૂરી માનસિક શક્તિઓમાની એક છે પરંતુ ભૂતકાળ વાગોળવાની ટેવ ધરાવતી વ્યક્તિઓ માટે એ સૌથી મોટી નબળાઈ બનીને રહી જાય છે.

જીવનમાં મનને અશાંત રાખતી અનેક બાબતો છે પરંતુ કોઈ મને એમ પૂછે કે એક મનોચિકિત્સક તરીકે તમે મનને અશાંત રાખતી બાબતો પૈકી સૌથી વધારે કઈ બાબતને અગત્યની ગણો છો તો હું ચોક્કસ કહું કે આપણી યાદશક્તિ. વ્યક્તિઓને જેટલી તેમની યાદશક્તિ અશાંત રાખી શકે છે તેટલી બીજી કોઈ બાબત નથી રાખી શકતી. આમ તો યાદશક્તિ મનુષ્યની સૌથી જરૂરી માનસિક શક્તિઓમાની એક છે પરંતુ ભૂતકાળ વાગોળવાની ટેવ ધરાવતી વ્યક્તિઓ માટે એ સૌથી મોટી વિટંબણા છે. ઘણી વ્યક્તિઓને સતત પોતાનો ભૂતકાળ ઉલેચ્યા કરવાની કે ચૂંથ્યા કરવાની ટેવ હોય છે. આ વ્યક્તિઓ વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળમાં જીવતી હોય છે અને વિચારોમાં મહદઅંશે ભૂતકાળની યાદ રાખેલી બાબતો વાગોળે રાખતી હોય છે. એ પણ સારી બાબતો નહીં પરંતુ ના ભુલી શકાતી ખોટી બાબતો. ભૂતકાળમાં કરેલી નાની નાની ભૂલો, પોતાને થયેલા અન્યાયો, પોતાને પડેલા દુઃખ, પોતાની સાથે થયેલી ગેરવર્તણૂક વગેરે તમામ બાબતો ફિલ્મની રીલની માફક તેમના મનમાં ચાલતી રહેતી હોય છે. આ બાબતોને કારણે તેમને મનોમન આક્રોશ, ગુનો કર્યાની લાગણીઓ(ગીલ્ટ), નાનમ, જાત પ્રત્યે કે અન્ય પ્રત્યે ઘૃણા અથવા પોતાની ઉપેક્ષાની લાગણીઓ અનુભવાતી હોય છે. સરવાળે તે આ વિચારોથી દુઃખી રહે છે, એકના એક દુઃખનો અવારનવાર અનુભવ કરે છે અને હતાશા અનુભવે છે.

spread a thought Manas

કોઈ વ્યક્તિ રોજ એકની એક રમુજ કહીને આપણને હસાવી નથી શકતી તો પછી એકની એક બાબત આપણને અવારનવાર દુઃખનો અનુભવ કેવીરીતે કરાવી શકે તે ઊંડું ચિંતન માંગી લે તેવી વાત છે. સમજાય તો સાવ સહજ છે અને ના સમજાય તો દુખદ છે. જે વાતો, ઘટનાઓ કે વ્યવહારો વીતી ગયા છે તેની સાથે જે તે સમય પણ વીતી ગયો છે. આજના સંદર્ભમાં વીતેલા સમયને ફરી ઉભો કરવો અશક્ય છે તો વીતેલા ભૂતકાળની સાથે સંકળાયેલી લાગણીઓનો ફરી ફરી અનુભવ કરવો કેટલો યોગ્ય ગણાશે એ ભૂતકાળ વાગોળતા રહેતા દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે.

જો આટલું સમજાતું હોય અને મન સ્વીકારી શકતું હોય તો આ જ ઘડીએ સંકલ્પ કરો. શેનો? બધું ભૂલી જવાનો?! ના, ભૂલવાનો સંકલ્પ ના હોય. વાસ્તવમાં તો ભૂલવાના દરેક પ્રયત્નો એ બાબતનું ફરી ફરીને રટણ છે અને તેની યાદ તાજી રાખવાની આપણી માનસિક ચેષ્ટા છે. ભૂલવું એ તો આપમેળે થતી ઘટના છે, એના માટેના કોઈ પ્રયત્ન ના હોય. ના ભુલાતી બાબતોનો પ્રાણ તેની સાથે જોડાયેલી લાગણીઓમાં છે, જે ક્ષણે આપણે આ બાબતો, ઘટનાઓ, વ્યવહારો કે ભૂલો સાથે સંકળાયેલી લાગણીઓથી મુક્ત થઇ જઈએ તે જ ક્ષણે તેમનો પ્રાણ નીકળી જાય છે અને લાગણીવિહીન થયેલી તમામ બાબતો આપમેળે માનસપટ પરથી ભુસાતી જાય છે.

પણ પાયાનો પ્રશ્ન એ છે કે આ લાગણીઓથી મુક્ત કેવીરીતે થવું?! ભૂતકાળને જડતાપૂર્વક વળગી રહેવાનું વલણ બદલવું પડશે. વીતી ગયેલા સમયને વીતેલો જાણવો પડશે અને તેના અફસોસથી આગળ વધીને વિચારવું પડશે. કોઈનાથી ખોટું થઇ ગયું હોય તો તેને માફ કરો અને એથી’ય વધુ અગત્યનું તમારાથી ખોટું થયું હોય કે ભૂલ થઇ હોય તો પોતાની જાતને માફ કરો. માફી મનમાં સંઘરાયેલી નકારાત્મક લાગણીઓથી તાત્કાલિક છુટકારો અપાવે છે તે વાત હમેશા યાદ રાખીને વ્યવહારમાં ઉતારવા પ્રયત્નશીલ થવું પડશે.

વિસ્મૃતિ એ જીવનનો વૈભવ છે શરત માત્ર એટલી કે એ જો તમારી સાથે થયેલા માઠા, નકારાત્મક કે દુખદ અનુભવો અને વ્યવહારોની હોય. ઘણાને આ વૈભવ પ્રાપ્ત કરવામાં પોતાનું મહત્વ ગુમાવી દેવાનો ડર લાગશે. જો હું લોકોના દુરવ્યવ્હારો કે જીવનના માઠા અનુભવો ભૂલી જઈશ તો લોકોમાં મારી ગણના થતી બંધ થઇ જશે, મહત્વ જતું રહેશે અને હું ‘ચાલશે-ભાવશે-ફાવશે’ની કેટેગરીમાં મુકાઈ જઈશ. મારે એમને માત્ર બે વાત કહેવી છે એક આપણું મહત્વ આપણી આડોડાઈથી નહીં પણ પરિપક્વતાથી છે અને ભૂલવું એ પરિપક્વતાની નિશાની છે. બીજી વાત, જીવનના ના ગમેલા અનુભવો આંખ સામે રાખીને ઉચાટપૂર્વક  જીવવું એના કરતા વિસ્મરણના વૈભવમાં અહમને ભૂલી મસ્તીમાં જીવવાની કળામાં જ જીવનની સાર્થકતા છે.

Instagramt

2 Comments Add yours

  1. rashmi purohit says:

    It seems like solution summary for every mental issue. This article helped a lot. Thanks sir.:-)

  2. kiran oza says:

    sir. tamari aa vat mara dil ne sparsi gai 6. thanks sir

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s