RSS

ના તો આત્મહત્યાના કિસ્સાઓ સાથે આપણને કઈં લાગેવળગે છે કે ના તો મેન્ટલ હેલ્થની આપણને કઈં પડી છે, આપણને તો વાતોની મઝા છે, ગોસિપ – કૂથલીની મઝા છે!

01 Jul

વધુ એક જાણીતી વ્યક્તિએ આત્મહત્યા કરી અને આપણી ઇમોશનલી ચાર્જ પ્રજાએ સોશિયલ મીડિયામાં દેકારો મચાવ્યો! મને લોકોની પોસ્ટ-ટવીટ્સ વાંચીને એવું લાગ્યું કે માત્ર સુશાંત સિવાય બધાને ખબર હતી કે શું કરવાનું હતું અને બધા મદદ કરવા તૈયાર જ બેઠા હતા, ઘણાએ તો એવું પણ કહ્યું કે કહેવું તો હતું, ભૂલ સુશાંતની જ હતી કે એણે મદદ માટે હાથ ના લંબાવ્યો કે કોઈને’ય કઈં કહ્યું નહીં ! મીડિયાએ કઈંક ચિત્ર-વિચિત્ર સ્ટોરીઓ ચલાવ્યે રાખી અને પોત-પોતાની રીતે તમાશો કર્યો! વાતને દસ દિવસ ઉપર થઇ ગયા એટલે કદાચ તમે હવે શાંતિથી વિચારી શકશો કે કેટલો બેજવાબદાર અને વાહિયાત અભિગમ હતો. આત્મહત્યાઓ રોજ થતી રહે છે, જેનું ગયું એને દુઃખ, બાકી બધાનું તો ધ્યાન પણ નથી જતું! હા, કોઈ સેલિબ્રિટી આત્મહત્યા કરે ત્યારે વરસાદી વાતાવરણમાં દેડકા ફૂટી નીકળે એમ માનસિક આરોગ્ય, ડિપ્રેશન વગેરેના હિમાયતીઓ ફૂટી નીકળે છે. એ જ દિવસે સાંજે એક મીડિયામાં મારી મુલાકાત લેનારે મને પૂછ્યું’તું કે તમે કેમ તમારા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બાબતે કઈં લખ્યું નથી?! મેં કહ્યું ‘આમાં ક્યાં કઈં નવું છે?! આત્મહત્યાઓ રોજ થાય છે, કોણ કરે છે એ મહત્વનું નથી એક જીવનનો આકસ્મિક, અકુદરતી, નિરાશાજનક અંત આવે છે તે મહત્વનું છે. લખવું જ હોય તો રોજેરોજ લખવું પડે, આજે પણ બીજી ઘણી આત્મહત્યાઓ થઇ હશે, લોકોને એની સાથે કોઈ લેવાદેવા છે?! કડવી વાત તો એ છે કે દરેકને પોતાનો અભિપ્રાય આપવો છે, પોતાની હાજરી પુરાવવી છે. ‘ફિઅર ઓફ મિસિંગ આઉટ’ કે ‘રહી ગયા’ની વાત છે! જે ગઈકાલ સુધી લોકડાઉન અને અનલોક વિષે અભિપ્રાય આપતા હતા, એ અચાનક આજે મેન્ટલ હેલ્થની વાત કરવા મંડી પડ્યા અને આવતીકાલે કઈંક નવી વાત કરવા માંડશે!’ અને કમનસીબે એવું જ બન્યું, બીજા જ દિવસે આખું ટોળું સુશાંત સિંહના મૃત્યુની કોન્સ્પીરસી, બોલીવુડમાં સગાવાદ અને અમુક લોકોની દાદાગીરીની ચર્ચામાં લાગી પડ્યું! પછીના દિવસે, ઈન્ડો-ચાઈના બોર્ડર ટેંશન સાથે દેશભક્તિ – ‘જયહિન્દ’!! મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન વગેરે બધું હોલવાઈ ગયું, પુરા ચોવીસ કલ્લાક પણ આ મહત્વના મુદ્દા ના ટકી શક્યા. હવે ભવિષ્યમાં કોઈ બીજી સેલિબ્રિટી આત્મહત્યા કરશે ત્યારની વાત ત્યારે! સાવ સાચી વાત તો એ છે કે ના તો આપણને મરનારનું દુઃખ છે, ના તો આત્મહત્યાના કિસ્સાઓ સાથે આપણને કઈં લાગેવળગે છે કે ના તો મેન્ટલ હેલ્થની આપણને કઈં પડી છે, આપણને તો વાતોની મઝા છે, ગોસિપ – કૂથલીની મઝા છે!

 તમને આ વાત કડવી લાગી હોય કે ભાષા આકરી લાગી હોય તો ભલે, બાકી મનોચિકિત્સક તરીકેની મારી ત્રીસ વર્ષથી પણ લાંબી કારકિર્દીમાં મેં તો આજ જોયું છે. માનસિક આરોગ્ય પ્રત્યે આપણે બહુ દંભી અભિગમ ધરાવીએ છીએ. મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન, આત્મહત્યા વગેરે આપણે માટે વાતો કરવાના વિષયો છે પણ મહત્વના વિષયો નથી. મહત્વના હોત તો આપણને દરેક આત્મહત્યાના કિસ્સા સાથે નિસ્બત હોત, માત્ર દીપિકા પાદુકોણ નહીં પણ દરેક ડિપ્રેશનના દર્દી માટે દરકાર હોત, આપણા દરેક હેલ્થ પ્લાનિંગ કે હેલ્થ પોલિસીમાં મેન્ટલ હેલ્થની ગણતરી હોત! અહીં તો જાહેર જનતાના માનસ કે મેન્ટલ હેલ્થ સાથે સીધી સંકળાયેલી કોઈ બાબતો અંગે પણ મનોચિકિત્સકોને કોઈ પૂછતું નથી ત્યાં દુરોગામી અસરો ધરાવતી બાબતોની વાત જ ક્યાં કરવી? આપણે તો દૂર ક્યાં જવાનું છે, કોરોનાની મહામારીની અસર લોકોની મેન્ટલ હેલ્થ ઉપર થશે, માનસિક બીમારીઓ વધશે, કોરોના સામે લડવા મનોબળ પાક્કું જોઈશે વગેરે વાતો બધા કરશે પરંતુ કોરોના અંગેની નિષ્ણાતોની કમિટીમાં કોઈ મનોચિકિત્સક હશે?! કમિટીમાં તો છોડો, જે નિર્ણયો સાથે લોકોની માનસિકતા સીધી સંકળાયેલી હોય તે નિર્ણયો અંગે કોઈ અભિપ્રાય પણ લેશે?! સૌથી મોટી કમનસીબી એ છે કે હ્યુમન સાયકોલોજીમાં બધાને ખબર પડે છે, દરેક પોતપોતાની રીતે નિષ્ણાત છે. આ તો ના છૂટકે મનોચિકિત્સકો પાસે જવું પડે ત્યારે જવાનું, બાકી પોતપોતાની રીતે મંતરતા રહેવાનું અને વાર-તહેવારે મેન્ટલ હેલ્થના ગુણગાન ગાતા રહેવાના! માનસિક આરોગ્ય અને માનસિક સમસ્યાઓ અંગેના આવા બેવડા વલણથી આપણે બધા જ પુરેપુરા વાકેફ છીએ અને માટે જ જરૂર પડે ત્યારે મનોચિકિત્સકની મદદ લેતા અચકાતા હોઈએ છીએ. આપણે ડરીએ છીએ કે ક્યાંક માથે લેબલ ના લાગી જાય, સમાજમાં ગણનાપાત્ર ના રહીએ અને જે મળતું જાય તે સલાહ ના આપતું જાય!

તમને આમાંની એકપણ વાત ખોટી લાગી હોય તો મારી સાથે અસંમત થવાની છૂટ છે પરંતુ જો તેમાં સચ્ચાઈની એક ઝલક પણ દેખાઈ હોય તો હવે પછી ‘મેન્ટલ હેલ્થ’ની વાત કરો ત્યારે કન્સર્ન સાથે, એક જવાબદારી સાથે કરજો. કોઈ સેલિબ્રિટીની જ નહીં, દરેક આત્મહત્યાની દરકાર કરજો. માનસિક સમસ્યાઓથી પીડાતી વ્યક્તિને જજ કરવાને બદલે જેન્યુઈન મદદ કરજો. મેન્ટલ હેલ્થના ગુણગાન ગાતા પહેલા એને સાચા દિલથી ફિઝિકલ હેલ્થથી ઉપર નહીં તો કમસે કમ સમકક્ષ તો ગણજો જ. આમાંનું કઈં ના કરી શકો તો માનસિક સમસ્યાઓનો સામનો કરતા વ્યક્તિઓ ઉપર એક ઉપકાર તો ચોક્કસ કરજો કે આવી ઘટનાઓ વખતે મશરૂમ્સની જેમ ફૂટી નીકળીને મેન્ટલ હેલ્થના પ્રચારક બનવાનો દંભ ના કરતા કારણ કે તમે કઈં નહીં બોલો તો ચાલશે પરંતુ જે તમે નથી અપનાવી શકતા એ બતાવવાનો આડંબર આ વ્યક્તિઓ માટે વધુ કષ્ટદાયક છે.

પૂર્ણવિરામ: ‘આઈ કેર ફોર યુ’ એ માત્ર વાક્ય નથી એક સથવારો છે, જે શબ્દોથી નહીં પણ વ્યવહારથી અનુભવાય છે.

 

Tags: , , , , , , , , ,

One response to “ના તો આત્મહત્યાના કિસ્સાઓ સાથે આપણને કઈં લાગેવળગે છે કે ના તો મેન્ટલ હેલ્થની આપણને કઈં પડી છે, આપણને તો વાતોની મઝા છે, ગોસિપ – કૂથલીની મઝા છે!

  1. Akhtar Vahora

    July 1, 2020 at 8:33 pm

    Sadly true!

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: