‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’

Tari ane mari vaat

ટૂંકાણમાં કે સંક્ષિપ્તમાં ઘણું કહેવું એ એક કળા છે. નિબંધ લખવા-સમજવા કરતા વન-લાઈનર લખવા-સમજવા માટે વધુ બુદ્ધી, સમજદારી અને ડહાપણની જરૂરીયાત હોય છે. ઘણીવાર આ વન-લાઈનર્સ એટલા માર્મિક હોય છે કે જાણે એક વાક્યમાં જીવનના મસમોટાં સત્યો સમાઈ ગયા હોય. ગુજરાતી ભાષાના લુપ્ત થઇ રહેલા રૂઢીપ્રયોગો અને કહેવતો આવા વન-લાઈનર્સ જ છે ને?! સમજાય તો ઘણું ઊંડું નહીંતર ઉપરથી…

‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’ – એક વાક્યની આવી નિખાલસ કબુલાત આખા’ય સંબંધની બાયોગ્રાફી જેવી છે, જો સમજાય તો. ઉપરથી ઉજળા લગતા કેટલાક સંબંધોની આ નરી સચ્ચાઈ છે. આપણે ગતસપ્તાહે ‘તારી અને મારી વાત’માં પોપ-સિંગર રિહાના, પોપ-ક્વીન મેડોના, બોન્ડ-ગર્લ હેલ બેરી કે પછી ઘર આંગણાની રતિ અગ્નિહોત્રી, યુકતા મુખી, ઝીન્નત અમાન, શ્વેતા તિવારી, રિહા પિલ્લાઇ વગેરેની શારીરિક-માનસિક અત્યાચારોની જાહેર કબુલાતોની વાતમાં એક કુતુહલતા ઉપર આવીને અટક્યા હતા. આર્થિક રીતે પતિ ઉપર નિર્ભર, ઓછું ભણેલી કે અભણ, બેકાર-ઘરમાં બેસી રહેલી, કુરૂપ, પતિ વગર નિરાધાર એવી સ્ત્રીઓ મજબૂરીવશ શારીરિક અત્યાચારો સહન કરે તે હજી કદાચ સમજી શકાય તેવી વાત છે. પરંતુ, જાણીતી, સ્વરૂપવાન, પાવરફુલ, આર્થિક રીતે ખુબ સધ્ધર, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી આ સ્ત્રીઓએ કે એમના જેવી બીજી ઘણી સ્ત્રીઓએ મોં ખોલતા પહેલા, લગ્ન કે સંબંધ તોડતા પહેલા આ બધું સહન કેમ કર્યું હશે?! આપણા તર્કમાં ના બેસે તેવા આવી વરવી વાસ્તવિકતા ધરાવતા સંબંધોમાં લાંબા સમય સુધી ઢસડાતા રહેવા પાછળની માનસિકતા શું?!! એમાં’ય ખાસ કરીને એવી વ્યક્તિઓ, કે જેણે સંબંધમાં ક્યારેય આવો વ્યવહાર ના અનુભવ્યો હોય, તેને તો રીતસર સહન કરનારી વ્યક્તિ ઉપર ગુસ્સો આવતો હોય છે કે આવા અત્યાચારભર્યા સંબંધને ઠોકર મારીને તે નીકળી કેમ નથી જતી?

સ્ત્રીઓ પુરુષો કરતા પ્રેમમાં વધુ વિશ્વાસ ધરાવે છે અને એથી’ય એક ડગલું આગળ, મોટાભાગની સ્ત્રીઓને પોતાના પ્રેમ થકી પુરુષને બદલી કાઢશે એવી માત્ર આશા જ નહિ વિશ્વાસ પણ હોય છે. પોતાની સાથે થઇ રહેલો દુર્વ્યવહાર રોજીંદો નથી, ક્યારેક દુર્વ્યહાર બદલ એ માફી પણ માંગે છે, ફરી નહીં થાય એવી ખાતરી આપે છે વગેરે બાબતોથી મનોમન પોતાનો વિશ્વાસ દ્રઢ કરતી તે પોતાની જાતને એ સમજાવતી રહે છે કે સાથીનું આ વર્તન પોતાના પ્રેમ અને સંભાળથી સુધરી જશે. આમે’ય સ્ત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર કરનારા મોટાભાગના પુરુષો પોતાના આવા દુર્વ્યવ્હારોની વચ્ચેના સમયમાં પાછા જાણે ખુબ પ્રેમ કરનારા કે સંભાળ લેનારા હોય છે. પોતાની આવી હરકતો માટે માફી માંગનારા, ગીલ્ટ અનુભવનારા અને વાર-તહેવારે ભેટ-સોગાદોથી વરસી પડનારા હોય છે. સ્વાભાવિક રીતે જ આ સંજોગોમાં સ્ત્રીઓ લાગણીવશ બધો જ અત્યાચાર ભૂલી જાય છે અને કદાચ ભવિષ્યમાં અત્યાચાર થાય (અને થવાનો જ) તે સહન કરવા તૈયાર પણ થઇ જાય છે! જેટલી સ્ત્રી વધારે સુંદર અને પાવરફુલ એટલો તેનો આ વિશ્વાસ વધારે પાક્કો, એટલી તે વધુ અત્યાચાર સહન કરવાની. આ ઉપરાંત પોતાની સાથે આવું ખરાબ વર્તન થઇ રહ્યું છે એવું સ્વીકારવામાં પણ એને વધુ શરમ નડવાની. પોતે સુંદર અને પાવરફુલ હોવા છતાં તેનો સાથી તેની સાથે આવું વર્તન કરે છે એવું વિચારીને લોકો સરવાળે તો મારામાં જ નક્કી ખામી હશે કે મારી ચાલ-ચલગત અંગે સંદેહ કરશે તેવા ખ્યાલથી પણ ક્યારેક આ સ્ત્રીઓ ચુપ રહી જતી હોય છે. ક્યારેક બાળપણથી જ પોતાની માતા કે પોતે જાતે જ આવી હિંસાનો ભોગ બનતી આવી હોય તો આવા દુર્વ્યવ્હારો પ્રત્યે એક પ્રકારની માનસિક સ્વીકૃતિ પણ આવી જાય તેમ બને. ક્યારેક પોતે જ પસંદ કરેલો સાથી આવું વર્તન કરતો હોય ત્યારે પોતાની પસંદગી આવી નીકળી કે પોતે પસંદગીમાં થાપ ખાધી એવું મનોમન કે અન્ય પાસે સ્વીકારવું અઘરું બની જાય છે અને માર ખાઈને પણ હસતા રહેવાનો ડોળ કરતા રહેવું પડે છે! સેલીબ્રીટીઓ તો મોટાભાગે અંગત જીવનમાં સ્વીકૃતિ માટે ઝઝુમતી હોય છે, રિજેકશન સ્વીકારવું તેમને માટે લગભગ અશક્ય જેવું હોય છે અને તેથી જ તે સંબંધો બચાવવા સામાન્ય વ્યક્તિઓ કરતા વધુ સંઘર્ષ કરતી હોય છે.

spread a thought

સાવ સાચી વાત તો એ છે કે અત્યાચારભર્યા સંબંધોમાંથી નીકળી જવું આપણે માનીએ છીએ એટલું સરળ નથી હોતું. ભોગ બનનારી વ્યકિત પોતે જ પ્રેમ, ભય, શરમ, ગીલ્ટ વગેરે લાગણીઓમાં એટલી અટવાયેલી હોય છે કે સહજરીતે સંબંધમાંથી નીકળી જવા જેટલો આત્મ-વિશ્વાસ કે આંતરિક હિંમત તે એકઠી કરી શકતી નથી અથવા એમ કહોને કે તે એકઠી કરવામાં ખાસ્સો સમય નીકળી જાય છે અને ખુબ મનોબળ કેળવવું પડે છે. કેટલીક સ્ત્રીઓ તો પોતે આ વ્યવહારને જ યોગ્ય છે તેટલી હદે હતાશ કે નિરાશ થઇ ગઈ હોય છે તે સંજોગોમાં મનોબળ જેવું કશું બચ્યું જ નથી હોતું અને જાણે નિસહાયતા કોઠે પડી ગઈ હોય છે. આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં આર્થિક પરતંત્રતા, કુટુંબ તરફથી અપૂરતો સહકાર, બાળકો, સામાજિક દબાવ વગેરે પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. હિંસાનો દરેક પ્રસંગ સહન કરનારની આંતરિક હિંમત અને આત્મવિશ્વાસ તોડતો જાય છે. એ ઉપરાંત દુર્વ્યવહારોની વચ્ચે પણ સંબંધ સાચવવા કરેલો સંઘર્ષ અને આપેલો સમય વ્યર્થ ના જાય એ ઈરાદાથી સહન કરનાર વધુ સહન કર્યે જાય છે.

જમાનો બદલાઈ રહ્યો છે. અત્યાચારનો ભોગ ભલે સ્ત્રીઓ વધારે બનતી હશે પણ પુરુષો ભોગ બનવાથી બાકાત નથી રહ્યા. પુરુષો માટે આ સ્વીકારવું ઘણું અઘરું છે અને માટે સ્ત્રીઓની સરખામણીએ ઘરેલું હિંસાનો ભોગ બનતા પુરુષોની હાલત તો વધુ કફોડી હોય છે. ના કહેવાય, ના સહેવાય, બીજા લોકો દ્વારા ના મનાય એવી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયેલા આ પુરુષો છે. જરૂરી નથી કે આ પુરુષો ઉપર શારીરિક અત્યાચાર જ થતો હોય, સ્ત્રી-તરફી કાયદાઓનો અત્યાચાર પણ કંઈ ઓછો નથી હોતો.

છેલ્લે ત્રણ અઠવાડિયાથી ચાલતી વાતના સમાપનમાં એટલું જ કહેવું છે કે ‘માય ચોઈસ – ફીમેલ વર્ઝન /મેલ વર્ઝન જેવા ધંધાદારી ગતકડાઓ આવશે-આવતા રહેશે. આ લોકો પોતપોતાના સ્વાર્થમાં હવાઓ ફૂંકતા રહેશે પણ એ વંટોળ વચ્ચે આપણે તો એ જ સમજ કેળવવી પડશે કે સંઘર્ષ ઘટે અને સહજીવન સુખમય-મજબુત બને તો સશક્તિકરણ કામનું નહીંતર અશક્ત જ શું ખોટા હતા, મઝાથી લગ્નના સાઠ વર્ષ ઉજવતા નહતા?!!

પૂર્ણવિરામ:

સ્ત્રીનું સશક્ત હોવું એટલે રોકટોક વગરનું સ્વચ્છંદ જીવન જીવવું એમ નહીં, સ્ત્રીનું સશક્ત હોવું એટલે સન્માનયુક્ત આત્મનિર્ભર જીવન જીવવું.

 

3 Comments Add yours

  1. Phalguni says:

    The ultimate truth!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s