RSS

Tag Archives: My choice

‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’

Tari ane mari vaat

ટૂંકાણમાં કે સંક્ષિપ્તમાં ઘણું કહેવું એ એક કળા છે. નિબંધ લખવા-સમજવા કરતા વન-લાઈનર લખવા-સમજવા માટે વધુ બુદ્ધી, સમજદારી અને ડહાપણની જરૂરીયાત હોય છે. ઘણીવાર આ વન-લાઈનર્સ એટલા માર્મિક હોય છે કે જાણે એક વાક્યમાં જીવનના મસમોટાં સત્યો સમાઈ ગયા હોય. ગુજરાતી ભાષાના લુપ્ત થઇ રહેલા રૂઢીપ્રયોગો અને કહેવતો આવા વન-લાઈનર્સ જ છે ને?! સમજાય તો ઘણું ઊંડું નહીંતર ઉપરથી…

‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’ – એક વાક્યની આવી નિખાલસ કબુલાત આખા’ય સંબંધની બાયોગ્રાફી જેવી છે, જો સમજાય તો. ઉપરથી ઉજળા લગતા કેટલાક સંબંધોની આ નરી સચ્ચાઈ છે. આપણે ગતસપ્તાહે ‘તારી અને મારી વાત’માં પોપ-સિંગર રિહાના, પોપ-ક્વીન મેડોના, બોન્ડ-ગર્લ હેલ બેરી કે પછી ઘર આંગણાની રતિ અગ્નિહોત્રી, યુકતા મુખી, ઝીન્નત અમાન, શ્વેતા તિવારી, રિહા પિલ્લાઇ વગેરેની શારીરિક-માનસિક અત્યાચારોની જાહેર કબુલાતોની વાતમાં એક કુતુહલતા ઉપર આવીને અટક્યા હતા. આર્થિક રીતે પતિ ઉપર નિર્ભર, ઓછું ભણેલી કે અભણ, બેકાર-ઘરમાં બેસી રહેલી, કુરૂપ, પતિ વગર નિરાધાર એવી સ્ત્રીઓ મજબૂરીવશ શારીરિક અત્યાચારો સહન કરે તે હજી કદાચ સમજી શકાય તેવી વાત છે. પરંતુ, જાણીતી, સ્વરૂપવાન, પાવરફુલ, આર્થિક રીતે ખુબ સધ્ધર, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી આ સ્ત્રીઓએ કે એમના જેવી બીજી ઘણી સ્ત્રીઓએ મોં ખોલતા પહેલા, લગ્ન કે સંબંધ તોડતા પહેલા આ બધું સહન કેમ કર્યું હશે?! આપણા તર્કમાં ના બેસે તેવા આવી વરવી વાસ્તવિકતા ધરાવતા સંબંધોમાં લાંબા સમય સુધી ઢસડાતા રહેવા પાછળની માનસિકતા શું?!! એમાં’ય ખાસ કરીને એવી વ્યક્તિઓ, કે જેણે સંબંધમાં ક્યારેય આવો વ્યવહાર ના અનુભવ્યો હોય, તેને તો રીતસર સહન કરનારી વ્યક્તિ ઉપર ગુસ્સો આવતો હોય છે કે આવા અત્યાચારભર્યા સંબંધને ઠોકર મારીને તે નીકળી કેમ નથી જતી?

સ્ત્રીઓ પુરુષો કરતા પ્રેમમાં વધુ વિશ્વાસ ધરાવે છે અને એથી’ય એક ડગલું આગળ, મોટાભાગની સ્ત્રીઓને પોતાના પ્રેમ થકી પુરુષને બદલી કાઢશે એવી માત્ર આશા જ નહિ વિશ્વાસ પણ હોય છે. પોતાની સાથે થઇ રહેલો દુર્વ્યવહાર રોજીંદો નથી, ક્યારેક દુર્વ્યહાર બદલ એ માફી પણ માંગે છે, ફરી નહીં થાય એવી ખાતરી આપે છે વગેરે બાબતોથી મનોમન પોતાનો વિશ્વાસ દ્રઢ કરતી તે પોતાની જાતને એ સમજાવતી રહે છે કે સાથીનું આ વર્તન પોતાના પ્રેમ અને સંભાળથી સુધરી જશે. આમે’ય સ્ત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર કરનારા મોટાભાગના પુરુષો પોતાના આવા દુર્વ્યવ્હારોની વચ્ચેના સમયમાં પાછા જાણે ખુબ પ્રેમ કરનારા કે સંભાળ લેનારા હોય છે. પોતાની આવી હરકતો માટે માફી માંગનારા, ગીલ્ટ અનુભવનારા અને વાર-તહેવારે ભેટ-સોગાદોથી વરસી પડનારા હોય છે. સ્વાભાવિક રીતે જ આ સંજોગોમાં સ્ત્રીઓ લાગણીવશ બધો જ અત્યાચાર ભૂલી જાય છે અને કદાચ ભવિષ્યમાં અત્યાચાર થાય (અને થવાનો જ) તે સહન કરવા તૈયાર પણ થઇ જાય છે! જેટલી સ્ત્રી વધારે સુંદર અને પાવરફુલ એટલો તેનો આ વિશ્વાસ વધારે પાક્કો, એટલી તે વધુ અત્યાચાર સહન કરવાની. આ ઉપરાંત પોતાની સાથે આવું ખરાબ વર્તન થઇ રહ્યું છે એવું સ્વીકારવામાં પણ એને વધુ શરમ નડવાની. પોતે સુંદર અને પાવરફુલ હોવા છતાં તેનો સાથી તેની સાથે આવું વર્તન કરે છે એવું વિચારીને લોકો સરવાળે તો મારામાં જ નક્કી ખામી હશે કે મારી ચાલ-ચલગત અંગે સંદેહ કરશે તેવા ખ્યાલથી પણ ક્યારેક આ સ્ત્રીઓ ચુપ રહી જતી હોય છે. ક્યારેક બાળપણથી જ પોતાની માતા કે પોતે જાતે જ આવી હિંસાનો ભોગ બનતી આવી હોય તો આવા દુર્વ્યવ્હારો પ્રત્યે એક પ્રકારની માનસિક સ્વીકૃતિ પણ આવી જાય તેમ બને. ક્યારેક પોતે જ પસંદ કરેલો સાથી આવું વર્તન કરતો હોય ત્યારે પોતાની પસંદગી આવી નીકળી કે પોતે પસંદગીમાં થાપ ખાધી એવું મનોમન કે અન્ય પાસે સ્વીકારવું અઘરું બની જાય છે અને માર ખાઈને પણ હસતા રહેવાનો ડોળ કરતા રહેવું પડે છે! સેલીબ્રીટીઓ તો મોટાભાગે અંગત જીવનમાં સ્વીકૃતિ માટે ઝઝુમતી હોય છે, રિજેકશન સ્વીકારવું તેમને માટે લગભગ અશક્ય જેવું હોય છે અને તેથી જ તે સંબંધો બચાવવા સામાન્ય વ્યક્તિઓ કરતા વધુ સંઘર્ષ કરતી હોય છે.

spread a thought

સાવ સાચી વાત તો એ છે કે અત્યાચારભર્યા સંબંધોમાંથી નીકળી જવું આપણે માનીએ છીએ એટલું સરળ નથી હોતું. ભોગ બનનારી વ્યકિત પોતે જ પ્રેમ, ભય, શરમ, ગીલ્ટ વગેરે લાગણીઓમાં એટલી અટવાયેલી હોય છે કે સહજરીતે સંબંધમાંથી નીકળી જવા જેટલો આત્મ-વિશ્વાસ કે આંતરિક હિંમત તે એકઠી કરી શકતી નથી અથવા એમ કહોને કે તે એકઠી કરવામાં ખાસ્સો સમય નીકળી જાય છે અને ખુબ મનોબળ કેળવવું પડે છે. કેટલીક સ્ત્રીઓ તો પોતે આ વ્યવહારને જ યોગ્ય છે તેટલી હદે હતાશ કે નિરાશ થઇ ગઈ હોય છે તે સંજોગોમાં મનોબળ જેવું કશું બચ્યું જ નથી હોતું અને જાણે નિસહાયતા કોઠે પડી ગઈ હોય છે. આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં આર્થિક પરતંત્રતા, કુટુંબ તરફથી અપૂરતો સહકાર, બાળકો, સામાજિક દબાવ વગેરે પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. હિંસાનો દરેક પ્રસંગ સહન કરનારની આંતરિક હિંમત અને આત્મવિશ્વાસ તોડતો જાય છે. એ ઉપરાંત દુર્વ્યવહારોની વચ્ચે પણ સંબંધ સાચવવા કરેલો સંઘર્ષ અને આપેલો સમય વ્યર્થ ના જાય એ ઈરાદાથી સહન કરનાર વધુ સહન કર્યે જાય છે.

જમાનો બદલાઈ રહ્યો છે. અત્યાચારનો ભોગ ભલે સ્ત્રીઓ વધારે બનતી હશે પણ પુરુષો ભોગ બનવાથી બાકાત નથી રહ્યા. પુરુષો માટે આ સ્વીકારવું ઘણું અઘરું છે અને માટે સ્ત્રીઓની સરખામણીએ ઘરેલું હિંસાનો ભોગ બનતા પુરુષોની હાલત તો વધુ કફોડી હોય છે. ના કહેવાય, ના સહેવાય, બીજા લોકો દ્વારા ના મનાય એવી વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયેલા આ પુરુષો છે. જરૂરી નથી કે આ પુરુષો ઉપર શારીરિક અત્યાચાર જ થતો હોય, સ્ત્રી-તરફી કાયદાઓનો અત્યાચાર પણ કંઈ ઓછો નથી હોતો.

છેલ્લે ત્રણ અઠવાડિયાથી ચાલતી વાતના સમાપનમાં એટલું જ કહેવું છે કે ‘માય ચોઈસ – ફીમેલ વર્ઝન /મેલ વર્ઝન જેવા ધંધાદારી ગતકડાઓ આવશે-આવતા રહેશે. આ લોકો પોતપોતાના સ્વાર્થમાં હવાઓ ફૂંકતા રહેશે પણ એ વંટોળ વચ્ચે આપણે તો એ જ સમજ કેળવવી પડશે કે સંઘર્ષ ઘટે અને સહજીવન સુખમય-મજબુત બને તો સશક્તિકરણ કામનું નહીંતર અશક્ત જ શું ખોટા હતા, મઝાથી લગ્નના સાઠ વર્ષ ઉજવતા નહતા?!!

પૂર્ણવિરામ:

સ્ત્રીનું સશક્ત હોવું એટલે રોકટોક વગરનું સ્વચ્છંદ જીવન જીવવું એમ નહીં, સ્ત્રીનું સશક્ત હોવું એટલે સન્માનયુક્ત આત્મનિર્ભર જીવન જીવવું.

 

 

Tags: , , , , , , ,

મિસવર્લ્ડને પણ પાર્ટીમાં જતા પહેલા પતિની ઈચ્છા વિરુદ્ધના કપડા પહેરવા માટે ગાડીમાં માર પડતો હોય ત્યાં ‘માય ચોઈસ’ની વાત ધંધાકીય ગતકડાંથી વિશેષ શું હોય?!

Tari ane mari vaat

‘સ્ત્રીઓ મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતો નહીં પણ એક સન્માનપૂર્વક નજર માટે તરસે છે – સર, ગત સપ્તાહે તમે તમારી કોલમમાં કરેલી આ વાત મને ખુબ સ્પર્શી ગઈ અને તેથી જ મને મારી વાત તમારી સાથે શેર કરવાની હિંમત આવી છે’ વિદેશથી એક મહિલા તબીબે કરેલા ઇ-મેઇલની શરૂઆતના આ શબ્દો છે. છેલ્લા પંદર વર્ષથી ત્યાં સ્થાયી થયેલ આ બેનના પતિ પણ તબીબ છે. જે હોસ્પીટલમાં કામ કરે છે ત્યાં બંનેની સારી નામના છે. આદર્શ ગણાતા આ યુગલમાં પતિ કરતા પત્નીની ટેક-હોમ સેલેરી વધારે છે. ચાલો આટલા બેકગ્રાઉન્ડ પછી સીધા મેઇલમાં શેર કરેલી વાત ઉપર આવીએ. ‘લગભગ છેલ્લા બાર વર્ષથી હું ઘરેલું હિંસાની વચ્ચે જીવું છું. અવાર-નવાર, વાંક હોય કે ના હોય પતિનો માર ખાતી રહી છું. ક્યારેક એકાદ બે લાફા તો ક્યારેક ગડદા-પાટુંનો ઢોર માર. આ સિવાય ગમે તેવી ભાષા, મારા માટે એકદમ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગો, હું કમાતી હોવા છતાં દરેક નાની જરૂરિયાતો માટે માંગવી પડતી ભીખ અને કેટકેટલું – લખતા’ય શરમ આવે છે, સંકોચ થાય છે. પાછું સાવ એવું’ય નથી, આમ પાછો કેર પણ એટલી જ કરે. ક્યારેક માફી પણ માંગે અને ફરી નહીં થાય એવું પણ કહે, પરંતુ ક્યારે હવામાન પલટાઈ જાય તે કહેવાય નહીં. મેં ક્યારે’ય આ વિષે કોઈને વાત નહતી કરી. શરુ શરૂમાં તો મને એવું પણ લાગતું હતું કે મારો જ વાંક છે અને તેનું મારા પ્રત્યેનું આ વર્તન સહજ છે, યોગ્ય છે. પાછો માફી પણ માંગે એટલે હંમેશા થતું કે આજે નહીં તો કાલે પરિસ્થિતિ બદલાઈ જશે. પરંતુ કંઈ બદલાવાનું તો ઠીક, ધીરે ધીરે મારની સાથે સાથે તેની મારા તરફની નફરત પણ વધતી ગઈ. મારી દીકરી પણ સમજણી થઇ ગઈ અને એની હાજરીનો કોઈ ફરક એને નહતો પડતો. પાંચેક મહિના પહેલા મને થઇ ગયું કે બસ, બહુ થઇ ગયું. મારી દીકરીના ભવિષ્ય માટે પણ મારે કંઇક નિર્ણય લેવો પડશે. મેં સગા-વહાલાઓને વાત કરી. સાસરીયાઓએ કહ્યું કે હું નાટકબાજ છું કારણ કે બાર વર્ષથી ચાલતી વાતનો મેં હવે ઉપાડો લીધો. પિયરીયા કહે છે કે જેમ બાર નીકળી ગયા તેમ બાવીસ પણ નીકળી જશે. પછી તું જે નિર્ણય કરે, અમે તારી સાથે છીએ. મેં ડિવોર્સ ફાઈલ કરી દીધા છે. ઘણીવાર મને વિચાર આવે છે કે મારી પાસે ઉચ્ચ ડીગ્રી, સલામત અને મોભાદાર નોકરી, ખુબ સારો પગાર બધું જ હતું. સાચા અર્થમાં સશક્ત કહેવાઉં એવી હું મહિલા હતી તેમ છતાં આટલું કેમ સહન કર્યું?! મારે શું જરૂર હતી?! સર, તમારી વાતમાંથી મને એનો જવાબ મળ્યો કે મારે બીજા કશા’યની નહીં પણ એની નજરમાં માત્ર મારા માટે સન્માનની જરૂર હતી. જો એ હોત તો કદાચ આવા શારીરિક ત્રાસ સાથે પણ જિંદગી એની સાથે ગુજારી લીધી હોત’

આ બેનને તમે નાટકબાજ કહેશો?! ના, હું નહીં કહું કારણ કે નાટકબાજ – ડ્રામા ક્વીન બાર વર્ષની રાહ ના જુએ એનો તમાશો તો તાત્કાલિક હોય અને હકીકત કરતા ઘણો વધુ રંગીન હોય! કયારેક આવી ડ્રામા-કવીનો વિષે વાત કરીશું પરંતુ આપણે જે વાત કરી રહ્યા છીએ એ મહિલા તબીબની આપવીતી કંઈ ખાસ અસામાન્ય નથી, તેના કરતા પણ અનેકગણી સશક્ત કહી શકાય તેવી મહિલાઓએ વર્ષો સુધી શારીરિક અને માનસિક અત્યાચારો સહન કર્યા પછી મોં ખોલ્યા છે અને પોતાની એબ્યુઝીવ કહી શકાય તેવી રિલેશનશિપ તોડી છે. પોપ સિંગર રિહાનાએ આંખોમાં લોહી જામી જવાને કારણે પોતાનો ગ્રેમી-એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત સમારંભમાં કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હોય તેવો માર ખાધાના ત્રણ વર્ષ બાદ મો ખોલ્યું. એંશીના દાયકામાં પોપ ક્વીન મેડોનાએ પતિ સીન પેનના હાથે સળંગ નવ કલાક માર ખાધા હોવાની કબુલાત વર્ષો પછી કરી હતી. દુનિયાને ઘેલું કરનાર બોન્ડ-ગર્લ હેલ બેરીએ પણ તેના જમણા કાનમાં લગભગ એંશી ટકા બહેરાશ આવી ગઈ તેવો માર ખાધાની વર્ષો બાદ કબુલાત કરી હતી અને ત્યારબાદ ઘરેલું-હિંસાની વિરુદ્ધ સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ હતી. હમણાં તાજેતરમાં જ આપણે ત્યાં રતિ અગ્નિહોત્રીએ ત્રીસ વર્ષના લગ્નજીવન બાદ આવી કબુલાત મીડિયા સમક્ષ કરી. વિશ્વ સુંદરી યુક્તા મુખી જેની વાત આપણે આ લેખના મથાળામાં કરી, મિસ ઇન્ડિયા રહી ચુકેલી સફળ અભિનેત્રી ઝીન્નત અમાન, ટીવી સ્ટાર શ્વેતા તિવારી વગેરે જેવી ઘણી જાણીતી સ્ત્રીઓ આ યાદીમાં છે.

ઘરેલું હિંસા કે ડોમેસ્ટિક વાયોલન્સના જાણીતા કિસ્સાઓની જેમ તેના આંકડા પણ ચોંકાવનારા છે. સ્ત્રીના અધિકારો કે વુમન એમ્પાવરમેન્ટની રાજધાની જેવા ગણાતા અમેરીકામાં દર ચાર પૈકી એક સ્ત્રીએ (પચ્ચીસ ટકા) આ પ્રકારની હિંસાનો અનુભવ કર્યો હોય છે. સ્વાભાવિક છે આપણા દેશમાં તો આ આંકડા ઊંચા જ હોય, શારીરિક હિંસાની જ વાત કરીએ તો લગભગ દર પાંચે બે સ્ત્રીઓ (આડત્રીસ ટકા) એનો શિકાર છે અને એમાં જો માનસિક ત્રાસ, જાતીય સતામણી, ગાળા-ગાળી કે અપમાનજનક ટિપ્પણીઓનો સમાવેશ કરીએ તો આ આંકડો સિત્તેર ટકાથી ઉપર પહોંચી જાય એમ છે. આવી વરવી વાસ્તવિકતાની વચ્ચે પણ ‘માય ચોઈસ’ જેવા એમ્પાવરમેન્ટ વિડીયો વાઈરલ થઇ જાય એ દંભની પરાકાષ્ઠા જ નહીં, સ્ત્રીઓમાં છુપા આક્રોશનું અને પુરુષની રીએક્શન-ફોર્મેશનની સ્વ-બચાવ મનોવૃત્તિ છે. હા, મહિલા સશક્તિકરણની વાતો અને મહિલા તરફી કાયદાઓને કારણે હવે આ વાત એક તરફી નથી રહી પુરુષો પણ આવી ઘરેલું હિંસાનો ભોગ બનવા માંડ્યા છે અને એથી’ય વધુ કાયદાની ચુંગાલમાં સાચા કે ખોટા ફસાવા લાગ્યા છે. સશક્તિકરણ તો થયું છે કે નહીં તે ચર્ચાનો વિષય છે પણ સંઘર્ષીકરણ ચોક્કસ થયું છે !!

આ સમગ્ર ચર્ચામાં વાંચકોના મનમાં ઉઠવી જોઈએ એવી એક કુતુહલતાની ચર્ચા હજી બાકી છે. આર્થિક રીતે પતિ ઉપર નિર્ભર, ઓછું ભણેલી કે અભણ, બેકાર-ઘરમાં બેસી રહેલી, કુરૂપ, પતિ વગર નિરાધાર એવી સ્ત્રીઓ મજબૂરીવશ શારીરિક અત્યાચારો સહન કરે તે હજી કદાચ સમજી શકાય તેવી વાત છે. પરંતુ, જાણીતી, સ્વરૂપવાન, પાવરફુલ, આર્થિક રીતે ખુબ સધ્ધર, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી આ સ્ત્રીઓએ કે એમના જેવી બીજી ઘણી સ્ત્રીઓએ મોં ખોલતા પહેલા, લગ્ન કે સંબંધ તોડતા પહેલા આ બધું સહન કેમ કર્યું હશે?! તેની પાછળ શું માનસિકતા ભાગ ભજવતી હશે?!! આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ…

પૂર્ણવિરામ:

જેમ બંદુકનો ઉપયોગ રક્ષકો ઓછો અને ભક્ષકો વધુ કરે છે, તેમ ઘરેલું હિંસા અને દહેજ વિરોધી કાયદાઓનો ઉપયોગ પીડિત સ્ત્રીઓ ઓછો અને બદલો લેવા માંગતી સ્ત્રીઓ વધારે કરે છે.

spread a thought

 

Tags: , , , , , , ,

મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતોની વચ્ચે માત્ર એક સન્માનપૂર્વક નજર માટે તરસતી સ્ત્રીઓની લાગણીઓને મચડતું ‘માય ચોઈસ’ નામનું એક ગતકડું…

Tari ane mari vaat

આપણા મોબાઈલ ફુલ્લી લોડેડ હોય છે, ફીચર્સથી નહીં પણ એપ્સથી! કામનું હોય કે ના હોય, મફતમાં છે તો નાખી દેવાનું. લગભગ એકસરખી યુટીલીટી હોય તો પણ મફતમાં છે ને?! નાખો ત્યારે – વોટ્સ એપ, વાઈબર, હાઈક, સ્નેપ ચેટ, ટેલીગ્રામ, વી ચેટ, એફ્બી મેસેન્જર, હેન્ગઆઉટ – ફુલ્લી લોડેડ ! મોબાઈલના આવા મફતિયા પ્લેટફોર્મ પર મફતિયા પબ્લીસીટી મળી જાય તો એ ઈશ્વરના આશીર્વાદ કહેવાય. ધંધાદારીઓ માટે તો આ વાત જેકપોટ લાગવા જેવી છે અને માટે જ એ રાત-દિવસ કંઈ ના કંઈ ગતકડાં કાઢતા રહે છે, એમાંનું કંઈપણ આ પ્લેટફોર્મ પર વાઈરલ થઇ જાય તો સાવ મફતની પબ્લીસીટી અને એ પણ સીધી મોબાઈલથી મગજમાં. એ જ પાછો એનો એડવર્ટાઈઝીંગ એજન્ટ હોય એમ બીજા પાંચ-પચ્ચીસને ધકેલે એ નફામાં. નાનો હોય કે મોટો, ધંધા અને બ્રાન્ડીંગના ચક્કરમાં દરેક  આવી વાઈરલ થઇ જાય અને મફતિયા પબ્લીસીટી અપાવે તેવી તકની ફિરાકમાં છે. તાજેતરમાં જ આવો જેકપોટ ત્રેવીસ દેશોમાં પ્રકાશિત થતા અમેરિકન ફેશન-લાઈફ સ્ટાઈલ મેગેઝીન ‘વોગ’ને લાગી ગયો. આપણા દેશમાં મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતોની વચ્ચે માત્ર એક સન્માનપૂર્વક નજર માટે તરસતી સ્ત્રીઓની લાગણીઓને મચડતું ‘એમ્પાવર’ નામનું વોગનું એક ગતકડું લગભગ છ મહિનાથી જાણે વાઈરલ થવાની રાહમાં હતું. તેની ‘સ્ટાર્ટ વીથ ધ બોયઝ’, ‘વુમન થ્રુ રણબીર કપૂરસ્ લેન્સ’, ‘ગોઇંગ હોમ’ જેવી શોર્ટ-ફિલ્મો જે કામ ના કરી શકી તે ‘માય ચીસ’ ઓહ સોરી ‘માય ચોઈસ’, નામની શોર્ટ-ફિલ્મે કરી નાખ્યું ! અવાજ બંધ કરીને જુઓ તો ‘ડવ’ સાબુની એડ જેવા લગતા આ વિડીયોમાં દીપિકા પાદુકોણ સ્ત્રીની મરજી વિષે એક પુરુષે લખેલી સ્ક્રીપ્ટ બોલે છે અને જાણે ‘ડવ’ ફેરનેસ ચેલેન્જ લીધી હોય તેવા ચહેરાઓ અને હાવભાવ બદલાતા જાય છે. સ્ત્રીઓની અંગત સ્વાર્થી પસંદગીઓ જેવી લાગતી આ ફિલ્મ ખરેખર પુરુષના સ્વાર્થી મગજની પેદાશ છે અને માટે જ સશક્તિકરણની વાતો પહેરવેશ, સેક્સ, રખડપટ્ટી, બિન્દાસ્તપણા વગેરે પુરતી જ રાખી છે. નો વન્ડર, સ્ક્રીપ્ટ પુરુષે લખી છે એટલે સમાનતા, સન્માન, રોજગાર, સલામતી, સહકાર, પરસ્પર જવાબદારી વગેરે વાતો તો ના જ હોય ને. વિડીયો જોઇને કુદતી બહેનોને સશક્તિકરણ એટલે શું એ સાચા અર્થમાં સમજાતું હશે તો જ આ વાત ખબર પડશે. બાકી, વિડીયોમાં દેખાતી દીપિકાને’ય એમાં શું બોલવું કે શું પહેરવું એની ચોઈસ નથી એ કડવી વાસ્તવિકતા છે.

સમજાય તો સમજવાની વાત એ છે કે જીવનમાં પસંદગી કે ચોઈસ પોતાની મરજી પ્રમાણે નહીં પણ ઉપલબ્ધ વિકલ્પોમાંથી કરવાની હોય છે. તમારી મરજી પાંચ સ્ત્રી સાથે લગ્ન કરવાની હોય, દિલ કો બહલાને કે લીયે યે ખયાલ અચ્છા હૈ પરંતુ કાયદો તમને આ વિકલ્પ નથી આપતો, એમાં માય ચોઈસ કહેવાય એવું નથી ! વિડીયોમાં દિપીકાબેન કહે છે કે હું ચાહું તો લગ્ન બહાર ‘સેક્સ’ કરું પણ બેન આ ચોઈસ ઉપલબ્ધ નથી, કાયદાની નજરમાં આ વ્યભિચાર છે અને સાબિત થાય તો જેલને પાત્ર છે. જે વાતો વિડીયોમાં માય ચોઈસ – માય ચોઈસ કરીને કરવામાં આવી છે તે જે વર્ગની મહિલાઓ માટે શક્ય છે તેને તો ઉપલબ્ધ જ છે પણ જેને માટે શક્ય નથી તે મહિલાઓ તેના વગર પણ ખુશ છે કારણ કે તેમની પ્રાથમિકતામાં વસ્ત્રો, સેક્સ, વ્યભિચાર, સ્વચ્છંદતા કે બિન્દાસ્તપણું નહીં પરંતુ સુખી લગ્નજીવન, સંતુષ્ટ માતૃત્વ, હુંફાળું કુટુંબ કે સમાજની નજરમાં સન્માન છે.

કમનસીબ બાબત એ પણ હશે કે આ વિડીયોને સપોર્ટ કરનારા બધા પુરુષો સ્ત્રી-સશક્તિકરણના સપોર્ટર નહીં હોય, એમાંના ઘણા તો સ્ત્રીની આવી બળવાખોરીનો પોતાના લાભમાં ઉપયોગ કરનારા પણ હોઈ શકે છે. સ્વતંત્રતા અને મરજી પ્રમાણે જીવવાની ભાવનાઓ ભડકાવી સ્ત્રી પાસે અંગત જાતીયઈચ્છાઓ પૂરી કરીને પલાયન થઇ જતો આ વર્ગ હોઈ શકે છે. મઝાની વાત એ છે કે ઘણા સર્જનાત્મક અને વિનોદી લોકો આવા બધા ગતકડાંની ઠેકડી ઉડાડતા કાઉન્ટર-ગતકડાં પણ વહેતા કરે છે. એમ્પાવરના ઓઠા હેઠળ સ્ત્રીની સ્વતંત્ર ઓછી સ્વચ્છંદી વધુ લાગે તેવી પસંદગીઓની સામે માય-ચોઈસના બે-ત્રણ મેલ-વર્ઝન પણ આવી ગયા છે, જેમાં પુરુષની વાહીઆત લાગે તેવી પસંદગીઓ છે. સાવ સાચી વાત તો એ છે કે સ્ત્રીને સશક્ત બનાવવાના નામે સદીઓથી ભેજાબાજો પોતાના રોટલા શેકી રહ્યા છે અને તે દિશામાં આ એક વધુ પ્રયાસ છે.

ત્રણેક અઠવાડિયા પહેલા જ આ કોલમમાં મેં લખ્યું’તુ કે સ્ત્રીઓએ નાહકના આક્રમક બનવાની જરૂર નથી. તેની આક્રમકતા પોતાની, કુટુંબની અને સમાજની સ્વસ્થતા માટે હાનીકારક છે. આ આખા વિડીયોમાં એક છૂપો આક્રોશ છે અને તે જાણે પુરુષને ઉદ્દેશીને કહેવાઈ છે પણ, સ્ત્રીને જેટલી અશક્ત અને પાંગળી સ્ત્રીઓએ કરી છે તેટલી કદાચ પુરુષોએ નથી કરી. પરંતુ પુરુષને છોડો, જે સ્ત્રીઓ આ વિડીયોની સપોર્ટર છે એમને એટલું જ પૂછો કે દીપિકા જે વાત કરે છે તેવી માનસિકતા કે અભિગમ ધરાવતી સ્ત્રી સાથે પોતાના પુત્ર કે ભાઈના લગ્ન કરશે?! હોંશિયારીમાં મોઢે કહેશે કે હા, કેમ નહીં?! પણ મનમાં વિચારશે કે આવી માથાની ફરેલને ઘરમાં થોડી લવાય?! આવી માનસિકતા ધરાવતી સ્ત્રીઓ સાથે પત્ની પોતાના પતિને છૂટથી બોલવા દેશે?! ના રે બાબા, પતિને લપટાવી દે તો? દીપિકાની વાતો સશક્ત કરે એવી ઓછી અને અસલામત કરે એવી વધારે છે. મારી તો સમજ સ્પષ્ટ છે જે વાણી, વર્તન, વ્યવહાર કે અભિગમથી સ્ત્રી (કે પુરુષ) સ્ત્રીની નજરમાં સન્માનીય બને એ સાચું સશક્તિકરણ બાકી બધું નર્યું દંભ અને ચાલાકી !!

પૂર્ણવિરામ:

દીપિકાના વિડીયો અંગે એક કીટલી પર સાંભળેલી વાત:

‘મેં તો દીપિકાનો વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે’

‘કેમ ભાભીને બતાવવા?!’

‘ના બે એના માટે નથી, આતો પેલીને કન્વીન્સ કરવા માટે કે દીપિકા પણ કહે છે આપણે જે કંઈ કરીએ છીએ એમાં કંઈ ખોટું નથી’

FullSizeRender 2

 

Tags: , , , , , ,