સમસ્યાઓ વર્ણવવા માટે સ્ત્રીઓ શબ્દ, સમય અને વ્યક્તિ શોધી જ લે છે, જયારે પુરુષો સમય અને વ્યક્તિ બન્ને સામે હોવા છતાં તેને વર્ણવવા શબ્દો શોધી નથી શકતા !

Cover

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે અને તે પણ ઘણી નાની વયે ! વિશ્વભરના સંશોધકોએ આ વાસ્તવિકતા પાછળ જવાબદાર હોય તેવા ઘણાં કારણો આગળ ધર્યા છે. આ પૈકી એક રસપ્રદ તારણ એવું પણ છે કે પુરુષો પોતાની સમસ્યાઓ, ખાસ કરીને લાગણીઓની;સહજતાથી વર્ણવી કે વહેંચી શકતા નથી. પરિણામે તેમના મન પર સતત તેનો બોજ રહેતો હોય છે (પુરુષોને વળી લાગણીઓનો બોજ ?!! બહેનો સાવ આવો પ્રશ્ન ના કરશો). લાગણીઓનો આ બોજ તેમનામાં હૃદયરોગનો હુમલો આવવાની શક્યતાઓમાં ખાસ્સો વધારો કરી મુકતો હોય છે. આ સિવાય બીજા ઘણાં કારણો છે; અત્યારે આપણે એની ચર્ચામાં નથી પડવું પણ એક વાત નક્કી છે કે પુરુષો તેની લાગણીઓની સમસ્યાઓ સ્ત્રી જેટલી સહજતાથી વર્ણવી નથી શકતા. સ્ત્રીઓને કઈ સમસ્યા ક્યાં, કોને અને કેવી રીતે વર્ણવવી તેની કુદરતી ફાવટ હોય છે (અલબત્ત, કેટલાક વીરલાઓને આ કળા સાધ્ય હોય છે જેનો  ભરપૂર ઉપયોગ તેઓ સ્ત્રીઓને લાગણીઓમાં ગૂંચવી નાખવામાં કરતાં હોય છે !). પોતાની પ્રત્યેક સમસ્યાઓ વર્ણવવા માટે સ્ત્રીઓ શબ્દ, સમય અને વ્યક્તિ શોધી જ લે છે, જયારે પુરુષો સમય અને વ્યક્તિ બન્ને સામે હોવા છતાં પોતાની લાગણીઓની અસમંજસ વર્ણવવા શબ્દો શોધી નથી શકતા.આમ તો એવી ઘણી બાબતો છે કે જે પુરુષ માટે સહજતાથી ચર્ચવી મુશ્કેલ છે પરંતુ તે પૈકી કેટલીક ખુબ સામાન્ય કહી શકાય તેવી બાબતોની ચર્ચા આપણે ગત સપ્તાહથી ઉખેળી છે. આ એવી બાબતો છે કે જેની સાથે સંકળાયેલી લાગણીઓ પુરુષો ઝડપથી કોઈની સાથે વહેંચી નથી શકતા !

અદેખાઈ એ સ્ત્રી સહજ સ્વભાવ છે પરંતુ, કેટલીક સ્ત્રીઓમાં આ લાગણી એટલી ઠાંસી ઠાંસીને ભરી હોય છે કે તેના કારણે તેમના રોજીંદા જીવનમાં સતત પ્રશ્નો સર્જાતા રહેતા હોય છે. આ સંદર્ભે તે સતત પોતાની તુલના અન્ય સ્ત્રીઓ (સાસુ, વહુ ,દેરાણી, જેઠાણી, નણંદ, ભાભી કે અન્ય) સાથે કર્યા કરે અને જયારે પુરુષને એ બાબતોમાં ઢસડી જાય ત્યારે પુરુષની હાલત કફોડી થઇ જતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં આ અદેખાઈ માત્ર ઘરની સ્ત્રીઓ પ્રત્યે જ નહિ બહારની સ્ત્રીઓ પણ હોય અને તેમાં જયારે લાગણીઓની અસલામતી ભળે ત્યારે તે પોતાના સાથીને અન્ય સ્ત્રીઓ (ક્યારેક પુરુષો) સાથે વાત સુધ્ધા કરતાં સાંખી ના શકે. ક્યારેક આ અદેખાઈ શંકાશીલતામાં પરિણમે અને પ્રશ્ન વધુ ગંભીર બને. પુરુષ માટે આ સમગ્ર પ્રશ્નની અન્ય સમક્ષ  ચર્ચા  કે રજૂઆત કરવી ખુબ મુંઝવણભરી બાબત છે.

આવી જ એક બીજી સામાન્ય બાબત છે સ્ત્રીના મનની સ્થિતિમાં (મૂડ)માં આવતા ચઢાવ-ઉતારની. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ઘણી વધારે ‘મૂડી’ હોય છે. તેના મનના આ ચઢાવ-ઉતારના કારણે પરેશાન રહેતો પુરુષ અંદર-અંદર મુંઝાય તે સ્વાભાવિક છે. ઘણી સ્ત્રીઓનો મૂડ ક્યારે અને કયા કારણોસર બગાડે તે કહી ના શકાય તેવી પરિસ્થિતિ પુરુષ માટે એક કોયડો છે અને આવું વારંવાર બંને તો એક બોજ પણ છે !

પોતાની સ્ત્રી-મિત્ર કે પત્ની અન્ય પુરુષો સાથે સંબંધ રાખે કે અંગત વ્યવહાર રાખે તે પુરુષો માટે ખુબ અસહ્ય બાબત છે. ભલે આ બાબતમાં પુરુષના ધોરણો બેવડા હોય, પોતે કરે તે માત્ર મુક્ત મનની વિચારધારાનો ભાગ પણ પોતાની સ્ત્રી કરે તો અક્ષમ્ય ગુનાનો ભાગ ! સાચા અર્થમાં પુરુષ માટે આ કહી ના શકાય અને સહી ના શકાય એવી પરિસ્થિતિ છે. સ્ત્રીને કહેવા જાય તો ચકમક ઝરે અને ના કહી શકે તો મનોભાર ! આ સમસ્યા તો અવિરત ચર્ચી શકાય પણ કહેવું માત્ર એટલું જ છે કે આ પ્રશ્ન લઈને પુરુષ ક્યાં’ય કોઈની પાસે સહજતાથી જઈ શકતો નથી.

કેટલાક વિજાતીય સંબંધોમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિનું વ્યસન થઇ જતું હોય છે, ખાસ કરીને સ્ત્રીને પુરુષનું (કારણો ક્યારેક બીજા લેખમાં…). આવી સ્ત્રીઓ પુરુષ પર સતત પ્રેમ દર્શાવતી હોય તેમ તેને વળગેલી રહે છે. દિવસમાં અવાર-નવાર ફોન કરવા, એસ.એમ.એસ. કરવા,ચેટ કે ઇમેલ વગેરે. જાણે કે પુરુષના માનસપટ પર પોતાની હાજરી સતત રાખવાની જેથી તે અન્યના વિચાર માટે નવરો જ ના પડે ! કોઈ પુરુષ સ્ત્રી માટે આવું કરે તો કદાચ સ્ત્રીને એ રોમેન્ટિક લાગે પણ પુરુષને તો આ બધાનો ભાર લાગે ! આ ભાર એવો છે કે જે તે ક્યાંય જઈને કહી શકે તેમ નથી.

જાતીય જીવનમાં સ્ત્રીનું ઠંડાપણું કે નીરસતા પુરુષો માટે કહી ના શકાય અને સહી ના શકાય તેવી સમસ્યાઓની યાદીમાં આવે છે. જાતીય જીવનમાં પુરુષના ઠંડાપણાને કારણે છુટછેડા માંગનારી સ્ત્રીઓની આપણી સિવિલ-કોર્ટો સાક્ષી છે પરંતુ, સ્ત્રીના ઠંડાપણાને કારણે છુટછેડા માંગનારા પુરુષો કેટલા ?! વાસ્તવિકતા તો એ છે કે જાતીય જીવનમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓના કિસ્સામાં ઠંડાપણા કે નીરસતાની સમસ્યા વધુ જોવા મળે છે. સ્ત્રીના ઠંડાપણાને કારણે લગ્નેતર સંબંધમાં બંધાયેલા પુરુષને પણ બીજી સ્ત્રી પાસે પોતાનું પત્ની સાથેનું જાતીય જીવન સુખી છે તેવી બડાઈઓ મારવી પડે છે જેથી બીજી સ્ત્રીને એમ ના થાય કે તે માત્ર તેની પાસે જાતીય સુખ મેળવવા જ આવે છે !

આ બધી’ય વાતોનો નિચોડ એટલો કે પુરુષો એવી ઘણી સમસ્યાઓથી પીડાતા હોય છે કે જે ના તો જાહેરમાં સ્વીકારી શકે અને ના તો પોતાની અંગત વ્યક્તિ સામે કહી શકે. અગત્યનું એ નથી કે આ સમસ્યાઓ પાછળ કોણ જવાબદાર છે, (કદાચ તે પોતે પણ જવાબદાર હોઈ શકે) અગત્યનું એ છે કે પોતાને સતત તનાવમાં રાખતી આવી કોઈ લાગણીઓને સ્પર્શતી સમસ્યાઓ હોય તો તેની ખુલ્લા દિલે ચર્ચા કરવાનું વલણ પુરુષે કેળવવું રહ્યું અને સ્ત્રીઓએ આ બાબતોને પુરુષની નબળાઈ ના ગણીને સાથ આપવો જોઈએ.

પૂર્ણવિરામ: સંબંધોમાં લાગણીઓના પ્રશ્નો સ્ત્રીને બોલકી બનાવે છે અને પુરુષને બોબડો !!

7 Comments Add yours

  1. Fazal Vahora says:

    Superb sir

  2. bhavesh patel says:

    sir, very true, and every man facing this facts in their life.

  3. YASH MAHARAJA says:

    very nice

  4. mittal says:

    sir,i really like this post

  5. fakt samasyao varnavava matej nahi, jo stri ne jarur pade hoy to tena aansuo ke sundarata no upyog karine game tene shodhi le chhe.

  6. mayuri trivedi says:

    dis article is just feb.! Pn ha, ek vat na samjai k jo strio satat potani hajri nondhavye rakhe to te purusho ne boj km lagto hse?!!

Leave a reply to patadiyadharmesh Cancel reply