અંગત હળવાશનો સમય આપણે મોબાઈલ, ટેબ્લેટ કે ટીવીના સ્ક્રીનને સોંપી દઈને નાજોઈતી ઉપાધિ વોહરી લીધી છે!

ટીનેજર્સ સાથે ચાલવાનું થાય ત્યારે મને ચાલવાની સૌથી વધારે મઝા આવે. નવી નવી વાતો જાણવા મળે અને તેમની ચાલવાની ઝડપ વધુ હોવાને કારણે કસરત પણ સારી થઇ જાય. હજી બે દિવસ પહેલા જ ક્લબમાં નિત્યક્રમ મુજબ હું ચાલતો હતો અને એક ઓળખીતો કિશોર ભેગો થઇ ગયો, અમે બંને જોડે ચાલવા માંડ્યા. ટીનેજર્સ સાથેના મારા વ્યવહારમાં એક વાતનું ધ્યાન મેં હંમેશા રાખ્યું છે, અને દરેક માતા-પિતાએ પણ રાખવું જોઈએ એ હું માનું છું, તે એ કે પૂછવાનું કે કહેવાનું ઓછું અને સાંભળવાનું વધારે. મોટાભાગના માતા-પિતાઓ કે વડીલો સાથે ટીનેજર્સ ખુલીને તેમના મનની વાત શેર કરતા નથી તેની પાછળ મોટેરાંઓનો જજમેન્ટલ એટીટ્યુડ, વણજોઈતી સલાહો, અંગત વાતો જાણવામાં બિનજરૂરી જિજ્ઞાસા અને પુરી વાત સાંભળવાની ધીરજનો અભાવ જેવા કારણો જવાબદાર હોય છે. 

બસ્સો મીટર જેવું મૂંગા મૂંગા ચાલ્યા બાદ એણે વાત શરુ કરી. ‘અંકલ શું લાગે છે આ કોવિડનું?!’

હજી હું કઈં જવાબ આપું તે પહેલા એના આઈફોનમાં ઝબકારો થયો અને તેણે ફોનમાં જોયું, મને ખ્યાલ આવ્યો કે કોઈ નોટિફિકેશન આવ્યું. ઘડીભર એ એના ફોનમાં વ્યસ્ત થયો અને પછી જાણે અચાનક સફાળો જાગ્યો હોય એમ બોલ્યો ‘ઓહ સોરી, આ વૉટ્સએપના ગ્રુપમાં લોકો ગમે ત્યારે ચાલુ પડી જાય છે!’ મેં મારી ટેવ મુજબ તરત જ  જવાબ આપવાને બદલે સાંભળે રાખ્યું, એનું ધ્યાન એણે જ પૂછેલા પ્રશ્ન પરથી ભટકીને વૉટ્સએપ ગ્રુપમાં ચઢી ગયું અને ગ્રુપમાં આવતા ફોરવર્ડ મેસેજીસ, વાહવાહી ચેઇન્સ, શુભેચ્છાઓ, અંગત કે જાહેર ચર્ચાઓ-વાર્તાલાપો વગેરે પર બળાપો ઠાલવવા માંડ્યો. થોડી વાર પછી કદાચ હું કઈં કહું તે માટે એ અટક્યો. 

મેં મૂંગા મૂંગા ચાલે રાખ્યું. ‘તમે મારી વાતોથી બોર થયા? સોરી!’ એણે મારા મૌનનું જાણે તારણ  કાઢ્યું હોય એમ કહ્યું.

ટીનેજર્સની વાત ધ્યાનથી અને ધીરજપૂર્વક સાંભળતા હોવ ત્યારે તે તમે શું વિચારો છે એ જાણવા અધીરા બનતા હોય છે. તમારે તેમને કઈં કહેવું હોય તો આ મોકો ઝડપી લેવાનો! મેં પણ મોકો ઝડપ્યો અને કહ્યું ‘ના રે, બોર થવા જેવું કઈં નથી. તારી વાત સાંભળતો હતો. તું આ જે ગ્રુપની વાત કરે છે એમાં તું પણ એક્ટિવ તો હોઈશ જ ને?’

‘ના, જરા’ય નહીં, હું તો એકદમ સાયલન્ટ છું’ ગર્વ લેવા જેવી વાત હોય તેવી અદાથી તેણે કહ્યું.

‘તું જે ગ્રુપમાં એક્ટિવ નથી અને ગ્રુપના મેસેજીસથી તું આટલો ત્રસ્ત છું તો પછી ગ્રુપમાંથી નીકળી કેમ નથી જતો?!’ મેં ધીમેથી જવા દીધું.

‘ના નીકળાય, ખરાબ લાગે’ તેણે તરત કહ્યું.

‘તું એક્ટિવ જ નથી પછી તારી હાજરી કે ગેરહાજરીથી અન્ય ગ્રુપ મેમ્બર્સને શું ફેર પડે?! કોને ખરાબ લાગે?! સાચી વાત તો એ છે કે મોટાભાગના ગ્રુપ મેમ્બર્સ વત્તે-ઓછે અંશે કો’ક માહિતી કે જાણકારી મેળવવાની રહી જશે એવા ડરથી પીડાતા હોય છે અને તેની લ્હાયમાં ફાલતુ પોસ્ટ સહન કર્યે જતા હોય છે. બાકી જો તને એવું ના હોય તો નીકળી જા, કદાચ તારી કોઈ નોંધ પણ નહીં લે!’ મેં આ કહ્યું તો ખરું પણ મને પાક્કી ખાતરી હતી કે ના તો એ ગ્રુપ છોડશે અને ના તો ગ્રુપની પોસ્ટ ઉપર બળાપો કાઢવાનું છોડશે. ગ્રુપનું તો પરદેશ જેવું છે, પરદેશમાં રહેનાર પરદેશમાં દેશ જેવી મઝા નથી એવું અવાર-નવાર કહેશે પણ દેશમાં પાછા આવીને વસવાનું ભાગ્યે જ વિચારશે, એ જ રીતે ગ્રુપ પોસ્ટ અંગે બળાપો ઠાલવતા રહેતા લોકો ગ્રુપ છોડીને જશે નહીં!!

વોટ્સએપ ગ્રુપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર કે પછી કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય, આપણે કશું’ય છોડવાના નથી. છોડી શકીએ એમ પણ નથી, મોટાભાગનાને તો આ બધું કોઈ બલાની જેમ વળગેલું છે. દારૂથી થતા નુકસાનનું જ્ઞાન દારૂ પીનારાને, દારૂ ના પીનારા કરતા, વધારે હોય છે અને માટે જ, દારૂથી થતા નુકસાન ગણાવીને કોઈનો દારૂ ના છોડાવી શકાય! એ જ રીતે, કોઈપણ જ્ઞાન આપીને, નુકસાન-ગેરફાયદા ગણાવીને કો’કનું ગ્રુપ, વોટ્સએપ કે સોશિયલ મીડિયા ના છોડાવી શકાય!! એમને બધી ખબર જ છે, તેમ છતાં રહેનારા તો ફાલતુ ફોરવર્ડ કે પોસ્ટમાં વ્યસ્ત રહેવાના જ ! મોબાઈલના હોય કે ટેબ્લેટના, લેપટોપના હોય કે ટીવીના, આ દુનિયાના બધા સ્ક્રીન તમારા સમય ઉપર જીવે છે. એ તમારો સમય ખાય છે અને તાજાંમાજાં રહીને નવું નવું પીરસતા જાય છે, સરવાળે તમે એના ઉપર વધુને વધુ સમય લટકતા જાવ છો! વાંધો સ્ક્રીન ટેક્નોલોજી સામે નથી, વાંધો આપણે જે રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તેની સામે છે, આપણા સમયની સાથે સાથે બીજા લોકોનો સમય બગાડીએ છીએ તેનો છે. વાંધો આપણી રોજિંદી ક્રિયાઓ અને કામના કલ્લાકો પછી બચેલા ‘મી-ટાઈમ’ (અંગત હળવાશનો સમય)માં થયેલા જબરદસ્ત ઘટાડાનો છે. આ એ સમય છે કે જેની ઉપર આપણી માનસિક સ્વસ્થતાનો સંપૂર્ણ આધાર છે, તેની ગુણવત્તા અવગણી શકાય એમ નથી. ‘મી-ટાઈમ’ આ સ્ક્રીન્સ વચ્ચે અટવાયેલો રાખવો કે આપણી આજુબાજુના લોકો – પ્રકૃતિ સાથે માણવો તે દરેકે પોતે નક્કી કરવાનું!

જયારે જયારે મોબાઈલ કે સોશિયલ મીડિયાની વાત નીકળે છે ત્યારે ત્યારે લેખમાં ક્યાં અટકવું તેની મૂંઝવણ થાય છે પણ સાથે સાથે મનમાં એ વાત ચોક્કસપણે આવે છે કે ટેક્નોલોજી, વિવિધ સ્ક્રીન્સ કે સોશિયલ મીડિયા બધું જ મઝાનું છે, જો ક્યાં અને ક્યારે અટકવું એ ખબર હોય તો!!

પૂર્ણવિરામ: 

મોબાઈલને કારણે સમયની એટલી મારામારી થવાની છે કે ભવિષ્યમાં માણસો એક આંખ બંધ રાખીને ઉંઘશે અને બીજી આંખથી મોબાઈલમાં વ્યસ્ત રહેશે!

PLEASE SUBSCRIBE THE BLOG AND SUPPORT SPREADING GOOD THOUGHTS

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s