મને નાનકડી વાર્તાઓ વાંચવી, કહેવી અને લખવી ગમે છે. પંચતંત્ર, જાતક કથાઓ, હિતોપદેશ, ઈસપ, ઝેન સ્ટોરીઝ વગેરે મારી પ્રિય વાર્તાઓ છે. હું કોલમોમાં અને વક્તવ્યોમાં અવારનવાર વાર્તાઓ કહેતો હોઉં છું. વાર્તા કહેવા હું ઘણીવાર મારા કાલ્પનિક પાત્ર બુધાલાલનો ઉપયોગ કરું છું. મેં વક્તવ્યોમાં અવારનવાર કહી છે એવી બુધાલાલની એક વાર્તાથી આજની વાત કરીએ.
બુધાલાલના ગામમાં એક મહાત્મા આવ્યા. મહાત્માની ઉંમર સવાસો વર્ષ છે એવી વાત કાને પડતા જ બુધાલાલ બધા કામ પડતા મૂકીને મહાત્માના દર્શન કરવા પહોંચી ગયા. ‘ગુરુજી આપના દર્શન કરીને હું ધન્ય થઇ ગયો, મને પણ સો વર્ષ જીવવાનો મંત્ર આપો’ બુધાલાલે તેમના પગમાં પડતા જ સીધી મતલબની વાત કરી નાખી.
‘બેટા મારી પાસે એવો કોઈ મંત્ર નથી, બધી ઈશ્વરકૃપા છે’ મહાત્માએ બુધાલાલને બે હાથે ઉભા કરતા કહ્યું.
બુધાલાલ એમ માની જાય એ વાતમાં માલ નહીં, પાછળ જ લાગી પડ્યા ‘આપની પાસે શતાયુ થવાનો મંત્ર તો જરૂર છે પરંતુ આપ એ મંત્ર મારા જેવા ભક્ત સાથે વહેંચવા નથી માંગતા’
મહાત્મા ના પાડતા રહ્યા અને બુધાલાલ દબાણ ઉભું કરતા રહ્યા. અંતે મહાત્મા થાક્યા, એમણે મનોમન વિચાર્યું કે આ માણસથી પીછો છોડાવવો હશે તો મંત્રના નામે કશા’ક જાપ તો આપવા જ પડશે. એમણે એક ચબરખીમાં સંસ્કૃતની બે લીટીઓ લખી આપીને બુધાલાલના હાથમાં મુકી. બુધાલાલના ચહેરા પર વિજયી સ્માઈલ ફરક્યું, ના પાડતા છતાં’ય મંત્ર કઢાવ્યો ને?! પોતાના મનને આવી શાબાશી આપતા, ચબરખી ખિસ્સામાં મૂકીને એ ચાલવા માંડ્યા.
‘એ બંધુ, ઉભો રહે, મંત્રની વિધિ તો જાણતો જા’ મહાત્માએ બૂમ પાડી ‘સ્નાન, ધૂપ-અગરબત્તી કરીને આ મંત્રનો એકાવન વાર જાપ કરજે, તું શતાયુ થઈશ. પરંતુ, એક ખાસ વાત, આ મંત્રનો જાપ કરતી વખતે મનમાં વાંદરો યાદ ના આવવો જોઈએ’
‘મને વળી વાંદરો શું કામ યાદ આવે?!’ બોલતા બોલતા બુધાલાલે તો ચાલતી પકડી. ઘરે પહોંચી, સીધું સ્નાન કરીને બુધાલાલ તો પૂજાની રૂમમાં ગોઠવાઈ ગયા. હજી તો અગરબત્તી પેટાવે છે ત્યાં મનમાં વાંદરો યાદ આવ્યો. ‘હા, મને ખબર છે મારે તને યાદ નથી કરવાનો!’ બુધાલાલે પોતાના મનને કહ્યું અને અગરબત્તી પ્રગટાવી. ચબરખી ખોલી ત્યાં મનમાં ફરી વાંદરો! ‘વાંદરો યાદ નથી કરવાનો’ બુધાલાલે મનને ઠપકાર્યું. મન પણ ગાંજ્યું જાય એવું નહતું, એકને બદલે હવે બે વાંદરા મનમાં આવ્યા! બુધાલાલ મનના વિચારોને દબાવવા માંડ્યા અને અંદર વાંદરા તોફાને ચઢ્યા. વાંદરાથી પીછો છોડાવવા બુધાલાલે જગ્યા બદલી, ઘરના આંગણામાં આવેલા ઘટાદાર લીમડાના વૃક્ષ નીચે બેઠક જમાવી, અગરબત્તી જમીનમાં ખોસી અને ચબરખી ખોલી ત્યાં પવનની એક લહેરખી આવી, વૃક્ષના પાંદડા હલ્યા અને બુધાલાલ ભડક્યા ‘વાંદરું?!’ ચારે બાજુ નજર દોડાવી, ક્યાં’ય કશું ના દેખાયું પણ મનમાં વાંદરાઓએ કૂદાકૂદ કરી મૂકી. ચારેકોર વાંદરાનો ભ્રમ થવા માંડ્યો, ચિચિયારીઓ સંભળાવવા માંડી, બુધાલાલ તો ગાંડા જેવા થઇ ગયા. એમણે સીધી મહાત્મા પાસે દોટ મૂકી, પગમાં પડતાની સાથે વિનંતી કરવા માંડ્યા ‘મહારાજ લો આ તમારો મંત્ર પાછો, સો વર્ષ જીવવાની વાત છોડો, મને તો બસ વાંદરાથી છોડાવો. અગરબત્તી પેટાવી ત્યારથી અત્યાર સુધી મેં જિંદગીમાં નથી વિચાર્યા એટલા વાંદરા મને ફરી વળ્યાં છે. ભૂલ થઇ ગઈ બાપજી પણ હવે મારા મગજમાંથી આ વાંદરા અને એના વિચારો બંનેને કાઢો’
આ વાર્તા હું મારા વક્તવ્યોમાં મનની અવળચંડાઈ સમજાવવા માટે કરું છું. આપણું મન નકાર પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે, કોઈપણ પ્રકારના નિષેધને જડતાપૂર્વક પકડી રાખે છે. જે વિચાર કે વર્તનમાં નકાર હોય તે કરવા લલચાતું રહે છે અને તે પણ વ્યસનીની જેમ! જે વિચાર અવગણવાના છે, જેનો પ્રતિકાર કરવાનો છે, તે જ વિચારો તમારી સામે થઈને વધુ મજબૂતાઈથી તમને વળગી રહે છે. જે વિચારોને તમે મનમાંથી તગેડવા રઘવાયા બનો છો, તે વિચારો તમને જળોની માફક ચોંટી પડે છે. પોતે કરેલી ભૂલો, પોતાનો દુઃખદ ભૂતકાળ, પોતાને નુકસાનકર્તા બાબતો વગેરેના વિચારોથી ઇચ્છવા છતાં વ્યક્તિઓ મુક્ત નથી થઇ શકતી તેની પાછળ મનની આ અવળચંડાઈ જવાબદાર છે. નકાર પ્રત્યેની આ સંવેદનશીલતામાં આપણા ઉછેરનો ખુબ મોટો ભાગ છે. નાનપણથી જ આપણે બાળકને જેટલી દ્રઢતા અને કડકાઈથી નિષેધાત્મક સૂચનાઓ આપતા હોઈએ છીએ તેટલી તેના વિચારો-વર્તનની હકારાત્મક્તાને બિરદાવતા નથી, ઉપરથી એમાં’ય સંશયો ઉભા કરીને તેને બ્રેક મારતા હોઈએ છીએ. પરિણામે, મન ગભરુ થાય અથવા બળવાખોર થાય, બંને સંજોગોમાં નિષેધાત્મક વિચારોની પકડ મજબૂત બનતી જાય. ગભરાટ-ભય, અફસોસ, ગુનાહિત લાગણીઓ જલ્દી પીછો ના છોડે અને બળવાખોરી, બદલાની કે બતાવી દેવાની ભાવના પણ જલ્દી પીછો ના છોડે. સરવાળે મન એવું થઇ જાય કે રસ્તામાં ‘હા’ અને ‘ના’ સામા મળે તો ‘હા’ની સામે જુએ પણ નહીં અને ‘ના’ને જઈને ભેટી પડે!
રસ્તો શું?! મનને આ વળગાડથી બચાવવું કેવી રીતે?! મનોચિકિત્સક તરીકેના મારા અનુભવોમાંથી હું જે સમજ્યો છું એ તમને કહું, શક્ય છે તમારી પાસે બીજા કોઈ ઉપાયો પણ હોય. શરીરને કેળવવા પ્રયત્ન (efforts) જરૂરી છે જયારે મનને કેળવવા સહજતા (effortlessness) જરૂરી છે. શરીરને મજબૂત બનાવવું હોય, આકાર આપવો હોય, કોઈ બાબત શીખવી હોય તો પ્રયત્નો કરવા પડે. મનની બાબતમાં છોડતા શીખવું પડે કે અવલોકન કરતા શીખવું પડે અને આ બંને બાબતો સહજતા કેળવવાથી આપમેળે આવડતી જતી હોય છે. તમને કોઈ બાબત યાદ ના આવતી હોય અને તમે એને યાદ કરવા રઘવાયા બનો તો એ જલ્દી યાદ આવે કે એના વિષે વિચારવાનું છોડીને બીજા કામે વળગો તો જલ્દી યાદ આવે?! બસ આ સહજતાનો ખેલ છે. વિચારોની આવન-જાવન જોવાની છે, એની ઉપર ચઢી નથી બેસવાનું. પ્લેટફોર્મ બેસીને ટ્રેનની અવરજવર જોવાની છે, એમાં બેસીને મુસાફરી નથી કરવાની. વાત વાંચવામાં જેટલી સરળ છે તેટલી આચરણમાં નથી, સતત એ દિશામાં કામ કરતા રહેવું પડે, વિચારો પ્રત્યે નિષ્પક્ષ જાગૃતિ કેળવીને જાતને મઠારતા રહેવું પડે. મનમાં સહજતા કેળવવા માટે સાક્ષીભાવ અને ધ્યાનનો નિયમિત મહાવરો કામ લાગે છે. યાદ રાખજો, સહજતા દિવસો કે મહિનાઓમાં નહીં પરંતુ વર્ષોમાં કેળવાય છે અને તે પણ તેના સતત અભ્યાસથી…
પૂર્ણવિરામ: આજની વાતના સારાંશ જેવી સ્વરચિત પંક્તિઓ:
વિચારો સામે બાંય ચઢાવવાથી કઈં વળે?!
એમ કરતા તો વિચારો આપણી પાછળ પડે!
વિચારોથી મુક્ત થવાનો એક જ ઉપાય મળે,
બસ, સાક્ષીભાવે વિચારોને જોતા રહેવું પડે!!
Excellent story, i must say your words reach directly to the heart ❤️. Truth and nothing but the truth.
I’m glad you liked it 🙂
When ever I read your words I feel really happy…I will surely try to give effortlessness work for negative thoughts….
Thank you 😊
વાહ રે વાહ. સાક્ષી ભાવે જોવું, વાંદરા કુદાવવા કરતાં સરળ છે. સરસ સમ્યક વાત અને દ્રષ્ટાંત.