નવું વર્ષ એટલે પુરા ના થયેલા સંકલ્પો કે સ્વને કરેલા વાયદાઓ બદલ જીવનની નવેસરથી ફેંટ પકડવાનો મોકો!

લો પૂરું થયું 2021 અને આવી ગયું 2022. વ્યસ્ત, આનંદિત, સુખી, શાંત લોકોને વર્ષ ક્યાં નીકળી ગયું તેનું વિસ્મય હશે અને નવરા, નિવૃત, ઉદાસીન, દુઃખી, અશાંત વ્યક્તિઓને વર્ષ પૂરું કરતા નાકે દમ આવી ગયો હશે! સમયની ઝડપનો અનુભવ હંમેશા સાપેક્ષ હોય છે, તમારી માનસિક અવસ્થા પ્રમાણે સમયની ગતિ અનુભવાતી હોય છે. મનની પ્રસન્નતા ઘડિયાળના કાંટા ઝડપથી ફેરવે છે અને મનની ગમગીની આ જ કાંટાને ધીમા પડી દે છે. સહજીવન શાંત અને સુખી હોય તો સમય વીત્યાનું આશ્ચર્ય થાય છે. સહજીવન અશાંત અને દુઃખી હોય તો સમય વિતાવાનું વિકટ લાગે છે! તમને એમ લાગે કે હજી હમણાં તો એકવીસની શરૂઆત થઇ’તી અને એટલામાં બાવીસ આવી ગયું, તો નક્કી તમારું વર્ષ મહદઅંશે પ્રસન્નતામાં ગયું હશે. પરંતુ, જો એમ લાગે કે માંડ પત્યું, હાશ નવું વર્ષ તો આવ્યું, તો કદાચ તમારું વર્ષ સમસ્યાઓમાં વીત્યું હશે.
નવું વર્ષ એટલે પુરા ના થયેલા સંકલ્પો કે સ્વને કરેલા વાયદાઓ બદલ જીવનની નવેસરથી ફેંટ પકડવાનો મોકો! ફરીથી જાતને, જીવનને બદલવાના સ્વપ્નો લઈને પોતાને જ વાયદા કરી બદલાવની આશા ઉભી કરવાની વધુ એક તક. મેં આજ કોલમમાં વારંવાર કહ્યું છે કે બદલાવ બધા ઈચ્છે છે અને એ પણ ચમત્કારરૂપે, જે ફિલ્મો-વાર્તાઓમાં થાય છે. વાસ્તવિક જીવનમાં બદલાવ લાવવા માટે સતત અને રોજબરોજ પ્રયત્નશીલ રહેવું પડે. જીવન બદલાય છે, જીવનની દિશા પણ બદલાય છે. ક્યાંક સમયની સાથે પરિસ્થિતિઓ જીવન બદલે છે તો ક્યાંક તમારી અંગત સમજ જીવન બદલે છે. બે વચ્ચે ફરક એટલો છે કે પરિસ્થિતિઓથી બદલાતા જીવનની દિશા તમારા હાથમાં નથી હોતી અને તમારી ઈચ્છા મુજબની પણ નથી હોતી. જયારે સમજ કેળવીને બદલાતું જીવન તમારી ઇચ્છાઓ મુજબનું હોય છે અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા, વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. ચાલો આ વર્ષે તમને આ સરવૈયું કાઢવા માટે એક નવો વિચાર આપું, જો સંમત થાવ તો યાદ રાખજો અને જીવનમાં અપનાવજો.

સંબંધોની રોલર-કોસ્ટર રાઈડમાં મન પણ ભાગીદારી રાખતું હોય છે અને ચઢાવ-ઉતાર અનુભવતું હોય છે. જીવનને બદલવા એક સંબંધ જ પૂરતો હોઈ શકે છે. ક્યારેક તો કોઈ એક સંબંધને લઈને જીવન દોડી પડતું હોય છે અને ક્યારેક કોઈ સંબંધને કારણે સાવ અટકી પણ જતું હોય છે.

એક  સનાતન સત્ય હંમેશા નોંધી રાખજો, વીતેલા વર્ષો હોય કે આવનારા વર્ષો હોય, આપણી પ્રસન્નતા કે આપણા સુખનો ઘણો મોટો આધાર આપણા અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધો ઉપર રહેતો અને રહેવાનો હોય છે. આપણે ગમે તેટલા ઉત્તમ, સમજુ, સુશીલ, પરોપકારી, સંસ્કારી કે જે કોઈ સારાઈને લગતા વિશેષણો યાદ આવે તેવા હોઈએ તો પણ પ્રસન્નતા, શાંતિ કે સુખની ગેરંટી નથી મેળવી શકવાના, કારણ કે આ આપણા એકલા ઉપર આધારિત વાત જ નથી. તમારા જીવનમાં કે સંપર્કમાં રહેલી તમામ વ્યક્તિઓ અને તેમની સાથેના તમારા સંબંધો તમારી પ્રસન્નતા કે ઉદાસીનતા, સફળતા કે નિષ્ફળતા, સુખ કે દુઃખ, શાંતિ કે અશાંતિમાં સીધો કે આડકતરો ભાગ ભજવનારા છે. જીવનમાં એક વ્યક્તિ આવવાથી કે જીવનમાંથી એક વ્યક્તિ જવાથી જીવનમાં બદલાવ આવતો હોય છે, પ્રસન્નતા કે ઉદાસી આવતી હોય છે. સંબંધોની રોલર-કોસ્ટર રાઈડમાં મન પણ ભાગીદારી રાખતું હોય છે અને ચઢાવ-ઉતાર અનુભવતું હોય છે. જીવનને બદલવા એક સંબંધ જ પૂરતો હોઈ શકે છે. ક્યારેક તો કોઈ એક સંબંધને લઈને જીવન દોડી પડતું હોય છે અને ક્યારેક કોઈ સંબંધને કારણે સાવ અટકી પણ જતું હોય છે. હું માનું છું કે સંબંધો સીડી જેવા હોય છે, જેમ સીડી ઉપર પણ લઇ જાય અને નીચે પણ ઉતારે તેમ, સંબંધ ઉપર પણ લઇ જાય અને નીચે પણ! ઉપર લઇ જાય તો સંબંધ સાધના બની જાય અને નીચે લઇ આવે તો યાતના બની જાય !! આટલી વાત મગજમાં બરાબર બેસતી હશે તો એ વાત સમજતા વાર નહિ લાગે કે જીવનમાં સુખ, શાંતિ કે પ્રસન્નતા મેળવવામાં આપણા સંબંધોની ગુણવત્તાની સાથે સાથે જે વ્યક્તિઓ સાથે આપણે સમય ગાળીએ છીએ કે વ્યવહાર કરીએ છીએ તે મહત્વનો ભાગ ભજવે છે. નવું વર્ષ શરુ થઇ રહ્યું છે, હાથમાં પેન અને કાગળ લઈને બેસી જાવ. વર્ષ દરમ્યાન જે વ્યક્તિઓ સાથે તમે મોટાભાગનો સમય વિતાવ્યો તેની યાદી બનાવો. જે વ્યક્તિઓએ તમને પ્રોત્સાહિત કર્યા, તમને પ્રેરણા આપી, સહકાર આપ્યો કે પોઝિટિવ વાઈબ્સ આપ્યા તેની સામે ‘થમ્સ અપ’ કરો અને જે વ્યક્તિઓએ તમારી લાગણીઓ નીચોવી કાઢી, નિરાશ કર્યા, હતોત્સાહ કર્યા કે નેગેટિવ વાઈબ્સ આપ્યા તેની સામે ‘થમ્સ ડાઉન’ કરો. હવે નવા વર્ષમાં સંકલ્પ કરો કે જે વ્યક્તિઓ માટે તમે અંગુઠો ઊંચો કર્યો છે તેમની સાથે તમે આવનાર વર્ષમાં વધુ સમય વિતાવશો, તેમની સાથેના સંબંધો મજબૂત કરશો. જેમને માટે અંગુઠો ઉલટો કર્યો છે તેમની સાથે બને તેટલો ઓછો સમય ગાળવાનો સંકલ્પ કરો અને તેમની સાથેના સંબંધમાં અંતર જાળવો. બની શકે આ તમારા માટે કદાચ નિષ્ઠુર નિર્ણય હોઈ શકે પરંતુ જીવનને સુખમય બનાવવા ક્યારેક કઠોર કે નિષ્ઠુર નિર્ણયો લેવા પડતા હોય છે.

તો આ વખતે તમારા રોજિંદા જીવનમાં જોડાયેલી વ્યક્તિઓનું સરવૈયું કાઢો અને પછી કેટલાક યોગ્ય નિર્ણય લો, ભલે પછી એ કઠોર કેમ ના હોય. તમારે તમારો સમય ક્યાં અને કોની સાથે ગાળવો એ તમારે નક્કી કરવાનું છે. તમારી સાથે તમારી ફ્રિક્વન્સીથી ધબકતા લોકોને આસપાસ રાખો અને જેની સાથે ફ્રીક્વન્સી ઘોંઘાટમાં ફેરવાઈ જતી હોય તેવા તમામને ક્યાંક તો સમુળગા બાદ કરો અને બાદ ના કરી શકાય એમ હોય તો એક અંતર જાળવો.

3 Comments Add yours

  1. Himanshu Rathod says:

    Nice blog every time gives a new understanding,always inspirational

  2. Nayee viral says:

    Very nice article sir . તમારા લેખ મન માટે એક જાદુની જપ્પી જેવા છે. તમારું લખાણ મનને એક નવા જ પ્રકારની ઉર્જા
    અને પ્રેરણા આપે છે.

    1. Thank you for your kind words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s