‘ડિપ્રેશન’ અંગેની દીપિકા પાદુકોણની કબુલાતમાંથી શીખવા અને સમજવા જેવી કેટલીક બાબતો

Deepika

થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે જાહેરમાં સ્વીકાર્યું કે એ ડિપ્રેશનથી પીડાતી હતી અને તેના માટે એણે સારવાર લીધી હતી. જે બીમારી લોકો પોતાના અત્યંત નીકટના લોકોથી પણ છુપાવતા હોય તેની તાજેતરના વર્ષોની દેશની સૌથી સફળ અને નંબર વન અભિનેત્રી આવી જાહેર કબુલાત કરે એ કોઈ નાની વાત નથી. ખુબ આંતરિક હિંમત અને રોગ અંગેની સ્વીકૃતિ માંગી લે તેવી આ વાત છે. દીપિકાની આ કબુલાત ડિપ્રેશનથી પીડાતી ઘણી વ્યક્તિઓ અને તેમના કુટુંબીઓને આ બીમારીને સ્વીકારવામાં મદદરૂપ થશે તે વાત નક્કી છે. પરંતુ મારી દ્રષ્ટીએ તેનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે આ સ્વીકૃતિ ‘ડિપ્રેશન’ સાથે સંકળાયેલી ઘણી ખોટી માન્યતાઓ દુર કરવામાં વધુ મદદરૂપ થશે.

દીપિકાની કબુલાતથી ઘણી વાતો સ્પષ્ટ થાય એમ છે. ડિપ્રેશન માત્ર ઉંમરલાયક વ્યક્તિઓને નડતી સમસ્યા નથી, યુવાનોમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે સાથે મહત્વની વાત એ છે કે યુવાનોમાં તેની જાગૃતિ અને સ્વીકૃતિ બંને વધી છે. જીવનમાં નિષ્ફળતા હતાશાને વધુ ઘેરી બનાવે તે સમજી શકાય તેવી વાત છે પરંતુ સફળ વ્યક્તિઓ હતાશ ના થઇ શકે એવું માનવું ભૂલભરેલું છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સૌથી વધારે સફળ ફિલ્મો દીપિકાએ આપી છે અને કમાણીના અર્થમાં તેની સ્ટાર-વેલ્યુ બોલીવુડના પુરુષ કલાકારો કરતા પણ વધારે છે. આવી સફળતાની ટોચ ઉપર પણ ‘ડિપ્રેશન’ના શિકાર બનવું તે આ બાબતનું પ્રમાણ છે. કોઈપણ ચિંતા કે જીવનના પ્રશ્નો વગર પણ આ રોગ થઇ શકે છે તે સમજવું જરૂરી છે.

એ વાત સાચી છે કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં ‘ડિપ્રેશન’ની શક્યતાઓ વધુ હોય છે પરંતુ સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે સ્ત્રીઓ જેટલી સહજતાથી પોતાની સમસ્યા સ્વીકારે છે અને તેના માટે નિષ્ણાતની સલાહ લે છે તેટલી પુરુષો ના તો સ્વીકારે છે અને ના તો મદદ લે છે. મીડિયામાં ફરતી રણવીરસિંહને પણ ‘ડિપ્રેશન’ હોવાની વાતો આ બાબતનું પ્રમાણ છે. દીપિકા સહજતાથી સ્વીકારીને કબુલાત કરી શકી જયારે રણવીર માટે આવું કરવું અઘરું જ પડે. કમનસીબ હકીકત તો એ હોય છે કે સ્ત્રીઓ જયારે મદદ લેતી હોય છે ત્યારે પણ પુરુષો તેમને ટોણા મારતા હોય છે કે સલાહોના ઢગલા કરતા હોય છે.

‘ડિપ્રેશન’માં કામ કરવાની ઈચ્છા ના થવી તે સહજ વાત છે પરંતુ તેથી બધું કામકાજ છોડીને બેસી જવાથી હતાશા વધુ ઘેરી બનવાની શક્યતાઓ છે. ‘હેપ્પી ન્યુ યર’ના શૂટિંગ દરમ્યાન જ આ રોગનો સામનો કરવા છતાં એણે કામ ના છોડ્યું અને ફિલ્મના પ્રમોશનમાં પણ ભાગ લીધો. શક્ય છે તેના આ અભિગમે તેની માનસિક પરિસ્થિતિ વણસતી અટકાવી તેમ ચોક્કસ કહી શકાય. કામ કરતા રહેવાથી અને કસરત કરવાથી હળવું ‘ડિપ્રેશન’ ભારે બનતા અટકે છે તેવું ઘણા સંશોધનો કહે છે.

‘ડિપ્રેશન’ના મોટાભાગના કિસ્સાઓમાં લોકો શરૂઆતમાં આડા-અવળા અખતરાઓ કરવામાં, બિનજરૂરી તપાસો કરાવવામાં અને મનોચિકિત્સકો સિવાયના ડોકટરોના અભિપ્રાયો લેવામાં ઘણો સમય વ્યય કરતા હોય છે. નાછૂટકે તે મનોચિકિત્સક પાસે પહોંચે ત્યારે ઘણીવાર તેમનો રોગ લાંબાગાળાનો કે હઠીલો થઇ ગયો હોય છે. ઘણી સુફિયાણી સલાહો તો દીપિકાને પણ મળી હશે પણ એણે પોતાના ‘ડિપ્રેશન’ને સ્વીકારીને યોગ્ય મદદ લીધી જેના કારણે તે ઝડપથી પછી ફરી શકી. યોગ્ય નિષ્ણાત પાસે સત્વરે સારવાર કરાવવાથી વ્યક્તિ હતાશામાંથી ઝડપથી બહાર આવી શકે છે.

છેલ્લી અત્યંત મહત્વની વાત, મોટાભાગની વ્યક્તિઓ ‘ડિપ્રેશન’માંથી બહાર આવ્યા પછી પણ પોતાની આ બીમારી છુપાવે છે જેને કારણે હજી જેને સારું નથી થયું એવા ‘ડીપ્રેશન’ના દર્દીઓને સારા થવા અંગે હંમેશા સંદેહ રહેતો હોય છે. ઘણીવાર સારા થવાની આશા ના બંધાતા દર્દી આત્મહત્યા જેવું ગંભીર પગલું પણ ભરી બેસતા હોય છે. આ સંજોગોમાં દીપિકાની કબુલાત કરોડો દર્દીઓ અને તેમના સગાઓને હાશ કરાવનારી-આશા બંધાવનારી છે. મારી દ્રષ્ટીએ એક મોટી સમાજ સેવાનું આ કામ છે. જે વ્યક્તિ ‘ડીપ્રેશન’નો શિકાર બની હોય અને યોગ્ય સારવાર દ્વારા એમાંથી બહાર આવી શકી હોય આ બાબત છુપાવવાને બદલે બીજી હતાશ વ્યક્તિઓને હિંમત આપવી જોઈએ. શક્ય છે પોતાના જેવી જ સમસ્યા સામે લડીને બહાર નીકળેલી વ્યક્તિનો આવો મોરલ સપોર્ટ તેને પણ બહાર નીકળવામાં મદદરૂપ થાય.

Tari ane mari vaat

4 Comments Add yours

 1. Sanjay Desai says:

  ભારતીય સમાજમાં મનોવૈજ્ઞાનિક રોગો માટે હજુ યોગ્ય જાગરૂકતા જોવા મળતી નથી. એવામાં આપનો ખુબ જ સાદા શબ્દોમાં લખાયેલો આ બ્લોગ પ્રેરક બની રહે છે.

 2. Nilesh Bhatt says:

  Sir I have no word to say anything, Only say “Great work done by Dipika” & “Great article from you”

 3. Trupti vyas says:

  Breve Girl
  salute her
  always be frank

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s