તમારી ફોનબુકમાં રહેલી વ્યક્તિઓની વિવિધ બાબતોનું મૂલ્યાંકન કરીને તેનો રીવ્યુ અપલોડ કરવાની સવલતોના દિવસો આવી ગયા છે…

spread a thought Tari ane mari vaat ભણતર પૂરું થાય ત્યારે સૌથી મોટો હાશકારો પરીક્ષાઓમાંથી મુક્તિ મળ્યાનો થતો હોય છે. આ પરીક્ષાઓએ આપણને એટલા ફફડાવ્યા હોય છે કે પંચોતેર વર્ષના દાદાને’ય પેપર અધૂરું છૂટી ગયું કે પરીક્ષામાં કંઈ ના આવડતું હોય એવા સપનાઓ ક્યારેક ઊંઘમાંથી ઝબકાવી જતા હોય છે! આજે જ એક દાદાએ મને ફરિયાદ કરી કે ‘સાહેબ, માર્કશીટને ઉધઈ ખાઈ ગયે’ય ચાલીસ વર્ષ થઇ ગયા પણ હજી’ય મને પરીક્ષામાં નાપાસ થયાના સપના આવે છે અને એમાં’ય પાછો હું ક્યારે પણ નાપાસ તો થયો જ નહતો તો’ય!’ દાદાની ફરિયાદ સાંભળીને હું થોડો મલકાયો એટલે એ જરા વધારે ગંભીર થઇ ગયા ‘સાહેબ તમને મારી વાત સાંભળીને હસું આવે છે પણ મને ખરેખર આવા સપનાઓ વર્ષોથી અનેકવાર આવતા રહ્યા છે’. સ્વાભાવિક રીતે જ દાદાને એમ લાગ્યું હતું કે મેં એમની વાત ગંભીરતાથી લીધી નથી. ‘મારા ચહેરા પર સ્માઈલ તમારી ફરિયાદને હળવાશથી લેવાને કારણે નહીં પણ બીજા વિચારે આવ્યું હતું’ મેં પણ ગંભીરતા દાખવવાનો પ્રયત્ન કરતા કહ્યું, ‘દાદા તમારી માર્કશીટ તો ઉધઈને ખાવા પણ મળી, અમારી તો ‘ઓનલાઈન’ છે અને તમારા જીવનમાં માર્કશીટ કે રીપોર્ટ કાર્ડનો ખેલ ભણતર સાથે જ પૂરો થઇ ગયો, અમારે તો રોજેરોજ રીપોર્ટ કાર્ડ બને છે! દર્દીઓ પણ હવે અમારું ‘ઓનલાઈન રેટીંગ’ જોઇને આવે છે, બોલો!! અમને અને અમારી પાછળની પેઢીઓને તમારી ઉંમરે કેવા સપનાઓ આવશે?! ઈશ્વર જાણે…’

********

સાંજે ઘરે જતા જતા પણ રીપોર્ટ કાર્ડ મનમાં ઘુમરાતું રહ્યું. એક જમાનામાં માત્ર પરીક્ષામાં તમારા દેખાવની ચાડી ખાતા ‘માર્કસ્’ કે ‘માર્કશીટ’ના સ્થાને આજે જુદા જુદા ક્ષેત્રમાં તમારા દેખાવને મૂલવતા ‘રેટીંગ્સ્’ (રીવ્યુ) કે ‘રીપોર્ટ કાર્ડસ્’ ગોઠવાઈ ગયા છે. સોશિયલ મીડીયાએ આપણા જીવનમાં આણેલા અનેક બદલાવો પૈકી એક મહત્વનો બદલાવ આ ‘રેટીંગ્સ્’ કે ‘રીપોર્ટ કાર્ડસ્’ને લગતો પણ છે. જુદા જુદા એપથી જુદી જુદી બાબતોનું રેટીંગ અને આખેઆખું રીપોર્ટ કાર્ડ આંગળી અડાડતા જ આપણી આંખ સામે હાજર થઇ જાય છે. પરીક્ષાઓમાં તો ચોક્કસ વિષયના નિષ્ણાતો તમારી ચકાસણી કરતા, હવે તો જનતા-જનાર્દન આ કામે લાગી ગઈ છે. ક્યાં’ય જવું હોય, કંઈપણ ખરીદવું હોય, કોઈ બાબત વિશે કંઈપણ અભિપ્રાય લેવો હોય તો  કેબીસીની લાઈફ-લાઈન ‘ઓડિયન્સ પોલ’ની જેમ ઓનલાઈન જાહેર-જનતા તેમના રેટીંગ્સ્ અને રીવ્યુ થકી તમારી મદદ માટે હાજર છે. હા, એમાં મદદની ભાવનાવાળાઓ સાથે સાથે કેટલાક અંગત નારાજગીઓ, બળવાખોરીઓ, વેરવૃત્તિ કે બદનામ કરવાની વૃત્તિઓ ધરાવનારાઓ હોય એમ પણ બને! એ ઉપરાંત, રીપોર્ટ કાર્ડને ટલ્લે ચઢાવી, સાત પાસને ગ્રેજ્યુએટ બતાવીને પરણાવી દેવાના દિવસો પુરા થયા. હવે બધું ખુલ્લેખુલ્લું થવા માંડ્યું છે, તમારી કબજિયાતના સમાચાર પણ દુનિયામાં ફરી વળે એમ છે અને લાગ આવે તો એમાં’ય લાઈકો ઠોકાઈ જાય એવા સમયમાં તમારા આ ‘રેટીંગ્સ્’ કે રીવ્યુ વિશે તમે કંઈ કરી શકો એમ નથી, તમારું પરફોર્મન્સ ખુલ્લેઆમ જ રહેવાનું અને આવનારા સમયમાં વધુ ખુલ્લું થવાનું.

Instagramt

ધંધાદારી ભેજાબાજો મફતિયા અભિપ્રાયો લેવાની અને હંમેશા પોતાનો અભિપ્રાય આપવાની ખુજલીથી પીડાનારાઓને મોકળું મેદાન આપીને પોતાનું ખિસ્સું ભરવા માટે રોજે રોજ આવા ‘રેટીંગ એપ્સ’ તમારા મોબાઈલમાં ઠાલવે જાય છે. અલબત્ત, એમાંના કેટલાક સાચે જ કામના નીવડે છે અને બાકીના ધંધાદારી તિકડમ જેવા હોય છે. હમણાં એક આવું તિકડમ એપ મારી નજરે ચઢ્યું, એનું નામ છે ‘લુલુ’. આ એપની ટેગલાઈન છે – ડેટિંગ ઈન્ટેલીજન્સ અને એનો દાવો એ છે કે એ સ્ત્રી ઉપયોગકર્તાને બુદ્ધિપૂર્વક ડેટિંગ કરવામાં મદદરૂપ થાય છે. અહીં સુધી બધું ઠીક લાગશે પણ એ કેવી રીતે મદદ કરવાનો દાવો કરે છે તે જાણીને ચકરાઈ જવાય એવું છે. આ એપ તેના સ્ત્રી વપરાશકર્તાઓને પોતાની ફોનબુકમાં રહેલા પુરુષોને રેટ કે રીવ્યુ કરવાની તક આપે છે. સ્ત્રી પોતાના પુરુષ મિત્રોને જુદી જુદી બાબતો માટે રેટીંગ આપીને તેનો રીવ્યુ(રીપોર્ટ કાર્ડ) બીજી સ્ત્રીઓ માટે અપલોડ કરી શકે છે! સ્ત્રીઓ ‘છેતરનારા’, ‘કમીટમેન્ટથી ડરનારા’, ‘રસોઈ કરનારા’, ‘માવડિયા’, ‘સારું ચુંબન કરનારા’ વગેરે જુદા જુદા ‘હેશ-ટેગ્સ્’થી પુરુષો વિશે જાણી શકે છે. પુરુષોને ઉતારી પાડતી આટલી બાબત ઓછી હોય એમ આ એપ પુરુષોને પણ ઉપલબ્ધ છે પરંતુ કંઈ રેટ કે રીવ્યુ કરવા માટે નહીં ખાલી પોતાનું રેટીંગ કે રીવ્યુ જોવા, જેથી તે સુધરી શકે !! કહેવાની જરૂર છે કે આ એપ કોઈ સ્ત્રીએ રજુ કરી છે?! કદાચ, પુરુષથી નહીં પણ પુરુષોથી દાઝેલી હશે!! આવનારા દિવસોમાં કોઈ આવી જ માનસિકતા ધરાવતો પુરુષ સ્ત્રીઓને રીવ્યુ કે રેટ કરવાનું એપ મુકશે તો?! આ એપ કોઈને સંબંધ બાંધવામાં ઓછું અને બદલો લેવામાં વધુ મદદરૂપ નીવડે એવું છે. અડધે ભાણે ઉઠી ગયેલા સંબંધનો એઠવાડ ઠાલવવાના આ પીપમાંથી દુર્ગંધ સિવાય શું આવશે?! તેમ છતાં’ય તેની ઉપર કંઈ કેટલી’ય માખીઓ બણબણશે.

જેમ મેગી આપણા સ્વાસ્થ્યને હાનિકારક સાબિત થઇ તેના કરતા આવા ગતકડાઓ આપણા સંબંધો અને માનસિક સ્વાસ્થ્યને અનેકગણા વધુ નુકસાનકારક છે. સંબંધોમાં તમારા અંગત અસંતોષ મોટાભાગે બે તરફી હોય છે તે સંજોગોમાં આવું એકતરફી ઝેર ઓકવાની તક આપતા પ્લેટફોર્મ બેમાંથી એકે’યને ફાયદાકારક કેવીરીતે હોઈ શકે?! માનસિક પ્રદુષણ ફેલાવતી આ ચેષ્ટા છે, જે તમને ના પચ્યું તેની ઉલ્ટીથી બીજાને અભડાવવાની આ વાત છે. પુરુષ, સ્ત્રી કે સંબંધો કંઈ કોમોડીટી છે કે તેના ‘રેટીંગ્સ્’ કે રીવ્યુ હોય?! રીપોર્ટીંગ કાર્ડ હોય?! બધું હઈસો-હઈસો છે ત્યાં કોણ કોને સમજ આપે?! લુલુ જેવા એપ ભવિષ્યમાં વ્યક્તિના રેટીંગ અને રીવ્યુ જોઇને પ્રેમ કરવાનો ટ્રેન્ડ શરુ નહીં કરે તેની કોઈ ખાતરી નથી અને તે સંજોગોમાં ‘પૂછીને થાય નહીં પ્રેમ’ તેમ લખનાર કવિ તુષાર શુક્લએ લખવું પડશે કે ‘રીવ્યુ-રેટીંગ જોઇને થાય નહીં પ્રેમ’!!

પૂર્ણવિરામ: બહારથી સુંદર લાગતી કેટલીક કેરીઓ અંદરથી બગડેલી નીકળવાની ફરિયાદ કોણ જાણે કેમ પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતા રહેતા યુગલોના ફોટાઓની યાદ અપાવતી જાય છે!

happyminds_logo1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s