
કોવીડ, વાઇરસ, ઇમ્યુનીટી વગેરેની બહુ વાતો થઇ ગઈ, આજે કોવીડ પહેલાના એક સમયની વાત કરીએ. મને લાગે છે કે આજના સમયમાં આ વાત ઉપયોગી થશે અને કોરોનાના તબક્કા પછી કોણ કેટલી ઝડપે મુવ-ઓન થશે તે તમને સમજાવી દેશે! હું ક્લબમાં એક મિત્ર સાથે ગપ્પા મારી રહ્યો હતો. અમારી વાતો ચાલી રહી હતી અને મિત્રએ દૂરથી આવી રહેલી એક બીજી વ્યક્તિ તરફ હાથ ઊંચો કર્યો. મેં પાછળ વળીને જોયું તો એ વ્યક્તિ અમારી તરફ જ આવી રહી હતી. મારા મિત્રએ થોડે દૂર પડેલી ખુરશી ખેંચીને એમને બેસવાની વ્યવસ્થા કરી અને એ અમારી સાથે જોડાયા. એ બે વચ્ચેની થોડી ઔપચારિક વાતો પછી મારા મિત્રએ એમને મારી ઓળખાણ કરાવી.
‘ઓહો! તમે મનોચિકિત્સક છો અને લેખક પણ છો?!’ એમનું આશ્ચર્ય મારા મનોચિકિત્સક કે લેખક હોવા અંગે નહીં હોય પણ બે’યના સમન્વય અંગેનું હશે એવું હું વિચારતો હતો ત્યાં એમણે કહ્યું ‘પણ મને ક્યારે’ય તમારી પ્રોફેશનલ મદદની જરૂર નહીં પડે કારણ કે હું ક્યારે’ય કોઈ વાતની ચિંતા કરતો જ નથી અને આજ દિન સુધી મારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું જ નથી’ અને હસતા હસતા મારા મિત્ર તરફ ઈશારો કરતા બોલ્યા ‘પૂછો આને કે હું સતત હસતો હોઉં છું કે નહીં?!’
મેં અમારી દૂર દેખાતા લીમડાના વિશાળ ઝાડ તરફ ઈશારો કરતા એમને પૂછ્યું ‘તમને શું લાગે છે, પેલો લીમડો આટલો વિશાળ કઈ રીતે થયો હશે?! જો એની વિશાળતા પાછળનું કારણ સમજી શકશો તો નક્કી એ પણ સમજી શકશો કે વિકટ સંજોગોમાં તમને મારી જરૂર પડશે કે નહીં’
મારા પ્રશ્ન પછી એમના ચહેરા ઉપરના ભાવ મઝાના હતા, આ મનોચિકિત્સકો આવા અસંગત લાગે તેવા પ્રશ્નો કેમ પૂછતાં હશે?! સતત હસતા રહેવાની વાત ભૂલીને એ એકદમ સીરીયસ થઇ ગયા ‘મારી આ પોઝિટિવીટી અને લીમડાનું તમે શું કનેક્શન લાવ્યા તે ખબર ના પડી!’ અને, પછી જે અમારી વાતો થઇ તેનો મર્મ…
ચિંતા-મુક્ત રહેવાની કે સતત પોઝિટિવ રહેવાની ઈચ્છા સહજ કુદરતી છે અને તે સૌ કોઈને હોઈ શકે. કોણ એવું હોય કે જે ચિંતાગ્રસ્ત જીવન કે નકારાત્મકતા ઝંખતું હોય?! સુખ કે હકારાત્મકતા સતત ભજવાતો ખેલ નથી, સમય-સંજોગોની સાથે સઘળું ફરતું રહે છે, ઉપર-નીચે થતું રહે છે. તેમ છતાં’ય માની લો કે તમે સતત પોઝિટિવ રહેતા હોવ કે તમારા જીવનમાં કોઈ નકારાત્મકતા જ ના હોય, સુખ જ સુખ હોય તો એક વ્યક્તિ તરીકે તમે વિકસી શકો ખરા?! ના કરે નારાયણ ને, પછી ધારોકે જીવનમાં અચાનક દુઃખ કે નકારાત્મકતા આવી પડે તો ટકી શકો ખરા?! વિશાળ લીમડાનું ઉદાહરણ આપવા પાછળનું મારુ તાત્પર્ય એ હતું કે એની વિશાળતા પાછળ એના ઊંડા મૂળ અને નાના-મોટા વાવાઝોડાં સામે ટકી રહેવાની એની ક્ષમતા કારણભૂત છે. કષ્ટ, દુઃખ, પ્રતિકૂળતા કે નકારાત્મક સંજોગોમાં માણસ જેટલો ઘડાય છે તેટલો સુખ, સગવડો કે હકારાત્મકતામાં નથી ઘડાતો. ખરેખર તો વિકટ પરિસ્થિતિઓમાં જ માણસના મૂળિયાં ઊંડા ઉતરે છે અને તે સમય-સંજોગોની થપાટ સામે ટકી રહે છે. માણસ હોય કે ઝાડ, મૂળિયાં ઊંડા ના હોયને તો ગમે ત્યારે ઉખડી જાય! સતત સુખ,સગવડો કે અનુકૂળતામાં રહેતો માણસ તો બે ઇંચ વરસાદમાં’ય આઘો-પાછો થઇ જાય છે. તમે સતત હકારાત્મક રહીને જીવનના દરેક તબક્કે અડગ ના રહી શકો, તમારી આંતરિક ક્ષમતાઓના વિકાસ માટે નકારાત્મકતાનો સામનો કે અનુભવ કરવો પણ એટલો જ જરૂરી છે. જીવનની તડકી-છાંયડી જોઈને બેઠેલાઓ એટલી ઝડપથી માનસિક સંતુલન નથી ગુમાવતા. સાધન-સંપન્ન વ્યક્તિઓ જેટલી ઝડપથી હતાશા અનુભવે છે તેટલી ઝડપથી અભાવોની વચ્ચે જીવતી વ્યક્તિઓ હતાશા નથી અનુભવતી. વાસ્તવમાં તો અભાવને કારણે તેમની ઈચ્છાઓ વધુ પ્રબળ થાય છે અને પ્રેરણાનું રૂપ લે છે. જીવનના નાના-મોટા પડકારોનો સામનો કરવાથી તમારી અનુકૂલન શક્તિ અને સ્થિતિસ્થાપકતા વધે છે, તમે વળી શકો છો પણ બટકી નથી જતા, એક વ્યક્તિ તરીકે તમે વિશાળતા પામી શકો છો. વાતનો અર્થ એ નથી કે હકારાત્મક અભિગમ મહત્વનો નથી પરંતુ માત્ર એના થકી વ્યક્તિ તરીકે તમે પૂર્ણ વિકસિત નથી થતા.
વાત રહી ચિંતા-મુક્ત રહેવાની, તો પોતાના જીવનમાં ચિંતા-મુક્ત રહેવું અને વાસ્તવમાં જીવન ચિંતા-મુક્ત હોવું એ બંને અલગ વાત છે. જીવન ચિંતા-મુક્ત હોવામાં માત્ર તમારો અભિગમ જ નહીં, તમારા સમય-સંજોગો પણ બહુ મોટો ભાગ ભજવે છે! ઘણી વ્યક્તિઓ એવું કહેતી ફરતી હોય છે કે હું ચિંતા કરતો નથી પરંતુ વાસ્તવમાં ચિંતા કરવાની નથી હોતી તે અમુક સમય-સંજોગોમાં આપમેળે થતી હોય છે. ચિંતા કરે થતી હોય તો કોણ કરે?! શા માટે કરે?! ‘હું ચિંતા કરતો નથી’ એવું કહીને ગમે તે સંજોગોમાં પોતે હળવા જ રહે છે એવી છબી ઉભી કરી શકાય પરંતુ જયારે આ લોકોના જીવનમાં ખરેખર ચિંતા કરવી પડે તેવી કોઈ ઘટના ઘટે તો અન્ય લોકો કરતા આ વ્યક્તિઓ ઝડપથી ભાંગી પડે છે! ખરેખર તો ચિંતા થવી કે ના થવી એ મહત્વનું નથી, તમે વિકટ પરિસ્થિતિઓમાં કેટલી આંતરિક મજબૂતાઈ અને સંતુલિત લાગણીઓ રાખી શકો છો એ મહત્વનું છે. આપણી આ વાતમાંથી અસામાન્ય ચિંતા કે એન્ગઝાઈટી રોગોથી પીડાતો એક વર્ગ અપવાદરૂપે બાકાત રાખવો પડે એમ છે કારણ કે એમની એ પરિસ્થિતિ પાછળ ઘણા અસાધારણ અને અંગત પરિબળો ભાગ ભજવતા હોય છે.
પૂર્ણવિરામ:
જીવનમાં દુઃખ જોયું જ ના હોય કે કશી’ય બાબતની ચિંતા જ ના થઇ હોય તો તમે બટકણા રહી જાવ છો, સામાન્ય ધક્કે પણ બટકી શકો. પરંતુ પડકારો, વિપદાઓ કે મુશ્કેલીઓમાં ચિંતાઓ કે નકારાત્મકતાઓનો સામનો કરતા કરતા તમે આંતરિક મજબૂતાઈ પામો છો.
spd1950
September 6, 2020 at 1:49 pm
હુ ઇચ્છુ કે તમે સાચા પડો. બાકી મને તો એમ લાગે છે કે આપણા લોકો ની સુધારેલ આવૃતી કાઢવી બહુ કઠીન છે !
Dr.Hansal Bhachech
September 6, 2020 at 2:51 pm
તમારી વાત સાચી છે પરંતુ સમય અને સંજોગો ભલભલાને બદલી કાઢે છે. 🙂