
‘આ વખતે ડોક્ટરોના કારણે નવરાત્રી નહીં થાય’ વાત વાતમાં એક વ્યક્તિએ મને કહ્યું ‘આયોજકો, કલાકારો કે ચણીયા-ચોળી વેચતા આ પાથરણાવાળાઓનું શું થશે?’
‘કેમ?! નવરાત્રીનું આયોજન કરવું કે નહીં તે નક્કી કરવાની સત્તા સરકારે આ વખતે ડોક્ટરોને આપી છે?!’ મેં સાવ અજાણ્યા બનીને પૂછ્યું.
પેલા ભાઈ તો માસ્ક નીચો કરીને એકદમ જોરમાં આવી ગયા ‘હાસ્તો, ડોક્ટરો જ વિરોધ કરે છે ને કે નવરાત્રી ના કરાવવી જોઈએ’
મેં એમને માસ્ક ઊંચો કરવા ઈશારો કરતા કહ્યું ‘નવરાત્રી ના થાય એમાં ડોક્ટરોને કઈંક ફાયદો થતો હશે, તમને શું લાગે છે?!’ ભાઈ થોડા વિચારમાં પડ્યા. સોશિયલ મીડિયાએ આપેલી અભિવ્યક્તિની સગવડોને કારણે ઘણી વાતોમાં લોકો સમજ્યા વગર એમ જ કૂદી પડતા હોય છે અને ગમે તેવો બકવાસ કરવા લાગી જતા હોય છે! ઉકરડાની વચ્ચે બેસીને પોતે સ્વચ્છતાના કેટલા મોટા હિમાયતી છે એવું ભાષણ આપતા લોકોનો અહીં તોટો નથી.
‘હા કોઈ ફાયદો નહીં થતો હોય, પણ હવે કોરોના સાથે જ જીવવાનું છે તો લોકોની રોજીરોટીનું ધ્યાન પણ રાખવું જોઈએ ને?!’ પોતાનો કક્કો ખરો કરવા પેલા ભાઈએ પોતાની વાહિયાત વાતના સમર્થનમાં એનાથી પણ વાહિયાત ફિલસુફી ઝાડી.
‘જુઓ સાહેબ આજના જમાનામાં અભિપ્રાય કોઈપણ આપી શકે અને તેમની સાવ બકવાસ વાતમાં પણ અંગુઠો ઊંચો કરતો એક વર્ગ બધા પાસે હોઈ શકે પરંતુ એનો અર્થ એ નથી કે આપણે જાણ્યા-સમજ્યા વગર ગમે તે બકવાસ કર્યા કરવો’ મારો અણગમો મારી ક્ડવાશભરી ભાષામાં સ્પષ્ટ હતો.
‘ડૉક્ટર તરીકે તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, હું તો જનરલ પબ્લિકનો જે અભિપ્રાય છે તે કહેતો હતો’ એમણે મારી નારાજગી પારખતા કહ્યું.
‘વાતોને અંગત સ્તરે લેવાની મને ખાસ ટેવ નથી પરંતુ તમારી અને જે પબ્લિકની તમે વાત કરો છો એમની ટૂંકી સમજ અંગે મને નારાજગી છે’ મને ખબર હતી કે હવે પછીની વાત સાંભળવામાં એમને ખાસ રસ નહીં હોય પણ મારે સ્પષ્ટતા કરવી જ હતી. પહેલી વાત, ડોક્ટરોએ નવરાત્રીનું આયોજન ના કરવાની અપીલ કરી છે, અભિપ્રાય આપ્યો છે, નક્કી સરકારે કરવાનું છે. બાકી, રેલીઓ-મેળાવડા વગેરે ના કરવા એવું કહેતા કહેતા ડોક્ટરોના ગળા ફાટી ગયા પરંતુ જે ને જે ફાવ્યું એ કર્યું જ છે, નવરાત્રીમાં પણ એવું જ થશે! બીજી વાત, ડોક્ટરોનો આ અભિપ્રાય રોગચાળો ફેલાતો રોકવા માટે અને જનતાના ફાયદા માટે છે, તેમના અંગત ફાયદા માટે નથી – આ વાત જેને ના સમજાતી હોય તેણે તાત્કાલિક આઈક્યૂ ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે. ત્રીજી વાત, તમે જે આ માસ્ક ઉતારીને વાત કરવાની આદત ધરાવો છો ને એને કારણે લોકોની રોજીરોટી છીનવાશે, ડોક્ટરોની નવરાત્રીનું આયોજન નહીં કરવાની અપીલને કારણે નહીં!’
સૌથી કમનસીબ વાત તો હવે આવે છે, મારુ રીતસરનું ભાષણ સાંભળ્યા પછી ‘સાહેબ તમારી વાત સાચી છે’ એવું કહેવાનું તો ઘેર ગયું પણ જતા જતા એ ભાઈ કહેતા ગયા સૉરી સર, તમને મારી વાતનું વધારે પડતું લાગી આવ્યું, બોલો આટલી સ્પષ્ટતા પછી પણ એ ભાઈ એટલું ના સમજી શક્યા કે મારી વાત ડોક્ટરોના બચાવ માટે નહીં પણ મહામારીના અસરકારક નિયંત્રણ માટેની હતી!
કોવીડને લાગેવળગતી આ ચર્ચા ભલે તાજી જ છે, પરંતુ આ વિષય મેં અગાઉ પણ ઘણા દર્દી સાથે ઉખેળ્યો છે. ડાયાબીટીસવાળો કહે કે ‘ડોક્ટરોએ મારી ખાંડ બંધ કરાવી દીધી’, આલ્કોહોલિક એમ કહે કે ‘ડોક્ટરે મારો દારૂ બંધ કરાવી દીધો’ કે લોહીમાં વધુ પડતી ચરબી ધરાવનાર કહે કે ‘ડોક્ટરોએ ઘી-તેલ બધું બંધ કરાવી દીધું છે’ – આ વાતોમાં ડોક્ટર તરફ ફરિયાદનો સુર કેમ હોય છે તે આજ સુધી હું સમજી નથી શક્યો. ત્રીસ વર્ષની મારી મેડીકલ પ્રેક્ટિસમાં જવલ્લેજ કોઈ એવો મળ્યો હશે કે જેણે ડોક્ટર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ સાથે એવું કહ્યું હોય કે ‘સારું થયું કે ડોકટરે મને ખાંડ, દારૂ કે ઘી-તેલ બંધ કરવાની સલાહ આપી, મારી બીમારી જલ્દી કાબુમાં આવી’ કરવાનું બધું જ પોતાના મનનું અને પરિણામ અંગે પૂછવાનું ડોક્ટરને, એ પણ તે જવાબદાર હોય એ રીતે! હાથમાંથી મોબાઈલ પડી જાય ત્યાં સુધી ફોન મુકવાનો નહિ અને રાત્રે ઊંઘ કેમ નથી આવતી એ પ્રશ્ન ડોક્ટરને પૂછવાનો! અને, ડૉક્ટર કહે કે રાત્રે અગિયાર વાગ્યા પછી મોબાઈલ શરીરથી દસ ફૂટ દૂર મૂકીને પુસ્તક વાંચો, સંગીત સાંભળો કે રિલેક્ષેસન એક્સરસાઈઝ કરો, તો ડૉક્ટર પ્રત્યે અણગમો વ્યક્ત કરવાનો! પોતાની ના મટતી કે કાબુમાં ના આવતી બીમારીઓ માટે ડોક્ટરને દોષ આપતો રહેતો એક વર્ગ છે, ‘ત્રણ વર્ષથી ડૉક્ટરોના દવાખાના ગણીએ છીએ પણ મટતું નથી, કોણ જાણે ડૉક્ટરો કેવી દવાઓ આપે છે?!’ પણ ક્યારેય એવું નહીં વિચારવાનું કે મારી બીમારી ખરાબ છે, બીમારીને ખુબ અવગણ્યા પછી કે વિવિધ અખતરાઓમાં સમય બગાડ્યા પછી હું ડૉક્ટર પાસે પહોંચ્યો છું, ડૉક્ટરની સલાહો માનવાને બદલે હું મને જે યોગ્ય લાગે એ પ્રમાણે કરતો હોઉં છું વગેરે. ઘણાનો તો એટીટ્યુડ જ એવો હોય છે કે જાણે એમને બીમારી ડૉક્ટરે જ આપી હોય અને એ દવા લઈને ડૉક્ટર ઉપર ઉપકાર કરતા હોય! આ બધાથી ડૉક્ટરો તો મોડા-વહેલા ટેવાઈ જતા હોય છે પરંતુ આવી માનસિકતાથી દર્દીઓને પોતાને બહુ નુકસાન જતું હોય છે, સાજા થવામાં અડચણો આવતી હોય છે અને વધુ સહન કરવું પડતું હોય છે.
કોઈપણ ડૉક્ટરને તમને બીમાર પાડવામાં કે તમારી બીમારી લંબાવવામાં રસ નથી હોતો. એમની દરેક સલાહો તમારા ભલા માટે કે તમારા સ્વાસ્થ્ય માટે હોય છે, એમાં પોતાનો એક પૈસાનો સ્વાર્થ નથી હોતો. તમારે એ કયારેય ના ભૂલવું જોઈએ કે એ વ્યક્તિ તમને સાજા કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, મનોમંથન કરતી રહેતી હોય છે. જો તમે એમ માનતા હોવ કે ડૉક્ટરને દર્દી પકડી રાખવામાં રસ હોય છે તો તમે એ ભૂલો છો કે દર્દીઓની સંખ્યાએ ડોક્ટરો ઘણા ઓછા છે, વધુ દર્દીઓને કારણે આપણા દેશમાં ડૉક્ટરોને જરૂર કરતા વધુ કામ કરવું પડે છે, ફેમિલી-મિત્રોથી અનેકગણું વધુ દર્દીઓ વચ્ચે રહે છે અને સરવાળે, નાની ઉંમરે મરે છે! કોવીડમાં કેટલા મર્યા એનું ગુગલ કરજો. આ સંજોગોમાં કોઈપણ ક્વોલિફાઈડ ડૉક્ટરને દર્દી પકડી રાખવાની જરૂર નથી હોતી. હંમેશા યાદ રાખજો કે તમારી બીમારી સાથે તમે એકલા નહીં, તમારા કુટુંબીઓ અને સારવાર કરનાર ડૉક્ટર પણ લડી રહ્યો છે. ડૉક્ટર તમને બનતી મદદ કરવાની કોશિશ કરતા હોય ત્યારે તમારી નકારાત્મકતા, બીમારી સાથે સંકળાયેલું ફ્રસ્ટ્રેશન કે બીજી સમસ્યાઓનો આક્રોશ એમની પર ના ઠાલવો કારણ કે સારવાર દરમ્યાનની કોઈપણ નેગેટિવિટી માત્ર અને માત્ર દર્દીને નુકસાનકર્તા હોય છે.
પૂર્ણવિરામ:
દરેક ડોક્ટર સમય, આવડત અને અનુભવને આધારે પોતાની ફી લેતા હોય છે, એ વધુ છે કે ઓછી તે આપણે નક્કી નથી કરવાનું, એ આપણને પોષાય છે કે નહીં તે આપણે જોવાનું હોય છે !

jignashah209
September 24, 2020 at 7:48 pm
Perfectly agreed… useful info!!
Ajaz Mirza
September 25, 2020 at 8:04 am
Excellent Saying.
Yes, Now a days everyone is over reacting without much understanding
Due to social media.
vnbhatt1956
September 26, 2020 at 12:28 am
ડો. હંસલ ભાઈ ના મુદ્દા સાથે સહમત