મુશ્કેલીઓને તકમાં ફેરવવાની આવડત ધરાવતા લોકો વિકટ સમયમાં તૂટી જવાને બદલે વધુ તાકાતથી પોતાને રી-લૉન્ચ કરતા હોય છે.

તક સાધવાની હકારાત્મક ફાવટ બધાને નથી હોતી, આ એ વ્યક્તિઓ છે જે મુશ્કેલીઓને અવસરમાં ફેરવવાની આવડત ધરાવતા હોય છે. મુશ્કેલીઓ કે ઉપાધિઓમાં હિંમત ગુમાવવાને બદલે તેને એક તકમાં તબદીલ કરવાની ક્ષમતા જે વ્યક્તિઓમાં હોય છે તે આવી પડેલી આપદામાં તૂટી જવાને બદલે વધુ તાકાતથી પોતાને રી-લૉન્ચ કરતા હોય છે. આ વ્યક્તિઓની સાઈકોલોજિકલ ઇમ્યુનીટી મજબૂત હોય છે. તમે આવી પડેલી વિકટ પરિસ્થિતિમાંથી આસાનીથી ‘બાઉન્સ બૅક’ કરવાની ક્ષમતા વિકસાવવા માંગતા હોવ તો હકારાત્મક કે સર્જનાત્મક દિશામાં તક સાધતા શીખવું પડશે.

સ્વસ્થ શતાયુઓની સૌથી વધુ વસ્તી ધરાવતા ‘બ્લુ ઝોન’ના અભ્યાસનું તારણ – લાંબા અને આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય સાયકોલોજીકલ ઈમ્યુનીટીમાં છે!

સવારે ઉઠતા સાથે જેમની પાસે ઉઠવાનું કારણ હોય તેમનું મન કાર્યરત રહેવાનું અને સરવાળે તેમનું મન બીમાર પડવા સામે લડવાનું, બીમારીનો મક્કમતાથી સામનો કરવાનું. કોઈપણ બીમારી દરમ્યાન ભાવનાત્મક આધાર-ઇમોશનલ સપોર્ટ બીજી કોઈપણ સારવાર કરતા વધુ અસરકારક હોય છે, જે તે બીમારીની મુખ્ય દવાઓ કરતા પણ! જે લોકોને ભાવનાત્મક આધાર ઉપલબ્ધ હોય તે લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત હોય છે. સાયકોલોજીકલ ઇમ્યુનીટી કદાચ તમને બીમાર પડતા રોકવામાં નિષ્ફળ જઈ શકે પરંતુ બીમારીમાંથી બેઠા કરવામાં નિષ્ફળ ભાગ્યે જ જશે.