પળ પળ જીવવું છે, ઝિંદાદિલીથી જીવવું છે, પ્રસન્ન ચિત્તે જીવવું છે પરંતુ કેવી રીતે?!

મહામારીએ આપણને જીવનના ઘણા અઘરા પાઠ ભણાવી દીધા અને ખબર નથી હજી કેટલા ભણાવશે. સ્વતંત્રતાથી માંડીને સ્વજનો સુધીનું એટલું બધું ગુમાવ્યું છે કે નાની નાની વાતમાં ફિલસૂફીએ ચઢી જવાય છે! આ ફિલસૂફીમાંથી હાલ પૂરતી એક વાત સમજાઈ ગઈ છે કે જીવનને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇ શકાય એમ નથી!

વાયરસનો ચેપ તો લાગશે ત્યારે લાગશે પરંતુ ચિંતાઓનો ચેપ તો તરત લાગશે, માટે નકારાત્મકતાથી દૂર રહો.

સમય વિકટ છે તેની ના નથી પરંતુ તમારું સંયમપૂર્વકનું વર્તન જ તમને અને તમારા લાગતા-વળગતાને બચાવી શકશે તે બાબત બરાબર ધ્યાનમાં રાખશો.સમસ્યાઓ તો આવશે અને જશે પરંતુ એ દરમ્યાન આવેલા વિચારોનું તમે કેવી રીતે સંચાલન કર્યું છે તેના ઉપર આવનારા ઘણા દિવસો સુધીની તમારી માનસિક સ્વસ્થતાનો આધાર છે!

વર્ષ ક્યાં વીતી ગયું અને સહેજ આગળ વિચારીએ તો વર્ષો ક્યાં વીતી ગયા, ખબર ના પડી! યાદ હોવા છતાં જાણે કશું પણ યાદ નથી!

વર્તમાનમાં જીવવાની વાત કરવી જેટલી સહેલી છે તેટલું વર્તમાનમાં જીવવું સહેલું નથી. મોટાભાગની વ્યક્તિઓ પોતાના ભૂતકાળની યાદો અથવા ભવિષ્યના સપનાઓને જીવ્યા કરતી હોય છે. ભૂતકાળમાં જીવતી વ્યક્તિઓની મનોદશા નકારાત્મક અને હતાશ હોય છે. જયારે, ભવિષ્યમાં જીવનારાની મનોદશા અસલામતી અને ઉચાટ ભરેલી હોય છે. અફસોસ વગરનો ભૂતકાળ અને ચિંતા-અસલામતી વગરનું ભવિષ્ય હોય ત્યારે જ વર્તમાનમાં જીવવું શક્ય બનતું હોય છે.

વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!

મોટાભાગની વ્યક્તિઓ સુખ માટે આંતરિક કારણો અને તેમાંથી નિપજતા શાશ્વત સુખનું મહત્વ સમજતા હોવા છતાં તેમની દોટ તો બાહ્ય કારણો અને તેમાંથી ઉપજતા કામચલાઉ સુખ પાછળ જ હોય છે. ફિલસુફી ગમે તે ઝાડીએ, પરંતુ મોટા ભાગે આપણે સુખને અંદર ઓછું અને બહાર વધુ શોધતા હોઈએ છીએ! વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!

નવું વર્ષ અને નવેસરથી એના એ જ સંકલ્પો, જીવન બદલવા બદલવા આ સંકલ્પો ઓછા અને અનુભવો વધુ કામ આવે છે.

વીતેલા વર્ષ ઉપર ઝીણવટભરી નજર દોડાવ્યા વગર આવનાર વર્ષનો ઉધ્ધાર કરવાની વાત ઉપરછલ્લી અને થોડાક દિવસો મનને મઝા કરાવનારી હશે. જો તમે ઈચ્છતા હોવ કે નવા વર્ષના સંકલ્પો ઝાકળ જેવા ના નીવડે અને તમારા જીવનમાં તમારી ધારણા મુજબનો બદલાવ લાવે તો સૌથી પહેલા વીતેલા વર્ષ ઉપર ઝીણવટભરી નજર અચૂક દોડાવજો. નવા વર્ષના રૂપકડા સંકલ્પો કરતા વીતેલા વર્ષમાં તમને મળેલી નિષ્ફળતાઓ, તમારા સારા-નરસા અનુભવો, તમારી સાથે થયેલા દુર્વ્યવહારો કે તમને પડેલી તકલીફોમાંથી તમે જે શીખ્યા તે તમારા જીવનમાં બદલાવ લાવવામાં વધુ કામ આવે છે.