RSS

Tag Archives: Lecture

સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે! – Talk @ Toronto on 27th April 2019

સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે. એક મનોચિકિત્સક તરીકેના વર્ષોના અનુભવ ઉપરથી એક વાત તો હું ખુબ દ્રઢતાપૂર્વક કહી શકું છું કે વ્યક્તિના સુખ-દુઃખ કે જીવનની સાર્થકતાનો ઘણો મોટો આધાર તેના સંબંધો ઉપર રહેલો છે. આ સંબંધો લગ્નજીવનના હોય, સંતાનો સાથેના હોય, કુટુંબ-સમાજ સાથેના હોય, પોતાની જાત સાથેના હોય કે પછી ટેક્નોલોજી સાથેના હોય! બધુ’ય સબરસ હોવું જોઈએ, આ સબરસ એટલે જીવનના તમામ સ્વાદનો એકરસ! જીવતરનો સાચો સ્વાદ આપતો રસ અને તેમાંથી નીતરતું સુખ!! મિલકતોના ઢગલા ઉપર બેઠેલી, પરંતુ સંબંધોથી વિખુટી પડી ગયેલી વ્યક્તિઓને, જીવનના કોઈ તબક્કે તો જીવનની નિરર્થકતા મનોમન સતાવે છે અને સંબંધોમાં અનુભવેલા વલોપાતમાં તે રીબાયે જતી હોય છે. યુવાનીમાં એક-બે ને સાડાત્રણ કરીને સંબંધોનું પીલ્લું વાળી નાખનાર વ્યક્તિઓ પણ પરિપક્વ થતાં પ્રેમાળ સંબંધો માટે તલસતા સૌ કોઈએ જોયા હોય છે. જીવનમાં તણાવ પરીકથાઓની રાજકુમારીની જેમ(‘દિવસે ના વધે એટલી રાત્રે અને રાત્રે ના વધે એટલી દિવસે’ ની જેમ) વધી રહ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ જીવનની વધેલી ભાગદોડ નહી પરંતુ અંતરંગ સંબંધોના સથવારા આપણે ગુમાવી રહ્યા છીએ તે છે ! શિકાર પાછળ ભાગતા રહેતાં આદિમાનવ અને પૈસા-મહત્વકાંક્ષાઓ પાછળ ભાગતા આધુનિક માનવની ભાગદોડ વચ્ચે સૈધાંતિક રીતે ખાસ કોઈ ફરક નથી પરંતુ સુખના આધાર સમો સંબંધોનો સથવારો ઉત્ક્રાંતિના દરેક પગથીયે આપણે ગુમાવતા ગયા છીએ. ટેકનોલોજી અને સંપર્કના માધ્યમોને કારણે સંબંધોની સંખ્યા ખુબ વધતી ગઈ છે, લાગણીઓ કદી’ય ના વહેંચી હોય તેટલી વહેંચી શકાય છે પરંતુ ઉષ્મા-હુંફમાં જબરદસ્ત ઘટાડો થઇ ગયો છે. એક હજાર ‘આર આઇ પી’(રેસ્ટ ઇન પીસ) મેસેજીસ કરતાં આપણા ખભા ઉપર એકપણ શબ્દ બોલાયા વગર મુકાયેલો હાથ વધુ શાતા આપનારો છે એ કહેવાની નહી અનુભવવાની વાત છે. બીજા શબ્દોમાં કહીએ તો તંદુરસ્ત અને સાર્થક જીવન જીવવાની ઝંખના હોય તો સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં ગંભીરતાપૂર્વક વિચાર્યા વગર ચાલે એમ નથી !

વાત ભલે ગંભીર હોય પણ આપણે એને સરળતાથી અને હળવાશથી કરવાની છે. મનોચિકિત્સક હોવાનો સૌથી મોટો ફાયદો મને એ થયો છે કે જીવાતી જિંદગીઓને મેં ખુબ નજીકથી જોઈ છે, ચકાસી છે અને અનુભવી છે. એમ કહોને કે લોકોએ પોતાના જીવનના અનેક પાનાઓ મારી સામે ખોલીને જાતે વાંચ્યા છે અને મેં સમજ્યા, વિચાર્યા, ચર્ચ્યા છે! છેલ્લા ત્રીસ વર્ષમાં આ અનુભવોમાંથી જીવનને લગતું ઘણું ભાથું મેં બાંધ્યું છે અને મારી અઠવાડિક કોલમ-વક્તવ્યો થકી દેશ-વિદેશમાં વહેંચ્યું છે. તેમાંથી ‘સુખ, સંબંધો અને સબરસ’ની વાત લઈને ટોરન્ટો આવી રહ્યો છું, આપ સૌની સાથે ખુબ બધી વાતો કરવા, તૈયાર રહેજો!

 
Leave a comment

Posted by on March 28, 2019 in Uncategorized

 

Tags: , , , , ,