RSS

Tag Archives: Anxiety

દરેક વ્યક્તિ આપણે ઈચ્છીએ ત્યારે પોતાના બધા જ કામ મુકીને કનેક્ટ થવા બંધાયેલી નથી, ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે!

spread a thought Tari ane mari vaat

‘સર, વાત કરી લો’ કન્સલ્ટેશન દરમ્યાન વાગતા મોબાઈલને હું સાયલન્ટ કરતો હતો ત્યાં મારા ક્લાયન્ટે મને કહ્યું. મેં મોબાઈલની રીંગને અવગણીને વાત ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, હંમેશા બનતું હોય છે એમ ઉપરાઉપરી એકીશ્વાશે સામેથી રીંગ ઉપર રીંગ ઠોકવાની ચાલુ જ રહી. આપણે ત્યાં એક મોટો વર્ગ એવો છે કે જેને આવા સમયે સંભળાતો રેકોર્ડેડ અવાજ, જે તમને થોડા સમય બાદ ફોન કરવાનું કહે છે તે, સમજાતો નથી અને એ ઉપરાઉપરી રીંગ માર્યે જાય છે. કદાચ આવી વ્યક્તિઓને ડોક્ટર અને ટેલીફોન ઓપરેટર વચ્ચે ભેદ હોય તેવી સામાન્ય સમજ નહીં હોય એટલે તરત જ ફોન ઉપડે તેવી અપેક્ષાઓ રાખતા હશે ! એમની ઉપરાઉપરી રીંગથી કંટાળીને તમે તમારું કામ પડતું મુકીને મોબાઈલ ઉપાડો તો ‘ક્યારનો ફોન કરું છું’ એમ કહીને કેટલાક તો પોતાની પાસે આવી સામાન્ય અક્કલ નથી એનો પરિચય પણ આપે. એનાથી પણ વધુ મૂર્ખાઈભરી હરકત તો એ હોય છે કે ડોક્ટર સાવ નવરા, એના જ મોબાઈલની રાહ જોઇને જ બેઠા હોય એમ, તેમની અનુકુળતા જાણ્યા-પૂછ્યા વગર પોતાની કથા ચાલુ કરી દેવાની. હમણાં જ એક લગ્ન સમારંભમાં હાથમાં જમવાની ડીશ અને મોબાઈલ ઉપર સાહેબ કો’કના ઝાડા મટાડી રહ્યા’તા! આ તો ગઈકાલે જ બનેલી ઘટના હતી એટલે ખાલી ઉદાહરણ તરીકે આપી, બાકી આવી તો અનેક ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિઓમાં મોબાઈલ અટેન્ડ કરતા ડોકટરોને જોયા છે. જેમાં, ખભા અને કાન વચ્ચે મોબાઈલ દબાવીને પેશાબ કરતા કરતા ટેલીફોનીક કન્સલ્ટેશન કરતા ડોકટરો પણ આવી ગયા!! અને મહત્વની વાત એ છે કે આમાંથી માંડ બે ટકા ફોન પણ મેડીકલ ઈમરજન્સીના નથી હોતા, દાનત માત્ર સમય-પૈસા બચાવવાની કે ફુરસદની હોય છે, પૂછી જોજો કોઈપણ ડોક્ટરને! ઘણા ડોકટરો આ કારણોસર પોતાના મોબાઈલ નંબર આપતા અચકાતા હોય છે અથવા ચાલુ કન્સલ્ટેશન દરમ્યાન મોબાઈલ બહાર અટેન્ડન્ટ કે આસીસ્ટન્ટને આપી રાખતા હોય છે.

આમ તો આ વર્ષોથી ચાલી આવતી સમસ્યા છે પરંતુ આજે પેન ઉપર આવવા પાછળ એક કારણ છે. પહેલી જાન્યુઆરીથી ફ્રાન્સમાં એક રોજગાર કાયદો અસ્તિત્વમાં આવ્યો છે – ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’! ફ્રેંચ વર્કર્સ કોર્ટમાં પોતાની તરફેણમાં આ અંગેનો કેસ જીતી ગયા છે. આ કાયદા અંતર્ગત તેમને કામના કલાકો સિવાય પોતાના મોબાઈલ ફોન બંધ કરવાની કે સંપર્કમાં ના રહેવાની છુટ્ટી મળશે. તેમની અપીલ હતી કે કામના કલાકો પછી પણ તેમના મોબાઈલ ચાલુ રહેવાને કારણે તે સતત તણાવમાં રહેતા હતા, અનિદ્રાથી પીડાતા હતા અને તેમના સંબંધોમાં વણજોઈતી સમસ્યાઓ ઉભી થતી હતી. કોર્ટે આ બધીજ વાત માન્ય રાખી અને તેમને નોકરીના સમય સિવાય સંપર્કમાં ના રહેવાની છૂટ આપી. જે લોકો ખરેખર આ બાબતથી ત્રસ્ત હશે તે ખુશ થશે પરંતુ ‘ઓફીસીઅલ’ના બહાને આડે-અવળે લટકેલા રહેનારા નાખુશ થાય એ પણ શક્ય છે.

‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ – વાત બહુ મહત્વની છે, માત્ર નોકરીઆત માટે નહીં બધા જ માટે! સતત કનેક્ટેડ રહેવાને કારણે અગાઉ ક્યારેય નહતા અથવા ભાગ્યે જ હતા એવા પ્રશ્નો રોજીંદા બની રહ્યા છે. મેં શરૂઆત તો ડોકટરોને લગતી સમસ્યાથી કરી પરંતુ આ સમસ્યા દરેકને નડે છે. મોબાઈલની રીંગ વાગે, મેસેજ આવે કે નોટીફીકેશન ટોન રણકે – મગજ બધુજ કામ મુકીને મોબાઈલમાં અટકી જાય. મોબાઈલ હાથમાં ઉઠાવો કે ના ઉઠાવો મગજનો એક ખૂણો એની સાથે જોડાઈ જાય અને સામેવાળો ઉપરાઉપરી રીંગ મારીને કે મેસેજ કરીને એ ખૂણો એક્ટીવ જ રાખે! ગમે તેવા સંજોગોમાં ફોન ઉપાડવાનું દબાણ અને ના ઉપાડો ત્યાં સુધી વારંવાર રીંગ દબાણ કરે (આવા સંજોગોમાં ત્રીસ-ચાલીસ મિસકોલ મારનારા વિરલાઓ છે!) અથવા તમારી ફુરસદે જવાબ આપો તો ફોન કેમ ના ઉપાડ્યોનું સામેવાળાને ગળે ઉતરે તેવો જવાબ આપવાનું દબાણ, ખાસ કરીને પ્રેમ-સંબંધોમાં! ચેટનો તરત જ જવાબ આપવાનો અને ના આપો તો ‘ક્વેશ્ચન માર્ક’ના ઢગલા આવે! એમાં’ય જો ઓનલાઈન હોવ તો ગમે તેવું અગત્યનું કામ મુકીને પણ સામેવાળાને એટેન્ડ કરી લેવા પડે નહીંતર… જેવો જેનો સામેવાળો કે સામેવાળી! ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે, અલબત્ત દેખીતું ના હોય તો પણ સુષુપ્ત રીતે તો ચોક્કસ હોય છે જ અને આ કારણે જ મોટાભાગની વ્યક્તિઓ તેમનો ફોન સ્વીચ-ઓફ કરતા ખચકાતી હોય છે. આ બધી વાતો તમે સ્વીકારો કે ના સ્વીકારો એ તમારા વ્યક્તિત્વ ઉપર આધારિત છે પરંતુ આજના સમયની આ વાસ્તવિકતા છે. માટે જ, ‘ફોમો’(ફીઅર ઓફ મિસિંગ આઉટ-દેશી ભાષામાં ‘રહી જઈશું’), ‘નોમો ફોબિયા’(મોબાઈલ નેટવર્ક ના હોવાનો કે મોબાઈલ વગરના થઇ જવાનો ડર) વગેરે માનસિક સમસ્યાઓ જન્મ લઇ ચુકી છે. અરે આ ગાંડપણ ત્યાં સુધી પહોંચ્યું છે કે ‘ડ્રોસ્માર્ટોફોબિયા’ એટલે ટોઇલેટના ટબમાં તમારો સ્માર્ટફોન પડી જવાનો ડર – જેવા ફોબિયા આ લીસ્ટમાં ઉમેરાઈ રહ્યા છે. મને તો પ્રશ્ન એ થાય છે કે મોબાઈલ લઈને ટોઇલેટમાં જવું જ શું કામ જોઈએ?! પણ, જનારો મોટો વર્ગ છે, કાળા-ધોળા બધા કામ માટે!

દુનિયાભરના મનોચિકિત્સકો એકમત છે કે મોબાઈલના કારણે થઇ રહેલી માનસિક સમસ્યાઓ, સંબંધોને લગતા પ્રશ્નો અને માનસિક તણાવ આવનારા વર્ષોમાં ભયંકર સ્વાસ્થ્ય-સંબંધી પ્રશ્નો ઉભા કરશે. સમજવાનું મોબાઇલે કે મોબાઈલ સેવા આપનારી કંપનીઓએ નથી, આપણે બધાએ છે! ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ – માત્ર એમ્પ્લોયરે આપવાની વાત નથી, આપણે બધાએ પોતાની જાતને અને અન્ય લોકોને આપવાની વાત છે. દરેક વ્યક્તિ આપણે ઈચ્છીએ ત્યારે પોતાના બધા જ કામ મુકીને કનેક્ટ થવા બંધાયેલી નથી. બસ, આટલી સ્વતંત્રતા સામેવાળી વ્યક્તિને આપી શકીએ તો પણ ઘણું બધું દબાણ સંબંધોમાં ઓછું કરી શકાય. તમને તમારા વ્યક્તિ અને સંબંધમાં એટલો વિશ્વાસ હોવો જોઈએ કે જેવું શક્ય બનશે એવું તરત એ તમારી સાથે કનેક્ટ થશે જ. હા, જ્યાં તમે તમારી જરૂરીયાત માટે કનેક્ટ થવા ઈચ્છતા હોવ ત્યાં એકવાર ફોન ના ઉપડ્યો કે મેસેજનો તરત જવાબ ના મળ્યો તો રઘવાયા થઇ જવાને બદલે થોડો સમય રાહ જોવાનું રાખો, તમારો અને સામેવાળાનો તણાવ ઓછો થશે, કોમ્યુનિકેશન વધારે અસરકારક બનશે.

પૂર્ણવિરામ: ઓનલાઈન વ્યક્તિ કેટલીવારમાં તમારી ચેટનો જવાબ આપે છે તેના ઉપર તમે તમારું મહત્વ મૂલવતા હોવ તો તમે સંબંધોમાં સ્વતંત્રતા આપવામાં કાચા પડવાના તે નક્કી !

Advertisements
 

Tags: , , , , , , ,

My Inputs in Navgujarat Samay for World Mental Health Day… માનસિક તણાવ અને ડિપ્રેશન એ ગ્લોબલ ક્રાઈસિસ બની રહ્યાં છે

માનસિક તણાવ અને ડિપ્રેશન એ ગ્લોબલ ક્રાઈસિસ બની રહ્યાં છે

આ આધુનિક યુગમાં ભૌતિક સુખસુવિધાઓ વધી છે, આનંદપ્રમોદ આપતાં સાધનો વધ્યા છે, ટેક્નોલોજી અને મેડિકલ ક્ષેત્રે થયેલા વિકાસના કારણે મનુષ્યની સરેરાશ આયુષ્યમર્યાદામાં વધારો થયો છે – આ બધું જોતાં મનુષ્યના સુખ અને શાંતિમાં પણ વધારો થવો જોઈએ. પરંતુ બન્યું છે તેથી ઊધું. મનુષ્યના સુખશાંતિમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, જેની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે.

વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થના જણાવ્યા અનુસાર આજે ચારમાંથી એક પુખ્ત વયની વ્યક્તિને અને દસ બાળકોમાંથી એકને જીવનમાં ગમે તે સમયે માનસિક સમસ્યા ઉદભવી શકે છે. ચિંતાની વાત એ છે કે જેટલું મહત્ત્વ શારીરિક સ્વાસ્થ્યને અપાઈ રહ્યું છે તેટલું મહત્ત્વ માનસિક સ્વાસ્થ્યને અપાતું નથી. માનસિક સ્વાસ્થ્યની અગત્યતા અને તેની સારવારની તાકીદ પ્રત્યે લોકોને જાગૃત કરવા છેલ્લા એક દસકાથી વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા ૧૦ ઓક્ટોબરનો દિવસ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ તરીકે ઉજવાય છે. માનસિક સ્વાસ્થ્યનો બહુ મોટો આધાર જીવનશૈલી પર રહેલો છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં જીવનને સંતુલિત રાખવું એ પડકારરૂપ બની ગયું છે અને તેથી જ છેલ્લા થોડાં વર્ષોથી લોકોના જીવનનું સંતુલન ખોરવાતું જાય છે, જે છેવટે માનસિક તણાવ, ડિપ્રેશન, એંગ્ઝાઈટી જેવી માનસિક સમસ્યાઓમાં પરિણમે છે.

માનસિક સ્વાસ્થ્ય જોખમાવાનાં કારણો જણાવતાં જાણીતા મનોચિકિત્સક ડો. હંસલ ભચેચ જણાવે છે, ‘આજે સમયનો પ્રશ્ન બહુ મોટો બની ગયો છે. જીવનમાં ડિસ્ટ્રેક્શન્સ વધતા ગયા પણ સમય તો એટલો જ રહ્યો. આજે સામાન્ય લોકોના જીવનનો પણ સરેરાશ એક કલાક સોશિયલ મીડિયામાં જતો રહે છે. યુવા પેઢીનો તો તેથી પણ વધુ. પરિણામે સમયની તાણ વર્તાય છે, જે માનસિક તણાવ પ્રેરે છે. સમય ઓછો મળતાં લોકો મલ્ટિટાસ્કિંગ કરતાં થયાં છે, પણ આપણું મગજ એ રીતે વાયર્ડ નથી. તે એક સમયે એક જ વસ્તુ પર કેન્દ્રિત થવા સર્જાયેલું છે. એટલે તણાવ વધે છે. વળી આજે આંતર માનવીય સંબંધોની ઉષ્મા અને તાકાત ઘટવા લાગી છે. મિત્રો, કુટુંબ, સમાજ સાથેના સંબંધો એક બફર તરીકે કામ કરે છે, એ બફર હવે પાતળું થતું જાય છે. માહિતીનો ઝિંકાઈ રહેલો બોજ પણ મગજને થકવી નાંખે છે અને તણાવ જન્માવે છે. તણાવ વધવાને કારણે સાઈકોસોમેટિક રોગોમાં જબરજસ્ત વધારો છેલ્લા એક દાયકામાં નોંધાયો છે. સ્ટ્રેસ, ડિપ્રેશન અને એંગ્ઝાઈટીને કારણે આજકાલ નાની ઉંમરે હાર્ટ એટેક, મોતિયો, ડાયાબિટીસ જેવા રોગોના ભોગ લોકો બનવા લાગ્યા છે, જે હકીકતમાં મોટી ઉંમરે થતા રોગો છે. આમ માનસિક અસ્વસ્થતાની ખૂબ ઊંડી અને સીધી અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડી રહી છે જે ખૂબ ચિંતાજનક છે. નવી પેઢીએ એ સમજવું પડશે કે સ્વાસ્થ્ય માટે ફક્ત પોષક આહાર કે કસરત પૂરતાં નથી, બલકે સ્વસ્થ મન એ સૌથી અગત્યની બાબત છે.’

આજે પણ માનસિક બીમારીને એક સ્ટિગ્મા તરીકે જોવામાં આવે છે. ‘હું ડિપ્રેશન કે અસલામતી અનુભવું છું’ એવું વ્યક્તિ જાહેરમાં કહેતાં ખચકાય છે, એટલું જ નહીં, આવી વ્યક્તિઓને સમાજ તરફથી ના તો જરૂરી નૈતિક ટેકો સાંપડે છે, ના તો તેની યોગ્ય સારવાર. ફક્ત આપણા દેશમાં જ નહીં, પણ પશ્ચિમના દેશોમાં પણ માનસિક અને વાર્તનિક સમસ્યાને હિણપતભરી નજરે જોવામાં આવે છે. એટલે જ આ વર્ષની થીમ છે, ‘ડિગ્નીટી ઇન મેન્ટલ હેલ્થ.’ માનસિક સમસ્યાના દર્દીઓનું આત્મગૌરવ જળવાય તે ખૂબ અગત્યની બાબત છે. તો જ તેની સારવાર પ્રત્યે વ્યક્તિ અને તેના કુટુંબીજનો ખુલ્લાં થશે. સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી હળવી માનસિક સમસ્યાઓથી લઈને સ્કિઝોફ્રેનિયા, બાયપોલર મૂડ ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર જેવા ગંભીર મનોવિકારોની સત્વરે અને પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જરૂરી છે.

‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’ એ મુજબ માનસિક સ્વાસ્થ્યમાં ગરબડ ના થાય તે માટે મનોચિકિત્સક ડો. હંસલ ભચેચે કેટલાંક અગમચેતીનાં પગલાં નીચે મુજબ સૂચવ્યા છે.

> જીવનમાં પ્રાથમિકતા નક્કી કરો. લોકો ભલે ગમે તે કહે પણ મારે તો જીવનમાં આ જ કરવું છે એમ તમારું ચોક્કસ લક્ષ્ય નક્કી કરીને જીવો.

> પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરો.

> વર્ચ્યુઅલ સંબંધો કરતાં એકચ્યુઅલ સંબંધો વિકસાવો. મોબાઈલ ફોનથી ટેક્સ્ટ મેસેજ કરવાનો બદલે ફોનથી વાત કરો, કારણ કે તેમાં લાગણીઓ સ્પર્શ છે.

> જાત સાથે કનેક્ટ થવા માટે દિવસમાં નિશ્ચિતપણે અમુક સમય ફાળવો. એ સમય દરમિયાન પ્રાણાયામ કે ધ્યાન કરો, મ્યુઝિક સાંભળો, ડાયરી લખો – એવી કોઈ પણ પ્રવૃત્તિ કરો જે તમને તમારા ‘સ્વ’ સાથે કનેક્ટ કરે.

> પ્રકૃ્તિ સાથે થોડો સમય વીતાવો.

Mental Health Day 2015

thumb_IMG_7464_1024

happyminds_logo1

 
1 Comment

Posted by on October 10, 2015 in Interviews

 

Tags: , , , , , , , , , , ,