RSS

Tag Archives: તારી અને મારી વાત

વ્યક્તિઓ લાગણીઓનો તફાવત સહજતાથી સ્વીકારી શકે છે, લાગણીશૂન્યતા કે લાગણીવિહીનતા નહીં!

spread a thought Tari ane mari vaat

નોટબુકના લીટીવાળા એક કાગળમાં પેન્સિલથી લખ્યું’તુ ‘હું તને ગમું છું?!’ પ્રશ્નની નીચે ‘હા’ અને ‘ના’ એમ બે વિકલ્પના ચોકઠાં દોર્યા હતા – અગિયાર વર્ષની એક છોકરીની ઈન્ટરનેટ ઉપર વાઈરલ થઇ ગયેલી,સાથે ભણતા છોકરાને લખેલી આ ‘લવ-નોટ’ છે. તમને થશે કે આમાં વાઈરલ થવા જેવું શું છે?! મોટાભાગના કિસ્સાઓમાં તો જયારે છોકરી આવી પ્રપોઝલ કે પ્રસ્તાવ મુકે ત્યારે છોકરાના મનમાં બે ‘લડ્ડુ’ ફૂટે, એક તો છોકરીએ સામેથી ‘પ્રપોઝ’ કર્યાનો અને બીજો છોકરી કંઈપણ કરવા તૈયાર હશે તે વિચારનો ! પણ આ છોકરો જરા વધારે ગંભીર અને તત્વચિંતક ટાઈપનો નીકળ્યો, એણે એ જ લવ-નોટમાં નીચે જવાબ લખ્યો – હું નથી જાણતો, હું હજી મારી જાતને જ બરાબર નથી જાણતો એટલે કહી ના શકું. આટલું ઓછું હોય એમ પાછી પોતાના જવાબ હેઠળ ટાંક મારી, ખરેખર તો આપણે અઢારવર્ષના ના થઈએ ત્યાં સુધી આપણી જાતને જાણતા-સમજતા નથી હોતા. બોલો, કાચી વયે કેવી ગજબ સમજદારીની વાત?! – વાઈરલ થઇ ગઈ…

આ તો અગિયાર વર્ષની કાચી ઉંમરની પ્રપોઝલ હતી પરંતુ થોડા સમય પહેલા ચીનમાં એક ચાઇનીઝ પ્રોગ્રામરે નવ્વાણું આઈફોન-૬ ને ‘હાર્ટ’ના આકારમાં ગોઠવી, તેની વચ્ચે ઉભા રહીને મિત્રોની હાજરીમાં ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. રખે એવું માનતા કે છોકરીએ રોમાંચિત થઈને આલિંગન કે ચુંબન આપતા લગભગ બ્યાંસી હજાર ડોલર્સના ફોન વચ્ચે ઉભેલા પ્રોગ્રામરભાઈનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હશે, એણે પ્રસ્તાવને સાફ(બ્લંટ) ના પાડી દીધી!  પ્રોગ્રામરભાઈ તો દુખી થયા જ પણ સાથે સાથે બધા મિત્રો પણ પુષ્કળ દુખી થયા કારણ કે જો છોકરીએ પ્રસ્તાવ સ્વીકાર્યો હોત તો એ બધાને તેની ખુશીમાં આ આઈફોન-૬ મળવાના હતા! – પણ, આ વાત કંઈ ખાસ વાઈરલ ના થઇ…

પહેલી વાત વાઈરલ થઇ અને બીજી ના થઇ તેની પાછળ વિવિધ કારણો આપી શકાય પરંતુ એક મનોવૈજ્ઞાનિક કારણ મારા મગજમાં આવે છે. સામાન્યરીતે પ્રેમના પ્રસ્તાવમાં વ્યક્તિઓ વધુ પડતા આશાવાદી હોય છે અને તેના જોરે જ પ્રસ્તાવ મુકવાની હિંમત કરતા હોય છે. સામેવાળાને અસ્વીકાર કરવાની પુરેપુરી સ્વતંત્રતા છે એવી સુફિયાણી વાતો કરનારાઓ પણ મનોમન તો પ્રસ્તાવ સ્વીકારાવો જ જોઈએ તેવો આગ્રહ રાખતા હોય છે. સાથે સાથે એમને એવી પણ અપેક્ષા હોય છે કે જો સામેવાળાને પ્રસ્તાવ ના સ્વીકારવો હોય તો પણ પોતાની લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ખ્યાલ તો રાખવું જ જોઈએ. વર્ષો પહેલા વાંચેલી પંક્તિઓ આ સંદર્ભમાં અહીં ટાંકવાનું મન થાય છે – ‘હું ક્યાં કહું છું તમારી હા હોવી જોઈએ, પણ ના કહો એમાં વ્યથા હોવી જોઈએ.’ ખરેખર તો માત્ર પ્રસ્તાવ મુકનાર જ નહીં, અન્ય લોકો પણ એમ માનતા હોય છે કે કોઈનો’ય પ્રસ્તાવ વ્યક્તિએ તેમની લાગણીઓને ઠેસ ના પહોંચે એવી રીતે ઠુકરાવો જોઈએ. આ પ્રમાણે જોઈએ તો પહેલો પ્રસ્તાવ ના સ્વીકારવામાં અગિયાર વર્ષના છોકરાની ફિલસુફીમાં સંવેદનશીલતા અનુભવાય જયારે બીજા પ્રસ્તાવમાં છોકરીની બ્લંટ-સાફ ના મોટાભાગની વ્યક્તિઓને ખટકે એમ છે. સ્વાભાવિક છે પહેલી ઘટના શેર કરવાનું મન સહજ રીતે થાય પણ બીજી ઘટના શેર કરવાનું મન કોઈ સંદર્ભ ઉભો થાય તો જ થાય!

વાઈરલ થવા પાછળનું ગણિત છોડીને વાત કરીએ તો હકીકત એ છે કે તમે ગમે તેટલા પોલીશ થઈને કે ગમે તેટલી ફિલસુફી-સમજદારી ઝાડીને કોઈના પ્રેમ-પ્રસ્તાવનો અસ્વીકાર કરો, પ્રસ્તાવ મુકનારા માટે તો અસ્વીકૃતીનો એ અનુભવ દુ:ખદ જ હોવાનો. યુવક હોય કે યુવતી, સંબંધોમાં નકાર(રીજેકશન) પચાવવો અઘરો છે અને સાથે સાથે આત્મવિશ્વાસને તોડનારો પણ છે. ઘણી વ્યક્તિઓ તો આ રીજેકશનના ડરથી કોઈની સાથે નજદીકી કેળવવાથી પણ ગભરાતી હોય છે. તો બીજી કેટલીક વ્યક્તિઓ આવા ડરને કારણે સંબંધમાં આત્મસન્માન નેવે મૂકી દેતી હોય છે અને અત્યાચાર સુદ્ધાં સહન કરતી હોય છે.

પ્રસ્તાવ અસ્વીકાર કરવાનો સૌથી સંવેદનશીલ રસ્તો એ છે કે એની લાગણીઓ પરત્વે સન્માન ધરાવવાની સાથે સાથે એવો અહેસાસ કરાવવો કે એને જે પ્રકારની લાગણીઓ તમારા પ્રત્યે છે, તે પ્રકારની લાગણીઓ તમને એના પ્રત્યે નથી. કારણ કે, વ્યક્તિઓ લાગણીઓનો તફાવત સહજતાથી સ્વીકારી શકે છે, લાગણીશૂન્યતા કે લાગણીવિહીનતા નહીં. ગોળ ગોળ વાત કરવાને બદલે સ્પષ્ટ વાત નકારને સહજ બનાવે છે અને સામેવાળાને મૂંઝવણ કે ગેરસમજથી દુર રાખે છે. ઘણી વ્યક્તિઓ પ્રસ્તાવ નકારતા સમયે જરૂર કરતા વધુ સહાનુભુતિ દર્શાવે છે જે સરવાળે સામેવાળાને લાગણીઓના મુદ્દે વધુ નબળી બનાવે છે અને પછી તેના માટે આ અસ્વીકાર પચાવવો અઘરો બની રહે છે. મહત્વની વાત એ છે કે જો કોઈ તમારો અસ્વીકાર ના પચાવી શકે તો તેની તમારા પરત્વેની લાગણીઓ તમારા માટે માથાનો દુ:ખાવો બની જાય છે.

પૂર્ણવિરામ:

પ્રેમનો અસ્વીકાર તમારો હક્ક છે પણ એ અસ્વીકૃતિ સામેવાળો સ્વીકારી શકે તે રીતે કરવી એ તમારી ફરજ છે.

This slideshow requires JavaScript.

 

Tags: , , , , , , , , , ,

અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે.

spread a thought Tari ane mari vaat

દિવાળીએ આપણે વાત કરી જીવન પ્રત્યેનો અભિગમ અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા અને વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. જીવન મનભરીને માણવા માટેની આ એક પાયાની સમજ છે પરંતુ આ બધી વાતો કરવી ખુબ સહેલી હોય છે, પણ એને સાચા અર્થમાં વ્યવહારમાં મુકવા માટે આયોજન કરવું પડે છે. કમનસીબે આપણી માનસિકતા ધીરે ધીરે આયોજન કરવાથી દુર થતી જાય છે. આજે મજા કરોને કાલ કોણે જોઈ છે?! મગજને બેફીકરાઈનો દારૂ પીવડાવવા પુરતી આ વાત મજાની છે પણ નશો ઉતરે ત્યારે વાસ્તવિકતા મોં ફાડીને ઉભી હોય છે. આ વાસ્તવિકતા મનને ઉચાટમાં લઇ આવે એટલે ફરી પાછો બેફીકરાઈનો નશો ચડાવ્યે જ છુટકો ! ચક્કર ચાલે છે અને ‘કંટાળો’ નીતરતો જાય છે. જે વાત, પરિસ્થિતિ, સ્થળ, ફિલ્મ, ગીત કે લોકો આનંદ આપતા હતાં તે હવે બોર કરે છે. મનને સતત નવી ઉત્તેજના જોઈએ છે. જ્યાં સુધી મન ઉત્તેજનાઓ શોધ્યા કરે ત્યાં સુધી આ ચક્કરમાંથી બહાર ના આવી શકાય. માત્ર એક સારું વેકેશન લેવાથી ઉન્માદ અને ઉત્તેજના જરૂર આવે પણ જીવનને ઉત્સવમાં ના ફેરવી શકાય. જીવનને માણવું એ રોજીંદો ખેલ છે. જિંદગીને મનભરીને માણવા તમારા રોજીંદા જીવનમાં, તમારા સ્વભાવમાં અમુક વાતો ઉતારવી પડે અને સતત તેના અમલ માટે જાગૃત રહેવું પડે છે.
જે વાત મન સમજી શકતું નથી તે વાત તે અનુભવી શકતું નથી અને જે વાત મન અનુભવી શકતું નથી તે વાત તે માણી શકતું નથી. જીવનને માણવા માટે આ મૂળભૂત સત્ય સમજી લેવું પડે. સૌ પ્રથમ આપણે જીવન પાસેથી શું જોઈએ છે તેની સ્પષ્ટતા કેળવવી પડે કારણ કે મોટાભાગની વ્યક્તિઓ આ બાબતમાં સ્પષ્ટ નથી હોતી. બીજી વ્યક્તિઓની સમજ અને વિચારોમાં ઢસડાતી રહેતી હોય છે. તમારી જરૂરીયાત સાવ અલગ હોઈ શકે છે. એકવાર તમે આ બાબતમાં સ્પષ્ટ થઇ જાવ પછી તે દિશામાં મન, હૃદય અને આત્મા લગાવીને પ્રવૃત રહેવું પડે. તમારી સ્પષ્ટતા કે જરૂરીયાત મુજબની તક તમને જીવન આપે જ તે જરૂરી નથી માટે તમારે એ તક ઉભી કરવા પણ સતત પ્રયત્નશીલ રહેવું પડે. જે વસ્તુ બદલવી અશક્ય છે તેની ફરિયાદ કરવાનું છોડી અને તેના વિકલ્પો અપનાવી તમારી તક સાધતા રહેવું જરૂરી છે.
‘સબસે બડા રોગ, ક્યાં કહેંગે લોગ’ આ વાત તમને જીવન માણતા અટકાવી શકે છે. જો તમે સતત અન્ય વ્યક્તિઓની ઇચ્છાઓ કે અભિપ્રાયો ઉપર નિર્ભર રહેતા હોવ તો ક્યારે’ય હળવાશ કે માનસિક શાંતિ ના અનુભવી શકો. કોઈની ઝેરોક્ષ બનવા કરતાં પોતાની અસલ કોપી રહેવું વધુ અગત્યનું છે. તમારા સપનાને અનુસરવા તમારે આ વૃત્તિ કેળવવી પડે. તમારી જાત અને જરૂરીયાત સાથે પ્રમાણિક બનવાથી આ વાત તમે કેળવી શકો છો.
‘જિંદગી ના મિલેગી દોબારા’ નો મને સૌથી વધુ ગમેલો ડાયલોગ “મુઝે અફસોસ કરના નહીં આતા”! માત્ર પાંચ શબ્દોમાં જીવનનું મહાન સત્ય !! મોટાભાગની વ્યક્તિઓનું જીવન તેમણે કરેલી ભૂલો, ચૂકેલી તકો કે વિતાવેલી દુખદ ક્ષણોને વાગોળી અને તે અંગે અફસોસ કરવામાં જાય છે. જીવનને માણવા અફ્સોસોને ભૂલી આગળ વધવાની ક્ષમતા કોઈપણ સંજોગોમાં કેળવવી પડે, નહીંતર વીતી ગયેલી ક્ષણોના ચીંથરા ભેગા કરવામાં જીવન હાથમાંથી સરી જાય અને પછી જીવન હાથમાંથી સરી ગયાનો અફસોસ !
જીવનના કોઈપણ તબક્કે આપણે એ ના ભૂલવું જોઈએ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. સંબંધો આપણી મજબુરી નહી જરૂરીયાત છે. જીવનને માણવા માટે સ્વસ્થ સંબંધો મૂળભૂત જરૂરીયાત છે. કમનસીબે આપણા સંબંધો રીઅલ ઓછા અને વર્ચ્યુઅલ વધારે થઇ રહ્યા છે. જીવંત વ્યક્તિ સાથેની રૂબરૂ મુલાકાત દરમ્યાન ગાળેલી થોડીક ક્ષણો ચેટિંગ કે ટેકસ્ટીંગમાં ગાળેલા દિવસો કરતાં પણ કંઇક ગણી રોમાંચક હોય છે તે ઊંઘમાં પણ ભૂલવું ના જોઈએ. તમને ગમતા, પ્રેરણા આપતા અને પ્રોત્સાહિત કરતાં રહેતા પોઝીટીવ વ્યક્તિઓને બે હાથે પકડી રાખો. તેમના જીવંત સંપર્કમાં રહો અને એ ના શક્ય બને તો વર્ચ્યુઅલ સંપર્કમાં કારણ કે ‘ના મામા કરતાં કહાણો મામો સારો’ !
અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે. માટે તમારી અપેક્ષાઓ પ્રત્યે સતત જાગૃત રહો અને જરૂર પડ્યે ત્યાં યોગ્ય કાબુ ધરાવો. નાની નાની બાબતો પર મન માર્યા અને જીવ બાળ્યા કરતાં પોતાની જાતને અને સાથે સાથે અન્યને પણ માફ કરતાં શીખો. આવી બાબતોને વળગીને રહેવા કરતાં તેમાંથી પાઠ શીખી આગળ વધો. તમારી નકારાત્મક લાગણીઓ જેવી કે ગુસ્સો, ઈર્ષ્યા, પસ્તાવો વગેરે પર નજર રાખો અને તે અંગેની બાબતો પર સ્પષ્ટતા કેળવી તેનો નિકાલ કરતાં રહો.
જીવનને સાચા અર્થમાં માણવા તંદુરસ્ત રહેવું જરૂરી છે. કોઈપણ ભોગે તમારી તંદુરસ્ત સાથે ખીલવાડ ના કરો. તમે શું ખાવ છો તેના પ્રત્યે સતત જાગૃત રહો અને નિયમિત કસરત કરો. શરીર મફતમાં મળ્યું છે એટલે એના પ્રત્યે ‘દે ઠોકમ ઠોક’ નો ભાવ ના રખાય ! જીવન પ્રત્યે આશાવાદી બનો અને જાત પરત્વે વિશ્વાસ રાખો તો અને તો જ જીવન મઝાનું બની રહે છે નહીંતર જીવન નિરાશા અને સંદેહથી ભરેલું જ રહેશે તે નક્કી.
આમ તો આ દરેક મુદ્દા પર એક પુસ્તક લખી શકાય તેમ છે પણ અહીં તેનો અવકાશ નથી. લાંબુ જીવવું ઈશ્વરને આધીન છે પણ સારું જીવવું આપણા હાથમાં છે. શરત માત્ર એટલી કે એ દિશામાં હંમેશા પ્રયત્નશીલ રહેવું.

પૂર્ણવિરામ
સારું જીવવા શું કરવું જોઈએ તેની બધાને ખબર હોય છે પરંતુ તે બાબતો પ્રત્યે ગંભીર બનવા કરતાં ચમત્કારિક રીતે જીવન બદલાઈ જશે તેવી ભ્રમણામાં જીવન હાથમાંથી સરી પડે છે.

Follow me on twitter @hansalbhachech / on INSTAGRAM @myhappyminds

 

Tags: , , , , , , , , , ,

લાગણીઓના પ્રશ્નોમાં અન્યને સલાહ આપવાના અને પોતાના કિસ્સામાં અપનાવવાના માપદંડ અલગ હોય છે.

spread a thought Tari ane mari vaat

‘તારી અને મારી વાત’માં મેં અવારનવાર લખ્યું છે કે કેટલીક વાતો કરવાની ખુબ મઝા આવતી હોય છે, એ સાંભળીને-વાંચીને, બીજા પ્રભાવિત-પ્રોત્સાહિત પણ ખુબ થતા હોય છે, પરંતુ વાસ્તવમાં પોતાના જીવનમાં જયારે એ બાબતનો સામનો કરવો પડે ત્યારે આવી બૌદ્ધિક હોંશિયારીની હવા નીકળી જતી હોય છે! આમ તો આપણે બધા આવી વાતો, એમ કહોને કે ફિલસુફીઓ, વાર-તહેવારે ઝાડતા જ રહેતા હોઈએ છીએ પરંતુ કેટલાક માટે તો આ મજબૂરી છે. જેમ કે, સેલીબ્રીટીઓ, એમણે તો મઝાની વાતો કરવી જ પડે – જે શહેરમાં જઈએ તે શહેર, ત્યાંના લોકો, વાનગીઓ વગેરે જાણે પોતાના અસ્તિત્વનો અંતરંગ હિસ્સો હોય તેવી વાતો કરીને દંભ કરવો પડે, એમાં જરા’ય શરમાવાનું ના હોય! મીડિયાની મુલાકાતોમાં અંગત પ્રશ્નો પુછાય ત્યારે ફિલસુફીથી ભરપુર ડહાપણભરી વાતો કરવાની હોય અને ક્યારેક તો પોતાની બૌદ્ધિક ઇમેજ ઉભી કરવા પોતાને પૂછવાના પ્રશ્નો પણ સામેથી આપવાના હોય! હીરો-વર્શીપીંગ મેંગો પીપલે આ બધું ફાટી આંખે જોવાનું, ખુલ્લા કાને સાંભળવાનું અને ધન્ય થઇ જવાનું !! આ ચક્કર સમજાયું હોય તો હવે પછીની વાત સમજાશે.
હમણાં પ્રિયંકા ચોપરાની એક મુલાકાત વાંચવામાં આવી. જર્નાલીસ્ટે પ્રશ્ન કર્યો હતો કે તમારો પુરુષ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો તમે શું કરો?! મારી દ્રષ્ટીએ આ વાતો કરવાની કે બૌદ્ધિક હોંશિયારી મારવાની મઝા આવે તેવો આ પ્રશ્ન છે. તેણે આપેલા જવાબમાં મારી વાતને સમર્થન મળે એમ છે, એણે જવાબ આપ્યો ‘હું તેને જવા દઉં. તમે જેને પ્રેમ કરતા હોવ તેના ઉપર કાબુ કેવી રીતે ધરાવી શકો? તમે કોના પ્રેમમાં પડી જશો એના ઉપર તમારો ક્યાં કાબુ હોય છે? તમે પ્રેમમાં ના હોવ તેથી જરૂરી નથી કે એ પણ કોઈ અન્યના પ્રેમમાં ના હોય’ વગેરે મજ્જાની વાતો! પણ ખરેખર જીવનમાં આ હકીકત બની જાય તો પછી જુઓ. સ્વાભાવિક રીતે જ આ પ્રશ્નનો જવાબ કોઈ એવો તો ના આપે કે હું તો આખું ઘર માથે લઇ લઉં. મારી સાથે આવું કેમ કર્યું?! એ કુ**માં શું ભાળ્યું જે મારામાં નથી?! એવી ચીસો પાડીને એના કપડા ફાડી નાખું. કે પછી, મારી હાથની નસો કાપીને – ૪૯૮ કરીને દોડતો કરી મુકું! શક્યતાઓ તો આ બધા રિએક્શન્સની વધારે છે તેમ છતાં વાતો તો મજ્જાની જ કરવી પડે! મારી તો સીધી સમજ એ છે કે સ્ત્રી જેટલી આકર્ષક, સ્વતંત્ર, પ્રસિદ્ધ, આર્થિક રીતે સધ્ધર અને સશક્ત(એમ્પાવર્ડ) એટલી પોતાના પુરુષની આ હરકત પચાવવામાં અસમર્થ. બીજી સ્ત્રીઓની સરખામણીએ આવી સ્ત્રીઓ માટે તો રિજેકશન પચાવવું કે સહન કરવું ખુબ અસહ્ય હોય છે. લાગણીઓનું અસહ્ય દર્દ આવી સ્ત્રીઓ ઉઠાવતી હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં તો દગો કરી ગયેલા પુરુષ કરતા પોતાની જાતને વધુ ધિક્કારતી હોય છે. બાકી, એક જમાનામાં ખરેખર આકાશના સિતારાની જેમ દુર્લભ બોલીવુડ સેલીબ્રીટીઓ હવે પરચુરણ જેવી થઇ ગઈ છે, ગમે તેના ખિસ્સામાંથી નીકળી આવે!! સેલીબ્રીટીઓના આવા ઈન્ટરવ્યુઓ પાછળ આપનાર, લેનાર, છાપનાર અને વાંચનાર દરેકનો ઉદ્દેશ અલગ હોય છે અને વાસ્તવિકતા તો કંઇક ઓર જ ચીતરતી હોય છે!
વાત માત્ર પોતાના પુરુષ કે જીવનસાથી પુરતી મર્યાદિત રાખી શકાય એમ નથી. જીવનમાં ઘણા સંબંધો એવા હોય છે કે જેમાં ગમે તેવી હોંશિયારી-ફિશિયારી મારી હોય પણ જયારે તેને લગતી સમસ્યા ઉભી થાય ત્યારે ભલભલા ચકરાવે ચઢી જતા હોય છે. સંબંધમાં વાતો પ્રેમ, વિશ્વાસ, વફાદારી, સ્વતંત્રતા, સન્માન, માફી વગેરેની કરીએ પરંતુ જયારે આ બાબતોને લગતા પ્રશ્નો ઉભા થાય ત્યારે એ અંગેની આપણી ફિલસુફીઓને વળગી રહેવું અઘરું અને આકરું પડતું હોય છે. જે બાબતોમાં આપણે થીયોરેટીકલી સુફિયાણી સમજ બતાવી હોય તે બાબતોમાં પ્રેક્ટીકલી અટવાઈ પડવું ખુબ સામાન્ય છે. આવા સંજોગોમાં પણ આપણો અહમ જાળવી રાખવા આપણે સફાઈ આપવા ઉપર ઉતરી આવતા હોઈએ છીએ, આપણા મનની આ સ્વ-બચાવ ચેષ્ટા છે અને તે વ્યક્તિત્વ સંગઠિત રાખવા માટે જરૂરી છે.
કહેવું માત્ર એટલું જ છે કે લાગણીઓ દુભાય તેવી બાબતોમાં આપણી સૈદ્ધાંતિક સમજ અને વ્યવહારિક અભિગમ અલગ અલગ હોય છે. ખાસ કરીને જાત સાથેના સંબંધો, જીવનસાથી સાથેના સંબંધો અને સંતાન સાથેના સંબંધોમાં અન્યને સલાહ આપવાના અને પોતાના કિસ્સામાં અપનાવવાના માપદંડ અલગ હોય છે. સરવાળે બને છે એવું કે ગામને સલાહ-સૂચનો આપનારા એ જ પ્રશ્નો પોતાના જીવનમાં સર્જાય ત્યારે ગડથોલા ખાવા માંડતા હોય છે. હેરડ્રેસર પોતાના વાળ જાતે ના કાપી શકે તેવી આ સમજ છે. આટલું જો સમજાઈ જાય તો એ સમજવું અઘરું નથી કે કાંઠે ઉભા ઉભા તરવા વિષે વ્યાખ્યાનો આપનારને કો’ક ધક્કો મારીને પાણીમાં ધકેલી દે ત્યારે તેની અસલિયત છતી થઇ જાય છે. સમજાય તો વાતનું તાત્પર્ય એટલું જ છે કે પ્રશ્નો સર્જાય ત્યારે સિદ્ધાંતો અને ફિલસુફીઓ નહીં પણ એકબીજાની અંગત સમજ, એકબીજા વચ્ચેનો બોન્ડ અને પરિપક્વ પ્રોફેશનલ્સની સલાહો જ કામ આવે છે.
પૂર્ણવિરામ:
એક પુરુષને થપ્પડ મારીને બીજા પુરુષ પાછળ સંતાઈ જવાને સ્ત્રી સશક્તિકરણ ના કહેવાય !

Follow me on twitter @hansalbhachech / on INSTAGRAM @myhappyminds

happyminds_logo1

 

Tags: , , , , , , , ,

સુંદર અને આકર્ષક દેખાવાની ઘેલછાને કારણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ પાછળ વધુ સમય અને નાણા ખર્ચતી હોય છે!

spread a thought Tari ane mari vaat

‘કાલે સર મારી સાથે દાવ થઇ ગયો’ જીમમાં બાયસેપ્સ બનાવવા ડમ્બેલ્સ મારતા મારતા જીમ-મિત્રએ કહ્યું.

‘કેમ?!’ મેં સહજ કુતુહલતા બતાવી.

‘કહું’ એમ કહેતા એ ડમ્બેલ્સ સ્ટેન્ડ ઉપર મુકવા ગયો અને પછી પાછા આવીને નેપકીનથી પરસેવો લૂછતાં વાત માંડી ‘કાલે મારી એક ફેસબુક ફ્રેન્ડને પહેલીવાર ફાઈવસ્ટારના કોફી-બારમાં મળ્યો. પણ એને મળતાની સાથે બધું જ એક્સાઈટમેન્ટ ટર્ન-ઓફ અને પાકીટ ઉપર ચૂનો લાગ્યો એ જુદો’

એ નિસાસો નાખવા રોકાયો એટલી વારમાં મેં હસતા હસતા પૂછી કાઢ્યું ‘કેમ પ્રોફાઈલ પીક્સ કે ઈન્સ્ટાગ્રામના ફોટોથી જુદી નીકળી?!’

‘હે, તમને કેવી રીતે ખબર પડી?!’ તેણે આશ્ચર્ય થયું હોય એવી રીતે મને પૂછ્યું ખરું પણ પછી પોતે જ જવાબ આપ્યો કે ‘તમને તો ખબર જ હોય ને આવું બધું, તમારી પાસે તો આવા ઘણા કિસ્સા આવતા હોય’

‘સિમ્પલ છે’ મેં તેમ છતાં’ય મને કેવી રીતે આખી વાત સમજાઈ ગઈ તે સમજાવવા માંડ્યું ‘મોટાભાગની આવી ‘ફેસબુક ડેટસ્’ પ્રોફાઈલ પીક્સ પ્રભાવિત હોય છે અને એમાં વ્યક્તિઓ દેખાવમાં પોતાના અપલોડ કરેલા ફોટાથી ઉતરતા નીકળે તો દાવ-પાણી ડોટ કોમ. બધી જ ઉત્તેજનાઓ ટર્ન-ઓફ!’

‘દાવ-પાણી ડોટ કોમ!! જબરું લાયા સર’ બે ઘડીમાં જ જાણે એનો અફસોસ વિસરાઈ ગયો.

‘ચલ હવે વર્ક-આઉટ પતે પછી વાત’ એમ કહીને મેં બીજા મશીન તરફ ચાલતી પકડી અને એણે પાછા ડમ્બેલ્સ હાથમાં લીધા.

************

જીમમાં થયેલી આ નાનકડી રૂટીન વાતચીતમાં કંઈ ખાસ નવું’ય નથી અને અજાણ્યું’ય નથી. કદાચ આજના મોટાભાગના યુવાનોને ખબર હશે કે વ્યક્તિનો ઓનલાઈન દેખાવ ભ્રામક હોઈ શકે તેમ છતાં’ય ખુલ્લી આંખે એ ભ્રમમાં સપના જોવાઈ જાય છે અને એટલી જ ઝડપથી રૂબરૂ મુલાકાત પછી આંખો ખુલી પણ જાય છે. આખી’ય ઘટનામાં ચહેરાની સુંદરતાનો ભ્રમ ઉભી કરતી કોસ્મેટીક ઇન્ડસ્ટ્રી અને ફોટોગ્રાફિક ટેકનોલોજીનો તો મોટો ફાળો છે જ પરંતુ સાથે સાથે, પોતે છે તેના કરતા વધુ સુંદર કે આકર્ષક દેખાવાની સ્વભાવગત ઘેલછાઓ અને અન્યોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની વૃત્તિ પણ છુપાયેલી છે. બધાને સુંદર અને આકર્ષક દેખાવું છે અને તે પણ પોતે વાસ્તવમાં છે તેના કરતા વધુ. અલબત્ત, સ્ત્રીઓમાં આ વૃત્તિ પુરુષો કરતા ઘણી વધુ પ્રબળ છે, માટે જ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ પાછળ વધુ સમય અને નાણા ખર્ચતી હોય છે. યુવતીઓ તેમના પ્રોફાઈલ પિક્ચર વધારે બદલતી રહેતી હોય છે અને તેને આકર્ષક બનાવવા કોસ્મેટીક્સ, લાઈટીંગ, ફોટો એડીટીંગ વગેરેનો ભરપુર ઉપયોગ કરતી હોય છે. જયારે પુરુષોનું ધ્યાન મસલ્સને આકર્ષક બતાવવા ઉપર વધારે ચોટેલું  હોય છે, એમની ઘેલછા પોતાના ચહેરા કરતા બાયસેપ્સ કે એબ્સ બતાવવાની વધુ રહેતી હોય છે. પરંતુ, બધા માટે આ શક્ય નથી કારણ કે આ માટે તેમણે મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં કહું તો; યુવતીઓને પોતાના દેખાવને આકર્ષક બનાવવા કોસ્મેટીક્સ અને ટેકનોલોજી જેટલી કામ આવે છે તેટલી યુવકોને આવતી નથી. પરિણામે આપણા જીમ-મિત્ર સાથે દેખાવના મુદ્દે જે દાવ થયો તેવું યુવતીઓને ખાસ થતું નથી. હા, ધીરે ધીરે કોસ્મેટીક ઇન્ડસ્ટ્રી પુરુષો માટેની સ્પેશીયલ પ્રોડક્ટ્સ મુકીને તેમનામાં પણ દબાઈને પડેલી આકર્ષક દેખાવવાની ભાવનાઓ ભડકાવીને પોતાનો ધંધો વધારી રહી છે તે માહોલમાં આવનારા સમયમાં પુરુષો પણ આ બાબતમાં પાછળ નહીં રહે તે નક્કી. આ વાતનો અર્થ સાવ એવો ના કાઢતા કે પોતે આકર્ષક લાગે તેવા ડીજીટલી મોડિફાઇડ ફોટા લોકો માત્ર બીજાને આકર્ષવા જ અપલોડ કરતા હોય છે, ઘણીવાર તેમની આ ચેષ્ટાઓ પાછળ પોતાની જાતને આકર્ષક રજુ કરીને આત્મવિશ્વાસ અનુભવવાની કે સ્વની હકારાત્મક છબી પોતાના મનમાં ઉભી કરવાની સુષુપ્ત ઈચ્છાઓ પણ કામ કરતી હોય છે. તેના ઉપર મળતી લાઈકસ્ અને હકારાત્મક કોમેન્ટસ્ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરતી હોય અને પોઝીટીવ સેલ્ફ-ઈમેજને પોષતી હોય છે. ધાર્યા પ્રમાણેના પ્રતિભાવ ના મળે તો આત્મવિશ્વાસ તૂટતો જાય કે સ્વની છબી ખરડાતી જાય અને એ સંજોગોમાં યુવાનો હતાશ, ચીઢિયા કે વ્યસની બની ગયાના અનેક દાખલાઓ આપણી આજુબાજુ છે.

મારી વાત પ્રોફાઈલ પીક કે ઓનલાઈન દેખાવ પુરતી સીમિત નથી, વાસ્તવિક દેખાવ માટેની પણ છે. આજ કાલ માત્ર સ્ક્રીન ઉપર જ નહીં પરંતુ જે તમારી સામે છે એના દેખાવમાં પણ એક ભ્રમ છે. અત્યાર સુધી હિરોઈન, મોડેલ્સ કે સેલીબ્રીટીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ આજકાલ સામાન્ય યુવતીઓ પણ અપનાવવા માંડી છે. મેક-અપ, બ્યુટી ટ્રીટમેન્ટ, પુશઅપ-પેડેડ-વાયર્ડ બ્રા, બોડી શેપર, ટમી ટક, કોમ્પ્રેશન ટીશર્ટ, થાઈ શેપર, ટોરસો સ્લીમર વગેરે આ ભ્રમ ઉત્પન્ન કરનારા અને જોનારને ખુલ્લી આંખે છેતરી જાય એવા મહિલાઓ દ્વારા રોજીંદા ઉપયોગમાં લેવાતા પ્રસાધનો છે. (આ બધું શું છે તે ના સમજાય તો તમે ઘડપણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છો – નહીંતર કરો ગુગલીંગ…) આખી’ય વાતમાંથી કેળવવા જેવું વ્યવહારિક ડહાપણ એ છે કે તમને પાર્ટીમાં, મોલમાં કે સ્ટ્રીટમાં જોવા મળતી આકર્ષક સ્ત્રીઓના દેખાવમાં લગભગ ત્રીસથી ચાલીસ ટકા ભાગ આવા પ્રસાધનો કે યુક્તિઓ દ્વારા થતા વધારાનો હોય તે શક્ય છે. જો આ વાતનું ભાન ભૂલીને તમે કોઈના દેખાવ પાછળ ગાંડા થઇ જાવ તો, અમુક કિસ્સાઓમાં દાવ-પાણી ડોટ કોમ થઇ જવાની માનસિક તૈયારી રાખવી પડે. તાજેતરમાં જ એક સમાચાર વાંચ્યા હતા – નવવધૂએ રાત્રે મેક-અપ ઉતારતા જ તેના દેખાવથી ગભરાયેલા પતિએ રૂમની બહાર દોટ મૂકી!!

પૂર્ણવિરામ:

એ જમાનો દુર નથી કે વ્યક્તિનો સાચો દેખાવ જોવા તેમના નગ્ન ફોટા માંગવા પડે!!

Follow me on twitter @hansalbhachech / on INSTAGRAM @myhappyminds

 

 

Tags: , , , , , , , , , , , ,

અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે!

spread a thought Tari ane mari vaat

‘જીવન એક યાત્રા છે, આપણે બધા યાત્રાળુ છીએ. હસતા રમતા આપણે યાત્રા પુરી કરી અને પરમધામમાં પહોંચી જવાનું છે’ જીવનનું સત્ય જાણે એક વાક્યમાં સમજાવી દેવાતું હોય તેવો આ મેસેજ વાંચતા  મારું મન વિચારે ચઢ્યું – જીવન એક યાત્રા સાચી, આપણે બધા યાત્રાળુ; ચાલો એ’ય સાચું, પરમધામ પણ સાચું પરંતુ હસતા-રમતા કેવી રીતે પહોંચવું? મોટાભાગના તો ભાગતા, દોડતા, લંગડાતા, હાંફતા, ઝગડતા, અફસોસ કરતાં, ફરિયાદો કરતાં, સંઘર્ષ કરતાં, એકબીજાના ટાંટિયા ખેંચતા અને સાથેસાથે પ્રેમ-સમર્પણ-ઉદારતા-ક્ષમા-માનવતાની વાતો કરતાં કરતાં જીવનની મજલ કાપતા જણાય છે !! કોઈપણ યાત્રા મઝાની ક્યારે બને ?! આ ‘મઝા’ ઘણાં પરિબળો પર આધારિત હોઈ શકે છે, અંગત મંતવ્યો અને માન્યતાઓની આ વાત છે. મારી તો સ્પષ્ટ માન્યતા છે કે યાત્રાની સાચી મઝાનો આધાર તમારા સહયાત્રીઓ કોણ છે તેની ઉપર છે. એક કકળાટીયો, ઉત્પાતીયો, વાંધાળો, રઘવાટિયો કે જીવખઉં તમારી આખેઆખી યાત્રા બગાડવા પુરતો હોય છે. જો સાથ-સંગાથ સારો હોય તો બાવળિયા હેઠળ પણ મઝા આવે અને જો એકબીજાને અનુકુળ ના હોય તો યુરોપમાં’ય લોહી ઉકાળા થાય !

‘પણ, બોસ આપણે તો એકલા જ યાત્રા કરતાં હોઈએ છીએ. સાથ-સંગાથની બબાલ જ નહી’ કેટલાક અંતર્મુખી અને નિજાનંદમાં મસ્ત યાત્રીઓ દલીલ કરશે પરંતુ યાત્રીગણ, તમે એકલા યાત્રા કરો અને બાજુની સીટમાં સતત રોતું છોકરું અને એને છાનું કેવી રીતે રાખવું એ વિષયમાં સંપૂર્ણ ‘ઢ’ એવી માતા હોય તો ?! સાથ-સંગાથની બબાલ વગર પણ મગજ કાણું થઇ જાય ને?!

જરૂરી નથી કે હંમેશા બધો દોષ સામે ખાટલે જ ઓઢાઢી શકાય. કેટલીકવાર સહયાત્રીઓ ખુબ સારા મળે અને તમે પોતે રાશી હોવ એમ પણ બને ! અને ત્યારે પેલા થાકીને મૂંગા થઇ જાય કે પોતાની યાત્રા સુધારવા હળવેથી સાથ છોડી જાય તેમ પણ બને !!

હવે મહત્વની વાત આવે છે. આપણી યાત્રાઓમાં તો સહયાત્રીઓ પસંદ કરવાની તક આપણને મળતી હોય છે. મનમેળ હોય તેવા મિત્રોને સાથે લઈને આપણે રખડીએ છીએ અને યાત્રાની મઝા લઈએ છીએ. મઝા ના આવતા સહયાત્રીઓ બદલવાની કંઇક અંશે આઝાદી પણ ભોગવીએ છીએ. પરંતુ, જો જીવનને જ એક યાત્રા ગણીએ તો મોટાભાગના સહપ્રવાસીઓ તો આપણને એમ જ ભટકાઈ જાય છે અને તેમની સાથે જ ગમે કે ના ગમે જીવન વ્યતીત કરવું પડતું હોય છે. જીવન દરમ્યાન સંબંધોમાં સંઘર્ષ કરતાં દરેકને પોતાના સહયાત્રીઓ સાથે લાગણીઓના મુદ્દે પ્રશ્નો હોય છે, એ યાત્રી પછી જીવનસાથી હોય, કુટુંબી હોય, સંબંધી હોય, મિત્ર હોય, સહકર્મચારી હોય, બોસ હોય, પાર્ટનર હોય વગેરે. આ બધાજ ઈચ્છા-અનિચ્છાએ આપણા સહપ્રવાસીઓ છે, આપણા સમય-શક્તિ-લાગણીઓના સહભાગીઓ છે. આપણા જીવનની મઝાઓ ઘણાં અંશે આ બધા ઉપર આધારિત છે. એમાંના કેટલાય આપણી લાગણીઓને નીચોવી નાખનારા અને થકવી નાખનારા હોય છે. લાગણીઓના મુદ્દે લોહી ચુસનારી વાગોળ જેવા હોય છે.ઈચ્છવા છતાં’ય છોડી ના શકાય તેવી આ વ્યક્તિઓ છે. આવી વ્યક્તિઓ પોતે અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી હોય છે. ખુબ આસાનીથી તે લાગણીઓના સંબંધ વિકસાવે છે અને તમારી લાગણીઓની શક્તિ ઉપર પોતાને સલામત અનુભવે છે. તેમને સતત પ્રેમ, કાળજી અને સ્વીકૃતિની આપો એટલી ઓછી પડે એ સ્તરની જરૂરીયાત રહે છે. તેમના ઉપરછલ્લા આત્મવિશ્વાસની નીચે આત્મવિશ્વાસનો અભાવ, ભય, શંકા, ગીલ્ટ, અપૂર્ણતા, પરાવલંબન વગેરે ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે. જીવનના પ્રવાસમાં આવી વ્યક્તિઓનો સાથ આપણને રિબાવે છે. એમની સાથે જીવવાનું આવે તો વ્યક્તિ લાગણીઓથી નીચોવાઈ જાય, શરીરથી થાકી જાય, આક્રોશ અનુભવતી રહે, હતાશામાં રહે અને ભયથી જીવે. જયારે પણ એમનો સાથ કરવાનો થાય, સામનો કરવાનો થાય ત્યારે ત્યારે અંતર વલોવાય.

લાગણીઓના મુદ્દે રિબાવે તેવી આ વ્યક્તિઓમાં ખાસ કરીને સતત પોતાના મહત્વમાં જ રાચતી અને સતત અન્યનું એટેન્શન ઈચ્છતી સ્વકેન્દ્રી વ્યક્તિઓ, કોઈ વસ્તુ મેળવવા ધમપછાડા કરતાં હોય તે જ રીતે તમને મેળવવા પણ અનહદ ધમાલ કરતાં વસ્તુ અને વ્યક્તિ વચ્ચે ભેદ ના સમજતા વ્યક્તિઓ, ગૂંગળામણ થઇ જાય એટલી હદે મચીને તમારી સંભાળ લેતા વ્યક્તિઓ, પોતાની જાતને હંમેશા બિચારી કે શોષિત સમજતી વ્યક્તિઓ, સતત તમારા અવગુણો કે નબળાઈઓ જોતી વ્યક્તિઓ, લાગણીઓના મુદ્દે હંમેશા છેડા ઉપર જ રહેતી વ્યક્તિઓ (વરસે તો અતિ-વરસે અને બગડે તો અતિ-બગડે!), નાની નાની વાતોને કલ્પી ના શકાય તેવું રૂપ આપવાની વૃત્તિ ધરાવતી નાટકબાજ વ્યક્તિઓ વગેરેનો સમાવેશ કરી શકાય. આ વ્યક્તિઓ સાથેના સંબંધો દુઃખી કરનારા હોય કે ના હોય પણ લાગણીઓથી નીચોવીને આપણને થકવી નાખનારા તો જરૂર હોય છે. એમને સહન કરવાને બદલે મેનેજ કરતાં શીખવું પડે. અને જો તમે પોતે આવું વ્યક્તિત્વ ધરાવતા હોવ તો તમારે તમારી જાતને મેનેજ કરીને આ નબળાઈઓથી ઉપર ઉઠવું પડે, અલબત્ત સ્વીકારી શકો તો !!

પૂર્ણવિરામ:

લાગણીઓના મુદ્દે તમને નીચોવી નાખે એવાં વ્યક્તિઓ સાથેના સંબંધો લાગણીઓથી નહી પણ બુદ્ધિથી જાળવવા પડે !

Follow me on twitter @hansalbhachech

happyminds_logo1

 

 

 

Tags: , , , , , , , , , , , , ,

જો છુટા પડ્યાનું દુઃખ ના થાય તો સમજવું પડે કે ક્યાંક તો જોડાયા જ નહતા અથવા એટલાં ઉબાયા’તા કે કંઈ અનુભવવાનું પણ બાકી ના રહ્યું!

spread a thought Tari ane mari vaat

ઘણાં પ્રશ્નો એવા જટિલ હોય છે કે તેનો જવાબ જો તાત્કાલિક આપીએ તો કંઇક જુદો હોય, વિચારીને આપીએ તો તે એનાથી સાવ અલગ જ હોય અને વ્યવહારમાં તો વળી એ સંદર્ભે કંઇક સાવ જ ઉલટું જોવા મળતું હોય ! હમણાં એક વાંચકે મને વેબસાઇટ ઉપર આવો જ એક પ્રશ્ન પૂછ્‌યો. ‘‘બ્રેકઅપ્સ અને ડીવોર્સમાં વઘુ દુઃખદ શું?!’’ કદાચ એનો  પૂછવાનો આશય એવો હશે કે લગ્ન કર્યા પહેલા જ છુટા પડી જવું વઘુ દુઃખદ કે લગ્ન કર્યા પછી છુટા પડવું વધુ દુ:ખદ ?! હવે આ પ્રશ્નનો તાત્કાલિક જવાબ આપવાનો હોય ત્યારે એમ વિચાર આવે કે બંન્ને દુઃખદ વાત છે. ‘છુટા પડવું’ માત્ર જ દુઃખદ હોય છે, પછી એ લગ્ન પહેલાં હોય, લગ્ન બાદ કે લગ્નની કોઈ જ વાત વગર. વઘુ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી વિચારીએ તો એમ થાય કે બ્રેકઅપ્સ કરતાં ડીવોર્સ (છુટાછેડા) વઘુ દુઃખદ હોઈ શકે કારણ કે તમે વઘુ લાંબો સમય જોડે રહ્યા છો, તમારી વચ્ચે ઘણી ખાટીમીઠી લાગણીસભર ક્ષણોની યાદો વણાયેલી છે અને તમારો આખો’ય સંબંધ કૌટુંબિક-સામાજિક તાણા-વાણામાં ગુંથાયેલો છે. વળી વ્યવહારમાં તો આ બન્ને જવાબથી સાવ ઉલટું જ જોવા મળે ! ‘બ્રેકઅપ્સ’ પછી ઘણાં આત્મહત્યા કરે છે, જ્યારે છુટાછેડા મેળવ્યા પછી મોટાભાગના દંપતીઓ કૌટુંબિક અને સામાજીક પ્રશ્નો વચ્ચે પણ હાશકારો અનુભવે છે! આનો મતલબ એવો થાય કે છુટાછેડા પછી શક્ય છે કે સાથીઓ રાહતનો અનુભવ કરે પરંતુ ‘બ્રેકઅપ્સ’માં કદાચ રાહત અનુભવાય તો પણ દુઃખ તો વધુ જ અનુભવાય છે. છુટાછેડા બાદ હાશકારો એટલા માટે થાય છે કે આ આખો’ય સંબંધ છુટા પડવા સુધી પહોંચતા પહોંચતા એકબીજા પરત્વેની નકારાત્મક લાગણીઓ (નેગેટીવ ફીલીંગ્સ)થી ખદબદવા માંડે છે. વ્યક્તિઓ સંબંધથી, એકબીજાના વ્યવહારથી અને લાગણીઓના આઘાતથી એટલા તો ઉબાઈ ગયા હોય છે કે છુટા પડતા જ ‘હાશ’ અનુભવે છે. પછી સમય જતા; ધીરે ધીરે છુટા પડવાનું દુઃખ અનુભવાય તે અલગ વાત છે.

આજના માહોલમાં તો જાતે બની બેઠેલા લવગુરુઓ કે કાઉન્સેલરો છુટા પડીને દુખી થતાં લોકોને એવી સલાહ આપતાં ફરે છે કે હવે તો છુટા પડવું બહુ સામાન્ય છે, એનું ખાસ કંઇ દુઃખ કરવા જેવું નથી કે એને કારણે જીવ બાળવાની જરૂર નથી. બોલો?! જીવ કંઇ કોઈને કહીને બળે છે?! દુઃખ કરવાથી થાય છે?! આ તો બધી આપમેળે અનુભવાતી લાગણીઓ છે. જીવ કોઇને’ય બાળવો નથી, દુઃખ કોઇને’ય અનુભવવું નથી પણ આવી સુફીયાણી સલાહોથી ચૂરણ લઈએ ને કબજીયાત દૂર થઇ જાય તેમ છુટા પડ્યાનું દુઃખ થોડું મટી જાય?! હા, વારંવાર કોઈ આપણને કહે કે દુઃખ કરવાની જરૂર નથી તો આપણે એવો ડોળ ચોક્કસ કરતાં થઇએ કે આપણને દુઃખ નથી થતું, પરંતુ ખરેખર તો સામેવાળી વ્યક્તિ આપણું દુઃખ સમજી શકે તેમ નથી એવી મનોમન સ્વીકૃતિ સાથેની આ માંડવાળ છે!. સાવ  સાચી વાત તો એ છે કે સંબંધ સારો હોય કે ખરાબ-તૂટે ત્યારે હંમેશા દુઃખ કરાવે. બીજાને દેખાય કે ન દેખાય, મનને તો ચોક્કસ અનુભવાય. લોકો કહે કે ન કહે, વહેંચે કે ન વહેંચે, તૂટેલાં કે તનાવગ્રસ્ત સંબંધોનું દુઃખ હંમેશા અનુભવતા હોય છે.

આજે સમગ્ર વિશ્વમાં સંબંધોના સમીકરણો બદલાઈ રહ્યાં છે. ઇંગ્લેન્ડમાં લગ્નની સરખામણીએ લગ્ન કર્યા વગર વઘુ યુગલો રહે છે. ઓસ્ટ્રેલિયામાં સ્ત્રીઓ પોતાના પુરૂષ મિત્રોની સૌથી વધારે જાસૂસી કરાવે છે. ત્યાં સ્ત્રીઓ મોબાઈલમાંથી ભૂંસી કઢાયેલા એસ.એમ.એસ. પાછા લાવી શકે તેવા યંત્રો અને પુરુષ સમાગમ કરીને આવ્યો છે કે નહિં તે ચકાસવાના કેમીકલ ટેસ્ટનો બેરોક-ટોક ઉપયોગ કરી રહી છે. જાપાન અને ચીનમાં તો વળી પૂરી કદની ઢીંગલીઓ આજકાલ જોરમાં છે અને બજારમાં તેની માંગ વધતી જાય છે. આ બઘું’ય વિજાતીય સંબંધોમાં બદલાવની ચાડી ખાય છે. સ્ત્રી-પુરૂષના સંબંધોની વ્યાખ્યા-સમીકરણો ધીરે ધીરે બદલાઈ રહ્યા છે પરંતુ કમનસીબે આપણે ક્યારેય ધીરે ધીરે ફુંકાતા પરિવર્તનના પવન અંગે સંવેદનશીલ નથી હોતા. જ્યારે સંપૂર્ણ બદલાવ આવી જાય ત્યારે જ જાગતા હોઈએ છીએ. લગ્ન જીવનમાં પણ એવું જ છે. રોજબરોજની નાની નાની ઘટનાઓ-વ્યવહારોને લઇને સંબંધ-લાગણીઓ ધીમે ધીમે મરતી જાય, સરવાળે આખો સંબંધ જ મરી જાય અને જોડે જીવીએ છીએ એ વાત માત્ર ભ્રમ બનીને રહી જાય. પવનની નાની ડમરીઓ અવગણનારા આપણે વાવાઝોડું ફૂંકાતા દોડીને શરણું શોધીએ એવાં આ સંજોગોમાં છુટા પડવાનો હાશકારો જ અનુભવાય ને ?!

બદલાવની પ્રક્રિયામાં આપણે થોડા પાછળ રહીએ એમ છીએ?! છેલ્લા પાંચ વર્ષમાં મંડપના બીલ કે હનીમૂન દરમ્યાન વાપરેલાં ક્રેડીટ કાર્ડનું બીલ આવે તે પહલાં તો છુટાછેડાના કિસ્સાઓ નોંધાવા માંડ્યા છે. એક સમયે પતિ ગમે ત્યાં લફરૂ કરતો હોય પણ રાત્રે તો ઘરે આવે છે ને એ વિચારે લગ્ન ટકાવતી સ્ત્રીઓ કે મારી જરૂરિયાતો-એશોઆરામ સચવાતા હોય પછી ભલે ને જ્યાં રખડવું હોય ત્યાં રખડે તેવું વિચારતી સ્ત્રીઓને પણ હવે પોતાની સાથે થઇ રહેલો આ અન્યાય ખટકવા માંડ્યો છે. કશુંયે ક્યાંય ચલાવી લેવાની માનસિક તૈયારીઓ યુગલો ગુમાવી રહ્યા છે. આ પણ પરિવર્તન જ છે ને ?! સરવાળે છુટા પડવું હવે ઘટના નહીં પણ રૂટીન બની રહ્યું છે. વાંદરૂ જેમ એક ડાળી છોડને બીજી પકડે છે તેમ ‘હુક અપ્સ’ અને ‘બ્રેકઅપ્સ’ની સાયકલ ચાલે છે. દેખીતી રીતે આ કુદાકુદમાં કોઈ દુઃખી થતું હોય તેવું પણ જણાતું નથી. પરંતુ બીલીવ મી, દરેક તૂટેલો અંતરંગ સંબંધ તેના ડાઘ છોડતો જાય છે અને તે આપણાં સ્વભાવ-વ્યવહારને બદલતો જાય છે. સંબંધને જાતીય મઝા, ટાઈમપાસ કે ચાલે ત્યાં સુધી ઠીક અને નહીંતર એક,બે અને સાડા ત્રણ… વાળી માનસિકતામાં જીવી કે માણી ના શકાય. વિશ્વના તાપમાનની સાથે સાથે સંબંધોના માપદંડ પણ બદલાતા ચાલ્યાં છે ત્યારે આપણાં સંબંધોને વચનબદ્ધતા સાથે ગંભીરતાપૂર્વક નિભાવવાનો સમય પાકી ગયો છે. જો આપણે એમ નહિં કરી શકીએ તો પરિવર્તનનો પવન આપણને ખેંચી જશે, આપણાં માનસ પણ બદલાશે અને એક હુંફાળા, સલામત, વચનબઘ્ધ, સ્થાયી સંબંધ માટે આપણે તરસતા રહીશું.

પૂર્ણવિરામ: આંખો બંધ કરો અને જે અંધકાર તમારી નજર સમક્ષ છવાય, બસ એવો જ અંધકાર તમારા હૃદયમાં કોઈ ધબકતો સંબંધ તૂટે ત્યારે છવાય છે !

Follow me on twitter @hansalbhachech

Instagramt

 

Tags: , , , , , , , , , ,

સુખી સહજીવન અને કુટુંબ માટે વ્યવહારથી અપેક્ષાઓ સુધીનું બધું જ સાચવી લેતી સ્ત્રીઓનું સ્થાન હવે પોતાનું પહેલા સાચવવા જાત સાથે અને અન્ય સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ લઇ રહી છે.

Tari ane mari vaat

લગ્ન-વિધિમાં સહજીવનની સોનેરી કલ્પનાઓ કરવાને બદલે કોઈ દુલ્હન વરરાજાને ગણિતના ઉખાણા પૂછે?!! લગ્નની ચોરીમાં કોઈ કન્યા વરને પંદર વત્તા છ કેટલા થાય તેવો પ્રશ્ન પૂછે?! ના પૂછે, કન્યા શિક્ષિકા હોય તો પણ ના પૂછે! પણ, કાનપુરના રસુલાબાદ ગામમાં થઇ રહેલી એક લગ્ન-વિધિમાં દુલ્હને તેના ભાવિ પતિને આ સરવાળો પૂછ્યો. વરરાજા તત-ફત થઇ ગયા, જવાબ આપ્યો ‘સત્તર’. કન્યા તો રથયાત્રાની ભીડમાં ગાય ભડકે એમ ભડકી અને સગા-વ્હાલાઓની ભરી ભીડમાં લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો. ભણતર અંગેનું જુઠ્ઠાણું તેણે પકડી પાડ્યું અને ઓન ધ સ્પોટ નિર્ણય લઇ લીધો…

બિહારના ગોપાલગંજમાં રહેતા યુવકને તો દુલ્હને આવું કોઈ ઉખાણું પૂછવાની પણ મહેનત ના કરી. લગ્ન પહેલા એકબીજાને નહીં જોવાની સામાજિક રસમ પ્રમાણે લગ્ન માટે તૈયાર થયેલી આ દુલ્હને વરરાજાનો દેખાવ અને કદ ધારણા પ્રમાણેના ન હોવાથી લગ્ન કરવાની સાફ ના પાડી દીધી. વડીલોની સમજાવટને કાનના રસ્તે મગજમાં ઘુસાડવાની તસ્દી લીધા વગર જ ઓન ધ સ્પોટ નિર્ણય…

**********

આમ તો આ બંને ઘટનાઓ રમુજી લાગે એવી છે પરંતુ સાથે સાથે ખુબ માર્મિક છે. આ બંને ઘટનાઓ મેટ્રો કે મોટા શહેરની નથી પરંતુ આજે’ય પછાત ગણી શકાય એવા ગામોની છે. સંબંધો કે સહજીવનમાં યુવતીઓની પસંદગી, પ્રાથમિકતા, અપેક્ષાઓ વગરે બધું જ જબરદસ્ત રીતે બદલાઈ રહ્યું છે અને તે પણ મેટ્રોથી શરુ કરીને ગામડાઓ સુધી. લગ્ન અને જીવનસાથીના સંદર્ભમાં યુવતીઓનું વલણ ખાસ્સું સ્પષ્ટ, સ્વતંત્ર અને આપખુદ બની રહ્યું છે. સારું કે ખોટું તેની ચર્ચા આ બાબતે અભિપ્રાય આપવાની ખંજવાળ ઉપડતી હોય તેમના માથે છોડીએ અને આપણે આપણી વાત આ બદલાવે સ્ત્રી-પુરુષના સહજીવનના સમીકરણોમાં જે ઉથલ-પાથલ કરી છે તે પુરતી સીમિત રાખીએ.

જીવનસાથીની પસંદગી કે લગ્નને લગતી આ ઘટનાઓ તો ખાલી આપણી વાતનો ઉપાડ છે પરંતુ વાત સ્ત્રી-પુરુષના સંબંધ કે સહજીવનને સ્પર્શતી તમામ નાની-મોટી બાબતોને લાગુ પડતી છે. સંમત થાવ કે ન થાવ, પરંતુ હકીકત છે કે આપણી અગાઉની પેઢીઓના સંબંધો ઓછા સંઘર્ષમય હતા તેની પાછળના ઘણા બધા કારણો પૈકી એક મહત્વનું કારણ સ્ત્રીઓની જતું કરવાની કે અપેક્ષાઓ ઉપર વ્યવહારુ રોક લગાવવાની આવડત હતી. સુખી સહજીવન અને કુટુંબ માટે વ્યવહારથી અપેક્ષાઓ સુધીનું બધું જ સાચવી લેતી સ્ત્રીઓનું સ્થાન હવે પોતાનું પહેલા સાચવવા જાત સાથે અને અન્ય સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ લઇ રહી છે. જાત સાથે સંઘર્ષ એટલે કરવો પડે છે કે સંબંધ કે કુટુંબને બાજુ ઉપર મુકીને માત્ર પોતાના વિષે જ વિચારવાનો સ્ત્રીઓનો કુદરતી સ્વભાવ નથી. સરવાળે કારકિર્દી, આત્મસન્માન, સમાનતા, અંગત અપેક્ષાઓ વગેરેનો ઝંડો લઈને દોડતી સ્ત્રીઓ લાગણીઓના મુદ્દે લંગડાય છે અને સંબંધમાં-સ્વભાવમાં બિનજરૂરી આક્રમક બનતી જાય છે. પહેલા પણ મેં લખ્યું’તુ અને આજે ફરી લખું છું કે આ જ કારણોસર સ્ત્રીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. તણાવજન્ય રોગો જે ગઈકાલ સુધી માત્ર પુરુષોના દુશ્મન ગણાતા હતા તે આજે સ્ત્રીઓ સામે પણ મોં ફાડીને ઉભા છે.

લગ્ન અને જીવનસાથીની પસંદગીના સંદર્ભમાં જેટલી યુવતીઓ સ્પષ્ટ અને સ્વતંત્ર બની છે તેટલી જ લગ્ન-વિચ્છેદ કે છૂટાછેડાની બાબતમાં પણ બની છે. તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાયન્સીસના એક અભ્યાસ મુજબ ફેમીલી કોર્ટમાં છૂટાછેડામાં પરિણમ્યા હોય તેવા સિત્તેર ટકા કેસ સ્ત્રી દ્વારા દાખલ કરવામાં આવેલા હતા. એમાં પંચ્યાસી ટકાથી પણ વધુ કેસમાં સ્ત્રીઓએ ફેરવિચારણા કરવાની’ય તસ્દી ના લીધી. આમાંથી ઘણી સ્ત્રીઓ તો આર્થિક રીતે પગભર પણ ન હતી, એટલે માત્ર આર્થિક જોરે આ સ્વતંત્રતા ઉભી થઇ છે તેમ ના કહી શકાય. વાતનો મતલબ સાફ છે કે સ્ત્રીઓ સહન કરીને  જેમ તેમ ખેંચવા કરતા છુટા પડી જવાની બાબતમાં સ્પષ્ટતા કેળવવા માંડી છે. સાથે સાથે એક આડ-વાત એ પણ કહું કે એક જમાનામાં દીકરીને સમજાઈને પાછી મોકલવા વત્તું-ઓછું દબાણ કરતા માં-બાપો પણ આજે તેના નિર્ણયને સમર્થન આપતા થયા છે.

spread a thought

આપણી આખી’ય વાતમાં સ્ત્રીઓની સંબંધોની બાબતમાં સ્પષ્ટતા નવી નથી, સ્ત્રીઓ દરેક સંબંધ અંગે પુરુષો કરતા ઘણી વધુ સ્પષ્ટતા કાયમથી ધરાવતી આવી છે. પરંતુ, નવી વાત છે તે સહન કરવાની માનસિક તૈયારીમાં આવેલો બદલાવ, નિર્ણય લેવાની સ્વતંત્રતા અને આક્રમકતાની છે. આ આક્રમકતા સ્ત્રીઓને સંબંધોમાં અધીરી, અસહિષ્ણુ અને અસલામત બનાવે છે. સરવાળે ગઈકાલ સુધી સ્ત્રીઓની પરિપક્વતા, સહિષ્ણુતા અને ધીરજ ઉપર ટકી રહેલા સંબંધો આજે ‘હેન્ડલ વિથ કેર’ જેવા ફ્રેજાઈલ થઈને રહી ગયા છે. આ વાંચી રહેલી સ્ત્રીઓને થશે કે પુરુષોને ઉદ્દેશીને કંઈ કહેવા જેવું જ નથી?! પરિપક્વતા, ધીરજ, સહિષ્ણુતા વગેરે જેવું બધું સ્ત્રીઓએ જ કરવાનું છે?! ના; સાવ એવું નથી. તાલી એક હાથે ના પડે, એક હાથે લાફા પડે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જેટલો બદલાવ સ્ત્રીઓની પ્રાથમિકતા, અપેક્ષાઓ અને વલણમાં આવ્યો છે તેટલો પુરુષોમાં નથી આવ્યો. તેમ છતાં સાવ સાચી વાત તો એ છે કે સંબંધમાં અને સહજીવનમાં પુરુષો પહેલા કરતા વધુ મદદરૂપ અને સંવેદનશીલ બન્યા છે. પોતાના બાળકના હીંચકાની દોરી પણ ના ખેંચતો આપણી આગળની પેઢીનો પુરુષ આજે બાળોતિયા બદલાવતો થઇ ગયો છે. જયારે એ કંઈ ન હતો કરતો ત્યારે કોઈ અધીરાઈ-આક્રમકતા ન હતી તો આજે કેમ?! વિચારી શકે તેવી દરેક સ્ત્રીએ પાયામાંથી ચિંતન કરવા જેવો આ વિચાર છે. સહજીવનમાં જયારે પુરુષ બદલાઈ જ રહ્યો છે તો સ્ત્રીએ આક્રમક બનીને સંબંધોની મજબૂતાઈમાં ઘા કરવા જેવો નથી. પરંતુ અફસોસની વાત એ છે કે જયારે સામાજિક બદલાવ(સાચો કે ખોટો) આવતો હોય છે ત્યારે એકલ-દોકલ સમજવા છતાં પણ તેનાથી દુર નથી રહી શકતા !!

પૂર્ણવિરામ:

જુનવાણી સલાહ: ‘બેટા સુખે-દુ:ખે નિભાવી લે જે’

નવા જમાનાની સલાહ: ‘બેટા ના ફાવે તો આવી જજે, તારા માં-બાપ હજી બેઠા છે!’

 

 

 

Tags: , , , , ,