વિચારોમાં તમે જો વિકસિત નથી થતા તો તમે જીવી નથી રહ્યા, માત્ર સમય પસાર કરી રહ્યા છો.

લો નવું વર્ષ શરુ થઇ ગયું. કેવું ગયું 2022નુંવર્ષ, સડસડાટ?! આજે આપણું ધ્યાન એટલા બધા સ્તરે વહેંચાયેલું છે કે સમય ક્યાં વીતી જાય છે એની ખબર નથી રહેતી, લગભગ સૌનો અનુભવ હશે કે વર્ષ ક્યાં વીતી ગયું એની ખબર જ ના રહી. આમ તો વર્ષ નહીં વર્ષો ક્યાં વીતી જાય છે એની ખબર નથી રહેતી. ફિલ્મોમાં તારીખિયાના પાના ઉડતા બતાવે છે તેમ જીવન ઉડતું જઈ રહ્યું છે. હાલના દિવસો વીતેલા વર્ષ પર નજર દોડાવાના દિવસો છે. છાપામાં વીતેલા વર્ષની હેડલાઈન્સ અને પ્રમુખ ઘટનાઓ આવશે, રેડિયો ઉપર વર્ષના ટૉપ સોંગ્સ આવશે, ટૂંકમાં બધા પોતપોતાની રીતે વર્ષને વાગોળશે. વર્ષને વાગોળવામાં મારુ એક રૂટિન વર્ષોથી રહ્યું છે, વર્ષના અંતિમ દિવસોમાં હું મેં લખેલા લેખો વાંચતો હોઉં છું. મારુ આ રૂટિન વાસ્તવમાં મારુ સેલ્ફ-એનાલિસિસ છે. 1988માં કોલમ શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના લેખો પૈકી હું કેટલાક લેખો વાંચું છું અને વર્ષો-ઉંમર-અનુભવ વગેરે આગળ વધતા મારા વિચારોમાં શું ફેરફાર આવ્યો તેનો ક્યાસ કાઢવાની કોશિશ કરું છું. વિચારોમાં તમે જો વિકસિત નથી થતા તો તમે જીવી નથી રહ્યા, માત્ર સમય પસાર કરી રહ્યા છો.

ક્યારેય વિચાર્યું છે કે તમારામાં અને અન્ય સજીવોના જીવનમાં મોટામાં મોટો ભેદ શું છે?! તમે કહેશો કે બીજા સજીવો વિચારી નથી શકતા. વાત સાચી, પરંતુ એનાથી પણ મોટો ભેદ એ છે કે તમે તમારા જીવનને તમારી ઈચ્છા મુજબ ઘડી શકો છો. આવી સ્વતંત્રતા બીજા કોઈ સજીવ પાસે નથી. લીમડો લાખ ઈચ્છે તો પણ આંબો નથી બની શકતો, સસલું સિંહ નથી બની શકતું. આ બધા જ સજીવોનું જીવન બાય ડિફોલ્ટ જ નક્કી છે, બીજી કોઈ સંભાવના એમના જીવનમાં નથી. મનુષ્યમાં એવું નથી, તેની પાસે સંભાવનાઓનો અખૂટ ખજાનો છે. એક છેડેથી બીજા છેડે પહોંચેલાના, જીવન પરિવર્તનના દાખલાઓ અગણિત છે. અહીં સસલા સિંહ બની ગયા છે અને વાઘ બકરી બની ગઈ છે, લીમડે કેરી પણ આવી છે અને આંબાને લીંબોળી પણ નસીબ નથી થઇ! મારુ કહેવાનું તાત્પર્ય એ છે કે આ બ્રહ્માંડમાં આપણે એકમાત્ર સજીવ છીએ કે જેમના જીવનનો કાર્યક્રમ નક્કી નથી, બેસુમાર સંભાવનાઓ સાથે આપણે જન્મીએ છીએ અને આપણું જીવન ઘડતા જઈએ છીએ. વર્ષોરૂપી કોરા પાનાઓ ઉપર આપણે જ આપણી સ્ટોરી લખવાની છે. સ્વીકારીએ કે ના સ્વીકારીએ, આપણી લાઈફ સ્ટોરીના આપણે જ લેખક છીએ. આપણા વિચારો, અનુભવો, પરિશ્રમ, સમજ, ચિંતન વગેરે આ લેખનની સામગ્રી છે. હા આ જીવનની કિતાબમાં શરૂઆતના પાનાં આપણા માતા-પિતા અને શિક્ષકો લખતા હોય છે, પ્રસ્તાવના કે વિષય પ્રવેશની જેમ, પણ મોટાભાગનું પુસ્તક તો આપણે પોતે જ લખવાનું હોય છે.

દરેકને પોતાની સંભાવનાઓનો મહત્તમ ઉપયોગ કરવો હોય છે પરંતુ એમ બનતું નથી કારણ કે મોટાભાગનાને જીવનનો ડિફોલ્ટ માફક આવી જાય છે, પૈસા કમાવ અને મઝા કરો. આપણી સંભાવનાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે ભૌતિક સમૃદ્ધિમાં નહીં પણ વિચારોમાં વિકસતા જવું જરૂરી છે, ભૌતિક સમૃદ્ધિ તો એમાંથી પેદા થતી આડપેદાશ છે. વિચારોના વિકાસમાં તમારા અનુભવો અને તેમાંથી મેળવેલ ડહાપણ અગત્યનો ભાગ ભજવે છે. અનુભવો અને એમાંથી ડહાપણ નિચોડવાની ક્ષમતા કેળવવા સમય સમય પર આપણા વિચારોનું પૃથ્થકરણ અને ચિંતન કરવું જરૂરી છે. વર્ષના આ દિવસો પૃથ્થકરણ અને ચિંતનની તક લઈને આવે છે. યાદ રાખજો વિકસવાની આપણી પાસે અસીમ શક્યતાઓ છે, આ શક્યતાઓનું શું કરવું એ તમારા સિવાય કોઈ નક્કી નહીં કરી શકે. 

ચાલો ચાર દિવસ પછી શરુ થતા નવા વર્ષ માટે એક નવો વિચાર આપું. વીતેલા સમયનો કોઈ અફસોસ નહીં, આવનારા સમય માટે કોઈ સંકલ્પ નહીં પરંતુ વર્તમાનમાં વિકસિત થવા માટેનો વિચાર. જાત સાથે બેસો (સૌથી અઘરું પણ અત્યંત જરૂરી કામ), તમારા જુના વિચારો અને હાલના વિચારોનું પૃથ્થકરણ કરો (દા.ત. કોઈ એક બાબતને લઈને પહેલા તમારા શું વિચારો હતા અને હાલ શું વિચારો છે? ડાયરી લખતા હોવ તો તેની મદદ લો), તેમાં આવેલા બદલાવની નોંધ કરો, તમે વિકસિત થયા કે નહીં તેનું નિષ્પક્ષ તારણ કાઢો. ઓફ કોર્સ, વિકસિત થવાની આડમાં જે ઉપલબ્ધી અને ઉન્નતિ થઇ તેનો પણ અંદાજ કાઢો. આ બધી કસરત કરવાનો મૂળ હેતુ આવનારા વર્ષમાં તમારામાં રહેલી સંભાવનાઓનો ઉત્તમ વિકાસ કરવાનો છે, તમારી માનસિક સ્વસ્થતા અને ક્ષમતામાં વધારો કરવાનો છે. 

જો નવા વર્ષમાં સંકલ્પ જ કરવો હોય તો બે સંકલ્પ કરો, જાત સાથે રોજ ઓછામાં ઓછી દસ મિનિટ ગાળવાનો સંકલ્પ અને ડાયરીમાં તમારા આજના વિચારોને ઓછામાં ઓછી દસ લીટીમાં લખવાનો સંકલ્પ. આવનારા વર્ષોમાં તમારા વિચારોનું પૃથ્થકરણ કરવામાં આ બંને બાબતો મદદરૂપ થશે. નવું નક્કોર વર્ષ શરુ થઇ રહ્યું છે, ના ખોલ્યું હોય તો જાત સાથે ખાતું ખોલો અને તમારામાં રહેલી સંભાવનાઓનો અસીમ વિકાસ કરો. 2023ની મબલખ શુભેચ્છાઓ…

પૂર્ણવિરામ:

જીવન વ્યક્તિ મટીને વિચાર બનવાની યાત્રા છે… 

One Comment Add yours

  1. IRFAN MIRZA says:

    Nice Story

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s