મોટાભાગના નાગરિકોના દિલમાં ભરેલી દેશદાઝ દિમાગ સુધી પહોંચતી નથી. ભારતીયતા આપણી લાગણીઓમાં છે પરંતુ વિચારોમાં નથી!

વાત વર્ષો જૂની છે પણ પ્રાસંગિક છે. હું અને મારી પત્ની કૈરોના તાહરિર સ્કેવેરમાં આવેલા ઇજિપ્સિયન મ્યુઝિયમની મુલાકાતે હતા. મિડલ ઇસ્ટના સૌથી જુના આ પુરાતત્વીય મ્યઝિયમના મમી-રૂમનું દરેક પ્રવાસીને આકર્ષણ રહેતું કારણ કે એ સમયે સંપૂર્ણ જાળવેલું મમી નજદીકથી અને નરી આંખે ત્યાં જોવાનો લ્હાવો મળતો. અમે આ રૂમમાં પ્રવેશવાની લાઈનમાં ઉભા હતા, પરદેશી પર્યટકોની સાથે ઘણા સ્થાનિકો પણ હતા. હું રૂમના પ્રવેશદ્વારની બાજુમાં ‘ફોટોગ્રાફી પ્રોહિબિટેડ’ની નિશાની જોઈ રહ્યો હતો ત્યારે જ અમારા ગાઈડે પણ કહ્યું કે મમી-રૂમમાં ફોટો લેવાની સખ્ત મનાઈ છે. થોડીવારમાં અમને પ્રવેશ મળ્યો અને બધા પોતપોતાની રીતે મમી જોવામાં વ્યસ્ત થઇ ગયા. એવામાં એક ટુરિસ્ટએ છાનોમાનો મમીનો ફોટો પાડી લીધો પણ એક લોકલ ટુરિસ્ટની નજરમાંથી એ બચી ના શક્યો. એ સ્થાનિક વ્યક્તિએ ત્યાં જઈને તેને ‘ફોટોગ્રાફી પ્રોહિબિટેડ’ની ઠેરઠેર લાગેલી સૂચનાઓ બતાવતા ફોટોગ્રાફ ડીલીટ કરવાનું કહ્યું. પેલાએ તો એને કમ્પ્લીટ ઇગ્નોર કર્યો અને બીજી તરફ મોઢું ફેરવી લીધું. સ્થાનિક વ્યક્તિ તરત જ બહાર જઈને સિક્યોરિટી ગાર્ડને બોલાવી લાવી, ગાર્ડે આવીને તરત જ ફોટો ડીલીટ કરાવ્યો અને તે જો ફરી ફોટો લેશે તો દંડની રકમ ભરવી પડશે એવી ચેતવણી પણ આપી.

 હવે થોડાક જ સમય પહેલાની એક વાત. હું અને મારી પત્ની વારાણસીના શિવાલા ઘાટ પર ગંગા કિનારે બેઠા હતા. નદીમાં કઇંપણ નાખવાની સખ્ત મનાઈ અને ભારે દંડ છે.  અમે બેઠા એટલીવારમાં એક વ્યક્તિએ ફૂલ પણ પધરાવી દીધા, બીજી કેટલીક વ્યક્તિઓએ સાબુ ચોળી નહાઈ પણ લીધું અને એક જણે તો પોતાની ભેંસોને પણ નવરાવી લીધી! અને આમાંના કોઈ પરદેશી નહતા, આપણા જ લોકો!!  ઘાટ પર ઘણા બધા હતા પણ બધાએ (મારી જાતને ગણીને કહું છું) ફૂલ ઇગ્નોર માર્યું, આપણે શું લેવા-દેવા?! નકામી બબાલમાં કોણ પડે?! 

આ બે ઘટનાઓનો ઉલ્લેખ કરીને હું એવું સાબિત કરવા નથી માંગતો કે ઇજિપ્તની પ્રજામાં આપણા કરતા વધુ રાષ્ટ્રભાવના છે કે એ પ્રજા આપણા કરતા વધુ પેટ્રિઓટિક છે. રાષ્ટ્ર-ભાવનાતો આપણામાં’ય ઠાંસી-ઠાંસીને ભરી છે, જોજો હમણાં પાંચ દિવસ પછી મોબાઈલ ઉભરાઈ જશે, ડીપી તો બદલાવા માંડ્યા જ છે, મારુ’ય બદલાશે. આ વખતે તો માત્ર મોબાઈલ જ નહીં ‘હર ઘર તિરંગા’નો જુવાળ ઉઠશે પરંતુ રાષ્ટ્રહિતમાં આપણા પગલાં ઉઠશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. વિશ્વગુરુ બનવાની ક્ષમતા અને સપના આપણા રાષ્ટ્રમાં છે તેની ના નથી પરંતુ એ દિશામાં આગળ વધવા રાષ્ટ્રહિતની માનસિકતા અને આત્મબળ આપણી પ્રજામાં છે?! એ તો દરેકે પોતે પેદા કરવા પડશે ને?! જેની હોંશિયારી પોતાના માટે કામ ના આવે તેને હોંશિયાર કહેવો કે કેમ એ વિકટ પ્રશ્ન છે. ડફોળ કે નાસમજ જેવું વર્તન કરતા બાળકની બુદ્ધિના વખાણ કરતા માં-બાપને મારે હંમેશા આ વાત કહેવી પડી છે – ‘તમારું બાળક અત્યંત બુદ્ધિશાળી હશે પરંતુ એની બુદ્ધિ એના પોતાના કામમાં ના આવે તો શું કામની?!’ આપણામાં રાષ્ટ્રભાવના ગમે તેટલી ભરી હોય પરંતુ રાષ્ટ્રહિતની દિશામાં આપણે કાર્યરત ના થઇ શકીએ તો એ પેટ્રીઓટિઝમ શું કામનું?! હા એ પેટ્રીઓટિઝમ થકી આપણે સ્વાતંત્ર્ય દિવસે વિશ્વના અન્ય કોઈપણ દેશની સરખામણીએ અનેકગણા વધુ દેશભક્તિના મોબાઈલ સંદેશાઓ કરવાનો વર્લ્ડ રેકોર્ડ ચોક્કસ સ્થાપિત કરતા રહ્યા છીએ. આપણી કમનસીબી એ છે કે મોટાભાગના નાગરિકોના દિલમાં ભરેલી દેશદાઝ દિમાગ સુધી પહોંચતી નથી. ભારતીયતા આપણી લાગણીઓમાં છે પરંતુ વિચારોમાં નથી! સ્વતંત્ર નાગરિક તરીકે આપણે બધા અધિકારો ભોગવીએ છીએ, જન્મસિદ્ધ હક્ક તરીકે એને જસ્ટિફાય કરીએ છીએ, પરંતુ નાગરિક તરીકે દેશ પ્રત્યેની ફરજોની વાત સિફતપૂર્વક ટાળી જઈએ છીએ! દેશમાં ગમે ત્યાં થૂંકીને વિદેશોની ચોખ્ખાઈથી પ્રભાવિત થઈએ છીએ. રાષ્ટ્રની-જાહેર મિલકતોની પથારી ફેરવતી વખતે દિલમાં રહેલી રાષ્ટ્રભાવના કયા ખૂણામાં મોઢું સંતાડીને બેઠી હોય છે તે શોધવું મુશ્કેલ છે. સ્વતંત્રતા થયાના પંચોતેર વર્ષ પછી પણ આપણા વિચારોમાં દેશહિત જેવી વાત હજી સ્થાપિત નથી થઇ શકી એ કમનસીબી નથી તો બીજું શું છે?!

‘હર ઘર તિરંગા’ને હું તો એમ કહું છું કે ‘હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર દિમાગ તિરંગા’ રાષ્ટ્રભાવના દિલમાંથી ઉઠીને દિમાગને ઘમરોળી જવી જોઈએ. ભારતીય હોવાનું ગૌરવ માત્ર ભાવનાઓમાં નહીં, વિચારો અને આચરણમાં પણ હોવું જોઈએ. રાષ્ટ્રભાવના મોબાઈલમાં ભલે વહેતી પરંતુ સાથે સાથે શરીરમાં એ ચેતના સ્વરૂપે પ્રસ્થાપિત થાય એવો સંકલ્પ આ સ્વતંત્રતા દિવસે કરીએ. કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રની છબી ના ખરડાવી જોઈએ. વાસ્તવમાં તો એક દેશવાસી તરીકે દેશનું નાનું સરખું પણ અહિત કરનારને આપણે પાઠ ભણાવવો જોઈએ. દેશ, નેતા-અભિનેતા-અધિકારી, પક્ષ-સંસ્થા-કંપની , મીડિયા-માધ્યમ કે કોઈપણ એક પ્રજા તરીકે આપણને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાની હિંમત ના કરી શકે એટલી રાષ્ટ્રભાવના આપણા દિલ, દિમાગ, વ્યવહાર અને વર્તનમાં હોવી જોઈએ. રાષ્ટ્રની છબીને નુકસાન કર્યું કે રાષ્ટ્ર વિષે ઘસાતું બોલ્યા તો મર્યા એવો ડર આ બધાના મનમાં રહેવો જોઈએ. દેશહિત અને રાષ્ટ્રસન્માનની બાબતે કોઈપણ સમાધાન નહીં કરવાનો દ્રઢ સંકલ્પ રોજે રોજ વિચારોમાં જીવિત રહેવો જોઈએ, બાકી તો જીવનમાં અનેક પંદર ઓગસ્ટ આવશે, દિલમાં જુવાળ ઉઠશે અને સોળમીએ સવારે ડસ્ટબીનમાં ફેંકાઈ જશે.       

પૂર્ણવિરામ:  

રાષ્ટ્રભાવના પ્રદર્શન કે ભાષણબાજીનો વિષય નથી, જીવનશૈલી છે!

One Comment Add yours

  1. salonisangtani says:

    Sir please write your quotes in hindi plus english language bso that we can understand and follow it

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s