‘સંબંધોને મજબૂત બનાવતી શ્રેણી’ (Relationship Builder Series)ના વધુ બે પુસ્તક…

સ્ત્રી-પુરુષના સંબંધો અંગેની મારી વાતોમાં એક આળ મારા માથે અવારનવાર આવે છે કે હું સ્ત્રીઓ તરફી લખું છું! મારી સમજ તો સંબંધો અને સ્ત્રી-પુરુષના સ્વભાવ – અભિગમ બાબતે એકદમ સ્પષ્ટ છે. એક મનોચિકિત્સક અને વિશ્લેષક તરીકે જે સાચું હોય તે જ હું લખું છું. હા, એ વાત અલગ છે કે લોકો પોતાને ગમતું તારવી લે અને ના ગમતું જુદી જુદી રીતે નકારી કાઢે. હમણાં એક સર્જન વ્યવસાયબંધુએ મને મેસેજ ફોરવર્ડ કર્યો એમાં મારી કૉલમ ‘તારી અને મારી વાત’નો ફોટો હતો, અમુક વાક્યો અને ફકરાઓ નીચે  લાલપેનથી લીટી મારેલી હતી. મેં જયારે એને પૂછ્યું કે આ ફોટો મને કેમ મોકલ્યો તો મને કહે કે આ મારા બુધવારના લન્ચ સાથે મારે લેવાનું આ જ્ઞાન છે 🙂 વાત એમ હતી કે તેની પત્ની દર બુધવારે આ કોલમમાંથી અમુક બાબતો તારવીને બપોરે લન્ચ સમયે તેને ફોરવર્ડ કરતી અને એ વિષયમાં ચર્ચા કરીને તેણે વાંચ્યું છે એ પાક્કું પણ કરતી! મેં તેને કહ્યું કે અત્યાર સુધી તને લાલપેનથી લીટી મારેલી કૉલમ મળતી હતી પણ હવે લીટીઓ દોરેલું પુસ્તક મળશે, તારી પરીક્ષાનો કોર્સ વધી જશે!!

‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ પુસ્તકથી ‘સંબંધોને મજબૂત બનાવતી શ્રેણી’ (Relationship Builder Series)ના પુસ્તકો નિયમિત રીતે પ્રકાશિત થતા રહ્યા છે. આજે આ શ્રેણીના વધુ બે પુસ્તક આપના હાથમાં મુકતા અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. આ શ્રેણીના તમામ પુસ્તકોને વાચકોએ અઢળક પ્રેમ કર્યો છે અને એ પ્રેમ થકી હું આ શ્રેણીમાં વધુને વધુ પુસ્તકો જોડતો જાઉં છું. અગાઉના પુસ્તકોમાં અને મારા વક્તવ્યોમાં વારંવાર કહું છું એમ, ​​‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પ્રકાશિત કરવા પાછળ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખવી. કશું’ય અધ્ધરતાલ કે ફિક્શન નહીં, માત્ર સાવ સાચી પ્રેક્ટીકલ વાતો અને અમલમાં મૂકી શકાય તેવા ઉપાયો. મારા પુસ્તકો અને લેખો અંગે વિશ્વના ખૂણે ખૂણેથી મને વાચકોના અભિપ્રાયો અને પ્રશંસા સંદેશો મળતા રહે છે, હું પ્રોત્સાહિત થતો જાઉં છું અને લખતો જાઉં છું. આજે આ શ્રેણીમાં અગિયાર પુસ્તકો જોડાયા છે. આ પુસ્તકો અન્ય લેખકો માટે સંબંધો વિષે લખવા માટે માર્ગદર્શક બની રહ્યા છે એ મારા માટે એક સંતોષજનક બાબત છે, ઉદ્દેશ સાકાર થઇ રહ્યાનો મને આનંદ છે. માત્ર લેખનમાં જ નહીં, વકતવ્યોમાં, ગુજરાતી-મરાઠી ફિલ્મો, નાટકો અને સીરીઅલોમાં આ પુસ્તકો એક સંદર્ભ ગ્રંથ તરીકે વપરાયા છે. સોશિયલ મીડિયામાં આ પુસ્તકોમાંથી લેવાયેલા સેંકડો ક્વોટસ્ ફરી રહ્યા છે. એક સર્જક તરીકે આ બધી બાબતોનું હું ગૌરવ અનુભવું છું અને સાથે સાથે સારા વિચારો પ્રસરાવતી આ તમામ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓનો હું ઋણી છું.

તારી અને મારી વાત

મનની મૂંઝવણ અને લાગણીઓની ગૂંચવણ ઉકેલતી વ્યવહારુ વાતો…

મનની મૂંઝવણ અને લાગણીઓની ગૂંચવણનો અસરકારક ઉકેલ લાવવામાં મદદ કરે, સંબંધોમાં સમજણ સીંચે અને તમારી લાગણીઓને યોગ્ય દિશા આપવામાં મદદ કરે તેવી વાતોનું આ પુસ્તક અનુભવી મનોચિકિત્સકની કલમે લખાયેલું છે. એક વ્યક્તિ તરીકે વિકસવા માંગતા દરેકે પોતાની અંગત લાયબ્રેરીમાં સંઘરવા અને વારંવાર વાંચવા જેવું, ડૉ. હંસલ ભચેચની સ્ત્રી-પુરુષના સંબંધોને મજબુત બનાવતી અત્યંત લોકપ્રિય પુસ્તક શ્રેણી ‘Relationship Builder Series’નું વધુ એક પુસ્તક…

આપણે માણસો બહુ મઝાના છીએ. કોઈપણ બાબતમાંથી આપણી મનગમતી કે મતલબની વાત તારવીને ખુશ રહીએ છીએ, આપણી વાત બીજાને ઠસાવવાની કોશિશ કરીએ છીએ અને અપરાધભાવથી દુર રહીએ છીએ! બીજાની ભૂલો, નબળાઈઓ કે અપકૃત્યો આગળ ધરીને આપણી જાતને પાછલે બારણેથી સરકાવી દેવા હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ. સંબંધોના પ્રશ્નોમાં આવી છટકબારીઓનો પાછા ખાસ ઉપયોગ કરીએ છીએ. ઝગડતા રહેતા યુગલો તેનો ઉકેલ શોધવાની મહેનત કરવાને બદલે ‘ઝગડા કોને નથી થતા? ઘર હોય’તો વાસણ ખખડે’ય ખરા’ કહીને ગુંચ સાથે ફીરકી લપેટી લેવાની પેરવીમાં રહેતા હોય છે! મજબુત અને સુખી સહજીવનની અપેક્ષા રાખતા દરેક યુગલે આ માનસિકતા બરાબર સમજવી પડશે. પોતાના સહજીવનના પ્રશ્નો અંગત છે, તેને બીજાના જીવનની સમસ્યાઓ કે વ્યવહારો સાથે સરખાવીને અવગણવાનું કે સામાન્ય ગણી લેવાનું વલણ તમારા સંબંધને પારાવાર નુકશાન પહોંચાડે છે. દરેક સંબંધ ‘ટુ પ્રેશિયસ ટુ થ્રો અવે’ વાળી શ્રેણીમાં જ હોય છે, પરંતુ આ સમજવાનું’ય સંબંધમાં બંધાયેલા બે જણાંએ જ હોય છે. બીજા શબ્દોમાં, કોઈપણ સંબંધની સાચી કિંમત સંબંધમાં બંધાયેલી બે વ્યક્તિઓને જ ખબર હોય છે. અલબત્ત, કેટલાકને એ કિંમત સંબંધના દરેક તબક્કે ખબર હોય છે અને કેટલાકને તેની ખબર સંબંધ તૂટી જાય પછી પડતી હોય છે!

એમેઝોન પરથી પુસ્તક ખરીદવાની લિંક… https://www.amazon.in/dp/B09Q95BCM6/ref=cm_sw_r_awdo_navT_g_CMM5WE9PEAJ87ZCR3KM4

તારા અને મારા પછીની વાત

ટીનએજર્સ, ટેક્નોલોજી અને મહામારી સાથેના આપણા સંબંધોની સીધી સરળ વાતો…

વ્યક્તિની પ્રસન્નતા અને માનસિક સુખાકારી માટે સંબંધોની તંદુરસ્તી અનિવાર્ય છે. આ સંબંધો વિજાતીય હોય, સંતાન અને માતા-પિતાના હોય, પોતાની જાત સાથેના હોય, ગેજેટ્સ-ટેક્નોલોજી કે મહામારી સાથેના હોય, દરેક સંબંધ અગત્યનો છે! આ તમામ સંબંધોને બારીકાઈથી પરખતી અને પરિપક્વ દિશાસૂચન કરતી વાતોની, ડૉ. હંસલ ભચેચ દ્વારા લખાયેલી, સંબંધોને મજબુત બનાવતી અત્યંત લોકપ્રિય પુસ્તક શ્રેણી ‘Relationship Builder Series’નું વધુ એક પુસ્તક…

ટીનએજર્સ સાથેના સંબંધો દરેક પેઢીના માતા-પિતા માટે પડકારરૂપ રહ્યા છે. આજે માહિતીના અફાટ વિસ્ફોટ, રોજ બદલાતી ટેક્નોલોજી અને મહામારી વચ્ચે એ વધુ જટિલ અને મૂંઝવી નાખે એવા બની રહ્યા છે. ટીનએજર્સ સાથે મજબૂત સંબંધ બાંધવા અને ટકાવવા એ એક કળા છે. જેમ તોફાની દરિયામાં સર્ફિંગ કરવા તેમાં ઉઠતા મોજા સાથે અનુકૂલન સાધવું પડે તેમ ટીનએજર્સ સાથે અસરકારક સંવાદ સાધવા તેમના મૂડ, ટેમ્પરામેન્ટ અને વિચારો સાથે અનુકૂલન કેળવવું પડે. આ પુસ્તકમાં ડૉ. હંસલ ભચેચના બારીક મનોવિશ્લેષણથી લખાયેલી સરળ વાતો તમને આ અનુકૂલન કેળવવામાં અને ટીનએજર્સ સાથેના સંબંધો ઉમદા બનાવામાં દિશાસૂચક બની રહેશે.

વિજાતીય સંબંધો, સંતાન અને સ્વ સાથેના સંબંધો ઉપરાંત આજના સમયમાં ગેજેટ્સ-ટેક્નોલોજી સાથેના સંબંધો પર પણ તમારી પ્રસન્નતા અને માનસિક સ્વસ્થતાનો ઘણો મોટો આધાર છે. ટેક્નોલોજીનો પોતાના લાભમાં વ્યવહારુ ઉપયોગ ઊંડી સૂઝ અને સમજદારી માંગી લે છે. આ વિષયમાં ડૉ. હંસલ ભચેચનો, ટેક્નોલોજી તમને નહીં, તમે ટેક્નોલોજીને વાપરો એવો દ્રષ્ટિકોણ તમારા માટે એક તંદુરસ્ત વિચારબીજ બની શકે છે. એક સફળ મનોચિકિત્સકના સૂક્ષ્મ અવલોકનો અને પરિપક્વ અનુભવના નિચોડથી લખાયેલું, સરળ વાતોનું આ પુસ્તક ‘must read’ કક્ષામાં મુકાય એવું છે, વાંચન પાછળ ખર્ચેલો તમારો સમય અને નાણાં વ્યર્થ નહીં જાય તેની ખાતરી…

એમેઝોન પરથી પુસ્તક ખરીદવાની લિંક… https://www.amazon.in/dp/B09Q94QQMJ/ref=cm_sw_r_apan_glt_i_QC1VNY5VTST9BEAAX852

One Comment Add yours

  1. Rita says:

    jivan ni fet pakdvani vat
    khrekhar ander thi salvalat thyo
    jat sathe ne potani j jat sathe jivvu aam to game pan kyarek ek khlipo lage pan have tamara pustko thi e bharish khub khub aanand sathe aabhar aapno 🙏🙏❤️

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s