
ચાલો, એક મઝાની કલ્પનાથી આજની વાત શરુ કરીએ. કલ્પના કરો કે ‘સ્વચ્છ ભારત’ની જેમ ઈશ્વર પણ એક અભિયાન શરુ કરે ‘સ્વચ્છ માણસ અભિયાન’! તમારે કરવાનું એટલું જ કે એક વ્યક્તિ પસંદ કરવાની, ઈશ્વર એ વ્યક્તિના સ્વભાવમાં તમારી ઈચ્છા મુજબના ફેરફાર કરી આપશે, તમારી ઈચ્છા મુજબના સ્વભાવનો ‘સ્વચ્છ માણસ’! હવે આ લેખ બાજુ પર મૂકીને વિચારો, કોને પસંદ કરશો?! યાદ રાખજો, સ્વભાવ સિવાય કશું બદલાવાનું નથી, બાકી બધું એ જ રહેવાનું છે. કોને બદલશો?!
તમારી પસંદગી ઉપરથી તારવી શકાય એવા અમુક તારણો તો મેં અગાઉથી જ તારવી રાખ્યા છે. સૌથી પહેલું, તમારી પસંદગીમાં કોઈ અજાણી કે દૂરની વ્યક્તિ નહીં હોય. મોટાભાગે જીવનસાથી, સંતાન, માતા-પિતા કે વિસ્તૃત(એક્સટેન્ડેડ) કુટુંબીજનો ઉપર તમારી પસંદગી ઉતરશે, તે નક્કી! બીજું, ભલે ઈશ્વરે એક જ વ્યક્તિ બદલવાની તક આપી છે પરંતુ તમને એક કરતા વધુ વ્યક્તિઓને બદલવાના વિચારો આવશે. ત્રીજું અને સૌથી મહત્વનું, બધી વ્યક્તિઓને છોડીને પોતાની જાતને કે પોતાના સ્વભાવને બદલવાનો વિચાર જવલ્લેજ કોઈને આવશે! હા, આ વાંચ્યા પછી ઘણાને આવું ડાહપણ અચૂક લાધશે, કેટલાક તો મનમાં વિચારશે કે આ વિચાર તો મગજમાં હતો જ! બાકી, મોટાભાગે તો નિખાલસ કબૂલાત કરવી રહી કે આ અભિયાનમાં આપણી પસંદગી આપણે પોતે તો નહતા જ!
આ ઉપરાંત આપણી માનસિકતા છતી કરે તેવી બીજી ઘણી રસપ્રદ બાબતો પણ આ કાલ્પનિક અભિયાનમાં તારવી શકાય એમ છે. દુનિયા બદલવા કરતા આપણને આપણું જીવન બદલવામાં વધુ રસ હોય છે, આપણી અંગત દુનિયામાં જ આપણે બદલાવ ઇચ્છતા હોઈએ છીએ. આપણને આપણા સંબંધોમાં હકારાત્મક બદલાવ લાવવાની ઈચ્છા, જાગ્રત કે અજાગ્રત સ્તરે, હંમેશા રહેતી હોય છે. એ માટે આપણે નજદીકી વ્યક્તિઓને આપણને અનુકૂળ આવે તે રીતે બદલવા તત્પર રહેતા હોઈએ છીએ. અને કડવું સત્ય, સંબંધોમાં હકારાત્મકતા વધારવા પોતાની જાતમાં બદલાવ લાવવો એ મહદઅંશે આપણી પસંદગી નથી હોતી અથવા હોય તો પણ પહેલી પસંદ તો નથી જ હોતી!
તો ‘સ્વચ્છ માણસ અભિયાન’ની મારી કાલ્પનિક વાતનો નિચોડ એ, કે સંબંધ કોઈપણ હોય આપણે આપણામાં બદલાવ લાવવા વિષે વિચારતા પણ નથી હોતા પરંતુ, સામેનાને ધરમૂળમાંથી બદલવાની ઈચ્છાઓ મનોમન અચૂક રાખતા હોઈએ છીએ! જ્યાં પોતે બદલાવું નથી પરંતુ અન્યને પોતાની ઈચ્છા મુજબ મચડવા છે, બદલવા છે, ત્યાં સુખી સહજીવનની અપેક્ષા રાખવી વધારે પડતી છે તેમ કહેવું ખોટું નહીં ગણાય! સહજીવનના પ્રશ્નો ઉકેલવામાં અડચણરૂપ એવી ‘બદલાવવાની મારે ક્યાં જરુર છે’ અથવા ‘મારે શું કામ બદલાવાનું’ તેવી માનસિકતા યુગલોમાં સહજ હોય છે, મારી કાલ્પનિક વાત તેનું પ્રમાણ છે. આ જ માનસિકતાને કારણે સહજીવનના સંઘર્ષો વર્ષોના વર્ષો ચાલતા રહે છે.
સંબંધ કોઈપણ હોય, આપણે આપણામાં બદલાવ લાવવા વિષે વિચારતા પણ નથી હોતા પરંતુ, સામેનાને ધરમૂળમાંથી બદલવાની ઈચ્છાઓ મનોમન અચૂક રાખતા હોઈએ છીએ! જ્યાં પોતે બદલાવું નથી પરંતુ અન્યને પોતાની ઈચ્છા મુજબ મચડવા છે, બદલવા છે, ત્યાં સુખી સહજીવનની અપેક્ષા રાખવી વધારે પડતી છે! |
યુગલોના સહજીવનમાં એકમેક પરત્વેના પ્રેમ સાથે ઘણી બાબતો સ્પર્ધા કરતી હોય છે. આ બાબતો મોટાભાગે પ્રેમને કચડીને આગળ વધી જતી હોય છે અને સહજીવન દુઃખી અને સંઘર્ષમય બની જતું હોય છે. પ્રેમ સાથે સૌથી વધુ સ્પર્ધા કરનારી જો કોઈ બાબત હોય તો તે છે આપણે જેને પ્રેમ કરતા હોઈએ તેની ઉપર કાબુ ધરાવવાની વૃત્તિ! જાણ્યે-અજાણ્યે સાથીઓ એકબીજા ઉપર કાબુ ધરાવવાની ઈચ્છા રાખતા હોય છે. મોકળાશ કે સ્વતંત્રતાની વાતો વચ્ચે પણ મોટાભાગનાઓનો અભિગમ સત્તા જમાવનારો અને કાબુ ધરાવનારો હોય છે! આ સંજોગોમાં વ્યક્તિઓ હંમેશા સામેનાને પોતાની અપેક્ષા અનુસાર બદલવાની ઈચ્છા રાખતી હોય છે.
બદલો લેવાની વૃત્તિ પ્રેમની લાગણીઓ સાથે સ્પર્ધા કરતી બીજી બાબત છે. મોટાભાગના સાથીઓ સહજીવનમાં પોતાની લાગણીઓ સાથે થયેલા ખિલવાડ કે દુર્વ્યવહારોની, જાગ્રત કે અજાગ્રત સ્તરે, બદલો લેવાની ભાવના ધરાવતા હોય છે. સાથીને પોતે પહોંચાડેલી લાગણીઓની પીડાઓનો અહેસાસ થાય અને તેના વ્યવહારમાં બદલાવ આવે તેવી અપેક્ષાઓ આ બદલો લેવાની ભાવના સાથે સંકળાયેલી હોય છે. બદલાની આવી ભાવના સાથીઓને સહજીવનના પ્રશ્નો ઉકેલવામાં આડી આવતી હોય છે અને સરવાળે સંઘર્ષ ચાલતો રહે છે. ઘણીવાર તો આ વૃત્તિ એટલી વકરી જતી હોય છે કે વ્યક્તિ બદલો લેવાની વૃત્તિને પોતાના હક્કની લડાઈ સમજવા માંડે છે, જાણે પોતે જ ન્યાય તોળે અને પોતે જ સજા કરે! સરવાળે, દિવસેને દિવસે પ્રશ્નો ઉકેલાવાને સ્થાને વધુ વિકટ બનતા જાય.
કેટલાક કિસ્સાઓમાં સાથીઓનો અહમ પ્રેમની લાગણીઓ સાથે સ્પર્ધા કરતો હોય છે. સહજીવનમાં સાથી સાથે પોતાનું વર્તન-વ્યવહાર અયોગ્ય કે ખોટો છે એવું જાણવા છતાં પોતે હંમેશા સ્વબચાવની કે અન્ય ઉપર આક્રમણ કરવાની ફિરાકમાં જ રહેતા હોય છે. તેમની આ બચાવવૃત્તિનો વિરોધ કરવા સાથી પણ આક્રમકતા અપનાવતો હોય છે. સરવાળે, નાની નાની બાબતોમાં ઘર્ષણ, આક્ષેપબાજી કે દોષારોપણો ચાલુ જ રહે છે.
ઘણા તો પોતાનામાં જ એટલા ઓતપ્રોત હોય છે કે સહજીવન પણ જાણે પોતે એકલા જ જીવતા હોય તેમ વ્યવહાર કરતા હોય છે. તેઓ સાથીની જરૂરિયાતો કે સહજીવનની જવાબદારી પરત્વે સંપૂર્ણપણે ઉપેક્ષિત હોય છે. દાંપત્યમાં આવો સ્વ-પ્રેમ પણ એકમેક પરત્વેના પ્રેમની સાથે સ્પર્ધા કરતો હોય છે.
મોટાભાગના યુગલોના પ્રશ્નોમાં સાથીઓ પોતાને સાચા અને સામેનાને ખોટા પુરવાર કરવા પારાવાર પરસેવો પડતા જોવા મેળે છે. ‘સત્ય’ કે ‘સાચા પુરવાર થવાની સનક’ પ્રેમની લાગણીઓ સાથે સ્પર્ધા કરતી બીજી એક બાબત છે. યુગલો વચ્ચે થતી દલીલોમાં મોટાભાગે લડત તો પોતાને સાચા ઠેરવવાની જ હોય છે ને?! કમનસીબ બાબત તો એ છે કે સાચા પુરવાર થવાની સનક સામે પ્રેમ હંમેશા હારી જાય છે, જયારે વાસ્તવિકતા તો એ છે કે સહજીવનમાં પ્રેમ હંમેશા જીતવો જોઈએ!
હંમેશા દોષ કાઢવાની વૃત્તિ, સામેનાને ખરાબ કે નકામું ગણીને જ ચાલવાની માનસિકતા(‘જવા દે ને યાર, એ છે જ વિચિત્ર’, ‘થર્ડ ક્લાસ સ્વભાવ છે’ વગેરે.), પોતાની જાતને બિચારી ગણાવવાની માનસિકતા, કડવાશ-આક્રોશ, સાથી સાથે હરીફાઈની માનસિકતા, છાનું-છપનું કરવાની માનસિકતા વગેરે પણ પ્રેમની લાગણીઓના નજીકના પ્રતિસ્પર્ધીઓ છે.
પૂર્ણવિરામ: સહજીવનમાં પ્રેમ સાથે બીજી ઘણી લાગણીઓ હરીફાઈમાં હોય છે, ક્યાં’ક તો આખ્ખેઆખ્ખો સાથી જ હરીફ હોય છે! જે સહજીવનમાં પ્રેમ બિનહરીફ છે, તે સહજીવન સુખી અને સુમેળભર્યું હોય છે.