
‘મોકાપરસ્ત’ એક મઝાનો અને મને ગમતો શબ્દ છે. એનો અર્થ છે લાગ-તક-જોગ-સગવડનો પૂજક-ભક્ત અર્થાત ‘તકઝડપું’, મોકો મળ્યો નથી કે ઝડપ્યો નથી! કેટલીક વ્યક્તિઓ સંબંધોમાં પણ મોકાપરસ્ત હોય છે, ખરાબ અર્થમાં પણ અને સારા અર્થમાં પણ! ખરાબ અર્થમાં એ રીતે કે વ્યવહારમાં જયારે પણ એમને તક મળે ત્યારે સામેવાળાને નીચોવી કાઢે, લાગણીઓથી માંડીને બીજી ઘણી બધી રીતે! અને, સારા અર્થમાં એ રીતે કે એમને જયારે પણ મોકો મળે ત્યારે સામેવાળા સાથે જોડાઈ જાય, સમય પસાર કરે, એકબીજાના સાનિધ્યમાં મઝા કરે. 2020 એ પોઝિટિવ મોકાપરસ્તી માટે પુષ્કળ સમય આપ્યો, એકબીજા સાથે જોડાવાની – નિકટતા વધારવાની ખુબ મોટી તક ઉભી કરી. કેટલા યુગલો આ તકનો લાભ લઇ શક્યા તેનું અનુમાન લગાવવું અઘરું છે. પરંતુ એક વાત નક્કી છે, જે યુગલો આ તકનો સકારાત્મક લાભ લઇ શક્યા હશે તે વધુ નિકટ આવ્યા હશે, તેમનું સહજીવન વધુ આનંદાયક બન્યું હશે. બાકીનાનું સહજીવન દુઃખી થયું હશે એવું કહેવાનો જરા પણ આશય નથી, ઘણા યુગલો જે છે તેમાં સંતુષ્ટ છે. મારી વાત જે યુગલો સંગાથે સુખ શોધવાની દિશામાં છે અને એકબીજાના સથવારે આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે તેમની છે.
આ વાતની ચર્ચા મેં તો એટલે ઉખેળી છે કે મારા હાથમાં મારી લોકડાઉન ડાયરી છે અને એમાં નોંધેલા એક કિસ્સામાં મળેલી આ તકનો કંકાસ છે. પતિ કહે છે કે છ મહિના વર્ક ફ્રોમ હોમને કારણે ચોવીસ કલાક સાથે રહ્યા પછી પણ પત્નીને એમ લાગે છે કે તમે મારી સાથે સમય ના ગાળ્યો, તો હવે મારે શું કરવું?! એ સમયે હું જવાબ આપું એ પહેલા તેની પત્નીએ જ જવાબ આપેલો ‘ઘરમાં રહીને પણ તમે તો સતત લેપટોપ અને મોબાઈલ પર હતા. મારી સાથે શાંતિથી પગ વાળીને ક્યારે બેઠા?! ઘરમાં માત્ર તમારી હાજરી હતી, તમે નહતા!’ પત્નીની વાત સાચી હતી હાજર હોવું અને ઉપલબ્ધ હોવું એ બંને બાબતમાં ફેર છે. ઘણી વ્યક્તિઓ તમારી સામે હાજર હોય, તમારી વાત સાંભળતી હોય તેમ પણ લાગે પરંતુ વાસ્તવમાં એમનું ધ્યાન તમને ઉપલબ્ધ ના હોય! એ તમારી સામે જોતી હોય, તમારી વાતમાં ડોકું ધૂણાવતી હોય અને તેમ છતાં તમને ખરા અર્થમાં સાંભળતી ના હોય! સામે હોવા છતાં તમારી સાથે કનેક્ટ જ ના હોય! સ્વાભાવિક છે આવા સંજોગોમાં તમે એકબીજાની સામે હાજર હોવા છતાં પણ એકબીજા સાથે જોડાયેલા નથી, સંપર્કમાં હોવા છતાં સંપર્કવિહોણા છો.
વાતનો સાર કાઢીએ તો એકમેક સાથે જોડાવા કે નિકટતા અનુભવવા માત્ર શારીરિક હાજરી જ નહિ, માનસિક હાજરી પણ જરૂરી છે. માનસિક હાજરી માટે તમારું ધ્યાન હોવું જરૂરી છે. આ ધ્યાન આજ-કાલ કોમોડિટી એટલે કે વેપારની જણસ થઇ ગઈ છે. દરેકને તમારું ધ્યાન ખાઈ જવું છે. ‘બેલ આઇકોન દબાવો અને સબસ્ક્રાઇબ કરો’, ‘નોટિફિકેશન ઓન કરો’, ‘અમને ફોલો કરો’ વગેરે બધું જ તમારું ધ્યાન ખાવા માટે છે. પોપઅપ્સ, એડ-બેનર, તમારી જાસૂસી પરથી થતી જાહેરાતોનો મારો વગેરે બધું જ તમારું ધ્યાન ખેંચીને મૂળ કામથી ભટકાવવાના ખેલ છે. એકબાજુ ધંધાદારીઓ આપણું ધ્યાન ખેંચવા સતત પ્રવૃત્ત છે ત્યાં બીજી બાજુ આપણે છુટ્ટા હાથે ધ્યાન વહેંચવા બેઠા છીએ! સમયની મારામારીમાં આપણે મલ્ટી-ટાસ્કીંગ કરતા રહીએ છીએ અને એક સાથે અનેક બાબતો પર આપણું ધ્યાન વહેંચતા ફરીએ છીએ. ધંધાદારીઓ ધ્યાન પડાવતા હોય કે આપણે વહેંચતા હોઈએ મૂળ વાત એ છે કે સામે હોવા છતાં આપણી ઉપલબ્ધી ઘટી છે. આપણું સો ટકા ધ્યાન જે તે ક્ષણમાં કે વર્તમાનમાં નથી પરંતુ બહુવિધ જગ્યાએ વહેંચાયેલું છે પછી એ વર્તમાન, ભવિષ્ય કે ભૂતકાળમાં!
સંબંધોમાં સંપર્કના સાધનો વધ્યા, સંપર્કો વધ્યા તેમ છતાં નિકટતા કેમ ઓછી થતી જાય છે?! 24x7x365 જોડાયેલા રહેવાની અનેક સગવડો પછી પણ આપણે ડિસકનેક્ટેડ કેમ ફીલ કરીએ છીએ?! અંદર એકલતા કે ખાલીપો કેમ લાગે છે?! જોડે હોવા છતાં જોડે ના હોવાની ફરિયાદો કેમ કરવી પડે છે?! યુગલોનું જ ઉદાહરણ લો ને, એક સમયે ચાર લીટીની ચિઠ્ઠીથી થતા સંપર્કમાં જે નિકટતાનો અનુભવ થતો હતો તે આજે રાતભર થતી વાતો કે ચેટિંગમાં નથી થતો, કારણ કે આપણી માનસિક હાજરી (પ્રેઝન્સ ઓફ માઈન્ડ) ઘટી છે. પહેલા ચિઠ્ઠી લખાતી એટલે માત્ર અને માત્ર ચિઠ્ઠી લખાતી, એનો ચહેરો કલ્પનાઓમાં ઉભરાતો અને સ્પંદનો દિલમાં ઉઠતા. અત્યારે તો અમારો ડોમેસ્ટિક હેલ્પર વાસણ માંજતો જાય, એની ગર્લફ્રેન્ડ જોડે વાતો કરતો જાય અને સાથે મારી પત્નીની સૂચનાઓ પણ સાંભળતો જાય! ચેટિંગ કરતા કરતા પણ બીજા ઘણા કામો ચાલે, નોટિફિકેશન્સ આવે, ઓનલાઇન જોઈને બીજા કેટલા હાથ ઊંચા થાય, બે-ચાર જણને તો જવાબ પણ આપવા પડે, ચહેરાની કલ્પનાનો તો સવાલ જ નથી ડીપી તો સામે જ છે! આ સંજોગોમાં સંપર્કનું નેટવર્ક ગમે તેટલું તગડું હોય, કનેક્શન તો નબળું જ રહેવાનું. તમે વાતો કલાકો કરો પરંતુ તમારું ધ્યાન અનેક બાબતોમાં વહેંચાયેલું રહે તો તમે તમારું સો ટકા કોઈ એક બાબતને કેવી રીતે આપી શકો?! સંપર્કમા રહેવા છતાં વિખુટા હોવાનો ભાસ ના ઉભો થાય તો નવાઈ! ખાસ કરીને સ્ત્રીઓને, સ્ત્રીઓ કોમ્યુનિકેશનના મુદ્દે વધુ સંવેદનશીલ અને અપેક્ષાયુક્ત હોય છે.
ટેક્નોલોજી અને તેની સાથે સંકળાયેલી રીતભાત ઉપર કોઈનો’ય કાબુ નથી હોતો માટે આ બધું અટકાવવું કે બદલવું આસાન નથી હોતું. હા, એકમેક સાથે વાતચીતમાં નિકટતા લાવવાની તમને એક કસરત શીખવી શકું, વિડીયો કોલ વગર વિડીયો કોલ કરવાની!! તમે વાત કે ચેટ કરતા હોવ ત્યારે સામેવાળાના પ્રતિભાવ અને હાવભાવની છબી તમારા મનમાં ઉભી કરતા જાવ, જાણે કે તમે વિડીયો કોલ પર વાત કરી રહ્યા હોવ. તમારું ધ્યાન બીજી બાબતોમાં ઓછું ભટકશે અને કલ્પનાઓ તમારી નિકટતામાં રંગ પૂરશે. ટેક્નોલોજીએ પ્રિયપાત્રનો ચહેરો નજર સામેથી તમારા મોબાઈલ સ્ક્રીન પર ગોઠવ્યો પરંતુ હું તમને એ સ્ક્રીન પરથી તમારા માનસપટ પર ગોઠવવાની વાત કરું છું. એક્ચ્યુઅલમાંથી વર્ચ્યુઅલ અને હવે વર્ચ્યુઅલમાંથી પર્પેચ્યુઅલ – કાયમી, કારણ કે મનમાં ઉભી કરેલી છબી કાયમી હોય છે!!
પૂર્ણવિરામ:
શરીરથી સો ટકા સાથે રહેતા વ્યક્તિઓ, મનથી એક ટકો પણ સાથે ના હોય એવું’ય બને!

સાહેબ તમારા દરેક લેખ વાચીને નવી પ્રેરણા મળે છે અને પોતાના માં માં રહેલી નબળાઈ પ્રત્યે સભાન થવાય છે.👌
ખુબ જ સરસ….વાસ્તવિક
દર વખતની જેમ