RSS

Monthly Archives: June 2021

મહામારીમાં સ્વજનો ગુમાવનાર અનેક વ્યક્તિઓને તેમના વિચારો અને તેના દ્વારા ઉભો થયેલો અપરાધભાવ પીડી રહ્યો છે!

‘મેં મારા પપ્પાને મારી નાખ્યા’ આટલું બોલતા બોલતા તો એ ધ્રૂસકા ભરીને રડવા માંડ્યો. હજી તો એ માત્ર કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશ્યો હતો!

‘દીકરા પહેલા બેસ, થોડો સ્વસ્થ થા, પછી શાંતિથી વાત કર’ મેં એને હળવેથી કહ્યું. એ બેઠો પરંતુ બેસતાની સાથે જ ખુબ રડવા માંડ્યો. હવે કઇંપણ બોલ્યા વગર મેં એને રડવા દીધો.

‘કાશ, મેં મારા પપ્પાને વેક્સીન લેવાનું દબાણ ના કર્યું હોત તો આજે એ જીવતા હોત. મેં જ એમને મારી નાખ્યા છે, મને સજા આપો!’ પાછો એ ધ્રૂસકા ભરવા લાગ્યો. થોડી ક્ષણો પછી એ સ્વસ્થ થયો ‘પપ્પાની રસી લેવાની જરા’ય ઈચ્છા ન્હોતી. એ કહેતા હું ક્યાં બહાર નીકળું છું તો મારે રસીની જરૂર છે પરંતુ મેં દબાણ કરીને મમ્મી-પપ્પા બંનેને રસી અપાવી. રસી લીધાના ત્રીજા દિવસે એમને તાવ આવ્યો, શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી અને કોરોનાના નિદાન સાથે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અઠવાડિયામાં તો..’ એ વાક્ય પૂરું કરે એ પહેલા તો એની આંખો પાછી ભરાઈ આવી! 

‘રસી તો મમ્મીએ પણ લીધી હતી ને?!’ પિતાના મૃત્યુ પાછળ રસી જવાબદાર નથી એ સમજાય તો જ એના અપરાધ ભાવને સંભાળી શકાશે એ વિચારે મેં કહ્યું. પરંતુ એ કઇંપણ પ્રતિભાવ આપ્યા વગર બારીની બહાર આકાશ તરફ તાકતો રહ્યો!

************

મનોચિકિત્સક તરીકેની મારી લાંબી કારકિર્દીમાં મેં હંમેશા જોયું છે કે ગુનો કર્યાની લાગણી કે અપરાધ ભાવ (ગીલ્ટ) વ્યક્તિને જેટલો પીડે છે એટલી બીજી કોઈ નકારાત્મક લાગણી પીડતી નથી. તમારો ભય, ગુસ્સો, ઉદાસી, નિષ્ફળતા વગેરે લાગણીઓ અન્યને મોડી-વહેલી વર્તાય છે, જયારે અપરાધભાવમાં વ્યક્તિ મહદંશે અંદર અંદર રિબાતી હોય છે. બીજી નકારાત્મક લાગણીઓને જેટલો ટેકો મળી રહે છે એટલો ટેકો ગુનો કર્યાની લાગણીઓને નથી મળી રહેતો કારણ કે બીજી લાગણીઓમાં લડત બહારના પરિબળો સાથે છે, જયારે અપરાધ ભાવમાં વ્યક્તિ પોતાની જાત સાથે લડતી હોય છે. મહામારીમાં સ્વજનો ગુમાવનાર અનેક વ્યક્તિઓની આ મનોદશા છે. સ્વજનોને મહામારી ભરખી ગયા બાદ અનેક વ્યક્તિઓને તેમના વિચારો અને તેના દ્વારા ઉભો થયેલો અપરાધભાવ પીડી રહ્યો છે. ‘કાશ વહેલી સારવાર શરુ કરી હોત’, ‘પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હોત’, ‘શહેરમાં મોટી હોસ્પિટલમાં શીફ્ટ કર્યા હોત’, ‘જરૂરી દવાઓ, ઓક્સિજન કે એકા’દ બેડની વ્યવસ્થા કરી શક્યો હોત’, ‘જરૂરી સાવધાની રાખી હોત’, ‘રસી લઇ લીધી હોત’ વગેરે અનેક વિચારો સ્વજનોને ગુમાવ્યા પછી મનમાં ઘુમરાયા કરે છે. આટલું ઓછું હોય એમ ઘણા કિસ્સાઓમાં મિત્રો-સગાસંબંધીઓ પણ જાણતા-અજાણતા સલાહ સૂચનો આપીને ગુનાહિત ભાવનાઓમાં વધારો કરતા હોય છે. એમાં’ય ઘણા તો એવા હોય છે કે તમને ના હોય તો તમારામાં અપરાધભાવ પેદા પણ કરે! જવાબદારી લેવાના સમયે ગુમ હોય અને પછી ‘આમ કરવું જોઈતુ’તું – તેમ કરવું જોઈતુ’તું’ એમ કહેતા હાજર! 

જેમ કોરોનામાંથી સાજા થયેલા લોકોને લોહી ગંઠાઈ જવાની શક્યતાઓ વધુ હોય છે તેમ કોરોનામાં સ્વજનને ગુમાવ્યા પછી અપરાધભાવથી પીડાવાની શક્યતાઓ પણ ઘણી વધુ રહે છે. બધું જ કરી છૂટ્યા પછી પણ સ્વજનને બચાવી ન શકવાની નિષ્ફળતા પીડે છે અને વ્યક્તિ ઊંડા શોકમાં સરી પડે છે. ઘણાને પોતાનું જીવન નિરર્થક લાગવા માંડે છે, ક્યારેક તો આત્મહત્યા કરવા સુધીના વિચારો એને ઘેરી વળે છે. આ અપરાધભાવ માત્ર સ્વજનોને ગુમાવેલા કુટુંબીઓ પૂરતો જ નથી, સારવાર કરી રહેલા અનેક ડોક્ટર્સ-નર્સ-અન્ય હેલ્થ વર્કર્સ પણ એના શિકાર છે! કોવીડ આઈસીયુમાં ફરજ બજાવતા દિલ્હીના ડોકટરે કરેલી આત્મહત્યા યાદ છે ને?! આવા સંજોગોમાં ઘણા કુટુંબીજનો મને પ્રશ્ન પૂછે છે કે અપરાધભાવ અનુભવતા વ્યક્તિએ પોતાનાથી બનતું બધું જ કર્યું છે, તે પછી એની મનોદશા આવી કેમ થઇ?! ત્યારે હું હંમેશા સમજાવતો હોઉં છું કે ‘અપરાધભાવ’ની લાગણીઓ અનુભવવા અપરાધ કરવો કે કંઈ ખોટું કરવું જરૂરી નથી હોતું! બસ; તમારા મનને ગુનો, ખોટું કર્યાની કે પૂરતું ના કર્યાની લાગણીઓ અનુભવાવી જોઈએ! આમ પણ ગુનો કરવો અને ગુનો કર્યાની લાગણી અનુભવવી બંને અલગ બાબત છે. ઘણા ગુનેગારો એવા હશે કે ગમે તેટલો ભયાનક કે હિંસક ગુનો કર્યા બાદ પણ રજમાત્ર અપરાધભાવ નહીં અનુભવતા હોય, રીઢા ગુનેગારો આ જમાતના સભ્યો છે. એથી બિલકુલ વિપરીત, ઘણી વ્યક્તિઓ સ્વભાવગત જ અપરાધભાવથી પીડિત હોય છે. મોટો ગુનો કરવાની તો તેમની માનસિક તાકાત નહીં પણ નાની અમથી ભૂલ માટે પણ તે પોતાની જાતને માફ નથી કરી શકતા અને ગુનો કર્યાની લાગણીઓ અનુભવતા રહે છે. વર્તન કે વ્યવહારની વાત છોડો, ઘણી સંવેદનશીલ વ્યક્તિઓ તો માત્ર મગજમાં એમ જ પસાર થઇ રહેલા વિચારોને પકડીને પણ ગુનો કર્યાની લાગણીઓ અનુભવતી હોય છે.  ઘણીવાર તો લાગતા-વળગતા પણ સમજાવે કે તેમણે કશું જ ખોટું નથી કર્યું છતાં પણ તે પોતાની નજરમાં એને ગુનો માનીને પીડાતા રહેતા હોય છે!

ડર અને અપરાધભાવ આ બંને લાગણીઓના મૂળ બહુ ઊંડા હોય છે. જ્યાં સુધી વ્યક્તિ પુરી પારદર્શકતાથી પોતાનું મન ના ખોલે ત્યાં સુધી તેનો ઉપાય કરવો મુશ્કેલ હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિઓ આ સંદર્ભમાં પુરી પારદર્શિતા દાખવતા ખચકાટ અનુભવતી હોય છે કારણ કે તેમને મનોમન ‘જજ’ થવાનો ડર સતાવતો હોય છે – ‘સામેવાળી વ્યક્તિ મારા વિષે શું વિચારશે?!’ અને થાય છે પણ એવું, એમની વાત પુરી સાંભળ્યા વગર જ સામેવાળી વ્યક્તિ સલાહ-સૂચનો આપવા માંડે છે, સરવાળે ગીલ્ટ કે ભય મનના વધુ ઊંડાણમાં ધકેલાય છે! આ સંજોગોમાં ઉત્તમ વિકલ્પ ડાયરી લખવાનો છે, તમારી લાગણીઓ પણ ઉપર ઉતારી દો. ઈચ્છો તો ડાયરી તમારા થેરેપીસ્ટને વંચાવો, ના ઈચ્છો તો સંઘરી રાખો અથવા લખ્યા પછી ફાડી નાખો. ચર્ચમાં એક ખૂણામાં ઉભેલું કન્ફેશન બોક્સ પણ અપરાધભાવમાંથી મુક્ત થવા માટેની એક વ્યવસ્થા જ છે.

કોવીડમાં સ્વજનને ના બચાવી શકવાનો અપરાધભાવ અનુભવી રહેલા કુટુંબીઓ, સારવાર કરનાર ડોક્ટરો કે અન્ય સ્વાસ્થ્યકર્મીઓને મારે એટલું જ કહેવું છે કે માણસે પોતાને ઈશ્વર સમજવાની ભૂલ કરવા જેવી નથી. મનુષ્યએ પોતાનું ઉત્તમ કર્યા પછી પરિણામ નિયતિ ઉપર છોડવું જ પડે છે. શ્રીકૃષ્ણએ પણ પોતાનું ઉત્તમ કર્યા પછી પરિણામ યુદ્ધ પર છોડવું પડ્યું હતું, યાદ છે ને?!

પૂર્ણવિરામ:

ડિપ્રેશનના દર્દીઓને ઘણા કુટુંબીઓ ટોણા મારતા રહે છે કે ચારેકોર સુખ-સાહ્યબી છે પછી ડિપ્રેશન શેનું આવે છે?! આ લોકોએ કોરોના થયેલા પોતાના સ્નેહીઓને પૂછવું જોઈએ કે ચારેકોર હવા છે પછી શ્વાસમાં લેવામાં તકલીફ શેની પડે છે?!!

 

Tags: , , , , , , , , , ,