RSS

Monthly Archives: May 2021

પળ પળ જીવવું છે, ઝિંદાદિલીથી જીવવું છે, પ્રસન્ન ચિત્તે જીવવું છે પરંતુ કેવી રીતે?!

મહામારીએ આપણને જીવનના ઘણા અઘરા પાઠ ભણાવી દીધા અને ખબર નથી હજી કેટલા ભણાવશે. સ્વતંત્રતાથી માંડીને સ્વજનો સુધીનું એટલું બધું ગુમાવ્યું છે કે નાની નાની વાતમાં ફિલસૂફીએ ચઢી જવાય છે! આ ફિલસૂફીમાંથી હાલ પૂરતી એક વાત સમજાઈ ગઈ છે કે જીવનને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇ શકાય એમ નથી! હાલ પૂરતી એટલા માટે કે ‘સ્મશાન વૈરાગ્ય’ની આપણી જીવનશૈલી છે, મહામારી ગઈ નથી કે એ ધુબાકા ચાલુ, બધું બમણા વેગે ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’!! પણ હાલ તો બસ બધું નોર્મલ થાય એટલી વાર, પછી તો પળ પળ જીવવું છે, ઝિંદાદિલીથી જીવવું છે, પ્રસન્ન ચિત્તે જીવવું છે!

આજે જે વાત કરવી છે એ સંદર્ભમાં આજથી પચાસ વર્ષ પહેલા આવેલી હૃષીકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ’નો એક સીન યાદ આવે છે. એક ડોક્ટર પોતાના દર્દીના કેસની ચર્ચા બીજા એક કેન્સર નિષ્ણાત ડોક્ટર સાથે કરી રહ્યા છે અને તે દર્દી જ રૂમમાં પ્રવેશે છે. એની બકબકમાં બંને ડોક્ટર વચ્ચેની અગત્યની વાત અટકી જાય છે, વાત પાછી પાટા પર લાવવાના આશયથી એક ડોક્ટર કહે છે કે હું બીજા ડોક્ટરને તારો જ એક્સ-રે બતાવી રહ્યો હતો. પેલો દર્દી, જે ફિલ્મનો નાયક છે અને જેનું નામ આનંદ છે તે, એકદમ મજાકિયા અંદાઝમાં બીજા ડોકટરને પૂછે છે કે એને તેના એક્સ-રેમાં શું મળ્યું?! તેની બકબકથી કંટાળેલા ડોક્ટર ભાસ્કરને તેની સાથે વાત કરવામાં રસ નહતો એટલે હું તમારા ડોક્ટર સાથે વાત કરી લઈશ એમ કહીને એનાથી પીછો છોડાવાનો પ્રયત્ન કર્યો. પણ, આનંદ એમ છોડે એવો નહતો, એણે ડોક્ટર ભાસ્કરને કમસે કમ પોતાને થયેલી બીમારીનું નામ જણાવવા કહ્યું. ડોક્ટર ભાસ્કરે અકળામણભર્યા સ્વરમાં કહ્યું ‘લીમ્ફોસાર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન’ 

બીમારીનું નામ સાંભળતા જ આનંદે પાછી મજાક શરુ કરી ‘વાહ વાહ, શું નામ છે! કોઈ વાઇસરૉયનું નામ હોય એવું લાગે છે. બીમારી હોય તો આવી નહીંતર ના હોય…’

અકળામણનો ભરેલો અગ્નિ દબાઈને બેઠેલા ગંભીર ડોક્ટર ભાસ્કર પર આનંદની મજાકે જાણે પેટ્રોલ રેડ્યું ને થયો ભડકો ‘આ મજાકની વાત નથી, તમને લીમ્ફોસાર્કોમાનો અર્થ પણ ખબર છે?! તમને ખબર પણ છે કે આ કઈ બીમારીનું નામ છે?!!’

‘મારા પેટમાં એક ભયાનક પ્રકારનું કેન્સર છે અને જેને કારણે હું છ મહિનાથી વધુ નહીં જીવું. કદાચ એ બીમારીનું આ તબીબી નામ હશે!’ આ વખતે આનંદના સ્વરમાં એટલી જ ગંભીરતા હતી. ડૉ.ભાસ્કર આનંદની આ વાત સાંભળતા જ સ્તબ્ધ થઇ જાય છે. પછી આનંદ અત્યંત ગંભીર વાત પોતાની હળવીશૈલીમાં કહી જાય છે ‘તમારી નારાજગી મારી ઉપર નથી, તમારી જાત ઉપર છે કારણ કે મારો ઈલાજ થઇ શકે એમ નથીને એટલે! હું મોતની એક પળ માટે આવનારી લાખો પળ દુઃખમાં ના વિતાવી શકું!’ પછી ફિલ્મના બે યાદગાર ડાયલોગ આવે છે – ‘જિંદગી બડી હોની ચાહીએ, લંબી નહીં’ અને ‘જબ તક જિંદા હું, મરા નહીં, જબ મર ગયા, તો સાલા મૈં હી નહીં!’ અને, મોતના મુખ પર ઉભેલો માણસ પણ કેટલો જીવિત હોઈ શકે છે એ દર્શાવતો સીન પૂરો થાય છે. મૃત્યુ પહેલા નહીં મરવાની વાત, ઝિંદાદિલીની વાત!! 

આનંદ ફિલ્મના આ સીનની સાથે જ મને વર્ષો પહેલા વાંચેલી એક ઘટના યાદ આવે છે. વૃદ્ધાશ્રમમાં એક અંધ વૃદ્ધાને નવો પ્રવેશ મળે છે ત્યારે એ તેને રૂમમાં મુકવા આવેલા એટેન્ડન્ટને રૂમનું વર્ણન કરવા કહે છે. એટેન્ડન્ટ જેમ જેમ રૂમની ગોઠવણનું વર્ણન કરતો જાય છે તેમ તેમ વૃધ્ધાના ચહેરો હરખાતો જાય છે. ‘તમે આ ગોઠવણીથી જેટલા રોમાંચિત થાવ છો એટલા રોમાંચિત થતા મેં કયારે’ય કોઈને નથી જોયા!’ એટેન્ડન્ટે આશ્ચર્યથી કહ્યું. વૃદ્ધાએ જવાબ આપ્યો ‘બહારની ગોઠવણ સાથે મારે બહુ નિસ્બત નથી, મારો રોમાંચ તો મારા મનમાં પ્રસન્નતાની જે ગોઠવણ હું કરી રહી છું તેની સાથે છે. મારી પાસે બે પસંદગી છે મારી પરિસ્થિતિ અંગે ચિંતિત અને દુઃખી રહેવું અથવા જે છે એમાંથી પ્રસન્નતા શોધીને ખુશ રહેવું’ – એ જ, મૃત્યુ પહેલા નહીં મરવાની વાત, ઝિંદાદિલીની વાત!!

આ તો માણસ માત્રની ખ્વાહિશ છે, પળ પળ જીવવું છે, ઝિંદાદિલીથી જીવવું છે, પ્રસન્ન ચિત્તે જીવવું છે પરંતુ આવા સંવાદો બોલીને થોડું એ રીતે જીવી શકાય?! ના જ જીવી શકાય, એ માટેની સમજ અને ડાહપણ તો સતત કેળવતા રહેવું પડે. પ્રસન્નતા કે સુખનું સરનામું સૌ કોઈ શોધે છે પરંતુ એ શોધતા પહેલા ખુદનું સરનામું શોધવું પડે એવી ખબર કેટલાને હોય છે?! આપણે ક્યાં રહીએ છીએ?! ના આપણે દેશ, શહેર, બંગલો કે ફ્લેટમાં નથી રહેતા, આપણે આપણા મનમાં રહીએ છીએ! મન આપણું કાયમી સરનામું છે. તમે અમદાવાદમાં રહો કે ન્યુયોર્કમાં, મેલબોર્નમાં રહો કે પેરિસમાં, તમે જીવો છો તમારા મનની સ્થિતિ મુજબ! તમારા દેશ, શહેર કે ઘરની ગોઠવણી ગમે તેટલી આરામદાયક અને વૈભવી હોય, તમારી પ્રસન્નતા તો તમારા મનમાં બધું કેવી રીતે ગોઠવાયેલું છે તેની ઉપર છે! જો મનમાં લાગણીઓના ગૂંચવાડા ઠેર ઠેર પડ્યા હોય, ખૂણામાં અફસોસનો ઢગલો પડેલો હોય, અપેક્ષાઓ જ્યાંને ત્યાં વેરવિખેર પડી હોય, પગલે પગલે ચિંતાઓ પથરાયેલી પડી હોય કે ભય-ઘૃણા-ઈર્ષ્યા વગેરેનું પોટલું બંધાયેલું પડ્યું હોય તે સંજોગોમાં બહારનું રાચરચીલું કે સુખસગવડો કામમાં નથી આવતું! 

એક મનોચિકિત્સક તરીકે હું એ બાબતનો સાક્ષી છું કે બહારની સમૃદ્ધિ મનની પ્રસન્નતાની ખાત્રી નથી આપતી. વૈભવ અને સુખસગવડોમાં આળોટતા હોય તેવા અનેકને મૃત્યુની કામના કરતા કે આત્મહત્યા દ્વારા જીવન ટૂંકાવતા મેં જોયા છે! મનમાં પડેલા લાગણીઓના ગૂંચવાડાથી પારાવાર દુઃખ અનુભવતા, અફસોસના ઢગલા પર આંસુ સારતા, વેરવિખેર અપેક્ષાઓ પાછળ ભાગતા રહેતા અને ચિંતાઓમાં જાતને બાળતા લોકોને મેં જોયા છે! પ્રસન્ન ચિત્તે જીવવું આમ પણ દોહ્યલું હતું અને એમાં આ મહામારીએ બળતામાં ઘી હોમ્યું. આવા સંજોગોમાં પણ હું પ્રસન્ન ચિત્તે જીવવાની વાત માંડીને બેઠો છું એની પાછળ બે કારણો છે. પહેલું, આજના સંજોગોમાં પ્રસન્ન ચિત્ત તમારી રોગપ્રતિકારકતાનો મુખ્ય આધાર છે અને બીજું, અત્યારે તમારી પાસે જાતનો સંગ કરવાનો થોડો ઘણો પણ સમય છે. એકાંતમાં બેસો, ધ્યાન ધરો. તેના દ્વારા ચિંતન અને સતત વૈચારિક મહાવરા પછી અંદરનું ઠેકાણે પાડીને સમૃદ્ધ બનાવી શકાય છે, એમાં પ્રસન્નતાની ગોઠવણ કરી શકાય છે! અલબત્ત, આ તમે વાંચો છો એટલું સહેલું નથી અને તરત થવાનું’ય નથી, વાત માત્ર સંકલ્પ કરીને એ દિશામાં પ્રવૃત્ત થવાની છે અને તેથી’ય વધુ પ્રવૃત્તિ ટકાવી રાખવાની છે. 

પૂર્ણવિરામ 

બહારનું ઠીક કરવા ડોમેસ્ટિક હેલ્પ કે હાઉસકીપર મળે છે પરંતુ અંદરનું તો જાતે જ ઠીક કરવું પડે છે!

 

Tags: , , , , , , ,