RSS

Monthly Archives: April 2021

અત્યારે લગભગ દરેક વ્યક્તિ કોરોના અંગે પીએચડી થવાના ઉંબરે છે, કો’ક પરીક્ષા લે એટલી જ વાર!

આપણું મગજ અને મોબાઈલ, બંને માહિતીથી ફાટફાટ થાય છે એ વાત મેં ગયા અઠવાડિયે આ કોલમમાં કરી હતી. માહિતી અને જાણકારી વધે એ સારી વાત છે પરંતુ તેની સાથે સાથે અક્કલ અને સમજ ના વધે તો તે કમનસીબ બાબત છે. હાલના સંજોગોનું જ ઉદાહરણ લો ને, અત્યારે લગભગ દરેક વ્યક્તિ કોરોના અંગે પીએચડી થવાના ઉંબરે છે, કો’ક પરીક્ષા લે એટલી જ વાર! બે દિવસ પહેલા અમારા પસ્તીવાળાભાઈ પસ્તી જોખતા જોખતા, મોબાઈલ પર વાગડી ભાષાના લહેકામાં, કોઈને કહી રહ્યા’તા ‘એણાને રેમડેસીવીર અલાવી દો કે’.

હું ક્લિનિક જવા નીકળતો હતો ને મારા કાને એની આ વાત પડી એટલે હું ઉભો રહ્યો. એનો ફોન પત્યો એટલે મેં કહ્યું ‘વાહ, તમને તો ઈન્જેક્શનના નામ પણ ખબર છે!’ જવાબમાં એણે મને એક બ્રોડ-સ્માઈલ આપ્યું. મને તો એની બોડી-લેન્ગવેજ એવી લાગી કે જાણે એ દર્દી અહીં હાજર હોત’તો આ ભાઈ જ ઇન્જેક્શન આપી દેત! 

આ તો કઈં નથી, કોવીડ અંગેની જાણકારી તો એવી વધી છે કે લેબોરેટરી ટેસ્ટથી માંડીને એચઆરસીટી સુધીની બધી જ માહિતી જાણે કાલે પરીક્ષા આપવાની હોય એ રીતે કડકડાટ મોઢે છે! સીઆરપી, ડીડાઈમર, ફેરેટીન, સીટી સ્કોર વગેરેનો ઉલ્લેખ આપણી રોજિંદી વાતોમાં ચણા-મમરાની જેમ થવા માંડ્યો છે! માહિતી વિસ્ફોટનું આ ફરજંદ છે. ઘણાને એમ થાય છે કે રોગ વિષે માહિતી હોવી એમાં ખોટું શું છે?! ખોટું કઈં નથી પરંતુ એ માહિતીના આધારે તમે તેના નિષ્ણાતની જેમ વર્તવા માંડો કે સારવાર કરનારને ચેલેન્જ કરવા માંડો તો તે ખોટું છે! સારવાર કરનાર ફિઝિશિયન રેમડેસીવીર આપવાની ના પાડે અને સગા એને આપવાનું દબાણ કરે એ ખોટું છે. ક્યારેક આનાથી ઉલટું પણ જોવા મળે છે, ડોક્ટર સારવારની વાત કરે અને દર્દી કે સગા કહે એની જરૂર નથી. માહિતીની સાથે સાથે પોતાની મર્યાદાનું ભાન ના હોવું એ ખોટું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે માહિતી મેળવીને કોઈ વકીલ, એન્જીનીઅર, આર્કીટેક કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી બની જતું પણ ડોક્ટર કોઈપણ બની જાય છે!! વકીલને કોર્ટમાં દલીલ કેમ કરવી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ટેક્સ કેમ બચાવવો એ તેના ક્લાયન્ટ ક્યારે’ય નથી શીખવતા પરંતુ ડોક્ટરને સારવાર કેવી રીતે કરવી એ બધા જ શીખવતા હોય છે!! ક્યારેય તમે રેસ્ટોરન્ટમાં જમવા જાવ ત્યારે ત્યાંના શેફને મળીને એવું કહ્યું છે મારા સાળાના સાઢુભાઈનો બાબો ફલાણી રેસ્ટોરન્ટમાં શેફ છે એની જોડે જરા મસાલાની બાબતમાં વાત કરી લો ને!! તમને કદાચ આ વાત હાસ્યાસ્પદ લાગશે પરંતુ ડોક્ટરો સાથે તો આવું રોજનું છે. ઈશ્વરે આપેલી બુદ્ધિનો પોતાના હિતમાં ઉપયોગ કરવાની આવડત હશે તેને સમજાશે કે આ પ્રકારના અભિગમમાં નુકશાન થવાનું હોય તો કોને થાય?!

વાત કોવીડના સંદર્ભમાં ઉખેળી છે પરંતુ સમસ્યા તો ઘણી જૂની છે, આપણી માનસિકતામાં વણાયેલી છે. આપણે આપણા કામથી મતલબ રાખતી પ્રજા નથી, આપણે તો સીટી સ્કેનમાં પાઈની’ય ખબર ના પડે તેમ છતાં હવામાં એની ફિલ્મ ઊંચી કરીને જોનારી પ્રજા છીએ, એટલું જ નહીં  લાગે આવે તો અભિપ્રાય પણ ના ખચકાઈએ એવા છીએ! આપણે કોઈને બીજું કઈં આપીએ કે ના આપીએ, સલાહ ચોક્કસ આપી દઈએ. મોદી, કોહલી, અદાણી કે બચ્ચને શું કરવું જોઈએ એ સામાન્યમાં સામાન્ય માણસ બગલ ખંજવાળતા કહી શકે એવી પ્રજાથી આ દેશ ભર્યો પડ્યો છે. વી ડોન્ટ માઈન્ડ અવર ઑન  બિઝનેસ! આપણે આપણું કામ નિષ્ઠાથી કરવાને બદલે બીજો પોતાનું કામ નિષ્ઠાથી કેવી રીતે કરી શકે અથવા એ તેને કેવી રીતે કરવું જોઈએ એ સલાહ આપવામાં વધુ રસ દાખવનારી પ્રજા છીએ! એમાં’ય કોણ જાણે કેમ પણ મેડિકલ અને સાઇકોલોજીમાં બધા જ સ્નાતક છે! તમારી શારીરિક કે માનસિક સમસ્યાઓનો ઉકેલ તમને કોઈની પણ પાસે મળી શકે! કો’ક એવું  જવલ્લે જ મળશે કે જે કહે કે આ મારો વિષય નથી, તમારે આ બાબતે કોઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. એક બાજુ આવી માનસિકતા અને બીજી બાજુ ઝકરબર્ગ પ્લેટફોર્મ્સ (વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ), ગુગલ પ્લેટફોર્મ્સ (ગુગલ સર્ચ, યૂટ્યૂબ)નો સાથ, દોડતાને ઢાળ કરી આપ્યો! 

માહિતીનો ભંડાર પોતાના મગજ અને મોબાઈલમાં ડાઉનલોડ કરીને બેઠેલા જ્ઞાનીઓ માટે આજે એવું સ્વીકારવું અઘરું છે કે ફલાણું મને ખબર નથી, ફલાણા વિષે હું જાણતો નથી કે ફલાણું મને આવડતું નથી! આજના માહિતી વિસ્ફોટના આ જમાનામાં ‘મને ખબર નથી’, ‘હું જાણતો નથી’ કે ‘મને આવડતું નથી’ એવું કહેવા કે સ્વીકારવા નૈતિક હિંમત જોઈએ! હિંમત એટલા માટે કે જયારે તમે કહો કે હું નથી જાણતો ત્યારે તમને બીજા લોકો નાનમનો અનુભવ કરાવવા માંડે! મારી તો સ્પષ્ટ માન્યતા છે કે દરેક વસ્તુ જાણવાની જરૂર નથી. બિનજરૂરી માહિતી કે જાણકારી તમને માનસિક તણાવમાં રાખે છે, તમારો મનોભાર વધારે છે. પ્રોફેશનલ્સને તેમની જે સેવાઓ માટે પૈસા ચૂકવો છો તે બાબતોમાં માથું મારવાની જરૂર નથી હોતી. પરંતુ મોટાભાગના લોકોને બિનજરૂરી અને અધકચરી માહિતીઓને કારણે વિશ્વાસની સમસ્યા(ટ્રસ્ટ ઇસ્યુઝ) હોય છે, મેડિકલ પ્રોફેશનમાં તો ખાસ! ડોક્ટરની સારવારને ગુગલ કે બીજી ફાલતુ માહિતીઓથી સતત મોનિટર કરતો રહેતો એક વર્ગ છે.  જયારે કોઈ વ્યક્તિનું તમે કામ કરતા હોવ અને એ વ્યક્તિ તમારી દરેક બાબતોને શંકાથી જોતી હોય કે દલીલો કરીને બધું બરાબર થઇ રહ્યું છે એવી સતત ખાતરી કરતી રહેતી હોય ત્યારે કામ કરવું કેટલું અઘરું પડે એવી સમજ સૌ કોઈમાં હોવી જોઈએ. 

 સમજાય તો વાત સાવ સાદી છે, ‘જેનું કામ જે કરે’. બિનજરૂરી માહિતીઓ ના મેળવો, જે વિષય આપણો નથી તેમાં જરૂર કરતા ઊંડા ઉતરવાનો પ્રયત્ન ના કરો, એના બદલે એટલો સમય અને શક્તિ તમારા જ ક્ષેત્રમાં ખર્ચો તો જીવનમાં કદાચ તમારી વધુ પ્રગતિ થશે અને તમે સમૃદ્ધ બનશો. દરેક વ્યક્તિ નિષ્ઠાથી જ કામ કરે છે, એની નિષ્ઠામાં વિશ્વાસ રાખો ફાયદો તમારો જ છે.

પૂર્ણવિરામ:

કોવીડની ટ્રીટમેન્ટના મેસેજ તો જાણે એવી રીતે ચર્ચાઈ રહ્યા છે કે થોડા સમય પછી માબાપ તેના ત્રણ વર્ષના સંતાનને પણ કહેશે ‘ચાલો બેટા, અંકલને કોવીડની ટ્રીટમેન્ટ સંભળાવી દો તો’!!

 

Tags: , , , , , , , , ,

ફોરવર્ડ કરવાના કામે લાગતી માહિતીઓ, આપણી અક્કલની અણી કાઢવામાં કેમ નિષ્ફળ જાય છે?!

બે દિવસ પહેલા હું જેમાં સામેલ છું એવા એક વોટ્સએપ ગ્રુપ ઉપર વિડીયો પોસ્ટ થયો. વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં રહેતી એક વ્યક્તિ ત્યાં છેલ્લા મહિનાથી કોરોનાના શૂન્ય કેસ હોવા પાછળ માસ્કની ભૂમિકા વિષે બોલી રહી હતી. એમની વાતનું તાત્પર્ય એ હતું કે માસ્ક જરૂરી છે. નીચે એક મેમ્બરે, લગભગ તરત જ, કોમેન્ટ લખી – એમની ડાબી આંખ જમણી આંખ કરતા મોટી છે! એમના માથાના વાળ બચાવવા એમણે માથે દિવેલ લગાવવું જોઈએ! એ આખો વિડીયો વાંચીને બોલી રહ્યા છે, એમણે પોતાની યાદશક્તિ વધારવા બ્રાહ્મી લેવું જોઈએ! એમણે એમની ટૂથપેસ્ટ બદલવાની જરૂર છે! અને હા, એ કેમ માસ્ક પહેર્યા વગર બોલી રહયા છે?!’

સામાન્ય રીતે હું ગ્રુપમાં સહભાગી થતો નથી અને પ્રતિભાવ તો ભાગ્યે જ આપું છું, સિવાય કે મને જ કઈં પૂછવામાં આવ્યું હોય, એ પણ ગ્રુપના બધા સભ્યોને ઉપયોગી હોય તો ગ્રુપ પર નહીં તો પછી અંગત મેસેજ દ્વારા. હાલ જે રીતે હોસ્પિટલોમાં દાખલ થવા, ટેસ્ટ કરાવવા કે જરૂરી દવાઓ લેવા માટે દર્દીના સગાઓને દોડાદોડી કરતા જોઉં છું તે રીતે ઉપરની કૉમેન્ટને મારાથી પ્રતિભાવ અપાઈ ગયો ‘તમારા અવલોકનને દાદ આપવી પડે પરંતુ આ બધી બિનજરૂરી અને એમની અંગત બાબતોની સાથે સાથે એ જે કહી રહ્યા છે તે મહત્વની વાત વિષે પણ એક વાક્ય લખ્યું હોત તો બધા જ ગ્રુપ-મેમ્બર્સને એક રિમાઇન્ડર મળી જાત’

એમણે તરત જ પ્રતિભાવ આપ્યો ‘ચીલ ડૉક, માસ્કની ઉપયોગીતા તો બધા જાણે જ છે ને!’

માંડ મળતા હળવાશના સમયની વાટ લાગી જશે એ વિચારે મેં આગળ ચર્ચા કરવાનું માંડી વાળ્યું પરંતુ મનમાં મંથન શરુ થયું. આજથી વીસ વર્ષ પહેલાનો સામાન્ય માનવી જે જાણતો હતો તેના કરતા અનેકગણું આજનો કૉમન મેન જાણે છે પરંતુ એની જાણકારી વ્યવહારમાં કેમ દેખાતી કે અનુભવાતી નથી?! માહિતી જ્ઞાનમાં કેમ બદલાતી નથી?! બુદ્ધિ ડહાપણમાં કેમ નથી ફેરવાતી?!! મોટિવેશનલ વિડીયો જોઈને આંખો સૂઝી ગઈ હોય કે મોટિવેશનલ લેક્ચર્સ સાંભળીને કાન પાકી ગયા હોય પછી પણ એ વ્યક્તિઓ ખરેખર જીવનમાં મોટીવેટ કેમ નથી થતી?! સિગારેટ્સના ખોખા ઉપર કેન્સરના ડરામણા ચિત્રો જોઈને સ્મોકિંગ કેમ છૂટતું નથી?! જીવનમાં શૈક્ષણિક, નાણાકીય, ધંધાકીય, કૌટુંબિક વગેરે બધી જ રીતે વિકસવામાં પ્રવૃત રહેતા આપણે વ્યક્તિ તરીકે વિકસવામાં કેમ નિષ્ફળ જઈએ છીએ?! મનમાં આવા અનેક પ્રશ્નો ઉભા થઇ ગયા જેનો સરવાળે એક જ સૂર હતો કે વાંચન, વાતો, વ્યક્તવ્યો, વિચારો કે જાણકારી જીવનમાં ઉતારવી કે વ્યવહારમાં અપનાવવી કેમ મુશ્કેલ હોય છે? આ બધો લોડ લીધા પછી પણ આપણે કેમ બદલાતા નથી?! મોટાભાગનાનું ‘અપગ્રેડ ફેઈલ’ જ કેમ થાય છે?!!

‘કોવીડ ખુબ વધી ગયો છે, પરિસ્થિતિ ગંભીર છે’ એવી વાતો કરનાર જયારે પોતાના મોઢે માસ્ક ના રાખે ત્યારે સમજવું કે એની પાસે માહિતી છે પરંતુ એ માહિતી અક્કલમાં નથી પરિણમી!! એની જાણકારી સમજણમાં નથી બદલાઈ અને એટલે જાણવા છતાં એના વર્તનમાં બદલાવ નથી આવવાનો! આવી માહિતી એના શું કામની, હા એની વાત જેની અક્કલમાં ઉતરી જાય એ કદાચ પરિવર્તિત થઇ જાય પણ એ તો ત્યાંનો ત્યાં રહી જવાનો! સાવ સીધી વાત કહું તો પદાર્થ જ્ઞાન આવવાથી આત્મ જ્ઞાન નથી થઇ જતું, એ માટે બદલાવું પડે છે, રૂપાંતરિત થવું પડે છે અને એ ત્યારે જ શક્ય બને જયારે તમે એ દિશામાં ચિંતન કરી શકો. ગુસ્સો હાનિકર્તા છે કે લોભ ખરાબ છે એવું જાણવાથી જીવન થોડું બદલાય છે, જીવન બદલવા એ દિશામાં ચિંતન જરૂરી છે. 

બદલાવ, પરિવર્તન, રૂપાંતરણ, કાયાપલટ કે ટ્રાન્સફોર્મેશન તો એક જબરદસ્ત પ્રક્રિયા છે, માનવ સિવાયના જીવોને મહદંશે એ ટકી રહેવામાં મદદ કરે છે પણ માણસને તો એ એક વ્યક્તિ તરીકે વિકસવામાં મદદ કરે છે. પરિવર્તન સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. ક્યારેક એ ક્ષણમાં ઘટે છે, તો ક્યારેક એમાં વર્ષો લાગી જાય છે અને ઘણીવાર તો વ્યક્તિ તરીકે વિકસ્યા વગર જ જીવન પૂરું થઇ જાય છે! જે જ્ઞાન તમને બદલ્યા વગર જ ચાલ્યું જાય એ જ્ઞાન નથી, માહિતી છે. જાણતા જ રૂપાંતરિત થઇ જવાય તો જ એ જ્ઞાન બાકી માહિતી માત્ર! પાંચ વર્ષે ગીતા કડકડાટ બોલી જનાર બાળક આત્મજ્ઞાની નથી થઇ જતો કે નથી એનું જીવન બદલાઈ જતું. ગીતા એની સ્મૃતિમાં છે આચરણમાં નથી. માહિતી સ્મૃતિમાં સચવાય છે પરંતુ રૂપાંતરણ જીવનમાં વર્તાય છે.

મૂળ પ્રશ્ન પર પાછા આવીએ, માહિતીથી ફાટફાટ થઇ રહેલા આપણા મોબાઈલમાં વાતો, વ્યક્તવ્યો, વિચારો, અવતરણો વગેરેની જ્ઞાનગંગા ધસમસતી રહે છે અને બીજાના મોબાઈલમાં પણ આ પ્રવાહ ધસમસતો રાખવાની સામાજિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ તેમ છતાં એમાનું મોટાભાગનું આપણા જીવનને સ્પર્શતું કે પરિવર્તિત કરતુ નથી, કેમ?!! વિચારેલું, ચિંતન-મનન કરેલું, અનુભવેલું કે શોધ ચલાવીને મેળવેલું જીવન પરિવર્તિત કરે છે, ઉપરથી ટપકેલું નહીં. ધનાધન માહિતીઓ આવતી હોય, તમારું ધ્યાન પોતાના ફાયદામાં ભટકાવવા લોકો ટાંપીને બેઠા હોય અને તમારી પાસે જાતની સંગત કરવાનો સમય ના હોય એ સંજોગોમાં માહિતી જ્ઞાનમાં ના બદલાય, બુદ્ધિ ડહાપણમાં ના ફેરવાય કે અક્કલને અણી ના નીકળે. આ માટે તમે શું જુઓ છો, વાંચો છો, સાંભળો છો વગેરે  બધું જ અગત્યનું છે. તમારા મગજનો ખોરાક છે. માત્ર ખોરાક લેવાથી પોષણ ના મળે, એને પચાવવું પણ પડે ને?! બસ એ જ રીતે, મગજે જે ખાધું છે એ ચાવવું પડે, ચગળવુ પડે અને જરૂર પડ્યે વાગોળવું પડે. આ માટેનો સમય અને માનસિક તૈયારી બહુજ ઓછા પાસે છે, બાકી માહિતી મેળવીને સંતુષ્ટ મોટા ભાગના MBA (મને બધું આવડે) તો છે જ! સરવાળે માહિતીના અફાટ સરોવરમાં આપણે તો ‘જલ કમલવત્’!!

પૂર્ણવિરામ: 

કુરુક્ષેત્રમાં અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર ત્રણેએ ગીતા સાંભળી પરંતુ ગીતાનું જ્ઞાન એકસરખું ના પામ્યા કારણ કે એક સાધક હતો, બીજો વાહક હતો અને ત્રીજો આતુર! ત્રણેના ભાવ અલગ, વિચારોનું પાચન અલગ!!

 

Tags: , , , , , , , , , ,