RSS

Monthly Archives: March 2021

આપણે કોરોનાથી નથી ડરતા, એના આંકડાઓથી ડરીએ છીએ! કેસ વધે એટલે બીવાનું અને ઘટે એટલે રાજા!

જોતજોતામાં ‘થાળી વગાડ કાર્યક્રમ’ અને સંપૂર્ણ લોકડાઉનની વરસી આવી ગઈ. એક વર્ષ વીતી ગયું અને આપણે હતા એના કરતા પણ વધુ ખરાબ પરિસ્થિતિમાં તાળીઓ વગાડીએ છીએ. અબુધ વહીવટકર્તાઓ દરવાજા મોકળા મૂકીને ખાળે ડૂચા મારવામાં વ્યસ્ત રહ્યા અને પ્રજા ચીલ મારવામાંથી ઊંચી આવે તો ગંભીરતા સમજે ને?! સરકારે તો ક્યારનું’ય કહી દીધુ છે કે હવે તમે તમારું જોઈ લેજો, પણ આપણને સમજાય તો ને! એમને એમ કઈં થોડા માસ્ક નહીં પહેરવા માટે કરોડોના દંડ ભરતાં હોઈશું?! કોરોનાના વાઇરસ પણ અંદર અંદર વાત કરતા હશે કે આવી બેજવાબદાર પ્રજાના ફેફસામાં ધુબાકા મારવાની મઝા જ કઈં ઓર છે!! કુટુંબમાં લગ્ન પ્રસંગે હાજરી આપવામાં ડરતા એક વડીલ મને પૂછે કે આ કોણ લોકો છે કે જે નેતાઓની રેલીઓમાં ભરવાડની આજુબાજુ ઘેટાં-બકરા ઉભા હોય તેમ એકઠાં થયા હોય છે?! મેં કહ્યું ‘મને તો એટલી જ ખબર છે કે એમાંના ઘણા બધા હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર પોતાની જિંદગી માટે ઝઝૂમી રહ્યા હશે!’

પહેલા લોકડાઉને મેં મને થયેલા ઘણા અનુભવ અહીં લખ્યા હતા, કમનસીબે આજે એ જ કથા ચાલુ છે. ચાલો એકાદ-બે જુના અને નવા બંને અનુભવ કહું.

વરસ પહેલાનો અનુભવ – હમણાં ક્લિનિકમાં એક બેને મારી ઉપર જ સીધી ઉધરસ ખાધી. ‘અરે બેન! હાથ તો આડો રાખો!! છેલ્લા બે મહિનાથી રેડિયોવાળા બોલી બોલીને અને છાપાવાળાઓ આખા પાનાની જાહેરાતો આપીને થાકી ગયા છે કે ઉધરસ ખાતી વખતે રૂમાલ કે આડો હાથ રાખો’

‘કંઈ નહીં થાય, સાહેબ ચિંતા ના કરો’ હજી હું મારુ વાક્ય પૂરું કરું તે પહેલા અને મારી અકળામણની જરાય દરકાર કર્યા વગર, પોતાની છાતીએ બાંધેલું માદળિયું બતાવતા એ બેન બોલ્યા ‘આ કપૂર-લવિંગનું માદળિયું છે ને! કોરોના-ફોરોનાના વાયરસ તો આજુબાજુ ફરકે તો પણ ઉડી જાય!! તમે પણ આજે ઘેર જઈને, ગળામાં પહેરી લે જો’ 

હવે આમને શું કહેવું?! કહેવાનો કંઈ અર્થ પણ ખરો?! હું તો સૅનેટાઇઝરથી હાથ ઘસતો રહી ગયો, બોલો!!

હજી આપણે હાથ ઘસી રહ્યા છીએ ત્યારે નવો અનુભવ – ‘ડૉક્ટર તમને સિવિલના કોવીડ આઈસીયુમાં કોઈ ઓળખે છે?!’ ઘણા સમયથી હું ઓળખું છું એવા એક બેને મને ફોન પર પૂછ્યું.

‘કેમ શું કામ હતું?!’ મેં સામો પ્રશ્ન પૂછ્યો.

‘મારા એક કુટુંબી વેન્ટિલેટર પર છે, તો મારે એક નાનકડું કામ હતું’ અને પછી બેને એ જે નાનકડું કામ કહ્યું તેનાથી હું હજી પણ ડઘાયેલો છું. એમણે કહ્યું કે હું એક કપૂર-લવિંગની પોટલી આપું એ પોટલી એમને દર થોડા કલાકે સૂંઘાડવાની છે!!

મને થયું કે આર યુ સિરિયસ?!! વેન્ટિલેટર પર ડચકા ખાઈ રહેલા પેશન્ટના ફેફસા ફુલાવવામાં મશીન હાંફીને હારી જાય છે એ પરિસ્થિતિમાં આવી પોટલી શું કરે?! હજી આપણે આ પરિસ્થિતિને કેટલી હલકામાં લઈશું?!

************

બીજો એક લોકડાઉનનો અનુભવ –

આજે સવારે જ હું દૂધ લેવા, મારી આગળવાળા ભાઈથી લગભગ છ-સાત ફૂટનું અંતર જાળવીને લાઈનમાં ઉભો હતો. ત્યાં મારી પાછળ એક જણ લગભગ મારા ખભા ઉપર ચઢવાનું જ બાકી હોય એમ આવીને ઉભો. એને કઇંપણ કહેવાને બદલે હું ત્યાંથી ખસીને પાછળ સલામત અંતરે ઉભો રહ્યો. ભાઈએ તો મારી આ હલચલની નોંધ પણ ના લીધી અને થોડીવાર પછી ગળું સાફ કરતા હોય તેમ ખોંખારો ખાઈને થૂંક્યા. હવે મારાથી ના રહેવાયું, મેં રીતસરની બૂમ જેવું પાડ્યું ‘ઓ ભાઈ આ શું કરો છો?! ગમે ત્યાં આવી રીતે થૂંકાય?! રોગચાળો ચાલે છે એની કંઈ ખબર છે?! અને આમ પણ જાહેરમાં થૂંકવું ગુનો છે તેની ખબર છે?’

ભાઈ મારી તરફ ફર્યા અને જાણે કશું જ બન્યું ના હોય તેમ મને કહ્યું ‘તમે માનો છો એવું આ થૂંક નથી, ચોખ્ખું થૂંક છે, હું મસાલા ખાતો નથી કે મને શરદી-ઉધરસ નથી, આ તો સવારે મને બે-ચાર વાર ગળું સાફ કરવાની ટેવ છે’

હવે વિચારો, આવા બેજવાબદાર બુદ્ધિના બળદીયાઓને શું કહેવું?! તમે સમસમીને રહી જાવ કે માથું કુટો, બીપી તમારું જ વધવાનું બાકી આવા લોકો રસ્તાના દરેક ખૂણે કદાચ રખડતા હશે!

હા, રખડે જ છે ને! લો હવે તાજો અનુભવ કહું –

‘તમે દુકાનની બહાર નોટિસ મારી છે કે નો માસ્ક, નો એન્ટ્રી અને તમે પોતે તો માસ્ક પહેર્યો નથી!’ હું પાવર-સેલ ખરીદવા ગયો ત્યારે કાઉન્ટર પર માસ્ક પહેર્યા વગર ઉભેલા દુકાનદારને મેં કહ્યું.

‘સાહેબ આપણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, હવે કોરોનાને આપણે ત્યાં નો-એન્ટ્રી છે’ દુકાનદારે એકદમ બેફિકરાઈથી કહ્યું અને પછી જાણે મારા માટે ચિંતિત હોય એમ પૂછ્યું ‘તમે લીધી કે નહીં?! ના લીધી હોય તો લઇ લો, પછી કોરોના તમારાથી ડરશે’

લો બોલો, હજી સમગ્ર વિશ્વને પોતાની બગલમાં દબાવીને બેઠેલા કોરોનાને આ ભાઈએ તો ધમકી આપી દીધી! આને બેફિકરાઈ કહેવી, બેજવાબદારી કહેવી કે મૂર્ખાઈ એ તમે નક્કી કરજો.

************

આપણી એક તકલીફ છે, આપણે કોરોનાથી નથી ડરતા, એના આંકડાઓથી ડરીએ છીએ! કેસ વધે એટલે બીવાનું અને ઘટે એટલે રાજા! એટલે સત્તાવાળાઓને પણ ફાવી ગયું છે ભીડ ભેગી કરીને રોકડી કરવાની હોય ત્યારે કોરોના કાબુમાં અને પછી હકીકત છુપાવવી અઘરી થઇ જાય એ હદે વકરે એટલે કેસોનો રાફડો! આમાં મરો બિચારા સિન્સિયર-નિષ્ઠાવાન  લોકોનો છે. બધું જ વ્યવસ્થિત પાળે છે, ધ્યાન રાખે છે અને જયારે બધું નોર્મલ થશે ત્યારે આમાંથી છુટાશે એવી આશામાં જીવે છે. થોડી આશા બંધાય છે ત્યાં બેજવાબદાર લોકોની બેદરકારી બધા ઉપર પાણી ફેરવી દે છે. બાકી, સરકાર અને નેતાઓ પાસે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવા સિવાય બીજા અનેક કામ છે, ભીડ પણ ભેગી કરશે, માસ્ક પણ નહીં પહેરે અને મેચોના આયોજન કરીને રોકડી પણ કરશે. તમારી હેરાનગતિ, ખર્ચ કે સ્વજનની આકસ્મિક વિદાય એ બધું તમારે જોઈ લેવાનું! આ ખેલ ત્યાં સુધી ચાલતો રહેશે જ્યાં સુધી મૂર્ખ લોકો એ સમજવામાં નિષ્ફળ જશે કે દરેકે પોતે જ જાગ્રત થવાનું છે, પોતે જ સંયમથી વર્તવાનું છે. સરકાર સારવાર મફત કરશે પરંતુ કોવીડ મટ્યા પછી નુકસાન પામેલા ફેફસાનું ઓક્સિજન નહીં  વધારી આપે. યાદ રાખજો બજારમાં નવા ફેફસા મળતા નથી એટલે પૈસા ખિસ્સામાં રહી જશે અને તમે હાંફતા રહી જશો!!

પૂર્ણવિરામ:   

જે વ્યક્તિ ભૂતકાળમાંથી શીખતો નથી એના જીવનમાં એ જ ભૂતકાળ, ભવિષ્ય બનીને એક યા બીજા સ્વરૂપે પાછો આવે છે!

 

Tags: , , , , , , ,