વીતેલા વર્ષમાં ઘણાને વાઇરસ કરતા સંબંધોમાં ઉભા થયેલા પ્રશ્નોએ વધુ હેરાન કર્યા!

કોરોના લોકડાઉનના શરૂઆતી સમયમાં એક ‘થાળી વગાડ’ કાર્યક્રમ થયો હતો, યાદ છે ને?! એ સમયનો એક વાઇરલ વિડીયો લગભગ બધાએ જોયો હશે – એક બેન થાળી લઈને મચી પડેલા ‘ગો કોરોના ગો’, એમણે થાળી સાથે જે ધાંધલ મચાવી હતી એ જોતા તો એમ લાગતું હતું કે આવા ભયાનક મનુષ્યોની નજીક જવાનું આપણું ગજું નહીં એ વિચારે કોરોના ઉભી પૂંછડીએ નાસી જશે! બેનનું ઉત્સાહ ભરેલું હીસ્ટેરીકલ પર્ફોર્મન્સ વાઇરલ થયેલું, બસ એવો જ ઉત્સાહ 2020ને જતા જતા પડેલી લાતોમાં જોવા મળ્યો. અસંખ્ય લોકોએ, જાણે 2021ની સવારથી જ બધું બદલાઈ જવાનું હોય તેમ, ભૂતકાળમાં વિલીન થઇ રહેલા 2020ને કચકચાઈને લાતો મારી – ‘ગો કોરોના ગો… ગો 2020 ગો..’ પકડાયેલા ચોરની પીટાઈ કરતી ભીડમાં ઘૂસીને બે ધોલ ત્યાંથી પસાર થનારો પણ જમાવી દે એમ લોકોએ યથાશક્તિ સોશિયલ મીડિયા પર ધોલધપાટ કરી અને એ તો ઠીક જાણે, ટાઈમ જેવા પ્રતિષ્ઠિત મેગેઝીને પણ 2020 પર લાલ ચોકડી મારી દીધી, બોલો! 

2020 સંબંધોનું વર્ષ હતું! એક છત હેઠળ, એકબીજા સાથે, અચાનક જ ગાળવા મળેલા વધુ સમયે ઘણા યુગલોના સહજીવનમાં પ્રશ્નો ઉભા કર્યા! તો બીજા ઘણા યુગલો આ સમય દરમ્યાન એકબીજાની વધુ નજીક પણ આવ્યા. ટૂંકમાં, વીતેલા વર્ષમાં યુગલોએ પોતપોતાના સંબંધોની પ્રિ-કોવિડ સ્વસ્થતા પ્રમાણે તડકી-છાંયડીનો અનુભવ કર્યો.

હશે બધાને જુદો જુદો અનુભવ થયો હશે અને મળેલા સમયનો દરેકે પોતપોતાની રીતે ઉપયોગ કર્યો હશે. મારા માટે તો આ આખો સમય જાણે અભ્યાસનો સમય હતો, જુદી જુદી બાબતો જાણવા, શીખવા, મનોમંથન અને અર્થઘટન કરવા મળી. એમાં’ય મને ગમતું કામ, સંબંધોને અને સંબંધોની સમસ્યાઓને નજીકથી તપાસવાની તક મળી! એક છત હેઠળ, એકબીજા સાથે, અચાનક જ ગાળવા મળેલા વધુ સમયે ઘણા યુગલોના સહજીવનમાં પ્રશ્નો ઉભા કર્યા! તો બીજા ઘણા યુગલો આ સમય દરમ્યાન એકબીજાની વધુ નજીક પણ આવ્યા. ટૂંકમાં, વીતેલા વર્ષમાં યુગલોએ પોતપોતાના સંબંધોની પ્રિ-કોવિડ સ્વસ્થતા પ્રમાણે તડકી-છાંયડીનો અનુભવ કર્યો અને હું મનોચિકિત્સક-લેખક તરીકે તેનો સાક્ષી બન્યો! યુગલોના પ્રશ્નો, સમસ્યાઓ, અવલોકનો, સક્સેસ સ્ટોરીઝ બધું જ હું મારી ડાયરીમાં ટપકાવવા માટે લોકડાઉને મને સારો એવો સમય આપ્યો. 2021ની શરૂઆતમાં જ મને એવો પાક્કો વિચાર આવ્યો છે કે હવે આ ડાયરીના કાચા માલને મારા અનુભવના એરણ પર ટીપુ, એટલે કે એના અંગે મનોમંથન-પૃથ્થકરણ કરું  અને તમારી સામે સહજીવનમાં કામ આવે એવા ઘરેણાં ઘડીને મુકું! તમને સારા લાગે એ પહેરજો, નહીંતર મનના લોકરમાં મૂકી દેજો, સંકટ સમયે કામ લાગશે!

મારી દ્રષ્ટિએ 2020 સંબંધોનું વર્ષ હતું. જેમના સંબંધો મજબૂત અને ઉષ્માભર્યા હતા તેમનું વરસ આનંદ કરતા કરતા વીતી ગયું, બાકીનાને વસમું લાગ્યું અને જેમ તેમ ટાઈમપાસ કરીને પસાર કર્યું. કેટલાકે સંબંધોના સથવારે કોવીડને આસાનીથી મ્હાત આપી, જયારે બીજી બાજુ ઘણા, સંબંધોથી વિખુટા એકલતામાં સોરાઈ જંગ હારી પણ ગયા! આ બંને છેડા પરના અવલોકનોની વચ્ચે સંબંધો અને તેની સમસ્યાઓના અનેક રંગો જોવા મળ્યા! મારી ડાયરીના પાના ખોલીને આવા અનેક તારણોનો નિચોડ તમારી સાથે શેર કરું એ પહેલા 2020માં સંબંધોની સમસ્યાઓ અંગેની વાસ્તવિકતાનો આંકડાકીય તાગ મેળવી લઈએ. ખરેખર તો આપણે ભારતીયો ડોક્યુમેન્ટેશન અને આંકડાકીય વિશ્લેષણો પ્રત્યે ખુબ ઉદાસીન અને નિરસ છીએ. એની સામે પશ્ચિમીઓ ગમે તે ડેટા ભેગા કરતા રહે છે અને તેની ચીરફાડ કરીને આયોજનો અને કમાણી કરતા રહે છે. આપણે તો આપણી પાસે જે ઉપલબ્ધ હોય તેનાથી કામ ચલાવવાનું હોય છે, મારી પાસે સ્ત્રીઓ માટેની અભયમ્ હેલ્પલાઇન કેટલાક આંકડા છે અને તે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પૂરતા છે. આ સેવાને મળેલા લગભગ એક લાખ છત્રીસ હજાર કોલ્સમાંથી સત્તાવીસ ટકા કોલ્સ લગ્નજીવનના ઝગડાઓના હતા અને અઢાર ટકા ઘરેલુ મારઝૂડના! લગ્નજીવનના ઝગડાઓ કરતા પણ પાંત્રીસ ટકા વધુ કોલ્સ લગ્નેતર સંબંધો અંગેના હતા. માઈન્ડ વૅલ, હોવાના કે બંધાયાના નહીં, પકડાયાના!!  અને તે પણ માત્ર સ્ત્રીઓએ જ નહીં પુરુષોએ પણ આ અંગેના કોલ્સ કર્યા! આ ઉપરાંત બાળઉછેરના પ્રશ્નો, પાડોશીઓ સાથેના ઝગડા, નશો કરીને ધાંધલ, અન્ય કાયદાકીય પ્રશ્નો વગેરે તો જુદા. મહત્વની વાત એ સમજવી પડે કે આ આંકડાઓ તો હિમશિલાની ટોચ જેવા છે, વાસ્તવમાં તો આ બધા કિસ્સાઓ અભયમ્ ના આંકડાઓથી અનેકગણા હશે કારણ કે અભયમ્ ની મદદ માંગનારો તો એક નાનકડો વર્ગ હશે, બાકીનાઓના જુદા જુદા પ્રકારના ઘણા અંગત મેનેજમેન્ટ હશે! આખા પિક્ચરનું આ નાનકડું ટ્રેલર મગજમાં ઉતરી ગયું હોય તો હવે ડાયરી ખોલીને મારા વિશ્લેષણોનો ઉઘાડ કરીએ…

લોકડાઉનને માંડ મહિનો થયો હશે ત્યાં તો જે તે દેશોમાંથી સમાચાર આવવા માંડ્યા કે યુગલો વચ્ચે ઝગડા અને છૂટાછેડાના કિસ્સાઓ, બંને વધી રહયા છે! એ સમયમાં મેં ઇટાલીમાં બનેલી એક રસપ્રદ ઘટના મારી ડાયરીમાં નોંધીને મારા અવલોકનોનોની શરૂઆત કરી હતી. લોકડાઉન દરમ્યાન થયેલા પત્ની સાથેના રોજે રોજના ઝગડાઓ પછી પ્રતિબંધો હળવા થતા જ પતિ ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો. પત્નીને એમ હતું કે હમણાં થોડીવારમાં બહાર રખડીને પાછા આવી જશે. પરંતુ, ગુસ્સો શાંત કરવાના ઇરાદે નીકળેલા આ મહાશયે સાડા ચારસો કીમી ચાલી કાઢ્યું! રસ્તામાં લોકોએ જે ખવડાવ્યું તે ખાધું અને જ્યાં સુવા મળ્યું ત્યાં સૂતો. સાત દિવસે પોલીસે એને રાત્રી કરફ્યુ દરમ્યાન પકડ્યો ત્યારે આ સમગ્ર વાત બહાર આવી! હવે વિચારો કે કેટલો ગુસ્સામાં હશે?! કેટલો અકળાયો હશે?! એવું રખેને માનતા કે પત્ની ગુસ્સામાં કે અકળાયેલી નહીં હોય! મારે આ ઘટનાના સંદર્ભમાં બે વાત કરવી છે. એક, મોટાભાગની સ્ત્રીઓ મગજ શાંત કરવા આવી રીતે ચાલી ના નીકળે! અને બીજી, આપણા દેશમાં આવું બનવાની શક્યતાઓ બહુ ઓછી છે!

પુરુષ જયારે ગુસ્સો કે અકળામણ અનુભવે ત્યારે એકાંત અને મૌન ઈચ્છે છે એટલે સ્વાભાવિક છે કે ઘરની બહાર ચાલ્યો જાય પરંતુ સ્ત્રી જયારે ગુસ્સો કે અકળામણ અનુભવતી હોય છે ત્યારે ચર્ચા કરવાનું અને વાત દ્વારા પોતાના મનને શાંત કરવાનું વલણ ધરાવતી હોય છે. આવા સંજોગોમાં સ્ત્રીને એકાંત કે મૌન વધુ ગુસ્સો, અકળામણ કે અસલામતીનો અનુભવ કરાવે છે. સ્વાભાવિક છે આ સંજોગોમાં ઘર છોડીને ચાલ્યા જવું સ્ત્રીઓ માટે સામાન્ય નથી.

બીજું, આપણા દેશમાં આવું બનવાની શક્યતા એટલે ઓછી છે કે પુરુષ જો આટલો અકળાયેલો કે ધૂંધવાયેલો હોય તો ઘરમાં ક્યારનીય મારઝૂડ થઇ ગઈ હોય અને ગુસ્સો વ્યક્ત થઇ ગયો હોય. એ બધા દેશોમાં તો ઘરેલુ હિંસાના ખુબ કડક કાયદા છે અને તેથી વધુ અગત્યનું, એ કાયદાઓનો અસરકારક અમલ પણ થાય છે. આ સંજોગોમાં ગુસ્સો દબાવીને જ રાખવો પડે ને?!

ચાલો વધુ વાતો આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ…

પૂર્ણવિરામ: ઝગડા દરમ્યાન, પુરુષને બોલતી પત્ની ગુસ્સો દેવડાવે છે અને સ્ત્રીને મૂંગો પતિ!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s