જો ‘આજ’ના અનુભવમાંથી કઈં નહિ શીખીએ તો આવતીકાલે ફરી એ જ ‘આજ’ પાછી આવશે!

‘ભાઈ, પ્લીઝ પહેલા માસ્ક સરખો કરો અને પછી વાત કરો’ માસ્ક પહેરીને કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયેલા એક ભાઈએ માસ્ક ઉતારીને વાત કરવાની શરુ કરી એટલે મેં તરત કહ્યું.

‘સર બહુ બહુ તો શું થશે?! કોરોના થશે તો થોડા દિવસ આરામ કરી લઈશું, નેવું ટકા ઉપર તો સાજા થઇ જાય છે’ ભાઈ તો પોતાની રીતે એકદમ સેટ હતા પરંતુ માસ્ક ઉપર કરવાના મારા ઇશારાને અવગણી ના શક્યા, કચવાતા મને માસ્ક ઊંચો કર્યો.

‘તમે માસ્ક પહેર્યા વગર વાતચીત કરો તો સામેવાળાને તમારા કરતા વધુ જોખમ છે’ મેં જ્ઞાન આપ્યું. 

જ્ઞાન આપતા તો અપાઈ ગયું પણ મને તરત જ ખ્યાલ આવ્યો કે આ તો ભેંસ આગળ ભાગવત જેવું છે અને મારા ખ્યાલને તાત્કાલિક સમર્થન આપતા હોય એમ એ ભાઈ બોલ્યા ‘લો તો તો મારે ક્યાં ચિંતા કરવાની પણ જરૂર છે?! મજાકમાં કહું છું સર, ખોટું ના લગાડતા’ એમની આ વાત કરતા વધુ મને એમનું બેફિકરાઈભર્યું હાસ્ય ખૂંચ્યું ! ભલે કદાચ આ ભાઈએ મજાકમાં જ કહ્યું હશે પરંતુ આપણામાંના ઘણાની તો આ માનસિકતા છે, અલબત્ત બધા લોકો બોલે નહીં પરંતુ એમનું વર્તન આવી માનસિકતાની ચાડી ચોક્કસ ખાઈ જતું હોય છે. 

અન્ય વિષે ના વિચારવાની માનસિકતાને માત્ર સ્વાર્થ ન ગણતા, વૈચારિક હલકાઈ ગણવી જોઈએ.  એક ભાઈ મને કહે કે હું તો બધાને કોરોના છે જ એમ સમજીને વ્યવહાર કરું છું. મેં કહ્યું કે એ તો સારું કહેવાય પણ સાથે સાથે તમને કોરોના છે એમ પણ સમજો છો ખરા?! મારા પ્રશ્નમાં એમને કાંઈ સમજાયું ના હોય તેમ લાગ્યું એટલે મેં સ્પષ્ટતા કરી કે એમને કોવીડ પોઝિટિવ સમજીને તમે એમની સાથે વ્યવહાર કરો એ તો તમને સુરક્ષિત રાખે છે પરંતુ તમે પોતાની જાતને પોઝિટિવ સમજીને વ્યવહાર કરો ત્યારે એ પણ સુરક્ષિત રહે ને?!  સુરક્ષા એકતરફી નહીં, બેતરફી રાખવાની છે અને તો જ આ અટકશે! તમારું સાચવો એ તો સારું જ છે પરંતુ બંનેનું સાચવો તે ઉત્તમ છે. પોઝિટિવ આવશે એવી શંકા અને ડરના માર્યા ટેસ્ટ નથી કરાવવો પરંતુ બહાર રખડતા રહીને અન્યને જોખમમાં મુકવા અંગે વિચારવાનું સુધ્ધાં નહીં! આને હલકી માનસિકતા નહીં તો બીજું શું કહેવાય?! આનાથી તદ્દન ઉલટો અનુભવ બે દિવસ પહેલા થયો. હું ક્લિનિક પૂરું કરીને ગાડી તરફ જઈ રહ્યો’તો ત્યારે કોઈકે મને તાળી પાડીને બોલાવ્યો. મેં એ દિશામાં જોયું તો એક ભિક્ષુક દૂરથી ભીખ માંગી રહ્યો હતો! એણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા દૂરથી તાળી પાડી અને પાછો એણે માસ્ક પણ પહેરેલો એ જોઈને મને તેની સંવેદનશીલતા પર માન થયું. સ્વભાવિક રીતે જ મને તેને દાન આપવાનું મન થયું, હું પર્સમાંથી પૈસા કાઢતો તેની તરફ આગળ વધ્યો કે તરત એણે દૂર મુકેલા કટોરા તરફ ઈશારો કરી પૈસા ત્યાં મુકવા વિનંતી કરી!! હું અચંબામાં પડી ગયો, પોતાની સામાજિક જવાબદારી પ્રત્યે કેવી ગજબની જાગૃતિ?! મેં એના કટોરામાં પૈસા ઉપરાંત ચાર-પાંચ માસ્ક મુક્યા અને અમે બંને એ દૂરથી એકબીજાને નમસ્તે કર્યું, એણે દાન માટે આભાર માન્યો અને મેં સામાજિક જવાબદારી નિભાવવા બદલ!!  

આવા અનુભવો તો જવલ્લે જ થતા હોય છે, બાકી તો કમનસીબે આપણામાંના મોટાભાગના બીજા વિષે વિચારવા ટેવાયેલા નથી, આપણે આપણી અનુકૂળતા જોઈને ગોઠવાઈ જતી પ્રજા છીએ, આપણી આ ગોઠવણમાં અન્યને અડચણ પડશે કે પરેશાની થશે એવું વિચારે એ બીજા! પોતાને સેટ કરવામાં બીજા અપસેટ થતા હોય તો એ તેમનો પ્રોબ્લેમ છે એમ વિચારીને ટોટલ ઇગ્નોર મારવાનું અને જલસાથી જીવવાનું! રોન્ગ સાઈડમાં બિન્દાસ્ત નીકળવાનું, નિયમ મુજબ જે યોગ્ય સાઈડમાં ચલાવતો હોય તેને મુશ્કેલી પડે તો ભલે, ટ્રાફિક જામ થાય તો ભલે, કો’ક અથડાઈ જાય તો ભલે!! ગમે ત્યાં વાહન પાર્ક કરી દેવાનું પછી કો’કનું વાહન નીકળી ના શકે તો ભલે! જાહેર જગ્યાઓમાં ગંદકી કરીને ચાલતા થવાનું પછી પાછળ બીજા આવે એમને તકલીફ પડે તો ભલે! અન્ય નાગરિકો – ફેલો સિટીઝન્સ પ્રત્યેની આપણી નફ્ફટાઈના તો ગ્રંથ લખી શકાય એમ છે. આ વાઇરસે આપણને શીખવાડેલી ઘણી બાબતોમાં એક મહત્વની વાત એ છે કે આપણે એકબીજાનું વિચારવાનું છે. સાવ સરળ શબ્દોમાં કહું તો તમે બચાવશો તો બીજા બચશે અને બીજા બચાવશે તો તમે બચશો! બંને એ એકબીજાનું વિચારવાનું છે. મને કોઈનો ચેપ ના લાગે એ જરૂરી છે પરંતુ સાથે સાથે મારાથી કોઈ અન્યને ચેપ ના લાગે એ પણ એટલું જ જરૂરી છે. જયારે બધાને આ વાત સમજાઈ જશે અને વ્યવહારમાં અમલી બનશે ત્યારે આ મહામારી સો ટકા કાબુમાં આવી જશે. તો, ત્રણ અઠવાડિયાથી કરી રહેલા સંકલ્પોમાં આવો વધુ એક સંકલ્પ કરીએ – આજથી હું મારી સાથે સાથે અન્યનું પણ વિચારીશ, મારા લીધે અન્યને કોઈ અડચણ, મુશ્કેલી કે જોખમ ઉભું થાય એવું કોઈ કામ નહીં કરું અને મારી સામાજિક જવાબદારી સાચી નિષ્ઠાથી નિભાવીશ.

લોકડાઉન અને કોરોનાકાળ દરમ્યાન આપણને મળેલી શીખમાંથી નવા વર્ષના સંકલ્પો કરવાની જે વાત આપણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી માંડી છે તેના સમાપનમાં એ કહેવું છે કે આ વિકટ સમય દરમ્યાન આપણી પ્રાથમિકતા બદલાઈ છે, અથવા એમ કહોને કે બદલવી પડી છે. હવે પછીની આપણી પ્રાથમિકતામાં મુખ્યત્વે આપણા નિકટના સંબંધો (પોતાની જાત, કુટુંબીઓ, મિત્રો, સાથીઓ વગેરે), આપણું સ્વાસ્થ્ય – રોગપ્રતીકારકતા – માનસિક આરોગ્ય, કટોકટીના સમય માટેની બચત – બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ, કારકિર્દી – કમાણી માટેના બેકઅપ પ્લાન્સ, પર્યાવરણની જાળવણી વગેરે રહેવા જોઈએ. બધું પૂર્વવત થયા પછી પણ આપણી પ્રાથમિકતામાં આ બાબતો ટકી રહેશે તો  જીવનની મઝા કઈંક ઓર જ રહેશે અને ગમે તેવા આપત્તિકાળમાં પણ મનોબળ ટકી રહેશે તે નક્કી! બાકી માણસો અને વાઇરસ વચ્ચેના યુધ્ધો તો ચાલુ જ રહેવાના, આ નહીંને એનો ભાઈ! જો આજના અનુભવમાંથી કઈં નહિ શકીએ તો આવતીકાલે ફરી એ જ આજ પાછી આવશે! આજ ના સુધરે ત્યાં સુધી આવતીકાલ નહીં આવે એ જેને સમજાઈ જાય તેનું જીવન આગળ વધે છે બાકી બધા ગોળાકારે ચક્કર મારતા રહે છે! 

પૂર્ણવિરામ: 

શીખવાનું ભૂતકાળમાંથી, જીવવાનું વર્તમાનમાં અને સપના જોવાના ભવિષ્યના… નવું વર્ષ મંગલમય હો…

3 Comments Add yours

  1. Bhavana Patel says:

    Nice – social responsibility is at minimum and true it has to be awaken at social and individual level

    1. Thank you, I’m happy you liked it

  2. Nilesh Bhatt says:

    I like this article

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s