RSS

Monthly Archives: August 2020

મુશ્કેલીઓને તકમાં ફેરવવાની આવડત ધરાવતા લોકો વિકટ સમયમાં તૂટી જવાને બદલે વધુ તાકાતથી પોતાને રી-લૉન્ચ કરતા હોય છે.

‘તું મારા વખાણ કરે છે કે મજાક?!’ આવો મૂંઝવણભર્યો પ્રશ્ન પૂછવાની નોબત દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક તો આવીજ હશે. અમુક તો શબ્દો જ એવા છે કે જે આપણા માટે વપરાય ત્યારે મનમાં આવો સંદેહ ઉભો થવો સ્વાભાવિક હોય છે, દાખલા તરીકે કોઈ તમને ‘લુચ્ચો’ કહે તો તમે એને વખાણ ગણો કે નિંદા?! આડકતરી રીતે એણે તમને બુદ્ધિશાળી કહ્યા કારણ કે લુચ્ચાઈ કરવા બુદ્ધિ જોઈએ, મૂરખાઓ લુચ્ચાઈ ના કરી શકે. જેટલી વ્યક્તિની બુદ્ધિ વધારે તેટલી તેની ચાલાકી કે લુચ્ચાઈ કરવાની ક્ષમતા વધારે, એ દ્રષ્ટિએ તમારા વખાણ થયા! હા, બુદ્ધિશાળી વ્યક્તિ લુચ્ચાઈ કરશે કે નહીં અથવા કયા સંજોગોમાં, કોની સાથે કરશે તે બીજી ઘણી બાબતો પર આધારિત હોય છે. અને, નિંદા એ રીતે કે એને તમારા ઈરાદાઓ પર સંદેહ છે! જયારે વ્યક્તિને તમારા ઈરાદાઓ કે નિષ્ઠા પ્રત્યે સંદેહ હોય ત્યારે એ તમને આસાનીથી ‘લુચ્ચા’ હોવાનું બિરુદ આપી શકે છે, સ્વાભાવિક છે એ તમારા વખાણ નથી પરંતુ નિંદા છે. આજના સમયમાં ચલણમાં મૂકી શકાય એવો, આવો જ એક બીજો શબ્દ છે ‘તકસાધુ’! તકસાધુ એટલે મળેલી તકનો લાભ ઉઠાવનાર અથવા ઓપર્ચ્યુનિસ્ટ. કોઈ તમને તકસાધુ કહે તો એને તમે વખાણ ગણશો કે નિંદા?! તમે કહેશો કે કયા સંદર્ભમાં કહ્યું છે તેની ઉપર એનો આધાર છે. કોવીડની મહામારીને તક ગણીને માસ્ક, સેનિટાઇઝર, વિવિધ વેલનેસ પ્રોડક્ટ્સ કે ઇમ્યુનો-બુસ્ટર્સ બનાવાના ધંધામાં ઝંપલાવી દેવું એ હકારાત્મક દિશામાં તક સાધવાની આવડત છે જે પ્રશંશાને પાત્ર છે, અલબત્ત કેટલાક ઈર્ષ્યાવશ આવી તક સાધનારાની નિંદા કરવાના- ‘દ્રાક્ષ ખાટી છે’! બીજી બાજુ કોવીડને આગળ ધરીને યુટીલીટી બિલ્સ, ટેક્સ, મેડિકલ કે અન્ય આવશ્યક સેવાઓમાં ડિસ્કાઉન્ટનો હક્કની હદે આગ્રહ રાખવો એ નિંદાત્મક દિશામાં તક સાધવાની વાત છે. મોબાઈલનો સ્ટોર્સ ધરાવતા મારા એક પેશન્ટે મને હમણાં ગઈકાલે જ તેના ધંધા અંગેની વાત કરતા કહ્યું કે સાહેબ લોકો આ સમયમાં કેવી તક સાધતા હોય છે તેની વાત કરું. થોડા દિવસ પહેલા એક ઘરાકે મને કહ્યું કે તમે હજી ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ રાખો છો, તમને સ્વદેશી વસ્તુઓનું ગૌરવ નથી લાગતું. મેં કહ્યું કે નવો માલ ના લઈએ પણ જે ભર્યો હોય એને તો વેચવો પડે ને?! એટલે તરત એણે મને પૂછ્યું કે હાલ વેચાય છે ખરાં?! મેં કહ્યું ‘ખાસ નહીં’ તો મને એ દેશપ્રેમી પૂછે કે કેટલું ડિસ્કાઉન્ટ આપશો? બે લઇ લઉં, બાકી આમ પણ તમારે તો પડી જ રહેવાના છે ને?!! – આ નિંદાત્મક તક સાધી કહેવાય! 

તક સાધવાની હકારાત્મક ફાવટ બધાને નથી હોતી, આ એ વ્યક્તિઓ છે જે મુશ્કેલીઓને અવસરમાં ફેરવવાની આવડત ધરાવતા હોય છે. મુશ્કેલીઓ કે ઉપાધિઓમાં હિંમત ગુમાવવાને બદલે તેને એક તકમાં તબદીલ કરવાની ક્ષમતા જે વ્યક્તિઓમાં હોય છે તે આવી પડેલી આપદામાં તૂટી જવાને બદલે વધુ તાકાતથી પોતાને રી-લૉન્ચ કરતા હોય છે. આ વ્યક્તિઓની સાઈકોલોજિકલ ઇમ્યુનીટી મજબૂત હોય છે. તમે આવી પડેલી વિકટ પરિસ્થિતિમાંથી આસાનીથી ‘બાઉન્સ બૅક’ કરવાની ક્ષમતા વિકસાવવા માંગતા હોવ તો હકારાત્મક કે સર્જનાત્મક દિશામાં તક સાધતા શીખવું પડશે. લોકડાઉનમાં અનેક વ્યક્તિઓ પોતાનું વધુ ઉમદા વર્ઝન ઉભું કરી શક્યા, કો’ક નવી સ્કિલ શીખ્યા, કો’ક નવો શોખ કેળવી શક્યા, કો’કે પોતાનામાં નવી કળા વિકસાવી – સરવાળે આ બધા એ આવી પડેલી વિપદાને તકમાં ફેરવી દીધી. સ્વાભાવિક રીતે જ આ વ્યક્તિઓની માનસિક રોગપ્રતિકારકતા મજબૂત હશે અને તેથી જે લોકડાઉનને કારણે અનેક લોકો હતાશ થયા કે ડિપ્રેશનમાં સરી પડ્યા તે જ પરિસ્થિતિને તેમણે અવસરમાં ફેરવી દીધી! આખી વાતનો સાર એ કે સારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી કેળવવા પરિસ્થિતિને કોસતા રહેવા કરતા તેમાંથી તક ઉભી કરવાની કળા વિકસાવવી જોઈએ.

તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત કરતી છેલ્લી મહત્વની બાબત – તમારા મૂળ સાથેનું તમારું જોડાણ. વાત આધ્યાત્મિક છે, સાથે એ સ્પષ્ટતા પણ કરી દઉં કે આધ્યાત્મિકતા અને ધાર્મિકતા બંને અલગ બાબત છે. ધાર્મિકતા ધર્મ વિષયક છે, જયારે આધ્યાત્મિકતા આત્મા વિષયક છે, તમારા માંહ્યલાની વાત છે, સ્વ અને સૃષ્ટિના જોડાણનું આત્મજ્ઞાન છે. જે વ્યક્તિઓ આત્મા, પ્રકૃતિ, પંચતત્વો અને સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાણ અનુભવતા હોય તે વ્યક્તિઓની સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત હોય છે. આ વ્યક્તિઓ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું સંતુલન ટકાવી રાખવા સક્ષમ હોય છે. મારા એક ફિઝિશિયન મિત્ર કોરોનાથી સંક્રમિત દર્દીને સમજાવે કે ગભરાવાની જરૂર નથી રિકવરી રેટ લગભગ એંશી ટકા સુધીનો છે અને આમ પણ તમારો વાઇરલ લોડ ઓછો છે એટલે જલદી સારું થઇ જશે. દર્દી આ વાતથી ખુશ થવાને બદલે પૂછે કે એ તો બરાબર પણ હું આઇસોલેશનમાં કેવી રીતે રહીશ? કોરોનાથી સંક્રમિત દર્દીઓને સતાવતા વિવિધ પ્રકારના ડરમાં એક સૌથી સામાન્ય ડર છે જો હોસ્પિટલમાં દાખલ થવું પડશે તો હું એકલો કેવી રીતે રહીશ?! પોતાની જાત સાથે એકલા રહેવાનો ડર!! જે વ્યક્તિઓ પોતાના મૂળ સાથે, પોતાની જાત સાથે તંદુરસ્ત અને પાક્કું જોડાણ ધરાવતા હોય છે તે વ્યક્તિઓ માટે કપરા સમય દરમ્યાન આંતરિક હિંમત ટકાવવી સહજ હોય છે અને તે કોઈપણ બીમારીનો સામનો મજબૂતાઈથી કરી શકતા હોય છે. આ વાત માત્ર કોવીડ પૂરતી નથી, કોઈપણ બીમારીને લાગુ પડે છે કારણ કે બધા જ પ્રકારના આધાર પછી પણ વ્યક્તિના મનને તો બીમારીની સામે લડવું જ પડતું હોય છે. એમાં પણ લાંબાગાળાની અને જેની સારવાર કારગત ના નીવડતી હોય તેવી બીમારીઓમાં તો મનોબળથી જ લડવું પડતું હોય છે. આ સંજોગોમાં તમારો આધ્યાત્મિક અભિગમ કામ લાગે છે.

પૂર્ણવિરામ:

જરૂરી નથી કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તમે હંમેશા બીમારીઓને હરાવી જ શકો, ક્યારેક રોગ કે સૂક્ષ્મ જીવો (વાઇરસ, બેક્ટેરિયા,ફંગસ વગેરે) પણ તમારી પ્રતિકારકતાને ટપી જાય તેવા મજબૂત હોઈ શકે છે. સામાન્ય ગણાય એવા શત્રુઓએ મહારથીઓને પછાડ્યા હોય એવા દાખલાઓથી ઇતિહાસ એમ જ કઈં થોડો ભરેલો પડ્યો છે?!

 

Tags: , , , , , , , , , , , , , , ,

સ્વસ્થ શતાયુઓની સૌથી વધુ વસ્તી ધરાવતા ‘બ્લુ ઝોન’ના અભ્યાસનું તારણ – લાંબા અને આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય સાયકોલોજીકલ ઈમ્યુનીટીમાં છે!

‘છ મહિનામાં આના પાટલુન ઢીલા થઇ જશે’ મારા દાદાએ હીંચકે બેસતા મને કહ્યું. હું મારા દાદા સામે આશ્ચર્યથી જોઈ રહ્યો, મને થયું હમણાં થોડીક જ ક્ષણો પહેલા પોતાની કારકિર્દી સારી રીતે પુરી કરી શક્યાનો શ્રેય અને નિવૃત્તિની મીઠાઈ આપીને ગયેલ વડીલ હજી માંડ ઝાંપે પહોંચ્યા હશે, ત્યાં આવી ટિપ્પણી કરવા પાછળ શું આશય હોઈ શકે?! ત્યારે મારા દાદા જનરલ પ્રેક્ટિશનર હતા, એ એકાણુમાં વર્ષે ગુજરી ગયા ત્યાં સુધી મેડિકલ પ્રેક્ટિસમાં પરોવાયેલા હતા. અલબત્ત છેલ્લા વર્ષોમાં માત્ર ઘરેથી સલાહ આપતા પરંતુ વર્ષોથી એમની સાથે જોડાયેલા અનેક કુટુંબો એમને પૂછ્યા વગર પાણી પણ ના પીએ! તમે કહેશો કે એ જમાનામાં ગૂગલ નહતું’ને એટલે, બાકી અત્યારે લોકો ડોક્ટરને નહીં પણ ગૂગલને પૂછીને પાણી પીએ છે! પણ, હકીકત તો એ છે કે એ જમાનામાં ફેમિલી ડૉક્ટર, આજના સુપર સ્પેશિયાલિસ્ટ કરતા અનેકગણો વધુ માન-મરતબો ધરાવતા અને દરેક કુટુંબનો હિસ્સો ગણાતા.

‘દાદાજી, એવું કેમ?!’ મેં એમની સાથે હિંચકે બેસતા પૂછ્યું.  હું એ વખતે તાજો તાજો એમબીબીએસ થઈને ઇન્ટર્નશિપ કરતો હતો. સ્વાભાવિક રીતે જ મને દર્દીઓ વિશેની વાતો જાણવામાં રસ રહેતો.

‘માણસ જયારે નવરો થઇ જાયને ત્યારે ગળવા માંડે’

‘કામકાજથી નિવૃત થઇ જઈએ તો વજન વધે નહીં?!’ મેં એમને અધવચ્ચે જ પૂછી કાઢ્યું. 

‘કામકાજથી નિવૃત થયો છે, વિચારોથી નહીં! હવે તો વિચારવાનો વધુ સમય મળશે’ એમના આ જવાબનો ગુઢાર્થ મને લગભગ દસે’ક વર્ષ પછી સમજાયો, જયારે મેં અનેક નિવૃત વ્યક્તિઓને ઉચાટ અને હતાશાથી પીડાતા જોયા. અને જયારે દુનિયાના ‘બ્લુ ઝોન્સ’ વિષે વાંચ્યું ત્યારે તો આ જવાબ મારી ‘કોર બિલીફ’નો ભાગ બની ગયો.  આ ‘બ્લુ ઝોન્સ’ એટલે દુનિયાના એવા પ્રદેશો કે જ્યાં લોકો ખુબ લાબું અને આરોગ્યપ્રદ જીવન જીવે છે. આ એ પ્રદેશો છે જ્યાં લોકોની શતાયુ થવાની શક્યતા આપણા કરતા ત્રણ ગણી વધારે છે! 

મેં તમને આવા જ એક ‘બ્લુ ઝોન’ જાપાનના ઓકિનાવા ટાપુ અંગે ગૂગલ કરવાનું હોમવર્ક ગઈ વખતે આ કોલમમાં આપ્યું હતું. મને ખાતરી છે, તમે નહીં જ કર્યું હોય, માનવ મનનો સહજ સ્વભાવ છે – ‘જે કરવાનું કહ્યું હોય તે કરવા કરતા જે ના કરવાનું કહ્યું હોય તે કરવામાં વધુ રસ પડે’ –  કઈં વાંધો નહીં, યુનાઇટેડ નેશન્સે જેને દુનિયાનો સૌથી આરોગ્યપ્રદ વિસ્તાર જાહેર કર્યો છે તે ઓકિનાવા ટાપુની વાત આપણે અહીં કરીએ. જાપાનના આ ટાપુ પર નેવું ટકા લોકો સો કે તેથી વધુ વર્ષ જીવે છે અને તે પણ બીમાર થઈને નહીં એક્ટિવ રહીને! દુનિયાનું આ એક માત્ર સ્થળ છે જ્યાં સો વર્ષથી મોટી ઉંમરના લોકોનું પોતાનું મ્યુઝિક બેન્ડ છે. આ બેન્ડમાં જોડાવા ઓછામાં ઓછી ઉંમર એંશી વર્ષ હોવી જોઈએ! આ તો ખાલી એક ઉદાહરણ છે, આવી અનેક પ્રવૃતિઓમાં અહીંના વૃદ્ધો વ્યસ્ત છે! સ્વાભાવિક છે લાંબા આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય જાણવા અહીં દુનિયાભરના સંશોધકોનો મેળો લાગેલો જ રહેવાનો. અસંખ્ય સંશોધકો અહીં તંબુ તાણીને પડ્યા-પાથર્યા રહે છે અને પોતપોતાના તારણો કાઢીને પુસ્તકો-રિસર્ચ પેપરો લખ્યે જાય છે! આ વિસ્તારના લોકો અને તેમની જીવનશૈલી ઉપર અઢળક સંશોધનો થયા છે, લાંબા – આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય સમજવાના અનેક પ્રયત્નો થતા જ રહે છે. મોટાભાગના સંશોધકોએ નોંધ્યું છે કે તેમના સ્વસ્થ-આરોગ્યપ્રદ જીવનનું રહસ્ય તેમની માનસિક રોગપ્રતીકારકતા એટલે કે સાયકોલોજીકલ ઈમ્યુનીટીમાં છે. સંશોધકોના મતે તેમની આ સાયકોલોજીકલ ઇમ્યુનીટી તેમની જીવનશૈલીમાં આવતી બે પરંપરાઓને આભારી છે, ‘ઇકીગાઈ’ અને ‘મોઆઈ’! આ બે પરંપરા આગળની પેઢી તેની પાછળની પેઢીને નાનપણથી જ શીખવાડે છે અને તેથી જ તે વર્ષોથી ચાલી આવે છે. ‘ઇકીગાઈ’ એટલે ‘સવારે પથારીમાંથી ઉઠવાનું કારણ’ – ‘ધ્યેય’ નહીં પણ ‘હેતુ’ – પર્પઝ ઓફ લાઈફ! ક્યાંથી મળે આ ‘પર્પઝ ઓફ લાઈફ’?! તમારી ચાહત-જુસ્સો-પૅશન, તમારી આવડત-સ્કિલ-પ્રોફેશન, કુટુંબ-સમાજમાં તમારી ઉપયોગીતા અને રોજગાર-કમાણી-વૉકેશનમાંથી મળે જીવનનો હેતુ! આ ચાર બાબતો તમને ધબકતા રાખે છે, જીવવાનો એવો મજબૂત હેતુ આપે કે બીજું કઈં વિચારવાની ફુરસત જ તમારી પાસે ના છોડે, તે સંજોગોમાં તમારી માનસિક રોગપ્રતિકારક્તા મજબૂત ના થાય તો જ નવાઈ!

‘મોઆઈ’ એટલે એક પ્રકારનું સામાજિક માળખું જેમાં સૌએ એકબીજાને જુદા જુદા પ્રકારે મદદ કરવાની જેમાં આર્થિક, શારીરિક, ભાવનાત્મક(ઇમોશનલ) વગેરે બધા જ પ્રકારની મદદ આવી ગઈ. અહીંના બાળકોને તો નાનપણમાં બીજા બાળકો સાથે મુલાકાત જ પરસ્પરને સાથ આપવાના વચનથી જ કરાવાય છે અને સ્વાભાવિક છે કે જેમના જીવતરના પાયામાં આ વાત ચણાઈ જાય તે પ્રજા એકબીજાને મદદરૂપ થવાનો વાયદો જીવનભર નિભાવે!

હવે વિચારો આ પ્રજા સાચા અર્થમાં નિવૃત થાય?! તેમનામાં ‘દિવસો કાઢીએ છીએ’ એવી લાગણીઓ જન્મે?! સવારે ઉઠતા સાથે જેમની પાસે ઉઠવાનું કારણ હોય તેમનું મન કાર્યરત રહેવાનું અને સરવાળે તેમનું મન બીમાર પડવા સામે લડવાનું, બીમારીનો મક્કમતાથી સામનો કરવાનું. કોઈપણ બીમારી દરમ્યાન ભાવનાત્મક આધાર-ઇમોશનલ સપોર્ટ બીજી કોઈપણ સારવાર કરતા વધુ અસરકારક હોય છે, જે તે બીમારીની મુખ્ય દવાઓ કરતા પણ! – આ વાક્ય ફરી એકવાર વાંચી જાવ – જે લોકોને ભાવનાત્મક આધાર ઉપલબ્ધ હોય તે લોકોની સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત હોય છે. મદદ હંમેશા અન્યોઅન્ય હોય છે, જો તમે ઇચ્છતા હોવ કે ઈમોશનલ સપોર્ટ થકી તમારી રોગપ્રતિકારકતા વધે તો સૌ પહેલા તમે બીજાને આધાર આપવાનું શરુ કરો. કો’કને ઉપયોગી થવાથી પણ મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતા વિકસતી હોય છે.

ફરી કહું છું, સાયકોલોજીકલ ઇમ્યુનીટી કદાચ તમને બીમાર પડતા રોકવામાં નિષ્ફળ જઈ શકે પરંતુ બીમારીમાંથી બેઠા કરવામાં નિષ્ફળ ભાગ્યે જ જશે. તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટીને મજબૂત કરતી બાબતો હજી બીજી ઘણી છે, ચર્ચા ચાલુ રાખીશું – સ્ટે કનેક્ટેડ…   

પૂર્ણવિરામ:

જીવન પુષ્કળ ગંભીર, ખતરનાક અને જીવલેણ ઘટનાઓથી ભરેલું છે પરંતુ રાહતની વાત એ છે કે એમાંની મોટાભાગની ઘટનાઓ માત્ર આપણા વિચારોમાં જ ઘટે છે!

 

Tags: , , , , , , , , , , , ,

વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત બનાવે છે!

‘રિમિક્સ’ અને ‘રીક્રીએટ’નો જમાનો છે, થોડું ઓરીજીનલ અને થોડું નવું પોતાનું એ તેની ફોર્મ્યુલા છે. આજે મને અકબર-બીરબલના નામે એક વાર્તા ફરે છે તેને ‘રીક્રીએટ’ કરવાનો મૂડ આવ્યો છે! ચાલો મારુ નવું વર્ઝન સંભળાવું. એકવાર અકબરે બીરબલને એક બકરો આપ્યો અને કહ્યું ‘આ બકરા માટેનો ઘાસ-ચારો શાહી ગમાણમાંથી આવશે અને મારા સિપાહીઓ તું એ પુરે-પુરો બકરાને ખવડાવે તેનું ધ્યાન રાખશે. એક મહિનાના આ નિત્યક્રમ પછી ભર્યા દરબારે આ બકરાનું વજન થશે અને જો એનું વજન વધશે તો તને એક વર્ષની સખત જેલ થશે! અને હા, આ વખતે બકરાની સામે સિંહ-વાઘ એવું બાંધવાની(મૂળ વાર્તા મુજબ) ચાલાકી કરવાની નથી’ બિરબલની મનોમન ઈર્ષ્યા કરતા દરબારીઓએ તો અકબરની આ વાત વધાવી લીધી, શાહી ઘાસચારો ખાઈને બકરાનું વજન ના વધે તેવું થોડું બનશે, આ વખતે તો બીરબલને કારાવાસ નક્કી છે. એક વૃદ્ધ કારભારીએ સંદેહ વ્યક્ત કર્યો ‘જહાંપનાહ ગુસ્તાખી માફ, બીરબલ બકરાને બીમાર પાડી દે તો?!’ અકબરે તાત્કાલિક પશુચિકીત્સકને રોજ બકરાની તબીબી સંભાળ લેવાનો હુકમ કર્યો.

બીજા દિવસથી બીરબલના ઘરે બકરાનું રૂટિન શરુ થઇ ગયું. શાહી ગમાણમાંથી પુષ્કળ તાજો પોષ્ટીક ચારો આવે અને બકરો આખો દિવસ ખાધા કરે. આટલું ઓછું હોય એમ રોજ પશુચિકીત્સક આવીને બકરાની તપાસ કરી જાય અને બકરાની ઈમ્યૂનિટી વધે એ માટેના ઔષધો ખવડાવતો જાય! સ્વાભાવિક રીતે જ બકરો તાજોમાજો થવા લાગ્યો અને બે-પાંચ દિવસમાં જ એનું વજન વધવા માંડ્યું. બીરબલને ફિકર પેઠી કે આ રીતે જ જો બકરો અલમસ્ત થતો જશે તો પોતાનું જેલ જવું નક્કી છે. ઘણું વિચાર્યા બાદ એના ફળદ્રુપ ભેજામાં એક યુક્તિ આવી અને તેણે એ અમલમાં મૂકી. મહિના પછી ભર્યા દરબારમાં બકરાનું વજન કરવામાં આવ્યું, સૌના આશ્ચર્ય વચ્ચે બકરાનું વજન વધવાનું તો દૂર ઉપરથી ઘટ્યું! દરબારીઓમાં ગણગણાટ શરુ થયો કે નક્કી આમાં બીરબલની કોઈ ચાલ છે, બધાએ અકબરને આ કેવી રીતે શક્ય બન્યું તેનો ખુલાસો કરવાનો હુકમ કરવાની વિનંતી કરી. અકબરની આંખોમાં પણ સંદેહ હતો, તે પામીને બીરબલે કહ્યું ‘જહાંપનાહ, આમાં મારી કોઈ ચાલાકી નથી. હું અને મારી પત્ની, રોજ રાત્રે બકરો સાંભળે એ રીતે, ગુસપુસ કરતા હતા કે બાદશાહ બકરાની આટલી ખાતિરદારી એટલા માટે કરે છે કે મહિનો પૂરો થાય પછી એને વધેરવામાં આવે ત્યાં સુધીમાં એ અલમસ્ત થઇ ગયો હોય! બકરાના મનમાં ફડક પેઠી અને ખાધેલું વળવાને બદલે ચિંતામાં શરીર ગળવા માંડ્યું!’

************

‘મોરલ ઓફ ધ સ્ટોરી’ તમારી આજુ-બાજુનું વાતાવરણ-પોષણ ગમે તેટલું સારું હોય, તમારી ફિઝિકલ ઇમ્યુનીટી ગમે તેટલી મજબૂત હોય પરંતુ જો તમારું મન ચિંતાગ્રસ્ત હોય, ભયમાં હોય કે તણાવમાં હોય તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થયા વગર રહેતી નથી. તમારું પોષણ, ઇમ્યુનીટી બુસ્ટર્સ અને ફિઝિકલ ઇમ્યુનીટી બધું કોરાણે રહી જાય છે. જેવી બકરાને આવનારા ભવિષ્યની ફડક પેઠી કે એ અંદરથી ગળવા માંડ્યો, ઉત્તમ પોષણ-રોગપ્રતિકારક ઔષધો છતાં! દેખીતી રીતે નિરોગી પરંતુ અંદરથી અસ્વસ્થ! તમારી આજુબાજુમાં પણ આવા ઘણા કિસ્સાઓ મળશે, બધા રિપોર્ટ નોર્મલ અને છતાં બીમાર!!

ચિંતા, ભય, તણાવ, અસલામતી વગેરે રોજિંદા જીવનનો ભાગ છે અને તેના વગરનું જીવન એક ભ્રમણાથી વિશેષ કઈં ના હોઈ શકે. (એ વાત અલગ છે કે બધા આ વાત સહજતાથી સ્વીકારતા નથી.) તેની તમારા સ્વાસ્થ્ય પર થતી અસરો અટકાવવા તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી સિવાય બીજું કશું કામ નથી લાગતું. સતત ચિંતાઓ, તણાવ, અજંપો વગેરે તમારા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે કે મગજમાં ન્યુરો-કેમિકલ્સના લેવલમાં ગરબડ પેદા કરી દે ત્યારે બચાવમાં આ સાયકોલોજીકલ ઇમ્યુનીટી જ મદદમાં આવતી હોય છે. આપણે ગયા સપ્તાહે સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત બનાવવા માટે જરૂરી બાબતોની વાત કરતા કરતા આપણે મેન્ટલ ડાયજેશન પર અટક્યા હતા. માનસિક પાચનશક્તિ – મેન્ટલ ડાયજેશન એટલે વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત! જો તમારી આ પાચનશક્તિ સારી હોય તો તમારું મન કોઈપણ બાબતનો સ્વીકાર સહજતાથી કરી શકે છે અને તમને ખબર જ હશે કે મનને મજબૂત બનાવતી કોઈપણ પ્રક્રિયાની શરૂઆત સ્વીકાર – એક્સેપ્ટન્સથી જ શરુ થતી હોય છે. આ સ્વીકૃતિ જ તમને ‘બાઉન્સ બેક’ થવા માટે પ્લેટફોર્મ પૂરું પડે છે. ઘણી વ્યક્તિઓ તો જીવનમાં આવેલી હકીકતો પચાવી જ નથી શકતી. સરવાળે, સતત દુઃખમાં રહે અથવા ફરિયાદ કરતા રહે અને આ સંજોગોમાં તેમની ઇમ્યુનીટી પર નકારાત્મક અસર પડતી હોય છે, જેને કારણે તેમના આરોગ્ય સામે ખતરો મંડાતો હોય છે. મુશ્કેલીઓ જીવનમાં બદલાવ લાવતી હોય છે, હાલમાં આ બદલાવને આપણે ન્યુ-નોર્મલ એવું રૂપકડું નામ આપ્યું છે. જેટલી સહજતાથી કોઈ બદલાવને સ્વીકારીને તમે નવું અનુકૂલન સાધી લો છો તેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત થતી જાય છે અને એથી ઉલટું, જેટલી તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત તેટલી વધુ સરળતાથી તમે ન્યુ-નોર્મલને એડજસ્ટ થઇ જાવ છો!

તમે સમુદ્રમાં બોટ હંકારતા હોવ ત્યારે તમારી દિશા અંગે સ્પષ્ટ હોવું સૌથી મહત્વનું હોય છે. દિશા અંગે અસ્પષ્ટ હોવ તો અગાધ સમુદ્રમાં ભટકી જતા વાર નથી લાગતી. પણ જો તમે તમારી દિશાને સ્પષ્ટતાથી વળગી રહો છો તો ગમે તેવા તોફાનને અંતે પણ મંઝિલ પર પહોંચી જાવ તે શક્ય છે. જીવનમાં પણ એવું જ છે, જે વ્યક્તિઓના મનમાં પોતાના જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ હોય છે તે ગમે તેટલી મુશ્કેલીઓમાં પણ વિચલિત થયા વગર પોતાની સફર ધારી દિશામાં ચાલુ રાખી શકે છે, બાકીના દિશાશૂન્ય દશામાં ચકરાવે ચઢી જાય છે. જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ હોવો એટલે કે તમારી પાસે લાઇફનો પરપઝ હોવો એ તમારી માનસિક રોગપ્રતિકારક્તાને મજબૂત બનાવતી બાબત છે. ‘દિવસો કાઢીએ છીએ’ એવી માનસિકતામાં જીવતા લોકો કરતા ‘મારે હજી જીવનમાં ઘણું કરવું છે’ એવી માનસિકતા ધરાવતા લોકો જીવલેણ બીમારીઓને ટક્કર આપીને પાછા મેદાનમાં આવી જતા હોય છે. એમની આ ફાઇટ-બૅક ક્ષમતાના મૂળમાં તેમની આ પ્રકારની માનસિકતાથી કેળવાયેલી મજબૂત સાયકોલોજીકલ ઇમ્યુનીટી હોય છે! દુનિયાના સૌથી આરોગ્યપ્રદ વિસ્તાર તરીકે જાહેર થયેલા જાપાનના ઓકિનાવા ટાપુ પરના વૃદ્ધોની તંદુરસ્તીનું આ જ તો રહસ્ય છે! ત્યાં સો વર્ષથી મોટી ઉંમરના લોકોનું મ્યુઝિક બેન્ડ છે!! કરો ગૂગલ અને શોધી રાખો, આગળ વાત આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ…

પૂર્ણવિરામ: હેતુ વગર જીવતા લોકો જીવન પસાર કરે છે, જયારે ચોક્કસ હેતુ સાથે જીવતા લોકો જીવન જીવે છે!

 

Tags: , , , , , , , ,

પૃથ્વી પરના દરેક જીવ પાસે પોતાનો આગવો કુદરતી હીલિંગ પાવર હોય છે અને એમાં’ય મનુષ્ય પાસે તો ડબલ પાવર – ફિઝિકલ અને સાયકોલોજીકલ!

તમને રમૂજ કહે ઘણો સમય થઇ ગયો, ચાલો આજની વાત એક રમૂજથી કરીએ.

ટીવી મીડિયામાં તાજો જ જોડાયેલો યુવાન રિપોર્ટર એક દાદાનો ઇન્ટરવ્યૂ લેવા એમના ઘરે પહોંચ્યો. એ દિવસે દાદાની નવ્વાણુંમી વર્ષગાંઠ હતી. રિપોર્ટર તેમની લાંબી આવરદાના રહસ્ય અંગે નાનકડી ડોક્યુમેન્ટરી જેવું બનાવી રહ્યો હતો. મહત્વ માત્ર તેમની ઉંમરનું જ નહીં, તંદુરસ્તીનું પણ હતું, કારણ કે આ ઉંમરે દાદા પોતાનું રૂટિન જાતે કરતા હતા. મુલાકાત પુરી કરીને વિદાય લેતા યુવાને દાદાને કહ્યું ‘આશા રાખું છું કે આવતા વર્ષે આજના દિવસે હું અહીં પાછો આવું અને તમને સો વર્ષ પુરા કરતા જોઉં, તમારો ફરી ઇન્ટરવ્યૂ કરું’

દાદાએ વળતો જવાબ આપ્યો ‘હા કેમ નહીં યંગ મૅન, હજી તો તું ખાસ્સો તંદુરસ્ત છે, વરસમાં તને કઈં થઇ જાય એવું લાગતું નથી!’

************

દાદાએ ઇન્ટરવ્યૂમાં એમની લાંબી તંદુરસ્ત આવરદાના જે પણ રહસ્યો ખોલ્યા હશે પરંતુ એક મહત્વનું રહસ્ય તો એમણે યુવાનને આપેલા રમુજી જવાબમાં જ છતું થઇ જાય છે. યુવાન રિપોર્ટરના મનમાં દાદાના સો વર્ષ પુરા થવાને લઈને થોડો ઘણો તો સંદેહ ચોક્કસ હશે અને માટે જ એણે જતા જતા આશા વ્યક્ત કરી. પરંતુ દાદાના વિચારોમાં પોતે જીવતા હશે કે નહીં એ સંદેહ તો બાજુ પર રહ્યો અને ઉપરથી એમણે યુવાનને તેને કઈં નહીં થાય એવી હૈયા ધારણ આપી! પોતાના જીવન અને તંદુરસ્તી પરત્વેનો એમનો આવો હકારાત્મક અભિગમ એ જ તેમની તંદુરસ્ત-લાંબી આવરદાનું રહસ્ય! ગત સપ્તાહે આ કોલમમાં હું જે વાત કરતો હતો તે સાયકોલોજીકલ ઇમ્યુનીટીનું એક અગત્યનું ઘટક છે પોતાના પ્રત્યે, પોતાની તંદુરસ્તી પ્રત્યે કે જીવન પ્રત્યે આ પ્રકારનો આત્મવિશ્વાસ અને હકારાત્મક અભિગમ રાખવો. 

ઇમ્યુનીટી, ફિઝિકલ હોય કે સાયકોલોજીકલ, કેળવી શકાય છે, મજબૂત બનાવી શકાય છે. આપણે સાયકોલોજીકલ ઇમ્યુનીટી કેવી રીતે કેળવવી એ પ્રશ્ન પર ગયા અઠવાડિયાની આ કોલમમાં અટક્યા હતા. આપણી આજુબાજુના સૂક્ષ્મ જીવોના આક્રમણ સામે આપણું શરીર રોગપ્રતિકારક શક્તિ થકી લડતું હોય છે અને શરીરની આ ક્ષમતાને આપણે ‘હીલિંગ પાવર’ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પૃથ્વી પરના દરેક જીવ પાસે પોતાનો આગવો કુદરતી હીલિંગ પાવર હોય છે અને એમાં’ય મનુષ્ય પાસે તો ડબલ – ફિઝિકલ અને સાયકોલોજીકલ! બીજા જીવો પાસે સાયકોલોજિકલ હીલિંગ પાવર કે સાયકોલોજીકલ ઇમ્યુનીટી નથી હોતી.  કમનસીબે આ સાયકોલોજિકલ ઇમ્યુનીટી બે ધારી તલવાર છે, એ મજબૂત હોય તો ફિઝિકલ ઈમ્યુનિટીને પણ મજબૂત કરે છે પરંતુ એ જો નબળી હોય તો ફિઝિકલ ઈમ્યુનિટીને નબળી તો પાડે જ છે પરંતુ ક્યારેક તો પોતાના જ શરીરના કોષો તરફ ભડકાવીને વિવિધ પ્રકારના ‘ઓટોઈમ્યુન ડિસીઝ’ પેદા કરે છે!  

બીમારીઓ ઉપરાંત વિપરીત સંજોગોમાં માનસિક સંતુલન જાળવી રાખવામાં વ્યક્તિની સાયકોલોજીકલ ઇમ્યુનીટી ભાગ ભજવે છે. દરેક વ્યક્તિ વિપરીત સંજોગો, હોનારતો, નુકસાન કે બદલાવનો ના તો એક સરખી મજબૂતાઈથી સામનો કરી શકે છે કે ના તો તેમાંથી એક સરખી રીતે બહાર આવી શકે છે. આ બાબતનો સઘળો આધાર વ્યક્તિની સાયકોલોજીકલ ઇમ્યુનીટી ઉપર હોય છે.  તંદુરસ્ત અને મજબૂત સાયકોલોજીકલ ઇમ્યુનીટી માટે વ્યક્તિ પાસે મજબૂત કૌટુંબિક અને સામાજિક સપોર્ટ હોવો ખુબ જરૂરી છે. વિભક્ત કુટુંબ, તૂટી રહેલા સમાજ અને વધુ પડતા સ્વકેન્દ્રી અભિગમે આપણી સાયકોલોજીકલ ઈમ્યુનિટીને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. નાની નાની મુશ્કેલીઓમાં માનસિક રીતે તૂટી જતા લોકો, વધતી જતી આત્મહત્યાઓ, વ્યસનો, ગુનાખોરી વગેરે આ બાબતનું પ્રમાણ છે. જો તમે તમારી માનસિક રોગપ્રતીકારકતા વધારવા માંગતા હોવ તો કુટુંબ-સમાજથી જોડાયેલા રહો. સોશિયલ મીડિયાથી નહીં, વાસ્તવિક સંપર્કથી, હ્યુમન ટુ હ્યુમન! એથી પણ એક ડગલું આગળ, દરેક જીવ સાથે જોડાયેલા રહો, તમારી આજુબાજુના પ્રાણીઓ, પંખીઓ, વૃક્ષો વગેરે. પાલતુ પ્રાણીઓ કે વૃક્ષ ઉછેર તમારી રોગ પ્રતિકારક શક્તિ સો ટકા વધારે છે. વિશ્વાસ ના આવતો હોય તો એક નાનકડો પ્રયોગ કરજો. બજારમાંથી બે કુંડા લાવીને તેમાં છોડ ઉછેરવા માંડો, તેની સાથે જોડાઈને તેની સંભાળ લેવા માંડો અને પછી જુઓ તમારી તંદુરસ્તી ઉપર અસર. બે કુંડા એટલા માટે કે સ્વસ્થ રહેવા છોડને પણ કંપની જોઈએ છે, એકલતા તો છોડને પણ પીડે છે ત્યાં મનુષ્યની તો શું વાત કરવી! 

મુશ્કેલીના સમયમાં પાછા ડગલાં ભરવાની કે ધીરજ રાખવાની ક્ષમતા તમને માનસિક રીતે મજબૂત બનાવે છે અને સરવાળે આગળ વધવાની હિંમત આપે છે. જે લોકો વિપરીત સંજોગોમાં પાછા ડગ ભરતા અચકાય છે કે ધીરજ રાખવામાં કાચા પડે છે તે સરવાળે તૂટી જતા હોય છે. એ જ રીતે જે વ્યક્તિઓ પોતાના પરત્વે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હોય છે કે જેમના મનમાં પોતાની જ છબી નબળી હોય છે તેમની સાયકોલોજીકલ ઇમ્યુનીટી નબળી હોય છે. વરસાદમાં પલળવાથી મને શરદી થઇ જાય એવું માનનારને અચૂક પહેલા વરસાદમાં જ શરદી થઇ જતી હોય છે અને તેની એ  માન્યતા વધુ દ્રઢ થઇ જતી હોય છે! પોતાની હકારાત્મક છબી અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવાની જાતની ક્ષમતા પરત્વેનો વિશ્વાસ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. 

મજબૂત સાયકોલોજીકલ ઇમ્યુનીટી માટે સારી સંકલ્પ શક્તિ ગજબનું કામ કરે છે. જો તમે મજબૂત સંકલ્પ કરી શકતા હોવ અને તેને દ્રઢતાપૂર્વક વળગી રહી શકતા હોવ તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓને પણ આસાનીથી પર પાડી દઈ શકો છો.  ઘણીવાર વ્યક્તિઓ મુશ્કેલ સંજોગો, નુકસાન કે હકીકત પચાવી નથી શકતા અને સરવાળે નાસીપાસ થઇ જતા હોય છે, તૂટી જતા હોય છે. તંદુરસ્ત રહેવા માટે સારી પાચનશક્તિ હોવી જરૂરી છે અને હું કહું છું આ પાચનશક્તિ પણ બે પ્રકારની હોય છે, શારીરિક અને માનસિક! માનસિક પાચનશક્તિ – મેન્ટલ ડાયજેશન એટલે વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત! જો તમારી આ પાચનશક્તિ સારી હોય તો તમારું મન કોઈપણ બાબતનો સ્વીકાર સહજતાથી કરી શકે છે અને તમને ખબર જ હશે કે મનને મજબૂત બનાવતી કોઈપણ પ્રક્રિયાની શરૂઆત સ્વીકાર – એક્સેપ્ટન્સથી જ શરુ થતી હોય છે. આ સ્વીકૃતિ જ તમને ‘બાઉન્સ બેક’ થવા માટે પ્લેટફોર્મ પૂરું પડે છે.

વાત લાંબી ચાલે એવી છે, સ્ટે કનેક્ટેડ… 

પૂર્ણવિરામ: 

જૂની કહેવત ‘મનના માંદા, કાયમના માંદા’ માં વાત માનસિક રોગોની નથી, સાયકોલોજીકલ ઈમ્યુનીટીની છે!

 

Tags: , , , , , , , ,