‘રોગની સાથે રોગનો ભય પણ માથું ઉંચકતો હોય છે અને તેના દર્દીઓ રોગ કરતા ઘણા વધુ પ્રમાણમાં હોય છે! એમાં પણ આસપાસના, લાગતા-વળગતા કે જાણીતા લોકોને એ રોગ થાય ત્યારે ભય વધુ માત્રામાં લાગવા માંડે છે. ડરવાની જરૂર છે પરંતુ એથી વધુ ચોકસાઈ રાખવાની જરૂર છે અને તેમ છતાં પણ સંક્રમિત નહિ થવાની ગેરંટી નથી, માત્ર શક્યતાઓ ઓછી કરવાની વાત છે. આમ જોવા જઈએ તો આખો ખેલ રોગ પ્રતિકારક શક્તિ પર આધારિત છે’ મારા કન્સલ્ટિંગ રૂમમાં કોરોનાના ભયથી પીડાતી એક વ્યક્તિને હું સમજાવી રહ્યો હતો, ત્યાં મારો મોબાઈલ રણક્યો.
મેં ફોન પર વાત કરી ત્યાં સુધી એ તેના મોબાઈલ સ્ક્રીનને ફંફોસતો રહ્યો. જેવી ફોન પર મારી વાત પુરી થઇ કે એણે તરત મને કહ્યું ‘લો ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો, હવે આપણું શું ગજું?!’ તેના ચહેરા ઉપર ગભરાટ ફરી વળેલો સ્પષ્ટ દેખાતો હતો. મારી અડધો કલાકની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું અને કોરોનાને બાજુ પર મૂકીને ચર્ચા બચ્ચન પરિવારની દિશામાં ફંટાતી રોકતા એને મેં કહ્યું કે બીજું બધું ઠીક છે પણ એક વાત મનમાં સ્પષ્ટ સમજીને આ રૂમ છોડજો કે મારા અને તમારા માટે બચ્ચન પરિવાર સેલેબ્રીટી છે, કોરોના વાયરસ માટે નહીં. એમને ચેપ લાગવાથી તમારા સંક્રમિત થવાની શક્યતાઓ વધી નથી જતી. તમારી સંક્રમિત થવાની શક્યતાઓ તમારી અને તમારા સંપર્કમાં આવનારાઓની ચોકસાઈ ઉપર જ નિર્ભર છે.
બચ્ચન પરિવારને જયારે કોરોનાનું નિદાન થયું ત્યારે ઘણી વ્યક્તિઓની આ પરિસ્થિતિ હતી, ઘણાનો ડર સમાચાર વાંચતા જ વધી ગયો હતો અને કેટલાય કોરોનાનો ટેસ્ટ કરાવવા દોડી ગયા. આ એક સ્વાભાવિક માનસિક પ્રતિભાવ છે અને એમાં પણ આપણે તો ફિલ્મ-સીરિયલના કલાકારો સાથે અજાગ્રત રીતે એટલા બધા જોડાયેલા હોઈએ છીએ કે એમના જીવનમાં ઘટતી ઘટનાઓ આપણા મન પર પણ વત્તી-ઓછી અસર કરી જતી હોય છે. તાજું જ ઉદાહરણ આપું, સુશાંતસિંહની આત્મહત્યા પછી ઘણી વ્યક્તિઓની માનસિક હાલત ડગમગી ગયેલી! ઘણી વ્યક્તિઓમાં આત્મહત્યા કરવાના વિચારો કે ડર પ્રબળ બની ગયો હતો.
કોરોનાના કિસ્સામાં ડરવા જેવું નથી એમ કહીને વાત ઉડાડી દેવાય એવું નથી. બેજવાબદારીભર્યું વર્તન તમને, તમારા કુટુંબીજનોને અને તમારા સંપર્કમાં આવતા સાવ અજાણ્યા લોકોને માટે જોખમકારક બની શકે છે. વાયરસના સ્વભાવ વિષે સાચી વૈજ્ઞાનિક માહિતી મેળવીને, જરૂરી ડર તમને સંક્રમિત થતા બચાવી શકે છે પરંતુ અધૂરી, અપૂરતી કે અધ્ધરતાલ માહિતી તમને જરૂર કરતા વધુ ડરાવીને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પણ પાડી શકે છે! આપણે બધા હવે એટલું તો જાણીએ જ છીએ કે વાઇરસથી બચવાનો એક ચોક્કસ ઉપાય સારી રોગપ્રતિકારક શક્તિ છે પરંતુ આપણામાંથી મોટા ભાગના એ નહીં જાણતા હોય કે આ રોગપ્રતિકારક શક્તિ શારીરિક અને માનસિક એમ બે પ્રકારની હોય છે. કોઈપણ રોગ સામે બીમાર વ્યક્તિનું માત્ર શરીર નથી લડતું, મન પણ લડતું હોય છે. મહત્વની વાત એ છે કે મનની લડત શરીરની લડાઈને મજબૂતાઈ આપતી હોય છે, પરંતુ મન જો શસ્ત્રો હેઠા મૂકી દે ને તો શરીર તો જીતેલી બાજી પણ હારી જતું હોય છે! અનેક દાખલાઓ મળશે જ્યાં મનથી હારી ગયેલાઓએ સારવારની સફળતાની ફિનિશિંગ લાઈન ઉપર દમ તોડી દીધો હોય! એક સરખી ગંભીરતાથી પીડાતા એક જ પ્રકારના બે દર્દીઓની સારવારનું પરિણામ અલગ અલગ હોવા પાછળનું મુખ્ય કારણ તેમની અલગ સાયકોલોજીકલ ઇમ્યુનીટી હોય છે. આમ તો સાયકોલોજીકલ અને ફિઝિકલ બંને ઇમ્યુનીટી અગત્યની છે પરંતુ મહત્વની વાત એ છે કે તમારી ફિઝિકલ ઇમ્યુનીટી ઉપર જેટલી માનસિક અસ્વસ્થતા અસર કરે છે તેટલી સાયકોલોજીકલ ઇમ્યુનીટી પર તમારી શારીરિક અસ્વસ્થતા અસર નથી કરતી! લગભગ બધા જ ડોક્ટરો અને હેલ્થ વર્કર્સ મારી વાતમાં ટાપશી પૂરશે કે અનેક કિસ્સાઓમાં જીવલેણ બીમારીઓ દર્દીના મનોબળને નબળું પાડવામાં નિષ્ફળ ગઈ હોય અને દર્દીએ તબીબી વિજ્ઞાનને પણ અચંબિત કરી દીધું હોય તેવું જીવન એ બીમારી સાથે જીવ્યું હોય! બીજી બાજુ, નબળા મનોબળને કારણે ઘણી સામાન્ય કહી શકાય એવી બીમારીઓ ધરાવનાર વ્યક્તિઓએ પારાવાર યાતનાઓ ભોગવી હોય તેવા અગણિત દાખલાઓ મળશે.
હવે આ પૃષ્ઠભૂમિમાં તમને વ્યવહારમાં જોવા મળતી વાસ્તવિકતા કહું. કોરોના અને તેના ડર, બંનેને કારણે રોગપ્રતિકારક શક્તિ વધારે એવી પ્રોડક્ટ્સના વેચાણમાં જબ્બર ઉછાળો આવ્યો છે. અશ્વગંધા, ચ્યવનપ્રાશ, હળદર, મધ, તુલસી વગેરેનું બે- ત્રણ વર્ષનું વેચાણ ખાલી છેલ્લા મહિનામાં થઇ ગયું છે! કેટલાકે તો તકનો લાભ લઈને નવી નવી ઇમ્યુનીટી બુસ્ટર્સ પ્રોડક્ટ્ક્સ પણ બજારમાં મૂકી દીધી છે અને લોકો તૂટી પડ્યા છે. તમે કહેશો કે એમાં ખોટું શું છે? હું પણ કહું છું એમાં ખોટું કઈં નથી, ફિઝિકલ ઇમ્યુનીટી મહત્વની છે પરંતુ મારે એના ઓરમાયા ભાઈ સાયકોલોજીકલ ઈમ્યુનીટીની વાત કરવી છે. માનસિક આરોગ્ય, માનસિક સ્વસ્થતા, એમ કહોને કે માનસિક શબ્દ પ્રત્યે જ આપણું વર્તન ઓરમાયું રહ્યું છે. મેન્ટલ હેલ્થની વાતો વાર-તહેવારે ચોક્કસ કરીએ પરંતુ એને આપણે ખાસ કઈં ગણતા નથી. જે ગણે છે તેમનો પણ માનસિક સ્વાસ્થ્ય તરફનો અભિગમ બહુ બેદરકારીભર્યો છે. તેમની માનસિકતાને અનેક લેભાગુઓ જુદી જુદી રીતે મચડતા રહે છે. યાદ રાખો, માનસિક ક્ષમતા, મનોબળ કે સાયકોલોજીકલ ઇમ્યુનીટી કેળવવી પડે છે લેભાગુઓના ટોટકાઓથી રાતોરાત મળી નથી જતી. કેવી રીતે કેળવવાની?! કહું છું તમને આવતા સપ્તાહે…
પૂર્ણવિરામ:
તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દાવો કરતી લેટેસ્ટ પ્રોડ્ક્ટ – હળદર, આદુ, લવીંગવાળી ઇમ્યુનો બ્રેડ અને સાથે એક માસ્ક ફ્રી!!
