લોકો’ય ગજબના હોય છે! અને, આમ પણ આ વાત અમારા જેવા મનોચિકિત્સકો સિવાય કોણ વધારે સારી રીતે જાણતું હોય છે?! ગયા બુધવારે મેં આ કોલમમાં મારી સાથે બનેલા કિસ્સાઓ લખ્યા’તા તે વાંચીને એક ભાઈનો ફોન આવ્યો ‘સાહેબ ચિંતા ના કરશો, ઈશ્વરે જે ધાર્યું હશે તે થઈને જ રહેશે’
મેં પૂછ્યું ‘તમે શેની ચિંતાની વાત કરો છો?!’
‘પેલા બેને તમારી ઉપર ઉધરસ ખાધી’તી તેની વાત કરું છું’ એમણે કહ્યું.
મને થયું કે આ ભાઈને તો આખું કોળું શાકમાં ગયું છે. વાત જવાદારીપૂર્વક વર્તવાની હતી અને તેમણે કેન્દ્રને સમજવાને બદલે જુદો ખૂણો પકડી લીધો! આમ પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી જુદી બાબત છે અને એના પર જવાબદારી છોડી પોતે બેજવાબદારીપૂર્વક વર્તવું એ તો એક પ્રકારની ભાગેડુવૃત્તિ છે. મને થયું કે આખો લેખ વાંચીને ના સમજાયું તો હવે એ સમજ આપવી વ્યર્થ છે પરંતુ એમનો દ્રષ્ટિકોણ તો સાંભળીએ. મેં એમને પૂછ્યું ‘મારી જગ્યાએ તમે હોવ તો તમને ચિંતા થાય?! તમને ના થાય તો કંઈ નહીં, તમારા ઘરનાને થાય?!!’
‘હું તો ચિંતા કરતો જ નથી’ એમનો કાટલાં છાપ જવાબ આવ્યો. આની સામે મારી હંમેશા દલીલ હોય છે કે ચિંતા કરે થતી હોય તો કોણ કરે?! પરંતુ હું ચૂપ રહ્યો અને એમણે આગળ ધપાવ્યું ‘મેં તમને જે કહ્યું તે અત્યારે બધાને કહેતો ફરું છું કે જે ઈશ્વરે ધાર્યું હશે તે થશે અને હું તો રોજ લાગતા–વળગતાને આ મેસેજ કરતો જ રહુ છું’ મને થયું કે તેમને કહું કે ભાઈ તમે એકની એક વાત બધાને વારંવાર કહેતા રહો છો એ જ બતાવે છે કે તે વાત તમે બીજાને નહીં તમારી પોતાની જાતને સમજાવી રહ્યા છો, અંદરથી તમે જ ચિંતિત છો અને બધાને કહેતા ફરીને વાસ્તવમાં તમારી જાતને જ સમજાવી રહ્યા છો. પોતાના ડરને કાબુમાં રાખવાની મનની આ એક પ્રકારની સ્વબચાવની પ્રક્રિયા છે.
શું બોલવું એ કરતા ક્યાં બોલવું અને કોની સામે બોલવું એ વધારે અગત્યનું હોય છે. જે વ્યક્તિઓ સ્વબચાવની પ્રયુક્તિઓમાં અટવાયેલી હોય તેની સામે દલીલો કરવી વ્યર્થ હોય છે કારણ કે તે ધીમે ધીમે પોતાના મંતવ્યમાં જડતા પકડતી જતી હોય છે. ‘સરસ, ઈશ્વર પરનો તમારો ભરોસો મજબૂત કહેવાય’ એમ કહીને મેં વાત આટોપી લીધી!
આ કોલમમાં થોડા દિવસો પહેલા જ લખ્યું હતું કે વિચારો કર્યે થતા હોય તો નકામા, નબળા કે નકારાત્મક વિચારો કોણ કરે?! કોણ ચિંતા કરાવે એવા વિચારો કરે?! વિચારો તો આપમેળે આવતા હોય છે અને આપણે એની ઉપર સવાર થઇ જતા હોઈએ છીએ. હાલનો તો સમય જ એવો છે કે ચિંતાઓ ઘેરી વળે,પોતાની ચિંતા થાય, પોતાના કુટુંબીજનોની ચિંતા થાય, સંબંધીઓની–સમાજની– શહેરની–દેશની– વિશ્વની ચિંતાઓ થાય, નોકરી–ધંધાની ચિંતા થાય, આવકની ચિંતા થાય, શું થશે એની ચિંતા થાય વગેરે અપાર અને અગણિત ચિંતાઓ થાય! જેવો જેનો સ્વભાવ અને પરિસ્થિતી, એ પ્રમાણે ચિંતાઓ તો થવાની જ! જયારે જયારે પરિસ્થિતી સંદિગ્ધ, નવીન કે ભવિષ્ય ભાખી ના શકાય એવી હોય ત્યારે ચિંતાઓ પેદા થવાની જ. જે એમ કહે છે કે આ સમય દરમ્યાન તેમને કોઈ ચિંતા નથી થઇ રહી તો એ ક્યાંક તેમના મનની સ્વબચાવની યુક્તિ છે, ક્યાંક તેમની આ શાહમૃગવૃત્તિ છે અથવા ક્યાંક તો તેઓ વિચારવા માટે અસમર્થ છે! હા, ચિંતા થવી અને ચિંતા અનુભવવી એ બંને અલગ બાબતો છે. ચિંતા બધાને થાય છે પરંતુ દરેકને જુદા જુદા પ્રમાણમાં અનુભવાય છે. જે ગભરુ, ઉચાટિયા, ચિંતાગ્રસ્ત, વિષાદી, અસુરક્ષિત કે સંવેદનશીલ હોય છે તેને વધુ પ્રમાણમાં અનુભવાય. જયારે પોતાની જાતને સંતુલિત રાખવાની કળા જે લોકો વાંચન, અભ્યાસ, ધ્યાન કે સમજ દ્વારા કેળવી શક્યા છે તે ચિંતા સાથે અનુકૂલન સાધીને એને ઓછી અનુભવે છે. આ ઉપરાંત આજકાલ સાચી–ખોટી જાણકારીઓનો જે રાફડો ફાટ્યો છે તેનાથી તો ચિંતાઓ પેદા ના થાય તો નવાઈ!
મને એક ભાઈએ કહ્યું કે ચિંતાઓ ખાલી મનુષ્યોને જ થાય છે, પશુઓને નથી થતી. માણસોને જ ખોટી ચિંતાઓ કરવાની ટેવ હોય છે! મેં હસતા હસતા કહ્યું કે સારું છે પશુઓને ચિંતા નથી થતી, જે દિવસે એમને ચિંતાઓ થવા માંડશે તે દિવસથી માણસને પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડશે. કારણ કે, ચિંતાઓ આગોતરું વિચારવાની આડપેદાશ છે જેના દ્વારા આપણે અગાઉથી આયોજન પણ કરી શકીએ છીએ અને પ્રશ્નો ઉદ્ ભવતા પહેલા ઉકેલી શકીએ છીએ. જે દિવસે પશુઓ આગોતરું આયોજન કરવા માંડશે તે દિવસથી તો તેમની અને મનુષ્યો વચ્ચે અસ્તિત્વ ટકાવવા માટેના જંગનો પ્રારંભ થશે! આપણે સાચા–ખોટા આગોતરા આયોજનો કરીને જે સૃષ્ટિ સાથે ચેડાં કર્યા છે તેનું જ આ કોરોના ફળ છે!! ચાલો આ તો આડવાત છે, મૂળ વાત તો એ છે કે જો આજની પરિસ્થિતિઓમાં ચિંતાઓ થતી હોય તો તે એક સામાન્ય બાબત છે. જે લોકો આગળનું વિચારી શકે છે તે દરેકને ચિંતાઓ થવાની કારણ કે ચિંતા એ એક પ્રકારનું આગોતરું વિચારવાની જ પ્રક્રિયા છે. ચિંતાઓ થકી તમે ભવિષ્યનું આયોજન કરો, સલામતી ઉભી કરો, પ્રશ્નો ઉભા થતા પહેલા તેનો ઉકેલ શોધવા કાર્યરત થાવ અથવા ઉકેલ શોધી કાઢો વગેરે ઇચ્છનીય છે. પરંતુ, ચિંતાઓને કારણે કશું રચનાત્મક કે ઉપયોગી કરવાની જગ્યાએ માત્ર ધ્યાન બીજે ભટકાવવા ટાઈમપાસ પ્રવૃત્તિઓ કરવા માંડો, તમારી રોજિંદી ક્રિયાઓ ખોરવાઈ જાય, ઊંઘ ઉડી જાય, તબિયત બગડવા માંડે કે માનસિક ક્રિયાઓ ઉપરનો કાબુ ગુમાવી બેસો તો તમારું જાત સાથેનું અને અન્ય (વ્યક્તિ, પરિસ્થિતિ કે પર્યાવરણ) સાથેનું સંતુલન ડગી જાય ત્યારે તમને બીમાર પડતા વાર નથી લાગતી.
વાયરસનો ચેપ તો લાગશે ત્યારે લાગશે પરંતુ ચિંતાઓનો ચેપ તો તરત લાગશે, માટે નકારાત્મકતાથી દૂર રહો. ચિંતા કરાવે તેવા મેસેજ ના વાંચો, ના ફોરવર્ડ કરો. રોગના આંકડાઓ, કિસ્સાઓ, મૃત્યુ દર વગેરેની ચર્ચાઓ ના કરો. વધુ પડતું જાણવાની કોશિશ ના કરો, માત્ર જરૂરી માહિતી જ રાખો. સોશિયલ મીડિયાનો સંયમપૂર્વક ઉપયોગ કરો. કસરત કરો. ધ્યાનનો મહાવરો કેળવો. યાદ રાખો તમે ઘરમાં રહો એ મહત્વનું છે તેના કરતા ઘરમાં રહીને શું કરો છો તે વધુ મહત્વનું છે. સામાન્ય ચિંતાઓ તો થાય અને થવાની પરંતુ એમાં ના–જોઈતો વધારો થાય એવી તમામ પ્રવૃત્તિઓથી અને વ્યક્તિઓથી દૂર રહો. સમય વિકટ છે તેની ના નથી પરંતુ તમારું સંયમપૂર્વકનું વર્તન જ તમને અને તમારા લાગતા–વળગતાને બચાવી શકશે તે બાબત બરાબર ધ્યાનમાં રાખશો.સમસ્યાઓ તો આવશે અને જશે પરંતુ એ દરમ્યાન આવેલા વિચારોનું તમે કેવી રીતે સંચાલન કર્યું છે તેના ઉપર આવનારા ઘણા દિવસો સુધીની તમારી માનસિક સ્વસ્થતાનો આધાર છે!
પૂર્ણવિરામ:
માણસના વિચારો માણસ કરતા ઘણું લાબું જીવતા હોય છે, માટે આ સૃષ્ટિમાં સારા વિચારો વહેવડાવાનો એક પણ મોકો માણસે ક્યારે’ય ના ચૂકવો જોઈએ !
#spreadpositivity