RSS

Monthly Archives: January 2020

વર્ષ ક્યાં વીતી ગયું અને સહેજ આગળ વિચારીએ તો વર્ષો ક્યાં વીતી ગયા, ખબર ના પડી! યાદ હોવા છતાં જાણે કશું પણ યાદ નથી!

IMG_5782

પૂરા થઇ રહેલા વર્ષના છેલ્લા દિવસોમાં મગજ અવારનવાર ઓટો-રિવાઇન્ડ મોડ પર ચઢી જતું હોય છે અને અચાનક ભૂતકાળની અમુક ઘટના સ્મૃતિપટ પર ઉપસી આવતી હોય છે. 2020ની પહેલી સવારે મારે આવી એક ઘટના તમારી સાથે શેર કરવી છે. વાત જયારે હું બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારની છે. એ સમયે હું આખો દિવસ વાંચીને કંટાળતો ત્યારે સાંજે કાંકરિયા ચાલવા જતો અને ચાલતા ચાલતા દિવસભર જે વાંચ્યું હોય તેનું મનન કરતો, તાજા વાંચનનું જરૂરી પુનરાવતર્ન થઇ જતું અને મગજ હળવું થઇ જતું, નવું વાંચવા તૈયાર થઇ જતું! સામાન્ય રીતે હું કાંકરિયાના બે આંટા મારીને તરત નીકળી જતો પરંતુ એ દિવસે મારા આ રોજિંદા ક્રમમાં થોડો ફેરફાર હતો. પ્રિલીમ પરીક્ષા પતી હતી એટલે હું થોડો રિલેક્સ હતો. બે ચક્કર મારીને એક બાંકડા ઉપર બેસીને તળાવમાં તરતી જળકૂકડીઓને જોતો હતો. થોડીવારમાં એક વડીલ મારી બાજુમાં આવીને બેઠા. હું પાણીમાં જોતો બેઠો રહ્યો અને એમણે મને પૂછી કાઢ્યું ‘આજે થાકી ગયો દીકરા?!’ હું કંઈ જવાબ આપું એ પહેલા એમણે આગળ ધપાવ્યું ‘હું તને રોજ અહીં આંટો મારતા જોઉં છું પણ બાંકડે બેઠેલો પહેલીવાર જોયો’ એમના પૂછવાનું તાત્પર્ય હવે મારી સામે હતું. પછી તો એમણે મારો ઇન્ટરવ્યૂ લઇ પાડ્યો અને વગર મફતની ઘણી સલાહો પણ આપી દીધી.આમ પણ એ જમાનાના વડીલોની આવી ઘૂસણખોરી, મારા જેવા કિશોરોને મન દખલગીરી નહતી. બાકી આજના કિશોરોનું ‘પ્રાઇવસી’ના નામે નાકનું ટેરવું ચઢી જાય!

આજે મારા રિવાઇન્ડ મોડમાં મને એમણે આપેલી એક સલાહ યાદ આવી ગઈ! એ વખતે વાતવાતમાં મેં એમને એમની ઉંમર પૂછી હતી. ‘સિત્તેર વર્ષ’ એમણે કહ્યું.

‘અને મને સત્તર’ મેં કહ્યું ‘હું તમારાથી કેટલો બધો નાનો છું’

એમણે સલાહ આપી ‘દીકરા સમય જતા વાર નથી લાગતી, આંખના પલકારામાં જિંદગી પુરી થઇ જતી હોય છે. ક્ષણ ક્ષણ માણજે, બાકી તને ખ્યાલ પણ નહીં રહેને તું મારી ઉંમરે પહોંચી જઈશ!’ એ સમયે મને એમની આંખોના ભાવ નહતા સમજાયા પરંતુ આજે એ આંખોનો હાથમાંથી સરકી ગયેલી ક્ષણોનો અફસોસ સમજાય છે! સાચી વાત તો એ છે કે માત્ર આંખોના ભાવ જ નહિ, એમની વાત પણ પુરેપુરી નહતી સમજાઈ. આજે ફ્લેશબેકમાં આ વાત બરાબર સમજાય છે, વર્ષો પર વર્ષો વીતતા જાય છે. વર્ષ પૂરું થયાની ઉજવણીમાં, વર્ષ શરુ થયાની ઉજવણી જાણે ગઈકાલની જ વાત લાગે છે. બાય બાય 2019 કહેતા જાણે વેલકમ 2019ના પડઘા સંભળાય છે! સાલું વર્ષ ક્યાં વીતી ગયું ખબર ના પડી અને સહેજ આગળ વિચારીએ તો વર્ષો ક્યાં વીતી ગયા ખબર ના પડી! ક્યારે બાળપણ વીત્યું અને ક્યારે યુવાની આંટો મારી ગઈ?! ક્યારે ખભા પર બેસાડીને જેને રમાડતા હતા તે બાળકોના ખભા વિશાળ થઇ ગયા?! ક્યારે તાજી જન્મેલી જે દીકરીને ઘરે લાવ્યા હતા તે વળાવવા લાયક થઇ ગઈ?! યાદ હોવા છતાં જાણે કશું પણ યાદ નથી! ખરેખર તો આવું બધું વિચારવાની ફુરસદ મળે તેટલી પણ જિંદગી ઉભી નથી રહેતી, તે આપણને દોડતા રાખે છે અને આપણે દોડતા રહીએ છીએ. વર્તમાનમાં જીવવાની સલાહ આપવાની આજે ફેશન છે. તમારા જીવનને મેકઓવર કે રી-બુટ કરી આપવાની ગેરંટી આપતા લાઈફ-કોચ આજકાલ ‘પાવર ઓફ નાવ’, ‘માઇન્ડફુલનેસ’, ‘હીઅર એન્ડ નાવ’ વગેરેની વાતો કરતા થયા છે, જેમાં દરેક ક્ષણને જાગૃતિપૂર્વક માણવાની વાત છે, જે મને આ વડીલે આજથી ત્રીસ વર્ષ પહેલા કાંકરિયાની પાળે બહુ સાદી અને સરળ ભાષામાં સમજાવી દીધી હતી.

એક મનોચિકિત્સક તરીકે હું એટલું ચોક્કસ સમજ્યો છું કે વર્તમાનમાં જીવવાની વાત કરવી જેટલી સહેલી છે તેટલું વર્તમાનમાં જીવવું સહેલું નથી. વર્તમાનમાં જીવવા માટે માનસિક સ્વસ્થતા અને દ્રઢ મનોબળ પ્રાથમિક જરૂરિયાત છે. મોટાભાગની વ્યક્તિઓ પોતાના ભૂતકાળની યાદો અથવા ભવિષ્યના સપનાઓને જીવ્યા કરતી હોય છે. ભૂતકાળમાં જીવતી વ્યક્તિઓની મનોદશા નકારાત્મક અને હતાશ હોય છે. જયારે, ભવિષ્યમાં જીવનારાની મનોદશા અસલામતી અને ઉચાટ ભરેલી હોય છે. અફસોસ વગરનો ભૂતકાળ અને ચિંતા-અસલામતી વગરનું ભવિષ્ય હોય ત્યારે જ વર્તમાનમાં જીવવું શક્ય બનતું હોય છે. 

સદીઓથી ભાગતા રહેતા સમયની ચોટલી પકડવાની મારામાં આવડત નથી અને ના તો એવી કોઈ કળા હું તમને શીખવી શકું છું. પરંતુ, આજે નવા વર્ષની સવારે હું એ સંદર્ભમાં એક નવો વિચાર આપી શકું એમ છું. તમારો ભૂતકાળ ગમે તેટલો દુઃખદ કે અફસોસથી ભરેલો હોય, ભવિષ્ય ગમે તેટલી ચિંતાઓ કે અસલામતીથી ઘેરાયેલું હોય, એને બાજુ પર મૂકીને થોડો સમય વર્તમાનમાં રહેવાનો મહાવરો કરતા જાવ. ગમે તેટલા વ્યસ્ત રૂટિનમાં તમારા પોતાના માટે ઓછામાં ઓછો અડધો કલાક ફાળવો. આ સમય દરમ્યાન તમને ગમતી પ્રવૃત્તિ કરો, ગમતી વ્યક્તિઓ જોડે વાતો કરો, જાત સાથે વાતો કરો, તમારા શોખને જીવંત કરો વગેરે ઘણું બધું… ટૂંકમાં, તમારા માટે અને તમારી મરજી મુજબ સમય વિતાવો. આ રીતે જીવેલો સમય, સઘળું તાણીને લઇ જતા સમયના વહેણમાં અલગ તરી આવે છે. હાથમાંથી સતત સરકતી જતી જિંદગીમાં જીવન જીવ્યાનો સંતોષ આપતી આ ક્ષણો છે. જીવનની કો’ક સાંજે દરેક વહેલું-મોડું પોતાની જિંદગીનું સરવૈયું ચોક્કસ માંડવાનું અને ત્યારે આ ક્ષણો મોટી જમારાશિ સાબિત થવાની! બસ તો શરુ કરો, આજે 2020ની શરૂઆત છે, જાત સાથે અને જાત માટે ખાતું ના ખોલ્યું હોય તો ખોલી કાઢો અને જીવન વીતી જાય એ પહેલા જીવવા માંડો.  જબરદસ્ત 2020ની શુભેચ્છાઓ…

પૂર્ણવિરામ:

ખુશીમાં સમય દોડે છે અને દુઃખમાં સમય ભાખોડીયા ભરે છે!

 

 

Tags: , , , , , , , , ,