RSS

Monthly Archives: December 2019

બળાત્કારીઓને ફાંસી આપવાનો કાયદો ઘડીને બેસી જવાથી લોકોમાં સ્ત્રી સન્માનની ભાવનાઓ થોડી પેદા કરી શકાય?!

IMG_5471

લો, ફરી પાછા આપણે મીણબત્તીઓ લઈને ઉભા રહી ગયા! આક્રોશ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા!! ન્યાય માટે હાથમાં પોસ્ટરો પકડીને ધરણા ઉપર બેસી ગયા!!! કારણ શું?!! તો કહે, એક વેટરનરી ડોક્ટરનો સામુહિક બળાત્કાર અને હત્યા! દેશમાં દર વિસ મિનિટે એક દુષ્કર્મ! રવિવારની સવાર છે અને હિંચકા ઉપર, મારી બાજુમાં પડેલા છાપાઓમાં આ તસવીરો અને હેડલાઈન્સ છે. નિર્ભયાના સાત વર્ષ બાદ અને પછી અમલમાં આવેલા કડક કાયદાઓ છતાં આપણે હતા ત્યાંને ત્યાં! કમનસીબે મોટાભાગની પ્રજા માટે બળાત્કાર ઘટના નહીં, સમાચાર છે!! અને માટે જ, મીડિયાને પણ બળાત્કાર કે જાતીય સતામણીના કિસ્સાઓના સમાચારો ચગાવવામાં જેટલો રસ હોય છે તેટલો રસ તેની પાછળના કારણો, માનસિકતા કે ઉપાયોની ચર્ચા કરવામાં નથી હોતો. હવે રાજકારણીઓ, વિવિધ ક્ષેત્રની સેલીબ્રીટીઓ અને આપણે બધા, પોતપોતાની રીતે બૌદ્ધિક હોંશિયારી અને ડાહપણ ઝાડવામાં બેફામ ચાલુ પડી જઈશું. કો’ક કાયદાને ભાંડશે તો કો’ક યુવતીઓના વસ્ત્રોને, કો’ક મહિલા સશક્તિકરણનો રાગ છેડશે તો કો’ક પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થાને ગાળો દેશે, દે ઠોકમઠોક ટ્વીટ કરશે અને પાછા ટ્વીટર પર સામસામી ઝગડશે! એક જુવાળની જેમ આવું બધું ચાલશે અને પછી અચાનક એક દિવસ બધું જ ગાયબ થઇ જશે. સરવાળે, ‘બળાત્કારીઓના દેશ’ તરીકે વગોવાઈને બધું પાછું ઠરીઠામ! આમ પણ, ઘટનાઓ જીવંત રહેતી હોય છે સમાચારો નહીં, જે બાબત ઘટના તરીકે લોકોના માનસમાં નોંધાતી જ નથી, માત્ર સમાચારો તરીકે જ ગોઠવાય છે, તે મોડી-વહેલી કચરા ટોપલીમાં જ જાય છે! કદાચ આ લેખ વાંચતા હશો ત્યાં સુધી બળાત્કાર અને સ્ત્રીઓ સાથેના દુરાચારની ટીઆરપી ઓગળી ગઈ હશે, તેને લગતા હેશ-ટેગ્સ્ ખોવાઈ ગયા હશે અને ટ્વીટ ઘેલા સેલીબ્રીટીઓ કો’ક બીજા વિષયમાં મચી પડ્યા હશે. 

મેં આ કોલમમાં અવારનવાર કહ્યું છે અને આજે ફરી કહું છું મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની ખાલીખમ વાતોની વચ્ચે માત્ર એક સન્માનપૂર્વક નજર માટે સ્ત્રીઓ તરસે છે. કાયદો, સમાજ, સ્ત્રીઓનો પહેરવેશ, નશાખોરી વગેરે જેને દોષ દેવો હોય તેને દો, બાકી આવી ઘટનાઓ પાછળ પુરુષના માનસમાં સ્ત્રીની છબી સૌથી વધુ ભાગ ભજવે છે. જ્યાં સુધી સ્ત્રીને વ્યક્તિ કરતા વસ્તુ તરીકે જોવામાં આવશે ત્યાં સુધી સ્ત્રીનું જાતીય શોષણ અને તેની સાથે દુરાચાર નક્કી છે. આપણી ફિલ્મો, ગીતો, જાહેરાતો વગેરે જાણતા-અજાણતા સ્ત્રીઓને માત્ર ઉપભોગની વસ્તુ તરીકે જ ચીતરે છે. દુખદ હકીકત તો એ છે કે આપણા દેશમાં સ્ત્રીઓની સામાજિક છબી અને આત્મ-ગૌરવને જેટલું નુકસાન બોલીવુડની ફિલ્મો અને ગીતોએ પહોચાડ્યું છે એટલું કદાચ બીજા કોઈએ નહીં પહોચાડ્યું હોય. વિચારો, એવી કેટલી ફિલ્મો છે કે જેને જોઇને બહાર નીકળીએ ત્યારે એવું લાગે કે આખી ફિલ્મમાં ટૂંકા કપડા પહેરીને ઉત્તેજના ફેલાવવા સિવાય હીરોઈનનું કોઈ કામ જ ન હોય! હા, કેટલીક છૂટી છવાઈ સ્ત્રી કેન્દ્રિત ફિલ્મો અપવાદરૂપે આગળ ધરી શકાય પરંતુ માનસિકતા મોટોભાગે જે દર્શાવાતું હોય તેનાથી ઘડાતી હોય છે. જરૂર હોય કે ના હોય, નગ્નતા-કામુકતાથી ભરપુર દ્રશ્યો કે શબ્દોથી ભરેલું આઈટમ સોન્ગ્સ અને તેના માટે લીડ હિરોઇનોના સ્પેશ્યલ એપિઅરન્સ સામાન્ય માણસના મન પર શું અસર કરે છે?! ‘કુંડી મત ખડકાઓ રાજા, સીધા અંદર આવો રાજા’, ‘બબલી બદમાશ હૈ’ વગેરે જેવા અનેક ગીતો જોનારા-સાંભળનારા- ગણગણનારાઓના મનમાં શું ભાવ ઉત્પન્ન કરે?! એમના મનમાં સ્ત્રી એક ‘સેક્સ ઓબ્જેક્ટ’ તરીકે જ ગોઠવાતી જાય એવું ક્યારે’ય વિચાર્યું છે?! રહી-સહી કમી બધાના ખિસ્સામાં ઉતરી આવેલી ‘પોર્નોગ્રાફી’ અને વેબ-સીરીઝોએ પુરી કરી દીધી છે, જે સ્ત્રી માત્ર જાતીય ઉપભોગ માટેનું સાધન હોય તેવી છબી, જોનારાના માનસમાં ઊંડે ઊંડે ઉભી કરતી જાય છે.સ્ત્રીઓ માત્ર સેક્સ માટે જ હોય છે અને સેક્સ-ભૂખી હોય છે તેવું અનાયાસે મગજમાં ગોઠવતી આ ઉત્તેજક ફિલ્મો હોય છે એવું ક્યારે’ય મગજમાં આવ્યું છે?! ના, આપણે તો આવું જે વિચારે તેના મગજમાં ગંદકી છે એમ કહીને હાથ ઊંચા કરી દેવાના હોય, જનમાનસ ઉપર શું અસર થાય તેવી અત્યંત મહત્વની બાબત વિષે થોડું વિચારવાનું હોય ?! આમે’ય કોઈ બાબત, ઘટના કે નિર્ણયની લોકોની સાઇકોલોજી ઉપર શું અસર પડશે એવું ગાંડું-ગાંડુ વિચારવાની આપણા દેશના ડાહ્યાઓને ટેવ નથી, સાચા અર્થમાં કહું તો આપણી પાસે આવું સેન્સિબલ વિચારવાની આવડત નથી!! કમનસીબે આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા છીએ. બળાત્કારના વિરોધમાં આપણે કરોડો મેસેજો ફોરવર્ડ કરીએ છીએ, મોટી સંખ્યામાં મીણબત્તીઓ લઈને ઉભા થઇ જઈએ છીએ પરંતુ વાસ્તવમાં આપણી બાજુમાં જ કોઈ સ્ત્રી જોડે અભદ્ર વ્યવહાર થતો હોય ત્યારે આપણે ‘મારે શું? કે કો’કની બબાલમાં આપણે કેમ પડવું?!’ એમ વિચારીને ચાલતી પકડીએ છીએ. અકસ્માતના ફોટા-વિડીયો તરત શેર કરીએ છીએ પણ ઈજા પામેલાને મદદ કરતા કતરાઈએ છીએ. ગમે ત્યાં થૂંકવું, રસ્તા ઉપર વાહનો પાર્ક કરી દેવા, રોંગ સાઈડમાં બિન્ધાસ્ત વાહનો ચલાવવા, નદીમાં ગમે તે પધરાવી દેવું, દે ઠોકમઠોક રસ્તા ઉપર ફટાકડા ફોડવા, ટ્રાફિકની વચ્ચે વરઘોડા કાઢીને નાચવું – આવા ઉદાહરણોથી જ આ કોલમની જગ્યા ભરી શકાય એમ છે. આ બધા જ આપણી સામાજિક સંવેદનશૂન્યતા(સોશિયલ નમ્બનેસ)ના ઉદાહરણો છે. બીજા અર્થમાં કહીએ તો ‘ફેલો સીટીઝન’ વિષે આપણે કંઇ સમજતા જ નથી કે તેને ગણનામાં લેતા નથી. આપણે લીધે કોઈને તકલીફ પડે એવું વિચારવું આપણી સમજમાં જ નથી! સિંગાપુરમાં ગમે ત્યાં ના થુંકાય તેવી વાતો કરતા કરતા આપણા રસ્તા-બિલ્ડિંગોમાં પાનની પિચકારી મારતા આપણે લોકો છીએ. ફોટા પડાવવા કચરો નાખીને એ જ કચરો ઉપાડવાની નફ્ફટાઈ કરવામાં કે ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રગીત પૂરું થાય ત્યારે ‘ભારત માતા કી જય’ બોલાવીને આપણે દેશભક્તિ કર્યાનો સંતોષ માનનારી પ્રજા છીએ. આવા ગતકડાઓ રોજે રોજના છે પરંતુ વરવી હકીકત એટલી જ છે કે લાગણીઓના પ્રદર્શનમાં એક્કા છતાં’ય એ જ લાગણીઓનો અનુભવ કરવામાં બુઠ્ઠા એવા આપણે લોકો છીએ! ગમે કે ના ગમે આ આપણા સમાજનો દંભી ચહેરો છે. આવા વાતાવરણમાં સ્ત્રીને સન્માનપૂર્વક જોતા શીખવાડવું ખરેખર અઘરું છે. બળાત્કારીઓને ફાંસી આપવાનો કાયદો ઘડીને બેસી જવાથી લોકોમાં સ્ત્રી સન્માનની ભાવનાઓ થોડી પેદા કરી શકાય?! સ્ત્રીઓ સાથે થતા દુર્વ્યવહારોની જવાબદારી સહિયારી છે, સમાજના કોઈ એક વ્યક્તિ, વર્ગ કે સમૂહ ઉપર ઢોળવી શક્ય નથી.  પુરુષ, સ્ત્રી, કાયદો, મીડિયા, સમાજ વગેરે બધાએ સંવેદનશીલ થવું પડશે. ભીતરની માનસિકતા બદલવી પડશે. મીણબત્તીઓ લઈને ઉભા થઇ જવાથી ક્રાંતિ નથી આવવાની, મનમાં દીવો કરવાથી આવશે.

પૂર્ણવિરામ: સામાજિક સંવેદના કેળવવા આપણા સાથી નાગરિકો પ્રત્યે આંખો ખોલીને જોવાની નહીં પણ દ્રષ્ટિ કેળવીને જાગવાની જરૂર છે.

 

Tags: , , , , , , ,