RSS

Monthly Archives: November 2019

વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!

IMG_5471

 

ચાલો આજે ઘણા દિવસે આપણા કાલ્પનિક પાત્ર બુધાલાલને યાદ કરીએ.

બુધાલાલ ગામની માધ્યમિક શાળામાં ગુજરાતી ભણાવે. વર્ગમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ગુજરાતીનો અણગમો, પરંતુ હાજરીના નિયમને કારણે વર્ગમાં બેસવું તો પડે. જાણે ગુજરાતી વિષય બુધાલાલે શોધ્યો હોય તેમ એ હંમેશા વિદ્યાર્થીઓની ટીખળના નિશાન ઉપર રહેતા અને વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે એમની મજાક કરતા, એમને પરેશાન કરતા. બુધાલાલ ચાલાક હતા અને વિદ્યાર્થીઓની સાયકોલોજી બરાબર સમજતા એટલે વિદ્યાર્થીઓની ટીખળ ઉપર આસાનીથી કાબુ મેળવી લેતા. હમણાં વિદ્યાર્થીઓ નવું શીખ્યા’તા, બુધાલાલ વર્ગમાં આવે તે પહેલા કોઈ વિદ્યાર્થી બ્લેકબોર્ડ ઉપર મોટા અક્ષરમાં ‘મદનિયું’ લખીને હાથીનું ચિત્ર દોરી જાય. સારું એવું વજન ધરાવતા બુધાલાલ વર્ગમાં આવે અને બ્લેકબોર્ડ ઉપર નજર નાખે કે તરત આખો વર્ગ એમની ખીલ્લી ઉડાવતો. બુધાલાલ જાણે કશું બન્યું નથી એમ બ્લેકબોર્ડ ઉપર ડસ્ટર ફેરવીને ભણાવવા માંડતા. ધીરે ધીરે આ મજાક તો નિત્યક્રમ જેવી થઇ ગઈ, રોજ વર્ગની શરૂઆતની મિનિટો ઠઠ્ઠા-મશ્કરીમાં વ્યર્થ જતી અને વિદ્યાર્થીઓને ગંભીર બનાવામાં ઘણો સમય બરબાદ થઇ જતો. હવે આનો ઉપાય શોધે જ છૂટકો. બુધાલાલે થોડા દિવસમાં વિદ્યાર્થીઓના નાયકને શોધી કાઢ્યો, એ વર્ગનો સૌથી તોફાન અને ટીખળ કરનાર વિદ્યાર્થી હતો એટલે શિક્ષાથી સુધરે એમાં માલ નહતો.  બુધાલાલે એને ટીચર્સ રૂમમાં બોલાવ્યો અને કહ્યું ‘દીકરા તારો આભાર, વાસ્તવમાં તું રોજ બ્લેકબોર્ડ ઉપર ‘મદનિયું’ દોરીને મને વજન ઉતારવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે એટલે મેં નક્કી કર્યું છે કે હું તને તારી આ મદદ માટે રોજના પાંચ રૂપિયા આપીશ. તારે રોજ આ રીતે મારુ મનોબળ વધારવાનું અને પાંચ રૂપિયા લઇ જવાના’ વિદ્યાર્થીને તો મઝા આવી ગઈ, ટીખળની ટીખળ અને કમાણીની કમાણી!

થોડા દિવસ પછી બુધાલાલે વિદ્યાર્થીને બોલાવીને કહ્યું ‘મારે મારા ખર્ચમાં કાપ મુકવાની જરૂરિયાત ઉભી થઇ છે એટલે હવેથી હું તને રોજના બે રૂપિયા જ આપી શકીશ’. પેલાને તો બે પણ મફતના જ હતા ને?! તેણે દોરવાનું ચાલુ રાખ્યું.

વળી થોડા દિવસ પછી વિદ્યાર્થીને બોલાવીને બુધાલાલે જણાવ્યું કે એમનો હાથ વધુ તંગ છે એટલે હવે એ તેને કઇં નહીં આપી શકે, તે ઈચ્છે તો પૈસા લીધા વગર દોરવાનું ચાલુ રાખી શકે છે’ વિદ્યાર્થીને થયું કે મફતમાં થોડું આ કામ ચાલુ રખાય?! તેણે દોરવાનું બંધ કરી દીધું અને બુધાલાલના જાડાપણા અંગેની મજાક પણ બંધ થઇ ગઈ !

************

‘મોરલ ઓફ ધ સ્ટોરી’?! બુધાલાલની મનોવૈજ્ઞાનિક રમતમાં ટપ્પો પડ્યો?! ચાલો, સમજાવી દઉં. વિદ્યાર્થી બુધાલાલની મજાક ઉડાવવા અને અન્યને મઝા કરાવવા આવી હરકતો કરતો હતો. બુધાલાલે એના માટે રૂપિયાનું ચુકવણું કરવા માંડ્યું એટલે સમગ્ર બાબત આનંદ-મજાક-મઝા જેવા આંતરિક મોટીવેશનને સ્થાને રૂપિયા જેવા બાહ્ય પ્રોત્સાહન ઉપર આધારિત થઇ ગઈ. વિદ્યાર્થી હવે મજાક માટે નહીં પણ રૂપિયા માટે ચિત્ર બનાવવા માંડ્યો. સ્વાભાવિક છે જેવું વળતર મળતું બંધ થયું કે ચિત્ર બનાવવાનું બંધ થઇ ગયું, મજાકમાંથી રસ ઉડી ગયો કારણ કે હવે પ્રોત્સાહન આંતરિક નહીં પણ બાહ્ય હતું! જયારે બાહ્ય પ્રોત્સાહનનું પ્રમાણ ઘટે છે ત્યારે વ્યક્તિનો રસ, સર્જનાત્મકતા કે ઉત્પાદકતા ઘટે છે. વળતર માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ કરતા નિજાનંદ માટે કે પેશન ફોલો કરતા કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સર્જનાત્મકતા, ઉત્પાદકતા અને સંતુષ્ટિ અનેકગણી વધુ હોય છે. એક અભ્યાસમાં સિત્તેર સર્જનાત્મક લેખકોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા અને દરેકને કાવ્ય લખવાનું કહેવામાં આવ્યું. પ્રથમ જૂથને કાવ્ય લખવા માટે બાહ્ય પ્રોત્સાહન આપવામાં આવ્યું, બીજા જૂથને પોતાની આંતરિક અભિવ્યક્તિ માટે લખવાનું કહ્યું અને ત્રીજા જૂથને કોઈપણ સ્પષ્ટતા વગર માત્ર લખવાનું કહ્યું. બધા કાવ્યોને ભેગા કરીને નિર્ણાયકોની પેનલને આપવામાં આવ્યા. સૌથી નિમ્ન કક્ષાના કાવ્યો પહેલા જૂથ દ્વારા લખાયેલા હતા! સરળ મર્મ એટલો કે બાહ્ય પ્રોત્સાહન મનની રીવોર્ડ સિસ્ટમને એવી ખોરવી નાખે છે અથવા અભડાવી મૂકે છે કે વ્યક્તિની આંતરિક અભિવ્યક્તિ નક્કામી થઇ જાય છે!

જીવનમાં સુખનો ખેલ પણ આ જ સાયકોલોજી અનુસરે છે. સુખના કારણો જ્યાં આંતરિક છે ત્યાં સુખ ચિરંજીવ છે, પરંતુ જ્યાં સુખ બાહ્ય કારણો પર નિર્ભર છે ત્યાં સુખની શોધ અવિરત ચાલુ જ રાખવી પડે છે. સહેજ વળતર ઓછું થયું નથી કે સુખ ઘટ્યું નથી! સુખ અનુભવવા સતત કોઈ મળતર, વળતર, ઉપલબ્ધી જેવું કઈંકને કઈંક મળતું રહેવું જોઈએ! શાશ્વત સુખ અને કામચલાઉ સુખ વચ્ચેનો આ ભેદ છે. આ વિષયમાં મોટામાં મોટો વિરોધાભાસ એ છે કે મોટાભાગની વ્યક્તિઓ સુખ માટે આંતરિક કારણો અને તેમાંથી નિપજતા શાશ્વત સુખનું મહત્વ સમજતા હોવા છતાં તેમની દોટ તો બાહ્ય કારણો અને તેમાંથી ઉપજતા કામચલાઉ સુખ પાછળ જ હોય છે. ફિલસુફી ગમે તે ઝાડીએ, પરંતુ મોટા ભાગે આપણે સુખને અંદર ઓછું અને બહાર વધુ શોધતા હોઈએ છીએ! વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!

આપણે ‘ક્વીક ફિક્સ’ના જમાનામાં જીવીએ છીએ. બધું જ જોઈએ છે અને તાત્કાલિક જોઈએ છે! સુખની રાહ જોવાનો સમય નથી અને ધીરજ પણ નથી,સરવાળે બાહ્ય કારણોમાં જ રત રહેવું પડે અને ગમે ત્યાંથી મઝા-મસ્તી ઉભી કરવી પડે, છો ને પછી એ હંગામી હોય! આમ પણ શાશ્વત સુખ માટે જરૂરી એવી અંદરની અનુભૂતિ તો કેળવવી પડે, એ તો જાત સાથે કરવી પડતી પ્રક્રિયા છે, એને ‘ક્વીક ફિક્સ’ થોડી કરી શકાય?! આ ઉપરાંત બાહ્ય કારણોથી અનુભવાતું સુખ, હંગામી હોવા છતાં, તમારો અહમ સંતોષે છે. તમે પૈસા, વર્ચસ્વ કે વગથી સુખને ખરીદી શકો છો એ વિચાર માત્ર તમને સામર્થ્યવાન હોવાની અનુભૂતિ કરાવે છે. બધું આપણા કાબુમાં છે એવો ભ્રમ પેદા કરે છે. સ્વાભાવિક છે, બહારના ઝગમગાટમાં જ અટવાયેલા હોય એને અંદર દીવો કરવાનું ક્યાંથી સૂઝે અને શું કામ સૂઝે?! આપણી આજુબાજુના પણ આ જ દોટમાં છે, બધા લૂંટી રહ્યા છે ત્યાં આપણે અંદર ફંફોસવામાં સમય બગાડીએ તો રહી ના જઈએ?! બધા એકબીજાને જોઈને, વગર કારણની સ્પર્ધામાં જોતરાયે જાય છે ત્યાં કોણ કોને રોકે?! એમાં પાછા ધંધાદારીઓ કૂદીને સુખના સપના વેચી જાય એ જુદા! કામચલાઉ સુખ કાયમી નથી બની શકતું કારણ કે કામચલાઉ સુખના ચોક્કસ કારણો હોય છે અને સમય જતા એ કારણો નબળા પડ્યા વગર રહેતા નથી. સરવાળે, નવા કારણોની શોધ ચલાવવી પડે અને તે પણ અવિરત!! જયારે શાશ્વત સુખ મનની આંતરિક પ્રક્રિયાઓ ઉપર આધારિત હોય છે, તેને કારણો સાથે કોઈ અટેચમેન્ટ નથી હોતું. તે બાહ્ય પ્રોત્સાહન ઉપર નહીં પરંતુ આંતરિક અનુભૂતિ સાથે સંકળાયેલું રહે છે.

પૂર્ણવિરામ:

સુખનું સરનામું બે કાન વચ્ચે હોય છે!

 

Tags: , , , , , , , , , , , , , ,