ટોરંટોથી ન્યુયોર્ક જતા, યુએસની ઇમિગ્રેશન લોન્જમાં મુકેલા કિઓસ્કને સમજવા એક યુવક મથામણ કરી રહ્યો હતો. દેખીતી રીતે જ ભારતીય જણાતા તે યુવકની કદાચ આ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે પહેલી મુલાકાત હશે અને એને સમજવાની ગડમથલમાં તે વાર લગાડી રહ્યો હતો. ત્યારે દૂર ઉભેલું એક ગુજરાતી યુગલ કોણ જાણે કેમ, પણ અધીરાઈથી છલોછલ હતું, તેમની અંદર–અંદરની વાતચીતમાં, યુવક દ્વારા થઇ રહેલા વિલંબની અકળામણનો બળાપો મારા કાને પડ્યો ‘કેવા કેવા દેશીઓ અહીં ઘુસી ગયા છે?!’
ત્યાં લોકોને મદદ કરવા આસપાસ આંટા મારતો રહેતો એક મદદનીશ તેની પાસે આવી પહોંચ્યો અને કહ્યું ‘કદાચ તું આ દેશમાં અને આ પ્રકારની સિસ્ટમમાં નવો લાગુ છું. ચિંતા ના કર ધીરે ધીરે ફાવી જશે. લાવ તને મદદ કરું’ (‘ઈટ લુક્સ યુ આર ન્યુ ટુ ધ કન્ટ્રી એન્ડ ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ. ડોન્ટ વરી, ગ્રેજ્યુઅલી યુ વીલ યુઝ ટુ. લેટ મી હેલ્પ યુ’). પછી એણે પોતાની જાતે કંઈપણ કરવાને બદલે સૂચનાઓ આપીને યુવક પાસે બધું કરાવ્યું. યુવકે એને થેન્ક યુ કહ્યું ત્યારે યુવકની આંખમાં એમ્પાવર્મેન્ટની એક ચમક હતી.
‘એમ્પાવર્મેન્ટ’ – એક્ઝેટલી એ જ વાત હું કરતો હતો ટોરંટોમાં શબ્દપ્રાર્થનાના ચેતનાબેન સાથે, મોટાભાગના માતા–પિતા બાળકોને સાચા અર્થમાં એમ્પાવર્ડ કરવાને બદલે જજ કરતા રહેતા હોય છે, ટીકા કરતા રહેતા હોય છે અથવા પોતે જ નિર્ણયો લઈને એમનું દરેક કામ કરી આપતા હોય છે. સરવાળે, સંતાન સ્વતંત્રતાની ઉંમરમાં પણ આત્મનિર્ભર બનવાને બદલે પરાધીન કે પરવશ જ રહેવાનું! પેલા યુગલે યુવકની નબળાઈ જજ કરીને પોતાનો અભિપ્રાય આપી દીધો, જયારે મદદનીશે યુવકની નબળાઈની સાથે સાથે શીખવાની ધગશને પારખીને માર્ગદર્શન દ્વારા પ્રોત્સાહિત કરી દીધો. વિચારી જુઓ, જો યુવકને પેલા યુગલની ટિપ્પણી સંભળાઈ હોત તો તેના આત્મવિશ્વાસને કેવો અને કેટલો ધક્કો લાગ્યો હોત?! મેં ગયા સપ્તાહે આ કોલમમાં વાત કરી હતી તે, પોતાની અંદર બેઠેલા ટીકાકારે(ઇન્ટર્નલ ક્રિટીક) એને છોડ્યો હોત ?!
આ તો મારી સાક્ષીમાં બનેલી નાનકડી ઘટના ટાંકીને એક ઉદાહરણ આપ્યું, બાકી મારે તો વાત મોટી અને લાંબી કરવી છે. માતા–પિતા, શિક્ષકો કે અન્ય મહત્વની વ્યક્તિઓ જયારે કિશોરો કે યુવકોની નબળાઈઓને તેમની ક્ષમતાઓથી રચનાત્મક રૂપ આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે લોકો પોતાની જાત પરત્વે સંદેહ (સેલ્ફ–ડાઉટ) રાખતા થાય છે. વાસ્તવમાં તો જયારે બાળકોને તેમની નબળાઈઓ માટે ટીકા કરવામાં આવે છે ત્યારે તેમની અંદરનો ટીકાકાર–ઇન્ટરનલ ક્રિટીક મજબૂત બનતો જાય છે. પરિણામ એ આવે છે કે સંતાન, ખાસ કરીને કિશોરવયનું સંતાન, લાગણીઓના પ્રશ્નોથી પીડાવા માંડે છે. આ પ્રશ્નો સાથે સંકળાયેલી લાગણીઓ નકારાત્મકતાથી છલોછલ હોય છે. આ નકારાત્મક લાગણીઓ ક્યાંક તો તે પોતાની અંદર ધરબી રાખે છે અને ક્યાંક તો બહાર વર્તનમાં ઠાલવે છે! નકારાત્મક લાગણીઓ અંદર તરફ વળે ત્યારે વ્યક્તિત્વ, વર્તન કે વ્યવહારમાં આત્મવિશ્વાસની ઉણપ, જાત પરત્વે સંદેહ અને તેને કારણે વણજોઈતી ચોકસાઈ, અપરાધભાવ–ગીલ્ટ, ઉચાટ, હતાશા વગેરે જોવા મળે છે. જયારે આ લાગણીઓ બહાર ઠલવાય ત્યારે વ્યક્તિત્વ, વર્તન કે વ્યવહારમાં ગુસ્સો, આક્રોશ, ભાગેડુવૃત્તિ, લાસરિયાપણું વગેરે સામાન્ય હોય છે. નકારાત્મક લાગણીઓ અંદર તરફ વળે કે બહાર તરફ, વ્યક્તિત્વ ઉપર અવળી અસરો જરૂર પેદા કરે છે અને તે અસરો વર્તન–વ્યવહારમાં અચૂક દેખા દે છે. સરવાળે પરિણામ એ આવે છે કે સંતાન હંમેશા તેની ક્ષમતા કે આવડતના પ્રમાણમાં ઘણું ઓછું પ્રાપ્ત કરતુ હોય છે.
સંતાનોની કિશોરાવસ્થા જીવનની સૌથી સંવેદનશીલ અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન તેમની સાચી કે ખોટી દરેક ટીકાઓ પરત્વે તે અતિસંવેદનશીલ હોય છે. એક સમયે તમે એમની ક્ષમતાને પ્રોત્સાહિત નહીં કરો તો ચાલશે પરંતુ એમની નબળાઈઓની ટીકા કરતા ફરશો તો તેની દૂરગામી અસરો માટે તૈયારી રાખવી પડશે. દરેક વ્યક્તિમાં કો’કને કો’ક નબળાઈઓ તો હોવાની જ પરંતુ એની વારંવાર ટીકાઓ જે તે વ્યક્તિમાં પોતાની લાયકાત અંગે સંદેહ ઉભો કરે છે. મારી વાતનો મતલબ એ નથી કે ટીનએજર્સનું તેમની નબળાઈઓ તરફ ધ્યાન ના દોરવું કે જરૂરી એવી ટીકા પણ ના કરવી. ખરેખર તો કહેવું એ છે કે દરેક માતા–પિતાએ પોતાના વ્યવહાર થકી ટીનએજ સંતાનોમાં એવી સમજણ ઉભી કરવી જોઈએ કે તેમની લાયકાત કે તેમનું મૂલ્ય (સેલ્ફ–વર્થ) કોઈપણ બાબતમાં તેમના દેખાવ એટલે કે પરફોર્મન્સ ઉપર આધારિત નથી. કમનસીબે આપણે ત્યાં આનાથી બિલકુલ ઊંધું છે, જો સંતાન અભ્યાસમાં (કે બીજી કોઈપણ બાબતમાં) સારો દેખાવ નથી કરી શકતું તો તે નકામું કે વર્થલેસ છે એવી રીતે જ તેની સાથે વ્યવહાર થાય છે! પરિણામ એ આવે છે કે તે પોતાની લાયકાત કે સ્વ–મૂલ્ય (સેલ્ફ–વર્થ)ને ઓછી આંકતુ થાય છે અને સરવાળે, પોતાની જાતને તે સ્વીકારી શકતું નથી, તેનું સ્વાભિમાન તળિયે બેસી જાય છે. વાસ્તવમાં દરેક માતા–પિતાએ સંતાનને પોતે સ્ટ્રેન્થ અને વીકનેસ એમ બંને પાસા ધરાવતી વ્યક્તિ છે એવું સ્વીકારતા શીખવવું જોઈએ. જો તે પોતાની જાતને સાચા અર્થમાં સ્વીકારી શકશે તો તેની આડ–પેદાશ રૂપે પોતાની જાતને બદલતા અને વધુ મૂલ્યવાન બનાવતા પણ શીખશે. પોતાની નબળાઈઓ પ્રત્યે જાગૃત થઈને તેને સાનુકૂળ સંયોગમાં બદલતા પણ શીખશે.
પૂર્ણવિરામ:
તમારું અસ્તિત્વ જ મૂલ્યવાન છે, આવડત અને નબળાઈ ઉપર તેનું મૂલ્ય આંકવું એ મૂર્ખાઓનું કામ છે!

Tags: Dr.Hansal Bhachech, Gujarat Samachar, Handeling teenagers, Happy Minds, internal critic, Self-worth, Shatdal purti, Tari ane mari vaat, Teen Parenting, weakness