‘વર્લ્ડ હેપ્પીનેસ ડે’ નિમિત્તે રજુ થયેલા વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં આપણને 156 દેશોમાં 133મું સ્થાન મળ્યું ! ગયા વર્ષ કરતા લગભગ વધુ અગિયાર સ્થાન પાછળ!! અને આપણા પાડોશી દેશો ચીન, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી ઘણા પાછળ!! મારી દ્રષ્ટિએ એક રાષ્ટ્ર તરીકે આપણા માટે આ શરમજનક બાબત છે. મને આ જ બાબતના સંદર્ભમાં ગયા વર્ષે લખેલો લેખ શેર કરવાનું મન થયું, લો વાંચો ત્યારે 🙂
થોડા સમય પહેલા, ‘વર્લ્ડ હેપ્પીનેસ ડે’ની આસપાસના દિવસોમાં બે નોટ્સને લગતા મેસેજ વોટ્સએપ પર વાઇરલ થયા હતા, પહેલી નોટ્સ હતી આઇન્સ્ટાઇનની અને બીજી, મનોહર પારીકરની! મેસેજ મુજબ, 1922માં આઈન્સ્ટાઈન જયારે જાપાન ગયા હતા ત્યારે હોટેલના બેલ-બોયને ટીપમાં ‘થિયરી ઓફ હેપ્પીનેસ’ની એક ચબરખી આપી હતી. તાજેતરમાં આ ચબરખી પંદર લાખ ડોલર, આશરે દસ કરોડ રૂપિયામાં વેચાઈ! આટલી અધધ કિંમત આઈન્સ્ટાઈનના નામની છે, ચબરખીમાં લખેલા પ્રસન્નતાના મંત્રની છે કે બંનેની સહિયારી છે તે તમારે નક્કી કરવાનું. ચાલો સાથે સાથે એમણે લખેલો મંત્ર શું હતો તે પણ કહી દઉં – સતત સફળતા ઝંખતી, અજંપા ભરેલી ભાગદોડવાળી જિંદગી કરતા શાંત-સંતોષપૂર્વક વિતાવેલી જિંદગી વધુ હેપ્પીનેસ આપે છે. પ્રખર બુદ્ધિશાળી અને પ્રસિદ્ધ વ્યક્તિની સાવ સાદી સલાહ – શાંત મન અને શાંતિભર્યું જીવન સુખની ગુરુચાવી છે!
બીજી બાજુ, ગંભીર બીમારીના બિછાનેથી પારિકર સાહેબે લખેલી નોટમાં આ જ વાત જરા જુદી રીતે વ્યક્ત થઇ હતી. તેમણે આખી જિંદગી કામ કર્યા કર્યું અને આનંદ માટે સમય ના કાઢ્યો એવો બળાપો તેમના સંદેશમાં હતો. બીજા શબ્દોમાં કહીએ તો, તેમની નોટમાં સતત રાજકીય સફળતા ઝંખતી ભાગદોડવાળી જિંદગી જીવ્યાનો અફસોસ દેખાતો હતો!
એ જ સમયમાં એક બીજો વિડીયો વાઇરલ હતો જેમાં આંકડાકીય પૃથ્થકરણ દ્વારા એવું તારવવામાં આવ્યું હતું કે આપણે પંચોતેર વર્ષની જિંદગીમાં માત્ર સાત વર્ષ જ જીવીએ છીએ! બાકીના અડસઠ ક્યાં ગયા?! આંકડા સાથે રમતા લોકોનું લોજીક મજબૂત હોય છે, એમણે તર્કના આધારે બાકીના વર્ષોને ઊંઘ, દિનચર્યા, કામ વગરની ફાલતુ પ્રવૃત્તિઓ વગેરેના ખાતે ઉધાર્યા અને તારણ આપ્યું કે આ વર્ષો તમે વેડફી નાખ્યા!
સારા, હકારાત્મક, બદલાવ માટે પ્રોત્સાહિત કરે અને જીવનને સ્પર્શે તેવા વિચારો વર્ચ્યુઅલ મીડિયામાં અવિરત વહેતા રહે છે તે ન્યાયે આ ત્રણે’ય મેસેજ હવામાં ફરવાના જ હતા. એમાં’ય ‘વર્લ્ડ હેપ્પીનેસ ડે’નો માહોલ અને અધૂરામાં પૂરું, ‘વર્લ્ડ હેપ્પીનેસ ડે’ નિમિત્તે રજુ થયેલા વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં આપણે 155 દેશોમાં 122મું સ્થાન પ્રાપ્ત કર્યું ! ચીન(79), પાકિસ્તાન(80) નેપાળ(99) થી ઘણા પાછળ અને બાંગ્લાદેશ(110), ઇરાક(117), શ્રીલંકા(120)થી પણ પાછળ!! રિપોર્ટ વાંચીને ઘણાએ, દરેક સમયે કરીએ છીએ તેમ, પોતાની જવાબદારી આ ત્રણે’ય મેસેજ મોબાઈલથી મોબાઈલ ફેરવીને પુરી કરી! 155માં 122મું સ્થાન વાંચીને મને મારો બાળપણનો મિત્ર ‘જયલો’ યાદ આવ્યો. જયારે પરીક્ષાનું પરિણામ આવે ત્યારે આ જયેશ બે-ત્રણ વિષયમાં તો ઉડેલો જ હોય પણ એને પરિણામ પૂછો એટલે બિન્ધાસ્ત કહે તેંતાળીસમો નંબર, બહુ ખણખોદ કરો તો ખબર પડે કે વર્ગ જ પચાસ વિદ્યાર્થીઓનો હતો! પરિણામની રાત્રે એને બરાબરની વઢ પડે, પપ્પા એને સોસાયટીના બીજા છોકરાઓનું પરિણામ પૂછે, બધા ‘જયલા’થી આગળ હોય એટલે પછી એને માર પડે. જયેશ બીજા દિવસે રમવા આવે ત્યારે અમને કહે કે તમારા લીધે મને માર પડ્યો, તેંતાળીસમો હતો ત્યાં સુધી ઠીક હતું, વઢ જ પડી, પણ તમારા બધા કરતા પાછળ હતો એટલે માર પડ્યો! આપણને 122માં ક્રમમાં પણ એવું જ થયું, દુઃખ થવા કરતા આપણા પાડોશી દેશો આગળ હોવાનો ચચરાટ વધુ થયો અને ફરી પાછા રૂટિનમાં એવા વ્યસ્ત થઇ ગયા, જાણે કે આપણે અને સુખને શું લેવા દેવા?!! પરંતુ કમનસીબે આપણે ‘હેપ્પીનેસ’, પ્રસન્નતા, આનંદ, સુખ કે ‘જે નામ આપો તે’ મુદ્દે આટલા પાછળ કેમ છીએ તેનું ચિંતન કે ચર્ચા ક્યાંય જોવા ના મળી!!
પ્રસન્નતા કે હેપ્પીનેસ આમ તો અંગત બાબત છે પરંતુ એક પ્રજા તરીકે અથવા દેશ તરીકે પ્રસન્નતાની વાત કરવી હોય તો તેનો મોટાભાગનો આધાર ત્યાંના નાગરિકો, નાગરિકોમાં એકબીજા પ્રત્યેની સદભાવના, રાજકીય વાતાવરણ, રોજિંદા જીવન માટે કરવો પડતો શ્રમ (ઇઝ ઓફ લાઈફ), મીડિયા વગેરે પર રહેતો હોય છે. નાગરિકો તરીકે આપણે તદ્દન બેજવાબદાર છીએ અને ફેલો-સીટીઝન જેવો કોઈ કન્સેપ્ટ આપણે સમજતા જ નથી – આપણું સાચવો, બીજાનું જે થવું હોય તે થાય! પ્રજા તરીકે આપણી લાગણીઓ બેકાબુ અને આપણું વર્તન બેફામ છે, કમનસીબે, આપણને તેનું પાછું ગૌરવ પણ છે!! રાજકીય વાતાવરણ કાવાદાવા, કૌભાંડો અને કોન્ટ્રોવર્સીઝથી ખદબદતું જ રહેવાનું! ‘ઇઝ ઓફ લાઈફ’ કઈ બલાનું નામ છે કોને ખબર, આપણે તો બે દરવાજામાંથી એક જ દરવાજો ખોલીને ધક્કામુક્કીની મઝા માણતી પ્રજા છીએ! આ બધાની વચ્ચે આપણી સૌથી મોટી કમનસીબી આપણું નકારાત્મક મીડિયા છે, ખાસ કરીને વિઝ્યુઅલ મીડિયા. જોનારને એ સતત એવો અહેસાસ કરાવતું રહે છે કે દેશમાં ક્યાંય કશું સારું, હકારાત્મક બની જ નથી રહ્યું. કોઈપણ સમાચાર કે ચર્ચાઓ જુઓ તમે સરવાળે મનમાં ઉચાટ, ઉશ્કેરાટ અને ઉદાસી જ અનુભવો! ટીઆરપીની લાહ્યમાં સતત ઉત્તેજના ફેલાવે તેવા સમાચારો શોધતું રહેતું મીડિયા દર્શકોના માનસને અને દેશની માનસિકતાને કેટલું જબરદસ્ત નુકશાન કરે છે તેનો હિસાબ કોણ કરવાનું?! વાંક તો આપણી પ્રજાનો’ય ખરો, કોમનવેલ્થના ગોલ્ડ મેડલ્સના સ્થાને એક ગુનેગારને મળેલા જામીનમાં વધુ રસ ધરાવતી અને તેનો ઉત્સવ મનાવતી પ્રજાને મીડિયા બીજું કઈં પીરસવાનું સાહસ કેવી રીતે કરે?! બાકી રહી ગયું હોય તેમ હવે તો નકારાત્મકતા, ફ્રસ્ટ્રેશન્સ, આક્રોશ વગેરે ખિસ્સામાં ઉતરી આવ્યા છે. મોબાઈલ પર વાઇરલ થઈને ફરતા મેસેજોમાં પણ આ બધું ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે અને અજાણતા જ આપણે દિવસભર મગજમાં ઉચાટ, ઉશ્કેરાટ, ઉદાસી ડાઉનલોડ કરતા ફરીએ છીએ. આ બધા ઉપરાંત કૌભાંડો, ભ્રષ્ટાચાર, બેરોજગારી, પ્રદુષણ, મોંઘવારી વગેરે જેવા કાયમી અને ઘર કરી ગયેલા પરિબળો તો ખરા જ. આઝાદી પછીનું એક પણ વર્ષ એવું નહીં જડે કે જેમાં આ પરિબળો વત્તા-ઓછા અંશે જોવા ના મળ્યા હોય. સાવ સાચી વાત તો એ છે કે આપણને આ બધું ફાવી ગયું છે, આ બધાને કારણે આપણે દુઃખી છીએ એવું કહેવું પણ કોઈને હાસ્યાસ્પદ લાગે !! અને માટે જ, દેશ તરીકે ભલે આપણી ગણના અનહેપ્પી રાષ્ટ્રમાં થતી હોય, વ્યક્તિગત રીતે તો બધા ‘જલસા’માં જ છે!
પૂર્ણવિરામ:
વિશ્વનો સૌથી યુવા દેશ, પ્રસન્નતામાં 122મો?!! જે દેશનો યુવાન, દેશના વૃદ્ધ કરતા વધુ ઉદાસ, નાસીપાસ, દિશાહીન અને આર્થિક-રોજગારીના મુદ્દે અસલામત હોય ત્યાં આ વાતની નવાઈ શું?!