હમણાં એક પેરેન્ટિંગના સેમિનારમાં મને એક પિતાએ પ્રશ્ન પૂછ્યો ‘ ટીનેજર્સ સાથે મજબૂત સંબંધ વિકસાવવા તમારે માત્ર એક જ ટીપ આપવાની હોય તો કઈ આપો?’
મેં વળતી સેકન્ડે જવાબ આપ્યો ‘એમને શાંતિથી અને ધ્યાનથી સાંભળો !’
પ્રશ્ન પૂછનારા ભાઈએ બાજુમાં બેઠેલી પત્ની સામે એવી રીતે જોયું કે ‘આ તારે સમજવા જેવું છે’ અને જવાબમાં પત્નીએ પણ એવો ભાવ કર્યો કે ‘તમે’ય કયા દિવસે છોકરાઓને શાંતિથી સાંભળો છો ?! જ્યારે હોય ત્યારે વડચકા ભરતા હોવ છો’.
હું સમજી ગયો કે એમણે પૂછતાં તો પૂછી નાખ્યું પણ આ ટીપ સાંભળ્યા પછી એમનું કંઈ ખાસ ભલું નહી થાય કારણ કે જ્યાં મા-બાપ એકબીજા સાથે આવી હુંસાતુંસીમાં હોય ત્યાં દોષારોપણથી આગળ વધીને કોઈ બદલાવ આવતો નથી. સામાન્ય રીતે મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે મા-બાપો પાસે તેમના ટીનેજર્સને ધ્યાનથી સાંભળવા જેટલી શાંતિ જ નથી હોતી. સમયનો અભાવ હોય, ધીરજ રાખી શકવાની ક્ષમતા ના હોય અને સલાહો-સુચનો આપવાની તાલાવેલી હોય તે સંજોગોમાં તેમની વાત શાંતિથી સાંભળવી કેવી રીતે શક્ય બને?! બાળકો સાથે મજબૂત સંબંધ બાંધવા માટે તમારે તેમની સાથે ગુણવત્તાભર્યો સમય ગાળવો જ પડે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે તમે એમની સાથે વાતો કરતાં હોવ ત્યારે સંપૂર્ણ ધ્યાન એમની વાતોમાં જ આપવું પડે અને તે પણ એમને રોક્યા-ટોક્યા વગર! એ બોલતા હોય અને તમે બીજું કંઈ કામ કરતાં કરતાં એમની વાતો સાંભળો એ નહીં ચાલે, તમારી આવી હરકત એમની વાતોમાં તમને ખાસ રસ નથી એવો ભાવ ઉત્પન્ન કરશે અને ધીમે ધીમે એ તમારી સાથે જરૂરીયાત સિવાયની વાતો કરતાં બંધ થઇ જશે. તમારા સંબંધ અને સંવાદમાં એક અંતર ઉભું થશે.
ઘણીવાર તમે ગુણવત્તાભર્યો સમય ગાળો ખરા પણ એમાં એમની વાતો ઓછી સાંભળો અને સલાહ-સુચનો વધારે આપો તો સરવાળે તેનું ખાસ મહત્વ નથી રહેતું. દરેક માતા-પિતા પોતાના અનુભવો અને લાગણીઓને કારણે બાળકને ગાઇડન્સ આપવા માંગે તે સમજી શકાય તેવી બાબત છે પરંતુ જ્યાં સુધી તમારા ટીનેજર્સને એવો અહેસાસ નહી થાય કે તમે એમને પુરેપુરા સાંભળ્યા છે ત્યાં સુધી તમારા સલાહ-સુચનની એમને ખાસ અસર નહી થાય. એમને ખાલી થઇ જવા દો અને પછી જુઓ એ કેટલી સરળતાથી તમારી વાતો ગ્રહણ કરે છે. માટે જ, મેં ગયા સપ્તાહે જ કહ્યું હતું કે ટીનેજર્સને સલાહો આપવી એ પણ એક કળા છે જેમાં તમારી ધીરજની અગ્નિપરીક્ષા થતી હોય છે. એમને કંઈપણ સલાહ આપતા પહેલાં ખુબ શાંતિથી જો એમને તમે સાંભળી શકો તો તમારું અડધું કામ તો ત્યાં જ પૂરું થઇ જાય છે.
આ ઉંમર એવી છે કે જેમાં આ કિશોરો બીજી વ્યક્તિઓ એમના વિશે શું વિચારે છે તે બાબતે અત્યંત સંવેદનશીલ હોય છે. એમને સમજ્યા, સાંભળ્યા કે જાણ્યા વગર જે વ્યક્તિઓ એમના વિશે અભિપ્રાય બાંધે છે તેમના પ્રત્યે એમને તીવ્ર અણગમો હોય છે. ક્યારે’ય એમને સાંભળ્યા વગર સલાહ-સૂચનનો મારો ચલાવશો તો તમે એમના ‘હીટ-લીસ્ટ’મા નક્કી આવી જશો. પરંતુ એકવાર એમને વિશ્વાસ આવશે કે તમે કોઈપણ અભિપ્રાય બાંધ્યા વગર કે નોન-જજમેન્ટલ રહીને એમને સાંભળવાનું વલણ ધરાવો છો તો એ આપોઆપ ખુલતા જશે અને તમારી વચ્ચે એક મજબૂત સંવાદ-સેતુ સધાશે.
‘અંગત મોકળાશ’ એટલે કે ‘પ્રાઈવસી’ આ ઉંમરની એક મહત્વની જરૂરીયાત છે. જે બાબતોને ટીનેજર્સ અંગત ગણે છે તે બધી બાબતોમાં એમને કોઈની પણ દખલ મંજુર નથી હોતી. જો તમે તમારા ટીનેજર્સ સાથે સ્વસ્થ સંવાદ ઇચ્છતા હોવ તો તમારી કુતુહલતા કાબુમાં રાખો અને એમને બહુ પ્રશ્નો ના પૂછો. ક્યારેક પ્રશ્નો પૂછવા અનિવાર્ય હોય એમ પણ બને; તે કિસ્સાઓમાં પહેલાં એમને શાંતિથી સાંભળો અને પછી ચતુરાઈપૂર્વક પ્રશ્નો પૂછો, સીધો પ્રશ્નોનો મારો ના ચલાવો. મોટાભાગની મમ્મીઓને ઉલટ-તપાસ કરવાની ખાસ ટેવ હોય છે અને તેને કારણે જ સંતાનો સાથે તેને ટપાટપી થતી રહે છે. તમારી સાથેના સંવાદમાં ટીનેજર્સનું વલણ એવું હોય છે કે તમે એમને ઓછામાં ઓછા પ્રશ્નો પૂછો ! જેમ કે, તમે એમને કોનો ફોન છે એવું ના પૂછો એટલે મોટાભાગે એ લોકો ફોન ‘સાયલન્ટ મોડ’ પર જ રાખતા હોય છે! કોનો ફોન કે મેસેજ આવી રહ્યો છે તે ના દેખાય એ માટે સ્ક્રીન દેખાય નહીં એ રીતે ફોન હંમેશા ઊંધો મુકતા હોય છે! સામે કોની સાથે વાતો કરે છે એ કળી ના જાવ એટલા માટે ફોન પર વાતો કરવાને બદલે એ લોકો મેસેંજરથી ચેટ કરવાનું વધુ પસંદ કરતાં હોય છે! જો તમે તમારી કુતુહલતા કે દખલગીરી કાબુમાં રાખીને એમને જેટલા પ્રશ્નો ઓછા પુછશો એટલા એ વાતચીતમાં વધારે ખુલ્લાં થશે. પરંતુ એનો અર્થ એમ નથી કે એમને કંઈ ના પૂછવું, જ્યાં પૂછવું પડે કે દખલ કરવી પડે ત્યાં એમને ‘તને નહી ગમે પણ મારે જાણવું જરૂરી છે’ એમ કહીને દ્રઢતાથી પૂછવું પણ એટલું જ જરૂરી હોય છે.
પૂર્ણવિરામ
તમને તમારા ટીનેજર્સની સૌથી નજીક લઇ જતી કોઈ વસ્તુ હોય તો તે તમારા ‘કાન’ છે !