‘સાહેબ દવા લખતા પહેલા એને કહી દેજો કે દવા વિષે ગૂગલ ના કરે. તમે ચોથા ડોક્ટર છો, અગાઉ ત્રણ ડોક્ટરને બતાવ્યું છે પણ એમણે લખી આપેલી એકપણ દવાઓ એણે ખાધી નથી’ પચ્ચીસ વર્ષના યુવાન સાથે આવેલા તેના પિતાએ કહ્યું. તેમના અવાજમાં અકળામણની સાથે સાથે એક પ્રકારનો થાક હતો, એ થાકને વાચા આપતા તેમેણે આગળ ધપાવ્યું ‘એની સાથે ડોક્ટરોના ઘર ગણીને હું થાકી ગયો છું. જુદા જુદા ડોક્ટરોને બતાવવા હંમેશા તૈયાર જ હોય છે, પણ તેમના કન્સલ્ટીંગ રૂમની બહાર જતા જ તેમણે લખી આપેલી દવાઓ અંગે ગૂગલમાં વાંચી કાઢે અને નાની-મોટી આડઅસરો આગળ ધરીને દવાઓ ખરીદવા જ ના દે. મને તો હવે એવો ગુસ્સો આવે છે કે દવાઓ ખાવી નથી તો ડોક્ટરોની ફી અને તપાસોના ખર્ચા કરવાનો અર્થ શું?!’
‘પણ મને ડિપ્રેશન નથી તેમ છતાં’ય ડોક્ટર ડિપ્રેશનની ગોળીઓ લખી આપે તો થોડી લેવાય?! અને તમે એની આડઅસરો વાંચો તો તમે પણ ના લો’ તેના પિતાની વાતથી યુવાન મનોમન એટલો ઉશ્કેરાઈ ગયો કે તેને એ પણ યાદ ના રહ્યું કે દવા લખનાર ડોક્ટરને આડઅસરો વાંચવાની જરૂર નથી હોતી, ડોક્ટરને થિયોરેટિકલ અને પ્રેક્ટીકલ બંને આડઅસરો ધ્યાનમાં જ હોય છે.
‘અહીં જ ભેદ છે, સામાન્ય માણસ અને ડોક્ટર વચ્ચે, સામાન્ય માણસ કે ફાર્મસી ભણ્યા વગરનો દવાવાળો (અને કેટલીકવાર સાયન્ટિફિક બાબતોમાં અપડેટ ના રહેતા મનોચિકિત્સક સિવાયના ડોક્ટરો) એટલું જ જાણે છે કે એન્ટીડિપ્રેશન્ટ દવાઓ માત્ર ડિપ્રેશન દૂર કરવામાં કામ આવે છે. પરંતુ, વાસ્તવિક હકીકત એ છે કે એન્ટીડિપ્રેશન્ટ દવાઓ ડિપ્રેશન ઉપરાંત પેનિક ડિસઓર્ડર, સોશિયલ ફોબિયા, ઓબ્સેસીવ કમ્પલઝિવ ડિસઓર્ડર, બાયપોલર મૂડ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, માથાનો દુખાવો, કમરનો દુખાવો વગેરે જેવી અનેક બિમારીઓમાં વપરાય છે. એનો અર્થ એ થયો કે એન્ટીડિપ્રેશન્ટ દવાઓનું દરેક પ્રિસ્ક્રિપશન ડિપ્રેશન માટે જ નથી હોતું, બીજી બિમારીઓમાં પણ એનો વપરાશ ઘણો સામાન્ય છે.અને, આ માત્ર એન્ટીડિપ્રેશન્ટ દવાઓ પૂરતી વાત નથી બીજી અનેક દવાઓના પણ આ રીતે એક કરતા વધુ તકલીફોમાં વપરાતી હોય છે. ડોક્ટરે એને કયા વિચારથી લખી છે એ લખનાર ડોક્ટર જ કહી શકે ગૂગલ, દવાવાળા કે અન્ય સામાન્ય માણસો નહીં. મહત્વની વાત એ છે કે આ વાતની ચર્ચા તમારે ડોક્ટર સાથે જ કરી લેવી’ મેં એની ગેરસમજ દૂર કરવા લંબાણપૂર્વક વાત કરી.
પરંતુ કદાચ એને એ બધામાં ખાસ રસ નહતો. ‘એ બધું તો ઠીક, ચાલો હું દવા લઈશ તો કેટલા સમયમાં સારો થઈશ?!’ એણે પૂછ્યું.
‘સારા થવાનો ગાળો તો ઘણા બધા પરિબળો ઉપર આધારિત હોય છે પરંતુ એક વાત નક્કી છે કે દવાઓ અંગે ગૂગલ નહીં કરે તો ઝડપથી સાજો થઈશ!’ એણે મને દવા લેવાની ખાતરી તો આપી પરંતુ એ દવા લેશે કે નહીં તેની મને ખાતરી નહતી.
************
માત્ર મનોચિકિત્સક જ નહીં, તમામ પ્રકારના તબીબી નિષ્ણાતોના કન્સલ્ટિંગ રૂમમાં આ પ્રકારની ચર્ચા સામાન્ય બનવા માંડી છે.લોકો દવાઓ અને રોગો વિષે એટલું બધું ગૂગલિંગ કરતા થયા છે કે તેમની સારવારમાં ના જોઈતા પ્રશ્નો ઉભા થવા માંડ્યા છે! એમાં’ય ખાસ કરીને માનસિક રોગોમાં તો ઘણી વિકટ સમસ્યાઓ ઉભી થવા માંડી છે. મોટાભાગના માનસિક રોગોના દર્દીઓ અનિચ્છાએ અને કુટુંબીઓના આગ્રહવશ દવાઓ ખાતા હોય છે. એમને હંમેશા દવાઓ બંધ કરવાની તાલાવેલી રહેતી હોય છે. હા, એ વાત અલગ છે કે દવાઓ બંધ કરવા માટે જરૂરી એવા ઉપાયો કરવાની ભાગ્યે જ તસ્દી લેતા હોય છે. એક બાજુ દવાઓ નહીં ખાવાની માનસિકતા અને બીજી બાજુ અદ્ધરતાલ ઇન્ટરનેટીયું જ્ઞાન!! એમાં અધૂરામાં પૂરું, નાની નાની બાબતોનો ગભરાટ, શંકાઓ વગેરે પરિસ્થિતિને વધુ વિકટ બનાવે. આ બધું તો છોડો, મૂળ વાત તો એ છે કે કોઈપણ સારવારમાં તમારી દવાઓ ઉપરનો તમારો વિશ્વાસ જ તમને ત્રીસ ટકા સારા કરી દેવાની ક્ષમતા ધરાવે છે અને તે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલું છે. હવે તમે ગૂગલ કરીને દરેક વાતની ખણખોદ કરે રાખો તો ના તમને દવાઓમાં વિશ્વાસ બેસે અને ના તો ડોક્ટરમાં બેસે, સીધું કે આડકતરું નુકસાન તમને જ છે. રોગ જૂનો (ક્રોનિક) થશે, હઠીલો થશે, સારવાર લાંબી થશે અને તમે વધુ હેરાન થશો તે વધારાનું! ડોક્ટરો તમારા ગૂગલિંગથી ગુસ્સે થાય છે કારણ કે તમારી આ આદતથી તમારી સારવાર વિકટ બને છે અને તમારો એટીટ્યુડ એવો હોય છે કે જાણે તમને સારું ના થવા પાછળ ડોક્ટર કે તેમની સારવાર જવાબદાર હોય! બાકી, તમે પોતે તમારા સારા ના થવાની જવાબદારી તમારા પોતાની આ આદત ઉપર લેતા હોવ તો મને લાગે છે કે કોઈ ડોક્ટરને તમારા ગૂગલિંગ સામે વાંધો નહીં જ હોય.
બીજી મહત્વની વાત, ગૂગલ કરીને દવાઓની આડઅસર શોધતા લોકો ભાગ્યેજ રોગ મટાડવા માટે જરૂરી એવી કસરતો કે જીવનશૈલી વિષે શોધખોળ કરતા હોય છે. દવાઓ બંધ કરવા કે ઓછી કરવા જે કઈં જરૂરી હોય છે તે કરવાની દાનત અને મહેનત બંનેને સારવારનો જ ભાગ ગણવો જોઈએ, ગૂગલ તો આમાં પણ મદદ કરી શકે ને?! આ ઉપરાંત અન્ય એક વાત પણ મેં હંમેશા નોંધી છે કે દવાની આડઅસરો વિષે ચિંતા કરતા લોકો ક્યારે’ય પોતાના વ્યસનો કે આરોગ્યને નુકસાનકારક એવી જીવનશૈલી વિષે ચિંતા કરતા જોયા નથી. રોજ રાત્રે દારૂ પીનાર દવાઓથી લીવરને નુકસાન તો નહીં થાય ને, એવું પૂછે ત્યારે એની દયા ખાવી કે એના ઉપર ગુસ્સો કરવો એ ખબર ના પડે! મનોચિકિત્સક તરીકેની મારી ત્રીસ વર્ષની કારકિર્દીમાં એક વાત મને આજ સુધી સમજાઈ નથી, ગમે તેટલા ભણેલા વ્યક્તિઓ પણ વકીલને કોર્ટમાં દલીલ કેવી રીતે કરવી કે ચાર્ટર્ડ એકાઉંટંટને ઓડિટ કેવી રીતે કરવું એ અંગે પોતાનો અભિપ્રાય આપવાનો પ્રયત્ન નથી કરતી પરંતુ, અભણ વ્યક્તિઓ પણ ડોક્ટરે સારવાર કેવી રીતે કરવી તે અંગે પોતાનો અભિપ્રાય આપતા અચકાતી નથી!