Read till end for interesting stories…





Unedited Interview
આમ તો ફોટોગ્રાફીનો શોખ નાનપણથી જ હતો, મારા ઘરમાં આવતા તમામ મેગેઝીનો હું વાંચું કે ના વાંચું પણ એમાં છપાયેલા ફોટા ચોક્કસ જોતો.એ જોતા, ફોટો જાતે પાડવાનું બહુ મન થતું પરંતુ એ જમાનામાં ફોટોગ્રાફી બહુ મોંઘો શોખ હતો. કેમેરા મોંઘા અને એના કરતા’ય મોંઘી પડે એવી ફોટોની રીલ અને તેની ડેવલપિંગ પ્રોસેસ! એટલે, જોઈને આનંદ કરવા સિવાય બીજો વિકલ્પ નહતો. જ્યારે એમબીબીએસ પછી ઇન્ટર્નશીપ શરૂ થઇ, સ્ટાઈપેન્ડ મળવાનું શરૂ થયું ત્યારે પહેલી ખરીદી કેમેરાની કરી અને જાતે ફોટોગ્રાફી કરવાની સફર શરુ થઇ. એ વખતે આજના સમય જેવું નહતું કે ‘બર્સટ્ ફોટો’ (Burst Mode) પાડી લેવાના, એમાં જે સારો લાગે તે રાખી લેવાનો અને બાકી બધું ભૂંસી કાઢવાનું! રીલ અને ડેવલપિંગ પ્રોસેસ પોષાય એવી ના હોવાને કારણે જ્યાં સુધી પરફેક્ટ ફ્રેમ મગજમાં બેસે નહીં ત્યાં સુધી ક્લીક બટન દબાવાની હિંમત કરાય નહીં. એ વખતની ઈકોનોમી આજે કામ આવે છે, આડાઅવળા ફોટા પાડી અને એમાંથી સારા શોધવાની કે એડિટ કરવાની મહેનત નથી કરવી પડતી, પરફેક્ટ ફ્રેમ મગજમાં ઝડપથી બેસે છે. આ જ ફોટો–ઈકોનોમીના કારણે ધીરજ પણ શીખવા મળી, એકદમ ઉચિત લાઇટિંગ, એક્સપોઝર અને ફ્રેમ ના મળે ત્યાં સુધી ક્લીક નહીં કરવાની ધીરજ! અને એ જમાનામાં શીખેલા, રીલ પુરી થાય અને ડેવલપ થાય ત્યાં સુધી મહિનાઓ પસાર થઇ જાય, ત્યાં સુધી રાખવાની ધીરજના પાઠ તો ખરા જ !!
હજી કેમેરા ઉપર માંડ હાથ બેઠો’તો ત્યાં એક મજેદાર ઘટના બની. મારા ખાસ મિત્રએ તેના મામાના દીકરાના લગ્નમાં મને ફોટા પાડવાનું અને લગ્નનું આલ્બમ બનાવાનું કામ સોંપવાની તેની ઈચ્છા વ્યક્ત કરી. શરૂમાં તો મેં ધડ દઈને ના પાડી દીધી કારણ કે આ તો બહુ મોટી જવાબદારીનું કામ હતું. એક તો લગ્ન જેવો અતિ-મહત્વનો પ્રસંગ અને રીલ ડેવલપ થાય ત્યાં સુધી સતત ઉચાટ હેઠળ રહેવાનું. પણ, મિત્રના આગ્રહ આગળ ના ચાલ્યું અને મેં એ આલ્બમ કર્યું. બધાને ખુબ ગમ્યું અને ફોટોગ્રાફીમાં મારો આત્મવિશ્વાસ વધ્યો પરંતુ મેડિકલના અભ્યાસને કારણે ફરી લગ્નમાં ફોટા પાડવાનું ક્યારે’ય ના વિચાર્યું.
પછી તો, એક શોખ તરીકે જીવનમાં આ બાબત જોડે જોડે ચાલી। હવે તો ફોટોગ્રાફી હાથવગી થઇ, ગમે ત્યાં – ગમે ત્યારે ક્લીક કરવાની સગવડ થઇ અને બધું સાવ મફતમાં – ના રીલની ચિંતા કે ના ડેવલપિંગની માથાકૂટ. મઝા પડી ગઈ છે. હા આજે પણ સારા ફોટાની પ્રિન્ટ ચોક્કસ કઢાવું છું.
આમ તો ફોટોગ્રાફી જાતને આનંદ આપવાની કળા છે પરંતુ અન્યને એ ગમે ત્યારે એ આનંદ અનેકગણો થઇ જાય છે. ફોટોગ્રાફીનો મને સૌથી વધુ સંતોષ અને આનંદ ત્યારે થયો જયારે મેં મારી પત્નીને તેની પચાસમી વર્ષગાંઠે અમારા લગ્નના પચ્ચીસ વર્ષ દરમ્યાન તેના વિવિધ મૂડમાં પાડેલા ફોટોનું એક આલ્બમ મેં ભેટ કર્યું. કદાચ સો થી પણ વધુ વાર મારી પત્નીએ એ આલ્બમ જોયું હશે અને તે એના જીવનમાં મળેલી બેસ્ટ ગીફ્ટ છે એવું તે મને અનેકવાર કહી ચુકી છે. આવી અમૂલ્ય ગીફ્ટ મારા આ શોખ થકી હું એને આપી શક્યો એ બાબતનો મને અવર્ણનીય આનંદ અને સંતોષ છે.
ફોટોગ્રાફીએ શીખવેલી ધીરજ અને સંવેદનશીલતાએ મનોચિકિત્સક તરીકે મને સફળ બનાવામાં મહત્વનો ફાળો આપ્યો છે મારુ માનવું છે.
*********************
વરસતો વરસાદ, રેલવે ટ્રૅકની બાજુમાં માત્ર ટાયર સમાઈ શકે એટલી જગ્યામાં પથરા ઉપર એંસીની સ્પીડે દોડતી બાઈક અને તેમાં પાછળ વગર હેલ્મેટે બેઠેલો હું, પાંત્રીસ મિનિટ બાદ જબરદસ્ત પ્રવાહથી ધસમસતા એક ઝરણાં પાસે ઉતરું છું. સાથે પત્ની અને બીજા મિત્રો પણ છે. ત્યારબાદ છાતી–સમાણા આ ધસમસતા પ્રવાહને પાતળી પ્લાસ્ટિકની દોરીના સહારે પસાર કરવાના હતા. જો દોરી છૂટી તો પ્રવાહમાં જ વહી જવાય એવા બે ઝરણાં પસાર કરી અને પહોંચ્યો ગોવાના દૂધસાગર ફોલની તળેટીમાં – ત્યાંથી લીધેલી ફોલની આ તસ્વીર. ફોટો પડ્યા પછી તળેટીમાં પાણીના પ્રવાહનું સંગીત સાંભળતા સાંભળતા જ ટ્રેંનનો અવાજ આવ્યો, પાછો લેન્સ ફોકસ કરીને ઉભો થઇ ગયો અને ફોટો 2 ઝડપાઇ ગયો.


ફોટોગ્રાફી ‘પ્રેઝન્સ ઓફ માઈન્ડ’નો ખેલ છે. ઘણીવાર ઘડીના છઠ્ઠા ભાગમાં જીવનનું સત્ય ઝડપાઇ જતું હોય છે. ગોવાના દરિયા કિનારે સહજીવનની વાસ્તવિકતા મારા કેમેરામાં ઝડપાઇ ગઈ– ફોટો 3માં યુવાન કપલની નિકટતા અને ફોટો 4માં સમય–ઉંમરની સાથે એકબીજા વચ્ચે ઉભું થઇ ગયેલું અંતર – સહજીવનની નરી વાસ્તવિકતા!!


સાંજના આકાશમાં પુરાતા રંગોનું મને કાયમ ઘેલું રહ્યું છે. સાંજ કેમેરામાં કેદ કરવાનું મારુ વળગણ છે. સાંજ હોય, સૂર્યાસ્ત થતો હોય અને દરિયા કિનારો હોય પછી તો પૂછવું જ શું?! એક જ સાંજે મુંબઈની નજદીક અલીબાગના નાગાંવ બીચ ઉપર લીધેલી આ તસવીરો છે. ફોટો 5 અને 6 બીચ ઉપર વોલીબોલ રમતા લોકોની છે, એક સૂર્યાસ્ત પહેલા અને બીજી સૂર્યાસ્ત સમયે – પહેલી તસ્વીર લીધા પછી બીજી તસ્વીર લેવા હું લગભગ ચાલીસ મિનિટથી રાહ જોતો હતો – મારે સૂર્યાસ્તના રંગો લેવા હતા અને સૂર્ય – વોલીબોલ, બે ગોળા !! ફોટોગ્રાફીમાં થોડા સમય પછીની ફ્રેમ મગજમાં વિચારી શકતા હોઈએ તો આવા ડબલ ફોટાની મઝા ટાઈમ ટ્રાવેલની અનુભૂતિ કરાવે છે !


ફોટોગ્રાફીમાં રાઈટ ફ્રેમ મળે ત્યાં સુધી રાખેલી ધીરજ હંમેશા મીઠા ફળ આપતી હોય છે – ઢળતા સૂર્યની આડે આ નાનકડું હોડકું ચઢે ત્યાં સુધી જાળવેલી ધીરજનું અદભુત ફળ, સુંદર ફોટો અને તેના અપ્રતિમ રંગો

ટાઈમ ટ્રાવેલની અનુભૂતિ કરાવે એવા બીજા બે ફોટો, દુબઈના બુર્જ ટાવર પરથી – પહેલો ફોટો-8 લીધો ત્યારે જ મગજમાં બીજી ફ્રેમ સેટ થઇ ગઈ પણ સવાલ હતો એટલા સમય ત્યાં રહેવાનો. તમારો ટાઈમ સ્લોટ પૂરો થાય એટલે નીચે ઉતરવું જ પડે. ઓથોરિટીને વિંનતી કરી, ઉદ્દેશ સમજાવ્યો, ડોક્ટર હોવું કામ લાગી ગયું અને મળ્યો અદભુત ફોટો


દુબઈના બુર્જની ફૂટપાથ પર લગભગ સૂઈને પડેલો પૂનમના ચંદ્ર સાથે બુર્જ

તમારી નજરમાં ફોટોગ્રાફી હોય તો ઘણીવાર તમારી સાથે ‘બગાસું ખાતા મોમાં પતાસું પડે’ એવો ઘાટ થાય – નેપાળના ચિત્તવનમાં ‘એલીફન્ટ રાઈડ’ ઉપરથી ક્લિક કરવા મળી ગયેલી ગેંડા માતા અને બાળકની દુર્લભ તસ્વીર ફોટો
લોનાવાલાના ટાઇગર પોઇન્ટ પાસેથી કારમાં પસાર થતા કેમેરાની ઝપટે ચઢી ગયેલું માંકડાનું યુગલ, આ ફોટાના રંગોમાં હૈયું રંગાઈ જાય એવું છે.


મને હમણાં રેડીઓ જોકીએ રેડીઓ–મુલાકાતમાં પૂછ્યું હતું કે તમે છેલ્લે ઝાડ ઉપર ક્યારે ચઢેલા, ત્યારે મેં આ તસ્વીર બતાવીને કહેલું ચાર વર્ષ પહેલા – નેપાળના પોખરા લેકમાં પડેલી બોટનો ઝાડ પર ચઢીને લીધેલો ફોટો

સિક્કિમના પેલિંગમાં હોટલના બેડરૂમમાંથી ઝડપેલો, લોકોને સવારે ત્રણ વાગે ઉઠીને સો કિલોમોટર મુસાફરી કરીને પણ જોવા ના મળે તેવો, ‘કાંચનજંઘા’ના પિકનો ફોટો

મને સૂર્યોદય અને સૂર્યાસ્તની ફોટોગ્રાફી કરવાનું ઘેલું છે, જ્યાં પણ અને જયારે પણ ચાન્સ મળ્યો છે ત્યાં અને ત્યારે ગુમાવ્યો નથી. પોન્ડિચેરીના બીચ ઉપર ઝડપેલો આ સૂર્યોદય મારા માટે અત્યંત મહત્વનો છે કારણકે જો આ ફોટો ઝડપવામાં હું એક દિવસ મોડો હોત તો આજે હયાત ના હોત, કારણ કે સવારે આ ફોટો પાડીને હું નીકળી ગયો અને બીજી સવારે સુનામી ત્રાટક્યું ! એ દિવસે મેં પડેલા ફોટામાંનુ કશું જ બીજા દિવસે હયાત નથી રહ્યું.

અમદાવાદમાં હાફ–મેરેથોન દોડતા દોડતા, સવારના આછા અજવાળામાં મોબાઈલમાં પકડાયેલ બાળકની રોડ–સાઈડ દુકાન…

તમને તમારા જ ફોટોનું પ્રતિબિંબ મળે તેની મઝા કૈંક ઓર જ હોય છે, જેટલું ચોખ્ખું પ્રતિબિંબ એટલી મઝાની કિક! વરસાદમાં માટી સાથે રમતા બાળકો અને તેમનું પ્રતિબીંબ મારા કેમેરાની લેન્સે ચઢી ગયું અને થઇ ગઈ ક્લીક…..
