
દિવાળીએ આપણે વાત કરી જીવન પ્રત્યેનો અભિગમ અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા અને વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. જીવન મનભરીને માણવા માટેની આ એક પાયાની સમજ છે પરંતુ આ બધી વાતો કરવી ખુબ સહેલી હોય છે, પણ એને સાચા અર્થમાં વ્યવહારમાં મુકવા માટે આયોજન કરવું પડે છે. કમનસીબે આપણી માનસિકતા ધીરે ધીરે આયોજન કરવાથી દુર થતી જાય છે. આજે મજા કરોને કાલ કોણે જોઈ છે?! મગજને બેફીકરાઈનો દારૂ પીવડાવવા પુરતી આ વાત મજાની છે પણ નશો ઉતરે ત્યારે વાસ્તવિકતા મોં ફાડીને ઉભી હોય છે. આ વાસ્તવિકતા મનને ઉચાટમાં લઇ આવે એટલે ફરી પાછો બેફીકરાઈનો નશો ચડાવ્યે જ છુટકો ! ચક્કર ચાલે છે અને ‘કંટાળો’ નીતરતો જાય છે. જે વાત, પરિસ્થિતિ, સ્થળ, ફિલ્મ, ગીત કે લોકો આનંદ આપતા હતાં તે હવે બોર કરે છે. મનને સતત નવી ઉત્તેજના જોઈએ છે. જ્યાં સુધી મન ઉત્તેજનાઓ શોધ્યા કરે ત્યાં સુધી આ ચક્કરમાંથી બહાર ના આવી શકાય. માત્ર એક સારું વેકેશન લેવાથી ઉન્માદ અને ઉત્તેજના જરૂર આવે પણ જીવનને ઉત્સવમાં ના ફેરવી શકાય. જીવનને માણવું એ રોજીંદો ખેલ છે. જિંદગીને મનભરીને માણવા તમારા રોજીંદા જીવનમાં, તમારા સ્વભાવમાં અમુક વાતો ઉતારવી પડે અને સતત તેના અમલ માટે જાગૃત રહેવું પડે છે.
જે વાત મન સમજી શકતું નથી તે વાત તે અનુભવી શકતું નથી અને જે વાત મન અનુભવી શકતું નથી તે વાત તે માણી શકતું નથી. જીવનને માણવા માટે આ મૂળભૂત સત્ય સમજી લેવું પડે. સૌ પ્રથમ આપણે જીવન પાસેથી શું જોઈએ છે તેની સ્પષ્ટતા કેળવવી પડે કારણ કે મોટાભાગની વ્યક્તિઓ આ બાબતમાં સ્પષ્ટ નથી હોતી. બીજી વ્યક્તિઓની સમજ અને વિચારોમાં ઢસડાતી રહેતી હોય છે. તમારી જરૂરીયાત સાવ અલગ હોઈ શકે છે. એકવાર તમે આ બાબતમાં સ્પષ્ટ થઇ જાવ પછી તે દિશામાં મન, હૃદય અને આત્મા લગાવીને પ્રવૃત રહેવું પડે. તમારી સ્પષ્ટતા કે જરૂરીયાત મુજબની તક તમને જીવન આપે જ તે જરૂરી નથી માટે તમારે એ તક ઉભી કરવા પણ સતત પ્રયત્નશીલ રહેવું પડે. જે વસ્તુ બદલવી અશક્ય છે તેની ફરિયાદ કરવાનું છોડી અને તેના વિકલ્પો અપનાવી તમારી તક સાધતા રહેવું જરૂરી છે.
‘સબસે બડા રોગ, ક્યાં કહેંગે લોગ’ આ વાત તમને જીવન માણતા અટકાવી શકે છે. જો તમે સતત અન્ય વ્યક્તિઓની ઇચ્છાઓ કે અભિપ્રાયો ઉપર નિર્ભર રહેતા હોવ તો ક્યારે’ય હળવાશ કે માનસિક શાંતિ ના અનુભવી શકો. કોઈની ઝેરોક્ષ બનવા કરતાં પોતાની અસલ કોપી રહેવું વધુ અગત્યનું છે. તમારા સપનાને અનુસરવા તમારે આ વૃત્તિ કેળવવી પડે. તમારી જાત અને જરૂરીયાત સાથે પ્રમાણિક બનવાથી આ વાત તમે કેળવી શકો છો.
‘જિંદગી ના મિલેગી દોબારા’ નો મને સૌથી વધુ ગમેલો ડાયલોગ “મુઝે અફસોસ કરના નહીં આતા”! માત્ર પાંચ શબ્દોમાં જીવનનું મહાન સત્ય !! મોટાભાગની વ્યક્તિઓનું જીવન તેમણે કરેલી ભૂલો, ચૂકેલી તકો કે વિતાવેલી દુખદ ક્ષણોને વાગોળી અને તે અંગે અફસોસ કરવામાં જાય છે. જીવનને માણવા અફ્સોસોને ભૂલી આગળ વધવાની ક્ષમતા કોઈપણ સંજોગોમાં કેળવવી પડે, નહીંતર વીતી ગયેલી ક્ષણોના ચીંથરા ભેગા કરવામાં જીવન હાથમાંથી સરી જાય અને પછી જીવન હાથમાંથી સરી ગયાનો અફસોસ !
જીવનના કોઈપણ તબક્કે આપણે એ ના ભૂલવું જોઈએ કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. સંબંધો આપણી મજબુરી નહી જરૂરીયાત છે. જીવનને માણવા માટે સ્વસ્થ સંબંધો મૂળભૂત જરૂરીયાત છે. કમનસીબે આપણા સંબંધો રીઅલ ઓછા અને વર્ચ્યુઅલ વધારે થઇ રહ્યા છે. જીવંત વ્યક્તિ સાથેની રૂબરૂ મુલાકાત દરમ્યાન ગાળેલી થોડીક ક્ષણો ચેટિંગ કે ટેકસ્ટીંગમાં ગાળેલા દિવસો કરતાં પણ કંઇક ગણી રોમાંચક હોય છે તે ઊંઘમાં પણ ભૂલવું ના જોઈએ. તમને ગમતા, પ્રેરણા આપતા અને પ્રોત્સાહિત કરતાં રહેતા પોઝીટીવ વ્યક્તિઓને બે હાથે પકડી રાખો. તેમના જીવંત સંપર્કમાં રહો અને એ ના શક્ય બને તો વર્ચ્યુઅલ સંપર્કમાં કારણ કે ‘ના મામા કરતાં કહાણો મામો સારો’ !
અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે. માટે તમારી અપેક્ષાઓ પ્રત્યે સતત જાગૃત રહો અને જરૂર પડ્યે ત્યાં યોગ્ય કાબુ ધરાવો. નાની નાની બાબતો પર મન માર્યા અને જીવ બાળ્યા કરતાં પોતાની જાતને અને સાથે સાથે અન્યને પણ માફ કરતાં શીખો. આવી બાબતોને વળગીને રહેવા કરતાં તેમાંથી પાઠ શીખી આગળ વધો. તમારી નકારાત્મક લાગણીઓ જેવી કે ગુસ્સો, ઈર્ષ્યા, પસ્તાવો વગેરે પર નજર રાખો અને તે અંગેની બાબતો પર સ્પષ્ટતા કેળવી તેનો નિકાલ કરતાં રહો.
જીવનને સાચા અર્થમાં માણવા તંદુરસ્ત રહેવું જરૂરી છે. કોઈપણ ભોગે તમારી તંદુરસ્ત સાથે ખીલવાડ ના કરો. તમે શું ખાવ છો તેના પ્રત્યે સતત જાગૃત રહો અને નિયમિત કસરત કરો. શરીર મફતમાં મળ્યું છે એટલે એના પ્રત્યે ‘દે ઠોકમ ઠોક’ નો ભાવ ના રખાય ! જીવન પ્રત્યે આશાવાદી બનો અને જાત પરત્વે વિશ્વાસ રાખો તો અને તો જ જીવન મઝાનું બની રહે છે નહીંતર જીવન નિરાશા અને સંદેહથી ભરેલું જ રહેશે તે નક્કી.
આમ તો આ દરેક મુદ્દા પર એક પુસ્તક લખી શકાય તેમ છે પણ અહીં તેનો અવકાશ નથી. લાંબુ જીવવું ઈશ્વરને આધીન છે પણ સારું જીવવું આપણા હાથમાં છે. શરત માત્ર એટલી કે એ દિશામાં હંમેશા પ્રયત્નશીલ રહેવું.
પૂર્ણવિરામ
સારું જીવવા શું કરવું જોઈએ તેની બધાને ખબર હોય છે પરંતુ તે બાબતો પ્રત્યે ગંભીર બનવા કરતાં ચમત્કારિક રીતે જીવન બદલાઈ જશે તેવી ભ્રમણામાં જીવન હાથમાંથી સરી પડે છે.
Follow me on twitter @hansalbhachech / on INSTAGRAM @myhappyminds
Tags: ડૉ.હંસલ ભચેચ, તારી અને મારી વાત, Dr.Hansal Bhachech, Gujarat Samachar, Happiness, Happy Minds, Healthy Relationship, Inspirational, Man Woman Relationship, Self help, Tari ane mari vaat