RSS

Monthly Archives: September 2015

નિર્ણયશક્તિ નબળી પડવી એ રોગ નથી પરંતુ જુદા જુદા પ્રકારના રોગોનું એક લક્ષણ છે…

spread a thought Manas

મગજની વિવધ ક્ષમતાઓ પૈકી નિર્ણય લેવાની શક્તિ એક ખુબ અગત્યની ક્ષમતા છે. દરેક વ્યક્તિની નિર્ણયશક્તિ સરખી ના હોય તે સમજી શકાય એવી વાત છે. નાની નાની બાબતોમાં અનિર્ણાયકતાથી પીડાતો એક વર્ગ છે. ‘ડિસીઝન નથી લઈ શકાતું’, ‘નિર્ણયશક્તિ નબળી પડી ગઈ છે’, ‘ખોટા નિર્ણયો લેવાઈ જાય છે’, ‘મેં લીધેલો નિર્ણય સાચો છે કે નહિ તે વિષે સતત સંદેહ રહ્યા કરે છે’ વગેરે પ્રકારની ફરિયાદો આ લોકો અનુભવે છે. શું આ અનિર્ણાયકતા કે નબળી નિર્ણયશક્તિ જન્મજાત કે વારસાગત હોય છે? નબળી નિર્ણયશક્તિ કોઈ રોગ છે કે રોગનું લક્ષણ છે?!

નિર્ણયશક્તિ (ડિસીઝન પાવર) એ મહદંશે મગજના વિકાસ સાથે વિકાસ પામતી એક માનસિક શક્તિ છે. નિર્ણયશક્તિમાં થોડું-ઘણું શ્રેય વારસાગત પરિબળોને આપવું ઘટે, પરંતુ મોટે ભાગે આ શક્તિનો વિકાસ વ્યક્તિના ઉછેર, સંજોગો, અનુભવો, માનસિક-શારીરિક સ્વસ્થતા, આજુબાજુનું વાતાવરણ વગેરે જેવાં ઘણાં પરિબળો પર આધારિત હોય છે. બુદ્ધિનો યોગ્ય વિકાસ, બુદ્ધિનું અમુક સ્તર, લાગણીઓ પરનો કાબૂ, સલામત વાતાવરણમાં ઉછેર, નાનપણમાં નિર્ણય લેવાની ક્રિયા પર માતાપિતા દ્વારા મુકાતો ભાર-માર્ગદર્શન-પ્રોત્સાહન, શારીરિક સ્વસ્થતા વગેરે સારી નિર્ણયશક્તિ માટેની પૂર્વશરતો છે. ઘણી વ્યક્તિઓના જીવનમાં આ પૂર્વશરતો જળવાતી જોવા મળતી નથી. પરિણામે સતત નબળી નિર્ણયશક્તિનો અહેસાસ તેમણે કરવો પડતો હોય છે, જેને લીધે  તેમનો આત્મવિશ્વાસ ડગતો જાય અને ફળસ્વરૂપે નિર્ણયશક્તિ વધુ નબળી પડતી જાય! આ ઉપરાંત, નિર્ણય લેવાની મોકળાશ પણ વ્યક્તિની નિર્ણયશક્તિમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. દા.ત. ધંધાદારીઓની નિર્ણયશક્તિ નોકરિયાતોની સરખામણીએ વધારે વિકસિત હોય છે. વહીવટદારોની નિર્ણયશક્તિ અન્ય કર્મચારીઓ કરતાં સારી હોય છે.

ઘણી વ્યક્તિઓની એવી ફરિયાદ હોય છે કે મારી નિર્ણયશક્તિ ભૂતકાળમાં ખૂબ સારી હતી પણ હવે છેલ્લા કેટલાક સમયથી તે ઘટી ગઈ છે. નિર્ણયશક્તિ નબળી પડી જવા પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર હોઈ શકે છે, જે પૈકી કેટલાંક ખૂબ જ સામાન્ય અને અગત્યનાં કારણોની આપણી ચર્ચા નિર્ણયશક્તિ ફરી સતેજ બનાવવામાં મદદરૂપ થશે. વાસ્તવમાં વ્યક્તિની નિર્ણયશક્તિ ઘટવી એ કોઈ રોગ નથી, પણ એક લક્ષણ છે કે જેની પાછળ વિવિધ પ્રકારના મગજના રોગો અને અન્ય સમસ્યાઓ જવાબદાર હોઈ શકે છે.

ચિંતા, ટેન્શન, માનસિક તણાવ, માનસિક અસલામતી, અજંપો વગેરે વ્યક્તિને માનસિક રીતે અસ્વસ્થ બનાવે છે. મનની આ અવસ્થામાં વિચારોનું ઘમસાણ ચાલે છે. તેની સીધી અસર વ્યક્તિની નિર્ણયશક્તિ ઉપર થાય છે. આ અવસ્થામાં જોવા મળતા ભય, વિચારોની અસ્પષ્ટતા, ભવિષ્યનું નકારાત્મક ચિત્રણ, આંતરિક ગભરાટ વગેરે વ્યક્તિને અનિર્ણાયકતાની પરિસ્થિતિમાં મૂકી દે છે.

ડિપ્રેશનની હતાશ મનોદશામાં વ્યક્તિ નકારાત્મક વિચારોથી ઘેરાયેલી રહે છે. તેનો આત્મવિશ્વાસ ડગી જાય છે. નાનું ખાબોચિયું પણ એને દરિયા જેવું લાગે છે. આ અવસ્થા વ્યક્તિના મનમાં એટલી બધી અનિર્ણાયકતા ઊભી કરી શકે કે, આધેડવયનો માણસ એકલો રસ્તો પણ ન ઓળંગી શકે! આત્મવિશ્વાસની ઊણપ, નકારાત્મક વિચારો, યાદશક્તિની સમસ્યા, ધ્યાન કેન્દ્રિત કરી શકવાની ઊણપ વગેરે આ વ્યક્તિની નિર્ણયશક્તિ ડગમગાવે છે અને વ્યક્તિ સામાન્ય રોજિંદા જીવનના નિર્ણયો લેવામાં પણ મૂંઝવણ અનુભવે છે. વળી, ડિપ્રેશનમાં વ્યક્તિ ઘણી વાર અલગ અલગ પ્રકારના વ્યસનના રવાડે ચડી જાય છે અને વ્યસન એ વ્યક્તિની નિર્ણયશક્તિને ખૂબ ખરાબ રીતે તોડી પાડતી બીજી એક સમસ્યા છે. વ્યક્તિ કેફી દ્રવ્યના નશામાં અને કેફી દ્રવ્ય ન મળ્યું હોય તેવી ‘વીથડ્રોલ’ની અવસ્થા એમ બંનેમાં પોતાની યોગ્ય નિર્ણયશક્તિ ગુમાવી બેસે છે. દારૂના નશામાં પત્નીને સળગાવી દીધી હોય કે બ્રાઉનસુગર માટેના પૈસા ન મળતા પોતાની માતાનું ગળું દબાવી દીધું હોય તેવાં ઉદાહરણો લેવા આપણે ક્યાં બીજે જવું પડે તેમ છે?! નશાની અવસ્થામાં થતાં વાહન અકસ્માતો શેની ચાડી ખાય છે? ક્યારેક વધારે પડતી ઊંઘની ગોળીઓનું વ્યસન પણ વ્યક્તિની નિર્ણયશક્તિ મંદ પાડી દે તે શક્ય છે.

ડિપ્રેશન ઉપરાંત પણ એવી ઘણી માનસિક બીમારીઓ છે કે જેમાં વ્યક્તિ નિર્ણય લેવામાં વત્તે-ઓછે અંશે તકલીફ અનુભવે છે. ‘એન્ગઝાઈટી ન્યૂરોસીસ’ની સમસ્યાથી પીડાતી વ્યક્તિ પોતે લીધેલા નિર્ણયની અસર અને પ્રભાવ વિષે પહેલેથી જ એટલી ચિંતિત અને ગભરાટ ધરાવતી હોય કે, યોગ્ય નિર્ણય જ ન લઈ શકે!

‘સ્કીઝોફ્રેનિયા’થી પીડાતી વ્યક્તિના વિચારોમાં ગજબ અસ્થિરતા જોવા મળે છે, જેની સીધી અસર તેની નિર્ણયશક્તિ ઉપર પડે છે. આ વ્યક્તિઓના મનમાં રહેલી શંકાઓ અને ચિત્રવિચિત્ર ભ્રમો પણ કેટલીક વાર તેમને વિચિત્ર લાગતા નિર્ણયો લેવડાવે છે અને ઘરના અન્ય સભ્યોને તે નિર્ણયશક્તિ ગુમાવી બેઠા છે તેવું લાગે.

‘ઓબ્સેસીવ કમ્પલઝીવ ડીસઓર્ડર’ કે ‘ઓબ્સેસીવ’ સ્વભાવ ધરાવનાર વ્યક્તિ તો સતત સાચા-ખોટાનું તોલમાપ જ કાઢતી રહે છે. પરિણામે અનિર્ણાયકતા તેની સામે સતત મોં ફાડીને ઊભી રહે છે. આ જાણે ઓછું હોય તેમ નિરર્થક ક્રિયાઓ કરવાનું આંતરિક દબાણ તેમની નિર્ણય લેવાની શક્તિને વધુ નબળી પડતી હોય છે.

આ ઉપરાંત, મગજના રોગો જેવા કે – મગજમાં લોહી ઓછું પહોંચવું, મગજના કોષો ઘસાઈ જવા (ડિમેન્શિયા), પાર્કિનસન્સ ડીસીઝ વગેરે વ્યક્તિના ચેતાકોષોને સીધું નુકસાન પહોંચાડી તેની નિર્ણયશક્તિ પર અસર કરે છે. ક્યારેક ‘હાયપો-થાયરોઇડ’ કે ‘ડાયાબિટીસ’ જેવા અંત:સ્રાવી ગ્રંથિઓના રોગો, બી-૧૨ની ઉણપ વગેરે પણ નબળી નિર્ણય શક્તિ પાછળ જવાબદાર હોય છે.

 
2 Comments

Posted by on September 21, 2015 in માનસ

 

Tags: , , , , , , , , ,